गुणरहितं कामनारहितं प्रतिक्षणं वर्धमानमविच्छिन्नं सूक्ष्मतरं अनुभवरुपम् ।।५४।।
પ્રેમ ગુણરહિત, કામના રહિત, પ્રતિક્ષણ વધવાવાળો, ક્યારેય ટુટે નહિ તેવો; અત્યંત સૂક્ષ્મ, અને અનુભવરૂપ છે.
હવે શંકા એવી થાય છે કે ‘अनिर्वचनीयं प्रेमस्वरुपम्‘ એમ બતાવ્યું ત્યારે પ્રેમ જો અર્નિવચનીય જ હોય તો કોઈ પ્રાણી તેને જાણી શકાશે નહિ ત્યારે કોઈ વ્યક્તિની એ માર્ગમાં પ્રવૃતિ થશે નહિ. પરંતુ એ તો શક્ય નથી. પ્રેમના માર્ગમાં ઘણા પ્રર્વતી ગયા ને હજુ પણ એ માર્ગે પ્રવૃત થાય છે માટે તેનું સમાધાન એ છે કે સંપૂર્ણ તયા પ્રેમ નિરૂપિત થઈ શક્તો નથી પણ પ્રવૃત્યર્થે મહાત્માઓ સંકેત માત્રથી, કિંચિત
પણે પ્રેમને બતાવી ગયા છે માટે તે બતાવે છે.
गुणरहितं – ગુણ રહિતનો અર્થ ગુણોથી અપ્રોજય છે ગુણોનો અર્થ છે સત્વાદિ ત્રિગુણ તથા સદ્ગુણ સમૂહમાંહેના ગુણો. ભગવત પ્રેમને ભાગવતના ગુણવિભાગના અધ્યાય(૧૧/૨૫)માં નિર્ગુણ બતાવ્યો છે અર્થાત ગુણ રહિત બતાવ્યો છે અર્થાત દિવ્ય બતાવ્યો છે સત્વાદિગુણો ભક્તિ ઉત્પન્ન કરી શક્તા નથી પરંતુ ભક્તિ ગુણોથી પર છે તેથી પ્રાકૃત ત્રણગુણોને જડા-મૂળથી ઉખેડી નાખે છે એવું ગુણ રહિત નું તાત્પર્ય છે.
બીજો ગુણરહિતનો અર્થ છે સદ્ગુણો. પ્રેમ સદ્ગુણોને જોઈને કરવામાં આવતો નથી. ગુણોને જોઈને સાંસારિક મનુષ્યો પ્રેમ કરે છે પરંતુ વિશુધ્ધ પ્રેમ ગુણોને જોઈને નથી કરવામાં આવતો
યુરોપના એક દેશમાં એક સજ્જન એક સુંદર સ્ત્રી પર મોહિત થઈ ગયો. તેની પાછળ પાછળ ફરવા લાગ્યો. તેને પ્રથમ પરિચય હઠાગ્રહથી એક ક્લબમાં થયો. ખુબ પ્રયત્ન ને અંતે પરિચય થયો. પછી જ્યારે જ્યારે મળે ત્યારે તેણીના અંગ સૌંદર્યની પ્રશંશા કરે. ખાસ કરીને તેના કેશ અને દાંતની સુંદરતાની વિશેષ પ્રશંશા કરે. એક દિવસ તે સ્ત્રી પેલા સિજ્જનને પોતાની સાથે પોતાને ઘેર લઈ ગઈ. પોતાના રૂમમાં બેસારીને પૂછ્યું કે તમોને મારા વાળ તથા દાંત વિગેરે ખુબ ગમે છે કેમ? ત્યારે પેલા ભાઈએ કહ્યું કે બહુજ સુંદર! બહુજ સુંદર! આપના વાળ તથા દાંત ઉપર હું વારી વારી જાઊં છું. ત્યારે પેલી સ્ત્રીએ કહ્યું કે તો તો તે બન્ને આપ લઈ જાઓ. લો આ વાળ તથા આ દાંત. એમ કહીને પોતાના માથા ઉપરથી નકલી વાળ તથા મુખમાંથી નકલી દાંત કાઢીને પેલા સજ્જન પાસે ટેબલ ઉપર રાખી દીધા. આજ કાલતો તે નકલી ગમે તેવા સુંદર થઈ શકે છે. પેલા સજ્જન તો ઘડીભર ગમ ખાઈ ગયા અને સૂનમૂન થઈને જોતા રહ્યા અને ચૂપચાપ પોતાને ઘેર જતા રહ્યા. આવા ૌંદર્યાદિક ગુણોને જોઈને જો પ્રેમ કરવામાં આવે તો તે વિશુધ્ધ પ્રેમ રહી શકશે નહિ. અને લાંબો સમય ટકી શકશે નહિં.
