कथादिष्वीति गर्गः ।।१७।।
વ્યાસ ભગવાને ક્રિયા યોગની પ્રધાનતાથી અથવા કર્મેન્દ્રિયોની પ્રધાનતાથી પૂજાદિકમાં અનુરાગને ભક્તિની દૃઢતા માની છે જ્યારે ગર્ગાચાર્યજીએ જ્ઞાનેન્દ્રિયોની પ્રધાનતાથી કથાશ્રવણ આદિકમાં અનુરાગ થવો તેને ભક્તિની દૃઢતા માની છે. ગર્ગમુનિએ વૈધતા નો આગ્રહ નથી રાખ્યો. કર્મન્દ્રિયો જનીત ક્રિયામાં વૈધતા વધુ લાગુ પડતી હોય છે મુનિએ જ્ઞાનમિશ્રા ભક્તિ પર વધારે ભાર બતાવ્યો છે કથા શ્રવણ એ જ્ઞાનયજ્ઞ છે જે કે અંહિ કોઈ સ્પષ્ટ નિર્દેશ ન થયો હોવાથી કથા શ્રવણમાં અનુરાગ કે કથા કરવામાં અનુરાગ તેનું સ્પષ્ટી કરણ અંહિ કરવામાં આવ્યુ નથી. પણ ઈતર દૃષ્ટાંતો શાસ્ત્રમાંથી જોતા કથા શ્રવણને શ્રેષ્ઠ ભક્તિના ઉદાહરણોમાં સામેલ કરેલા હોવાથી તથા વધારે શ્રવણથીજ બધાને ભગવાનમાં અનુરાગ થતો હોવાથી કથા શબ્દથી અંહિ કથા શ્રવણ ને ગ્રહણ કરવુ ઠીક લાગે છે શ્રીજી મહારાજે પણ ભગવાનમાં સાચો પ્રેમ-ભક્તિ ઉત્પન્ન કરવા કથા શ્રવણનો નિર્દેશ કરેલો છે અને સામાન્ય જીવના હૃદયમાં ભક્તિ થવામાં શ્રવણ વૃતિનું સૌથી વધારે પ્રાધાન્ય રહે છે ‘श्रृत्वागुणान् भुवनसुंदर…’ રુકિમણીજીએ કહ્યું છે કે હે ભગવાન તમારા ગુણોના શ્રવણથી મારા કાનના માર્ગથી તમે મારા હૃદયમાં પ્રવેશ કર્યો છે. કથા શ્રવણના માધ્યમથી ભગવાન જીવના હૃદયમાં સર્વ પ્રથમ પધારે છે કોઈને મનમાં શંકા થાય કે ભગવાન પૃથ્વીપર મનુષ્યભાવે વિચરતા હોય ત્યારે દર્શન વિગેરેથી પણ ભગવાનનો સંબંધ થાય છે તો તેનું સમાધાન એ છે કે કથાથી-શબ્દથી પ્રથમ અથવા પછી મહિમા શ્રવણથી એમાં નિશ્ચય થાય છે અન્યથા તે ખાલી દર્શન રહે છે ભક્તિ ઉદય કરનારૂ રહેતું નથી. કથા શ્રવણ પોતે ભક્તિરૂપ છે ને અન્ય ભક્તિ-નવધા તથા પ્રેમ લક્ષણાને પણ ઉત્પન્ન-સંપન્ન કરનારૂ છે. હરિલીલામૃત ગ્રંથમાં શ્રીજી મહારાજે કથા-શ્રવણ ભક્તિનો અતિ મહિમાં કહ્યો છે.
