उत्तरस्मात् उतरस्मात् पूर्वापूर्वा श्रेयाय भवति ।।५७।।
ઉતર ઉતર ક્રમની અપેક્ષાએ પૂર્વપૂર્વ ક્રમની ભક્તિ વધારે કલ્યાણને આપનારી થાય છે.
ગૌણી ભક્તિમાં હવે કઈ ભક્તિ શ્રેષ્ઠ છે તેનો વિચાર કરે છે તે વિચાર શા માટે કરવો? તો જે શ્રેષ્ઠ હોય તો ભક્તિને ગ્રહણ કરવા માટે તે વિચાર સાર્થક ગણાય છે. શક્તિ-સામર્થી ન હોય ત્યારે સામાન્ય ભક્તિ ભલે ગ્રહણ કરે પણ શક્તિ-સામર્થી હોય ત્યારે તે શ્રેષ્ઠ ભક્તિ ગ્રહણ કરવી તેમાંજ બુધ્ધિમતા છે. માટે આ સૂત્ર નારદજી બતાવી રહ્યા છે. છપ્પનમાં સૂત્રમાં કહ્યું કે ગૌણી ભક્તિ ગુણ ભેદથી અથવા આર્તાદિ ભેદથી ત્રણ પ્રકારની છે. તેમાં ગુણભેદનો અર્થ ગુણના પ્રભાવયુક્ત અર્થાત્ રજ, તમ વિગેરે ગુણ પ્રયુક્ત ભાવનાથી યુક્ત ભાવના વાળી ભક્તિ. પણ વિશુધ્ધ ભાવના વાળી ભક્તિ નહિ એવો અર્થ અભિપ્રેત છે જ્યારે આર્તાદિ ભેદમાં કામનાની તારતમ્યતા પ્રયુક્ત ભેદ બતાવાયો છે. તેથી તે ભક્તિમાં કામના સમાનાધિકરણ ભાવના પ્રયુક્ત થયેલી હોય છે. શુધ્ધ ભાવના પ્રયુક્ત ભક્તિ નથી તે કારણથી તે વિશુધ્ધ ભક્તિ કક્ષામાં આવી નથી પણ ગૌણ કક્ષામાં આવી જાય છે.
બીજા સાધનો કરતા ગૌણ ભક્તિની એ જ વિશેષતા છે કે સદવિષયક છે અર્થાત તેનું આલંબન પરમાત્મા પોતે છે. તે જ્ઞાન, વૈરાગ્યાદિક બીજા સાધનોથી તેની વિશેષતા છે તેથી અર્થાદિ ભાવના સિધ્ધ થયા પછી પણ પરમાત્મા સાથેનો તેનો સંબંધ છુટી જતો નથી. જો છુટી જાય તો તે ભક્ત સકામ ભક્ત ગણાશે. જેમાં કામના પ્રાપ્ત થતા ભગવાનનો સંબંધ છુટી જશે. માટે તેને તો આ ત્રણમાં પણ સમાવેશ કરાયો નથી. તેને આ ત્રણથી બહાર નીચી કક્ષામાં ગણવામાં આવ્યા છે.
હવે સાત્વિક, રાજસ અને તામસ ભક્ત તથા ‘जिज्ञासु अथार्थी-ज्ञानि च भरतवर्षभ’ એ પ્રમાણે બોલવામાં તથા શાસ્ત્રમાં ક્રમ લખાયો છે તેમાં જ્ઞાનીની ભક્તિ ખામી વિનાની હોવાથી ગૌણીમાં તે આવતો નથી. બીજા ત્રણ રહ્યા તેનો આપતતઃ જોતા પ્રથમ કરતા બીજો શ્રેષ્ઠ હોય કારણ કે જ્ઞાની સર્વ શ્રેષ્ઠ છે અને તે બધાથી છેલ્લે મુકાયો છે માટે તે ક્રમ બરાબર હોય પણ નારદજી તેનાથી ઉલ્ટુ બતાવી રહ્યા છે ‘उतरस्मात् पूवा श्रेयाय’ પાછળના ક્રમ કરતા આગળના ક્રમમાં આવેલી ભક્તિ વધારે કલ્યાણને આપનારી છે.
