શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૫૬

गौणी त्रिधा, गुणभेदात् आर्तादिभेदात् वा ।।५६।

ગૌણી ભક્તિ ગુણો(સત્વાદિક)ની ભિન્નતાથી અથવા આર્ત, જીજ્ઞાસુ અને અર્થાર્થી એવા ભેદથી ત્રણ પ્રકારની છે.

યથાર્થ ભક્તિનું લક્ષણ સાંભળીને કોઈ નિરાશ ન થાય એટલા માટે ગૌણી ભક્તિનું નિરૂપણ મુનિ કરે છે. ગૌણી ભક્તિથી પણ ભક્તિ પ્રાપ્તિની યોગ્યતા આવી રહે છે. ભક્તિમાં આરંભનો નાશ ક્યારેય થતો નથી. ‘नेहाभिक्रम नाशोऽस्ति प्रत्यवायो न विद्यते । स्वल्य मप्यस्य धर्मस्य त्रायते महतो भयात् ।’ ने વચનો ભક્તિ ગર્ભિત સાધનાને અનુલક્ષીને જ કહેવામાં આવ્યા છે. અને ખરી રીતે તે બતાવ્યું તે ફળ ભક્તિને જ આભારી છે શુધ્ધ ભક્તિ ના જ ગુણગાન હોત તો ગજેન્દ્ર, ધ્રુવજી વગેરેનું ભક્તપણુ અસંગત ઠરત કારણકે તેઓએ સકામાદી ભાવથી ભક્તિનો આરંભ કર્યો હતો. પણ તેમને એ ભક્ત ન હતા એમ કહેવું તે નિતાંત અનુચિત છે કારણ કે શાસ્ત્રમાં સર્વત્ર તેનું ભક્તપણુ પ્રસિધ્ધ છે. તેથી નારદજી ગૌણી ભક્તિનું પણ નિરૂપણ કરે છે તેને પણ ભક્તિ કક્ષામાં ગણવામાં આવે છે કારણકે તેનાથી નિગુર્ણ ભક્તિના માર્ગમાં આવી શકાય છે ગૌણી ભક્તિ પરમ ભક્તિનું સાધન છે. મૃત(પ્રસંગથી) હોયને અને ઉપેક્ષા કરવા અનર્હ હોય ને આ ગૌણી ભક્તિનું નિરુપણ કરવું તે પણ અપ્રાસંગિક નહિ ગણાય.

ગુણો ત્રણ છે. સત્વગુણ-રજોગુણ અને તમોગુણ. કોઈને નીચા દેખાડવા, કોઈનું નુકશાન કરવા, મત્સર પ્રેરિત અર્થાત કોઈનું સારૂ દેખીને જલન પેદા થવાથી કરાયેલી ભક્તિ તામસી ભક્તિ કહેવાશે. તો પણ સાચેજ ભગવાનને સંબંધ થઈ જતો હશે. તો ભક્તિ તેને તામસ ભાવ દૂર કરી દેશે, દ્વેષ, ઝેર વિગેરે દૂર કરીને તેને શુધ્ધ ભક્તિ સુધી લાવી દેશે.

વિષય પામવાની લાલસાથી, યશ-કિર્તી પામવાની ઈચ્છાથી, ઐશ્વર્ય પામવાની ઈચ્છાથી, કોઈ લૌકિક કામના પુરી થવાના મનોરથથી ભગવાન ભજવામાં આવે તો તે રાજસી ભક્તિ ગણવામાં આવે છે પરંતુ ભગવાનના સ્મરણ સાથે જો તેવી ભક્તિ પણ ચાલુ રાખવામાં આવે તો રજોગુણનો નાશ થઈ જશે અને તેના હૃદયમાં શુધ્ધ ભક્તિ પ્રાપ્ત થઈ જશે.

મોક્ષની ઈચ્છાથી કરવામાં આવે, અથવા સાત્વિક સુખની ઈચ્છાથી કરવામાં આવે તેને સાત્વિક ભક્તિ કહેવામાં આવે છે આવી ભક્તિ કરવાથી ભગવાનની સેવા કરવાની ઈચ્છા થઈ આવે છે અને ધીરે ધીરે આપણે સ્વયં ભગવાનના બની જઈશું. આપણા હૃદયમાં ભક્તિ આવી જશે.

पूर्वभूमौकृता भक्तिरुतरां भूमिमानयेत् ।

પૂર્વભૂમિકાની સારી રીતે કરાયેલી ભક્તિ સાધકને ઉત્તર ભૂમિકામાં લઈ જાય છે. તેવો ભક્તિનો સ્વભાવ છે. ભક્તિમાં પોતાના બળ પર ચાલવું હોતુ નથી. આગળ વધારવાનું કામતો પરમાત્માનું છે. તેમનામાં અચળ ભરોંસો રાખો અને પોતાનો આશય(મૌન ઈરાદો) પવિત્ર રાખો અને પ્રયત્ન શીલ રહો. ત્યારે પરમાત્માજ પોતાના તરફ આપણને ગતિ કરાવે છે. જે ગુણ પોતાનામાં પ્રધાન હોય તેને થોડો મરોડીને ભક્તિને અનુરૂપ થોડો બનાવીને, તે પ્રમાણે પણ ભક્તિનો આરંભ કરી દેવો. ભગવાનની ભક્તિનો લેશ પણ આપણા હૃદયમાં પ્રવાહિત થઈ ગયો તો તે માયિક ગુણોનું જડામૂળ ઉખેડીને વિશુધ્ધ ભક્તિ સુધી સાધકને પહોંચાડી દેશે. ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર તમામ ને છે. પાપી-દોષી કે નીચ યોનિવાળો પણ ભગવાનની ભક્તિ કરી શકે છે તેમાં સાધન ચતુષ્ટય કે ષટ્સપતિ વગેરેની જરૂર નથી પડતી. સદ્ગુણો ભક્તિની પાછળ પાછળ જરૂર આવશે જ.

ગીતામાં ભગવાને ચાર પ્રકારના ભક્ત કહ્યા છે.

આર્ત, જીજ્ઞાસુ, અર્થાથી અને જ્ઞાની. તેમાં જ્ઞાનીને તો ભગવાને શ્રેષ્ઠ અને પૂર્ણ ભક્ત બતાવ્યો છે માટે ગૌણી ભક્તિવાળા આર્ત આદી ત્રણ ભક્તો જ ગણાશે. જેનો પરિચય બીજા પ્રસંગોથી જાણી લેવો.