કથા સુણે તે કહી આદિ ભક્તિ,
તેથી વધે છે નવધાની વિક્તિ
હતા જેનો જે જગમાં કુકર્મી,
કથા સુણ્યાથીજ થયા સુધર્મી
દિઠી અમે ઉત્તમ એક દેવી,
તેની દિસે રીત નવાઈ જેવી
આહાર તે કાન વડે કરે છે,
તો પુષ્ટિ પામે નહિ તો મરે છે
સમીપ આવે મરવાનું જ્યારે,
ધીમે ધીમે અન્ન ત જાય ત્યારે
સત્સંગમાંથી પડવાનું થાય,
ધીમે ધીમે કૃષ્ણ કથા તજાય
સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો,
જો તે કદાપિ નબળો જણાયો
સત્સંગ રૂપી શુભતો હવેલી,
પડી જવાની ગણવીજ વહેલી
તેમજ શ્રીમદ્ ભાગવતમાં પણ કથા શ્રવણનો મહિમાં ખુબજ ગાવામાં આવ્યો છે
यदनुचरितलीलाकर्णपीयूषविप्रु
ट्सकृददन विधूतद्वन्द्वधर्मा विनाष्टाः ।
सपदि गृहकुटुंबं दीनमुत्सृज्य दीना
बहव इह विहंगा भिक्षुचर्या चरन्ति ।। १०-४७-२८
જે ભગવાનના લીલા કથારૂપી અમૃતને એક વાર કર્ણના માર્ગથી પાન કરીને- સાંભળીને-આસ્વાદન કરીને સુખ-દુખાદિ દ્વન્દ્વ ધર્મો જેના નષ્ટ થઈ ગયા છે એવા અનેક લોકો કથા રસનું આસ્વાદન કરીને તત્કાળ કુટુંબને દુઃખી-દીન કરીને નિષ્કિંચન પરમ હંસ બની જઈને ભીક્ષાજીવી થઈ ગયા છે તેઓને ભગવાનની કથાએ પાગલ બનાવી દીધા છે.
संसारसिंधु मतिदुस्तरमुत्तितीर्षो
र्नान्यः प्लवो भगवतः पुरुषोतमस्य ।
लीलाकथारस निषेवण मन्तरेण
पुंसो भवद् विविधदुखदवार्दितस्य ।। १२-४-४०
કોઈ પણ ઉપાયોથી તરી ન શકાય તેવા, સંસારરૂપી સાગરને તરવાની ઈચ્છાવાળા અને અનેક પ્રકારના દુઃખોથી પીડિત દેહધારીને માટે ભગવાન પુરુષોત્તમના લીલાની કથાના રસનું સારી રીતે સેવન કરવારૂપ ઉપાય સિવાય બીજું કોઈ તરવાનો ઉપાય(નાવ) નથી. એક માત્ર લીલા કથા રસના સેવનથી
સંસાર સિંધુ તરી શકાય છે.
હવે મુનિએ કહ્યું છે કે ‘कथादिपु अनुरागः इति गर्गः’ તેથી કથામાં અનુરાગ એટલે શું? રાગની જે મિઠાસ કે સ્વાદ અનુભવાણો હોય તે કોઈ પણ ઉપાયે છુટી ન પડવો કે દૂર ન થવાપણાને અનુરાગ કહેવાય છે તેમાં અતિ સ્વાદુ પણુ અનુભવવું તે અનુરાગ છે. સ્વાદ, વસ્તુ, વ્યક્તિ કે સંબંધમાં નથી હોતો. સ્વાદ તો રાગમાં હોય છે તે રાગનું સ્થિર થઈને કાયમી બની જવું તે અનુરાગ છે તે જ્યારે હૃદયમાં આવે છે ત્યારે તેને વસ્તુનો કંટાળો અદૃશ્ય થઈ જાય છે તેને ક્યારેય એમ નથી થતુ કે આ કથા તો આપણે સાંભળી નાખી છે, મે પહેલા સાંભળી લીધેલી છે….. વિગેરે વિગેરે. તેમાં નિત્ય નવિન રસ અનુભવાય ત્યારે અનુરાગ થયો કહેવાય. “સ્ત્રીયા વિત્રનામિવ સાધુવાર્તા…’ જેમ કામી અને સ્ત્રી લંપટ પુરુષો મનગમતી સ્ત્રીઓની વાતો થી ક્યારેય ધરાતા નથી તેને સદાને માટે તેમાં રસ આવે છે તેવીજ રીતે સાધુ પુરુષો ને ભગવાનની ચર્ચા-કથામાં નિત્ય નવીન રસ આવે છે ક્યારેય કથા સાંભળવાથી તૃપ્તિ થતી નથી. ગોપીઓએ ભગવાનની કથાને પ્રાણદાયી કહી છે. હનુમાનજી ભગવાન રામ વૈકુંઠ પધાર્યા પછી રામ કથાને આધારે પૃથ્વી પર રહ્યા છે, રહી શક્યા છે.