આજ કોઈ વ્યક્તિ મોજમાં આવીને દાની બની ગયો છે એમ જાણીને પ્રેમ કર્યો હશે અને કાલે તેને કંજુસી કરતા જોઈશું તો ધૃણા થવા લાગશે તેવીજ રીતે વિદ્યા, બુધ્ધિ, દયાળુતા વિગેરે જગત સ્વાર્થ સાધવામાં ઉપયોગી ગુણો જોઈને જે રાગ થાય છે તે સાચો પ્રેમ નથી. તેના તે ગુણો પોતાના કોઈ સ્વાર્થ સાધવામાં ઉપયોગી છે માટે તે પ્રેમ કરે છે માટે તે પ્રેમી નથી પણ સ્વાર્થી છે. પણ જેના આધારે તે ગુણો રહ્યા છે તે વ્યક્તિમાં-સ્વરૂપમાં પ્રેમ હોય તો અને કેવળ ગુણોનો આધાર ન હોય તો તે પ્રેમ સાચો રહે છે. જે કે ભગવાનમાં અને ભગવાનના સાચા ભક્તમાં ગુણો તો હોવાના જ પણ તે ગુણોથી પ્રયોજીત પ્રેમ ન હોવો જોઈએ. પરંતુ વચનામૃત….. માં મહારાજ કહે છે તે મુજબ પોતાના કુટુંબીમાં પ્રીતિ કરે છે તેવી પ્રીતિ ભગવાનમાં કરવાની છે. તે સંબંધ પરત્વેની છે. વ્યક્તિ પરત્વેની છે ગુણ પ્રયોજ્ય પ્રીતિ કુટુંબીઓમાં હોતી નથી. ક્યારેક ક્યારેક માં-બાપ ને તેનો કોઈ બાળક તદ્દન ગુણ રહિત હોય ત્યારે માં-બાપનું હેત ઉલ્ટું તેના ઉપર વધારે વરસે છે એવું હેત ભગવાનમાં કરવું.
