શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૬૦

शांतिरुपात् परमानंदरुपात् च ।। ६० ।।

જે ભક્તિ શાંતિરૂપ અને પરમાત્માનંદ સ્વરૂપ હોવાથી બીજા સાધનોની અપેક્ષાએ સુલભ છે.

આગળ ભક્તિની સુલભતા બતાવી અને સ્વયંપ્રમાણતા પણ બતાવી. તેથી જે વસ્તુ અતિ સુલભ અને સ્વયં પ્રમાણ હોવાથી તે સુખકારક હોય છે તેવું નથી હોતુ. કારણ કે દુઃખ પણ ઘણુ સુલભ છે અને સ્વસંવેદ્ય છે તેથી સ્વયંપ્રમાણ રૂપ છે તેને અસ્તિત્વમાં ઈતર પ્રમાણની જરૂર પડતી નથી તો ભક્તિ દુઃખની

સમાનતા ધરાવતી હોય તો તેમાં શી મહતા આવી ગઈ? દુઃખ બધાને પ્રીય લાગતું નથી, રસરૂપે લાગતુ નથી તેથી તેનાથી વિલક્ષણતા બતાવવા માટે આ સૂત્ર કહે છે કે ભક્તિ શાંતિ સ્વરૂપા છે તાત્પર્ય એ છે કે અતૃપ્તિ હોવા છતાં તે વિક્ષેપ કારીણી નથી. ભક્તને ભગવાનના સ્વરૂપથી અને ભક્તિ કરવાથી ક્યારેય અતૃપ્તિ હોવા છતાં તે વિક્ષેપ કારીણી નથી. ભક્તને ભગવાનના સ્વરૂપથી અને ભક્તિ કરવાથી ક્યારેય તૃપ્તિ થતી જ નથી. વધારેને વધારે ભૂખ વધતી રહે છે પણ એવી મહારાજ સંબંધી ભૂખ અને તેની સેવા કરવાની કે ભક્તિ કરવાની ભૂખ એના ચૈતન્યમાં વિક્ષેપ કારીણી થતી નથી. ઉલ્ટુ પરમ શાંતિને આપનારી અને પરમાનંદ આપનારી થાય છે. ભક્તિ વિયોગમાં દર્દીલી હોવા છતાં અત્યંત મિઠાસ વાળી લાગે છે મહારાજની અનંત પ્યાસ જાગવા છતાં તે વાસના નથી ગણાતી તે વાસના જેવી અનર્થ કારીણી નથી થતી. પરંતુ તે તો અનંત કલ્યાણને આપનારી થાય છે. હૃદયમાં ભક્તિ આવતા તેનું હૃદય મહારાજમાં પરિપૂર્ણ વિશ્વાસથી ભરાય જાય છે, મહારાજના સ્વરૂપથી પરિપ્લુત થઈ રહે છે. પછી તેમાં સંતાપના તંતુને ક્યાંય સ્થાન રહેતું નથી. તેથી પરમ શાંતિ અને પરમાનંદની પ્રાપ્તિ થાય છે.

ધર્મના ફળમાં શાંતિ હોય છે પણ ધર્મ ક્રિયામાં શાંતિ હોતી નથી. કષ્ટ હોય છે ધર્મ ક્રિયામાં વ્યગ્રતા રહે છે, વ્યાપૃતતા રહે છે, વિક્ષેપ બહુલતા હોય છે. ભક્તિમાં તેવું નથી. ભક્તિમાં એક જ પ્રીયતમ પરમાત્મા મહારાજ કેન્દ્રમાં હોય છે. તેથી ક્રિયાબહુલા હોવા છતાં, વિક્ષેપ બહુલતા રહેતી નથી. ઉલ્ટુ શાંતિનો વધારો કરે છે.

યોગની ક્રિયાઓ શાંતિરૂપ હોય છે તેમાં ક્રિયાઓ હોવા છતાં મનને એકાગ્ર અને શાંત બનાવે છે. તો પણ તેમાં પરમાનંદ નથી. કારણ કે યોગમાં છેલ્લી અવસ્થામાં આનંદાકાર વૃતિ પણ ઈષ્ટ નથી બસ તમામ વૃતિ નિરોધ જ ઈષ્ટ છે. તેથી પરમાનંદનો નિષેધ છે ભક્તિમાં તેમ નથી. ભક્તિમાં તો પરમ શાંતિ છે પરમ નિરોધ છે અને પરમાનંદનું પણ માપ નથી.