अर्निवचनीयं प्रेमस्वरुपम् ।।५१।।
પ્રેમનું સ્વરૂપ અર્નીવચનીય છે.
પરમાત્માના વિશુધ્ધ પ્રેમના વિષયમાં પ્રશ્ન કરવામાં આવે છે કે પ્રેમ સંતાપ વધારે છે કે શાંતિ પમાડે છે? પરમાત્મામાં વિશુધ્ધ ભક્તિ પિપાસા વધારે છે કે પિપાસા પૃપ્ત કરીને શાંત કરે છે? પ્રેમ કાળકૂટથી પણ વધારે દર્દનાક છે અને
અમૃતથી પણ વધારે સુખ કારક છે. પ્રેમી વિરહાગ્નિમાં સળગી રહ્યો હોય છે તો પણ એ વિરહાગ્નિમાં તેને જે સુખ આવે છે તેના એક અંશમાં સમગ્ર જગતનું સુખ ભેળુ કરે તો પણ તુલ્ય થતું નથી. પ્રેમરસનું પાન જેમ જેમ કરવામાં આવે છે તેમ તેમ તેના અંતરમાં પ્રેમની પિપાસાની આગ પ્રગટે છે. છતાં પણ એ આગ અનંત તૃપ્તિને પણ આપે છે. તો પ્રેમને કેવો કહેવો? માટે પ્રેમને વાણીથી વર્ણન કરી શકાતો નથી. પ્રેમમાં પ્રશંશા કરવાની હોય છે? કે નિંદા? પ્રશંશા એ પ્રેમ છે કે નિંદા? ગોપીઓએ ભ્રમરગીતમાં ભગવાનની નિંદા કરી છે. “ધરનો એ છે રે ધૂર્તપણામાં પૂરો, વૃંદાનું વ્રત ભંગ કરાવ્યુ તેદીનો છળમાં શૂરો, સૂરપણખાનું નાક છેદાવ્યું એવો સદાય અલૂરો. મુક્તાનંદ કહે મતલબનો ગરજુ…’ વિગેરે, વળી “કુબ્જાને રાણી બનાવીને તેણે કૂળ બોળાવ્યું છે.” વિગેરે નિંદા કરી છે કે પ્રશંશા? તો પ્રેમની નિંદામાં પણ પ્રશંશા કરતા વધારે મહિમાં કહેવાયો હોય છે. વિશુધ્ધ ભક્તિ વ્યક્તિના મનને આલંબને માટે વિહ્વળ બનાવે છે કે એકાગ્ર બનાવે છે? શાંત અને દૃઢ બનાવે છે? વિશુધ્ધ પ્રેમ મનને અસ્થિર બનાવે છે કે સ્થિર બનાવે છે? તો ભગવાનમાં સાચા પ્રેમીને ભગવાન વિના અતિ વિહ્વળતા હોવા છતાં તેની દૃઢતા પણ વર્ણવી ન શકાય તેવી હોય છે. તેની પરમાત્મામાં એકાગ્રતા સમાધિને પણ ઉલ્લંઘી જાય તેવી હોય છે.
અંહિ અનીર્વચનીયતાનો અર્થ વિશેષ પ્રકારનો છે. જેમ માયાવાદીઓ જગતને અનીર્વચનીય માને છે. એવી અર્નીવચનીયતા અંહિ નથી. તેઓ માને છે કે આ જગત નાશ પામી જાય છે માટે તેની સતા નથી, માટે સત ન કહેવાય અને પ્રત્યક્ષ પણે ઈન્દ્રિયોથી અનુભવાય છે માટે અસત પણ ન કહેવાય માટે સત પણ નહિ અને અસત પણ નહિ આ બન્નેથી વિલક્ષણ કોઈ અર્નીવચનીય છે તે કેવું છે? તેને વાણીથી કહી શકાતું નથી. એવું અર્નીવચનીય છે પરંતુ પ્રેમ માયાવાદિના જગત જેવું અર્નીવચનીય નથી. પ્રેમની અર્નીવચનીયતાતો એ છે કે તેને તમે કોઈ એક ઢાંચામાં નિરૂપણ કરી શકતા નથી, તેમાં કશુક બાકી રહી જાય છે. તે હમેંશા સત છે ક્યારેક અસત બનતો નથી. વળી તે ‘अवांग मानस गोचरत्व’ થી તેઓ ભગવાનને પણ અર્નીવચનીય કહે છે. પ્રેમનું સ્વરૂપ તેવું પણ નથી તો પણ જો તેમાં મનની ગતિ જ ન હોય તો પ્રેમ કેવી રીતે થઈ શકે? પ્રેમની અર્નીવચનીયતા છે જ. તેને શબ્દોમાં કે ક્રિયામાં યથાર્થ બાંધી શકાતો નથી, વર્ણવી શકાતો નથી. જેમ માતા બાળકને મિષ્ટાન જમાડે તો પણ તેને બાળકમાં પ્રેમ છે અને બળપૂર્વક બાળકને રડાવીને પણ કડવી દવા પાતી હોય તો પણ તેમાં તેનો બાળક પ્રત્યે પ્રેમ જ છે. દેવું એ પણ પ્રેમ છે અને તેની પાસેથી કાંઇક લેવુ એ પણ પ્રેમ છે. “આમ જ કરવું’ એવી રીતે કોઈ શબ્દોમાં પ્રેમ ને નિયત ન કરી શકાય એ પ્રેમની અર્નીવચનીયતા છે. પરમાત્માના પ્રેમી અર્તમુખી હોય છે. તેનામાં અર્તમુખતાની સીમા હોય છે તો પણ તે ક્યારેય આંખ બંધ કરીને બેસી જતા હોતા નથી. ગોપીઓ ઉધ્ધવજીને કહે છે કે “ઉધો, મન ન ભયે દસવીસ, એક થા સો ગયા શ્યામ સો કો આરાધે ઈશ, ઊધો, મન ન ભયે દસવીસ. !” ગોપીઓને કૃષ્ણ માટે આંખો બંધ કરીને ધ્યાન કરવાની પણ નવરાશ નથી. તો તેને અંર્તમુખતા કહેવી કે બર્હિમુખતા? માટે સાચા પ્રેમનું નિર્વચન કરવું મુશ્કેલ હોવાથી તે અર્નીવચનીય છે.