ધન જોઈને ધની સાથે પ્રેમ કર્યો તો જ્યારે તેનું દેવાળુ નીકળશે ત્યારે તમારા પ્રેમનું અને ભક્તિનું પણ દેવાળુ નીકળી જશે. બુધ્ધિ તથા વિદ્યા જોઈને તેમાં પ્રેમ કર્યો અને કોઈ દુર્ઘટના ઘટી, મસ્તકમાં ચોટ લાગી અને સ્મૃતિ નષ્ટ થઈ ગઈ અથવા ડગળી ચસ્કી ગઈ ત્યારે પ્રેમમાં પણ ડગળી ચસ્કી જશે. માટે સંસારમાં અથવા ઈન્દ્રિયોના ભોગમાં કે કામમાં આવતા સદ્ગુણો જોઈને પ્રેમ થશે તો દૂર્ગુણ જોઈને તેનો નાશ થશે. આવા ગુણો જોઈને જ્યાં પ્રેમ કરવામાં આવે છે ત્યાં હૃદયની અંદર કોઈને કોઈ કામના પડેલી છે તેની પાસેથી કંઈક લેવાની અથવા પામવાની અપેક્ષા પડી છે માટે તે વિશુધ્ધ પ્રેમ નહિ કહેવાય. ખરેખરતો ભગવાનમાં જે ગુણો છે, ભગવાનના ધામનો જે વૈભવ છે તે ક્યારેય પણ ક્ષય થાય તેવા નથી, નિત્ય છે છતાં પણ ભગવાન વ્યક્તિમાં-ભગવાનના સ્વરૂપમાં-મૂર્તિમાં પ્રેમ નહિ કરીને તેમના માત્ર ગુણોના આધારે પ્રેમ કરવાથી જીવ લાલચુ મટતો નથી. એવો પ્રેમ કરનારાના હૃદયમાં લૌકિક સ્વાર્થ કે લૌકિક કામના ગોઠવાય જાય છે. માટે પ્રેમના આલંબનમાં ગુણોની અપેક્ષા ન રાખવી. ભગવાનના ગુણો તો છતાં પણ રહેવાના જ છે. તો પણ તેની અપેક્ષા હૃદયમાં ન રહે પણ ગુણોના આધાર પરમાત્માનું આલંબન રહે તેમાજ સાચા પ્રેમની સાચી સિધ્ધિ છે. માટે પરમાત્માના સ્વરૂપમાં-મૂર્તિમાં પ્રેમ કરવો તે બરાબર છે.
ગુણોનો આધાર પરમાત્મા છે અથવા એમ પણ કહી શકાય કે ગુણોનો નિવાસ તો પ્રેમમાં છે. જેમાં પ્રેમ હોય તેમાં તમામ ગુણ અને ગુણજ દેખાશે અને જેમાંથી પ્રેમ હોય તો તમામ અવગુણ જ દેખાય. ‘वसन्ति हि प्रेम्णि गुणाः न वस्तुनि’ ગુણો પ્રેમની અંદર નિવાસ કરે છે, નહિ કે વસ્તુમાં. માણસ પોતાના અંતરમાં પડયું હોય તે બહાર દેખે છે પણ વસ્તુની વાસ્તવિક્તા ને દેખતો નથી. એક ગામને ભાગોળે વહેલી સવારે ત્રણ ચાર ચોર આખી રાત્રી રખડેલા પણ કાંઈ મળ્યુ નહિ ત્યારે ગામમાં પ્રવેશ કર્યો તેને કોઈ ભગત ખેતરે જતો જતો તે સામે મળ્યો. તે પણ ભગવાનનું ભજન કરવામાં આખી રાત્રી જાગ્યો હતો. બધાની આંખો ઉજાગરામાં લાલ થઈ ગયેલી. ત્યારે ચોરો એ વિચાર્યુ કે આ પણ આપણા જેવો ચોર લાગે છે અને તેને પણ આજે કોઈ હાથમાં આવ્યુ લાગતું નથી. જ્યારે ભગત વિચારે છે કે આ બધા પણ ભગત લાગે છે. એમ માણસ વાસ્તવિકતા જોતો નથી પોતાનામાં પડેલી વસ્તુને બહાર પણ જુએ છે. એક ટાપુમાં બે બુટ ચંપલના