दुःसंगः सर्वथैव त्याज्यः ।।४३।।
દુઃસંગનો તો સર્વથા ત્યાગ કરવો જોઈએ.
સૂત્ર નં.૩૫માં ‘तत्तु विषयत्यागात् संगत्यागात् च’ માં સામાન્ય રૂપથી સંગ(આસક્ત) ત્યાગ કહ્યો હતો અંહિ વિશેષ રૂપમાં(દુષ્ટ વ્યક્તિ વિગેરેનો) સંગ ત્યાગને હવે કહે છે.
કામક્રોધાદિમાં જે કારણરૂપ બનનારો સંગ છે તેવા દુઃસંગનો ત્યાગ કરવો જોઇએ ભક્તિમાં વિરોધ કરનારો સંગ છે તે પણ દુઃસંગ જાણીને તેનો ત્યાગ કરવો જોઈએ. કુસંગ તો કોઈ પણ હાલતમાં કરવા યોગ્ય નથી. જેમ ૨૦ લીટર દૂધને મીઠું(ગળપણ) કરવા માટે તેમાં ૧૦૦ ગ્રામ ખાંડ નાખવાથી ગળપણ આવતું નથી પણ તેને ફાડી નાખવા માટે એક લીંબુનો રસ નાખે તો તુરત બગડી જાય છે માટે થોડો જ કુસંગ પણ જાજો બગાડ કરનારો થાય છે. ને સમગ્ર જીવન નિષ્ફળ બનાવી દે છે મહાત્મા કર્ણ, અજામેળ, કૈકેયી, યુધિષ્ઠીર મહારાજા જેવાના જીવનમાં કુસંગથી ભારે અનર્થ સર્જાયો હતો. ભિષ્મજી તથા બળદેવજી વિગેરે મહાશક્તિ શાળીઓની મહાશક્તિને પણ ભગવાનથી દૂર કુસંગ રાખી દે છે. ભગવાનથી દૂર લઈ જાય તેવી વ્યક્તિઓનો ત્યાગ કરો અને તેવા ભોગ-પદાર્થોનો પણ ત્યાગ કરો તેવી પ્રવૃતિનો પણ ત્યાગ કરો. ગ્રામ્યવાર્તા કુસંગ છે તેનો ત્યાગ કરો. ભક્તિનું ખંડન કરનારા છે, ઈષ્ટદેવનું ખંડન કરનારા છે તે તમારા માટે કુસંગ છે તેનો ત્યાગ કરો. ગુરુની નિંદા કરનારાનો પણ ત્યાગ કરો.