અર્થાર્થી અર્થાત્ ધનમાટે અથવા સાંસારિક પદાર્થ-ભોગની કામનાવાળી ભક્તિ કરે છે. તેની અપેક્ષાએ જીજ્ઞાસુ ભક્ત શ્રેષ્ઠ છે. અર્થાર્થીમાં લૌકિક કામનાઓ સ્ફુટ પણે ઉપસી આવેલી હોય છે. જે લોભ ગણાય છે જેની શાસ્ત્રમાં ખુબ નિંદા કરેલી છે. જ્યારે જિજ્ઞાસુમાં કામાદિ દોષની અલ્પતા રહેશે. કારણકે અંતઃકરણની શુધ્ધિ વિના જિજ્ઞાસા આવવી દૂર્લભ છે માટે અંતઃકરણ શુધ્ધિ હોવાથી તેના અંતરમાં ભક્તિ આવવાની સુલભતા વધારે છે જિજ્ઞાસુ અંતઃકરણની શુધ્ધિએ સહિત તત્વ જ્ઞાનની પ્રાપ્તિના અર્થે ભક્તિ કરે છે તેથી અથાર્થી જિજ્ઞાસુની અપેક્ષાએ બહર્હીમુખ છે. જ્યારે જિજ્ઞાસા એ અંતરમુખ છે માટે અથાર્થી ભક્તિ કરતા જિજ્ઞાસા પૂર્વકની ભક્તિ વધારે શ્રેયાય બનશે. હવે જીજ્ઞાસુ કરતા આર્ત શા માટે શ્રેષ્ઠ છે? તો જિજ્ઞાસુને પણ જ્ઞાન થતા ભક્તિ છુટવાનો, નહિ તો ધીમી પડી જવાની સંભાવના તો જરૂર છે ત્યાં શંકા થાય છે કે આર્તાદિકમાં પણ તે વસ્તુ તો રહેવાની જ છે જેમ વાલીને માર્યા પછી સુગ્રીવ ધીરે ધીરે રામને ભુલવા લાગ્યો હતો. જ્યારે જીજ્ઞાસુતો ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થશે તો પણ ભગવાન ને ભજશે. કોઈ સમજદાર વ્યક્તિ હિરો અને કાચ ઓળખાય ગયા પછી હિરાનો ત્યાગ કોણ કરશે?
તેનું સમાધાન એ છે કે તત્વ જ્ઞાન થયા પછી પણ ભક્તિ નિશ્ચિત રૂપથી થાય છે એવો નિયમ નથી. તેથી દશમસ્કંધમાં અભક્તજ્ઞાનીનું પતન બતાવ્યું છે.
येऽन्येऽरविंदाक्ष विमुक्तमानिनस्त्वय्यस्तभावादविशुध्धबुध्धयः
आरुह्य कृच्छ्रेण परंपदं ततः पतन्त्यधोऽनादृत युष्मदंघ्रयः ।। भा. १०-२-३२
હે અરવિંદાક્ષ, હે ભગવન કેટલાક પોતાને મુક્ત કે બ્રહ્મ માનનારા જ્ઞાનીઓ તમારે વિશે ભાવ શુન્ય હોવાથી જ્ઞાનની ઉચી સ્થિતિ પામ્યા પછી પણ આપના ચરણનો અનાદર કરવાથી ત્યાંથી અધઃ પતન પામે છે.
श्रेयःस्रुतिं भक्तिमुदस्य ते विभो किलश्यन्ति ये केवलबोधलब्धये ।
तेषांमसौ कलेशल एव शिष्यते नान्यद्यथा स्थूलतुषावघातिनाम् ।। भा. १०-१७-४
શ્રેયની ધારા વરસનારી તમારી ભક્તિનો ત્યાગ કરીને જે કેવળ જ્ઞાન પ્રાપ્તિને માટે પ્રયત્ન કરી રહ્યા છે તેને જેમ ધાન્ય કાઢી લીધા પછી ફોતરા(ઢુસા) ને ધોકાવવાથી કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી કેવળ શ્રમ પ્રાપ્ત થાય છે.
આમ આર્ત અને જિજ્ઞાસુમાં પોતાનો મકસદ મળી ગયા પછી ભક્તિ ધીરી પડી જવાનું તો સમાન જ છે તો પણ આર્તના હૃદયમાં ભગવાન પ્રત્યે જે વ્યાકુળતા હોય છે તે જિજ્ઞાસુમાં હોતી નથી. આર્તોની વ્યાકુળતાનું તત્કાળ ભગવદ્ દર્શન છે જે ગજેન્દ્ર મોક્ષાદિકમાં સ્પષ્ટ છે એવા ઉદાહરણ જિજ્ઞાસુઓમાં જોવામાં આવતા નથી. પ્રાયઃ ફક્ત આર્તભક્તની રક્ષાને માટે અવતાર લઈને ભગવાન ઈતર પ્રાણીઓ ઉપર પણ અનુગ્રહ કરે છે અને આર્ત એવી પ્રક્રિયામાંથી પસાર થવાને કારણે તેને ભગવાનમાં અતિવિશ્વાસ અને અતિ આસ્થા આવી જાય છે તેટલી કક્ષાની આસ્થા જિજ્ઞાસુ કે બીજાને આવવાના કોઈ પરીબળ નથી. પરમાત્મા અવશ્ય આપણા આર્તનાદને સાંભળે છે તેવી અચળ આસ્થા આવી જાય છે એ જ તેની શ્રેષ્ઠતા છે. પરમાત્માને માટે રડવું તે આર્તતા છે કેટલાક તેને વ્યાકુળતા કહે છે.
હવે ભગવાનની ભક્તિ ખુબજ કઠણ અને દુર્લભ છે તો તેને બદલે બીજા સાધનો શા માટે ન કરવા? અને ભક્તિજ શા માટે કરવી? તેનો ઉત્તર હવે પછીના સૂત્રથી કરે છે.