अन्यस्मात् सौलभ्यं भक्तौ ।।५८।।
બીજા સાધનોની અપેક્ષાએ ભક્તિમાં સુલભતા છે.
યોગ સાધવામાં અતિશય પરિશ્રમ રહેલો છે અને લાંબે સમયે સમાધિની પ્રાપ્તિ થાય છે. કર્મ માર્ગ(વૈદિક કર્મમાર્ગમાં)માં પણ અતિ જટિલતા રહેલી છે તેની પાછળ શક્તિ અને ધનની પણ જરૂર પડે છે. વળી મંત્રમાં કોઈ ભૂલ થાય તો વિપરિત ફળ પણ આવી શકે છે. જ્ઞાનમાર્ગમાં પણ ષટ્કપતિ, સાધનચતુષ્ટય વિશ્વની જરૂર પડે છે તથા તીક્ષ્ણ બુધ્ધિ, પુરો વૈરાગ્ય હોય તો જ જ્ઞાનનો માર્ગ
સિધ્ધ થાય છે. ત્યારે ભક્તિમાં એવું નથી. ભક્તિનો માર્ગ એ બધા સાધનો કરતા સરળ છે ભણેલા ન હોઈએ-વૈદિક વિધિથી સેવા પૂજા ન જાણતા હોઈએ તો પણ કોઈ પ્રશ્ન નથી ભગવાનના નામનો જપ કરવા લાગી જવાય છે તો પણ ભગવાન તેને વશ થઈ જશે અથવા ભગવાનની કથા આસ્થા પૂર્વક સાંભળો આ બધી ભગવાનની ભક્તિ છે.
એક અસુરની પત્ની પતિવ્રતા હોય અને બીજી સવૃતવાળા પુરૂષની પત્ની પતિવ્રતા હોય તો પણ બન્નેની પત્નીને પતિવ્રતાનું ફળ એક સરખું જ મળશે તેમાં પતિવ્રતાની ટેકનું જ મહત્વ છે તેમ ભક્તિમાં ભાવની જ વિશેષતા છે ઘણી વખત મંદિરમાં ભગવાનનું સ્વરૂપ ઘણુ રૂપવાન ન પણ હોય અથવા શાલગ્રામમાં શું રૂપ હોય શકે? માટે ભક્તિમાં તો ભાવની જ પ્રધાનતા છે.
સોમવલ્લી પાન બ્રાહ્મણ જ કરી શકે. રાજસૂય યજ્ઞ ક્ષત્રિયો જ કરી શકે. ગાયત્રિ જપનો અધિકાર ત્રીવર્ણને જ હોય શકે. પરંતુ ભક્તિતો ગીધ-વ્યાધ-શબરી-ગણિકા વિગેરે ઘણાયે કરી છે. ભગવાને તેનો ઉધ્ધાર પણ કર્યો છે. ભગવાને કહ્યું છે કે,
अपिचेत् सुदुराचारो भजते मां अनन्यभाक्
साधुरेव स मन्तव्यो सम्यव्यवसितो हि सः ।। ९-३०
કોઇ અત્યંત દૂરાચારી હોય તો પણ અનન્ય ભાવથી મારૂ ભજન કરવા લાગી જાય તો તે સાધુજ છે. તેના તમામ દૂરાચાર છુટી જવાના છે. તેણે ઠીક નિર્ણય કરી લીધો છે માટે તે પણ ભક્તિનો અધિકારી બની શકે છે.
ભક્તિમાં બીજી સુલભતા એ છે કે ભક્તિ સર્વ સમયમાં, સર્વ જગ્યાએ આદરી શકાય છે. વધારે સુલભતા એ છે કે ભક્તિમાં કોઈ આપતિ આવતી નથી. ભગવાન ભક્તિ કરનારા ને ધોખો દેશે એવો ભય નથી. વળી ભગવાન ભક્તિ કરનારાનું ધન હરી લેશે એવું પણ નથી. ધર્મ બગાડી નાખશે કે સંબંધીઓને દુઃખી કરશે એવી કોઈ પ્રકારની આપિત નથી. વળી ભક્તિની વધારે સુલભતા એ છે કે શારીરિક ક્રિયાઓ પણ ભક્તિ બની રહે છે. ચાલવું તે ભક્તિ બની શકે, દર્શન કરવા જાઓ, પ્રદક્ષિણા કરો તો તે ચાલાવું ભક્તિ બની જશે. અન્ન રાંધવું ભક્તિ બની જશે. કેવળ ભાવના પરિવર્તન કરવાની જરૂર પડે છે. ભક્તિમાં વધારે એક સુલભતા એ છે કે ભક્તિમાં કોઈ કિમતવાળી વસ્તુની ફરજીયાતી નથી. પાંચ રૂપિયા વિના યજ્ઞ અટકી પડે પણ રૂપિયા વિના ભક્તિ અટકી પડતી નથી.(કદાચ રૂપિયા વધારે આવે તો અટકી પડે ખરું! પણ એ સિધ્ધાંત નથી.) તુલસીદલ અથવા જળની અંજલીથી પણ ભગવાન પ્રસન્ન થાય છે.
तुलसीदलमात्रेण जलस्य चुलुकेन च ।
विक्रीणीते स्वात्मानं भक्तेभ्यः भक्तवत्सलः ।।
ભક્ત વત્સલ ભગવાન કેવળ તુલસીદલ અથવા એક અંજલી જળથી પણ પોતાની જાતને ભક્તોના હાથમાં વેચી દે છે. ભક્તિમાં સૌથી વધારે સુલભતા એ છે કે તેમાં સામી બાજુથી ભગવાનનો સહારો મળે છે આપણે એક કદમ ભગવાન તરફ માંડીએ તો ભગવાન સામે એક કદમ માંડે છે પણ ભગવાનના એક કદમમાં તો બ્રહ્માંડો મપાય રહે છે. તપશ્ચર્યા ઘણી કઠણ હોય છે વળી તેમાં સફળ થવું પણ ઘણુ કઠણ છે વચ્ચે વચ્ચે વિઘ્નો આવે છે વળી સફળ થાય તો અભિમાન આવે છે. તપસ્યામાં સિધ્ધિઓ આવે છે. તે પણ વિઘ્નરૂપ છે. જ્ઞાનમાર્ગમાં પણ બધા અધિકારી હોતા નથી. તેમાં આવા વિઘ્નો બતાવ્યા છે.
प्रज्ञामांद्यं कुतर्कश्च विपर्ययदुराग्रहः ।
विषयासक्तिरित्येते प्रतिबन्धाः प्रकीर्तिताः ।।
બુધ્ધિની મંદતા, કુતર્ક થવા, ઊંધુ સમજાય જાય, કોઇ વસ્તુનો દૂરાગ્રહ પકડાય જવો કે વિષયા સક્તિ આ બધા વિશુધ્ધ જ્ઞાન થવામાં પ્રતિબંધ રૂપ બને છે જ્ઞાન અથવા વૈરાગ્યમાં પોતાને જ્ઞાની અથવા વૈરાગી મનાય જાય તો પણ પોતાનું પતન સર્જે છે ભક્તિમાં એવા પ્રતિબંધની સંભાવના ઓછી હોવાથી એ બીજા સાધનોની અપેક્ષાએ સુલભ બતાવી છે.