વેપારી જઈ ચડ્યા-જ્યાં કોઈના પગમાં બુટ-ચંપલ હતા જ નહિ. એક નિરાશ થયો. અંહિ મારૂ નહિ ચાલે. બીજ ખુબ રાજી થયો. અંહિ આપણો ધંધો ખુબજ ચાલશે. દરેક વ્યક્તિ પોતાના વ્યક્તિત્વમાં અથવા પોતાનામાં પ્રેમ કરે છે એટલે કે પોતામાં પોતાને મોહ હોય છે તે શું કોઈ ગુણોને કારણે કરવામાં આવે છે? ના. માટે પોતામાં કોઈ પણ ગુણોની અપેક્ષા રાખ્યા વિના જેમ પોતે સ્વાભાવિક પ્રેમ કરે છે તેવો સ્વાભાવિક પ્રેમ ભગવાનમાં થાય ત્યારે વિશુધ્ધ પ્રેમ ગણાય છે. સદ્ગુણો સાચા પ્રેમને આધીન છે મોહ દુર્ગુણોને સંપૂર્ણ આધીન છે પ્રેમ થશે એટલે દુર્ગુણો દેખાશે નહિ. મોહિત મનુષ્યને બીજા ગુણો દેખાતા નથી. માટે પ્રીતિતો પરમાત્માના સ્વરૂપમાં થાય તે સાચી ગણાય. ગુણાધીન પ્રીતિ પૂર્ણ પ્રીતિ નથી. ભગવાનના ગુણો તો ભગવાનના સ્વરૂપ-મૂર્તિ જેવા સદા નિત્ય છે છતાં પણ આપણી-સાધકની નબળાઈને કારણે અથવા વિકળતાને કારણે તે ગુણો ન પણ દેખાય ત્યારે આપણી ભક્તિ નાશ પામી જશે.
અંહિ એક શંકા થાય છે કે સાચો પ્રેમ કરવામાં આલંબનમાં ગુણોની અપેક્ષા રાખવી નહિ તો પછી ગુણોની અપેક્ષા ન રાખીએ ત્યારે ભગવાનમાં જ શા માટે પ્રેમ કરવો? પથ્થર, માટી, વિ. કોઈ પણ વ્યક્તિ કે પદાર્થમાં પ્રેમ કરવો જોઈએ. જ્યારે પ્રેમમાં ગુણોની મહત્તાની જરૂર જ નથી તો? તો તેમ કેમ નથી કરતા? અને ભગવાનમાં જ પ્રેમ શા માટે કરવામાં આવે છે? તો તેનું સમાધાન એ છે કે ભગવાનનું વ્યક્તિત્વ અને મનુષ્ય, દેવતા કે મુક્તોનું વ્યક્તિત્વ ગુણોને બાદ કરતા પણ કોઈ સરખા-તુલ્ય નથી. માત્ર ગુણો એ કરીને જ ભગવાનનું સ્વરુપ સર્વથી શ્રેષ્ઠ છે એમ નથી. એ નિર્વિવાદ વાત છે કે ગુણોમાં પણ સમસ્ત સૃષ્ટિ અને સૃષ્ટિ પાર મુક્ત પુરુષો તમામ ભેળા મળીને પણ ભગવાનના ગુણોની બરાબરી કરી શકે તેમ નથી. તો પણ એવા શ્રેષ્ઠ ગુણોએ કરીને ભગવાનની પ્રતિષ્ઠા નથી. ભગવાનતો ‘स्वेमहिम्नि प्रतिष्ठितः’ પોતાના સ્વરૂપની શ્રેષ્ઠતાએ કરીને-પોતાના વ્યક્તિત્વની શ્રેષ્ઠતાએ કરીને ગુણોથી નિરપેક્ષ પણે પણ શ્રેષ્ઠતા છે. પછી ગુણોએ કરીને શ્રેષ્ઠતા છે. ગુણો ભલે નિત્ય હોય પણ તેને મહિમા સ્વરૂપના મહિમાને આધીન છે ગુણોના મહિમાને આધીન પરમાત્માનું સ્વરૂપ નથી તે વસ્તુને સમજવા માટે શ્રી માનુજાચાર્યજીએ સ્વરૂપ નિરૂપિત ધર્મો અને નિરૂપિત સ્વરૂપ ધર્મો એમ બે વિભાગ કર્યા છે. નિરૂપિત સ્વરૂપ ધર્મો એટલે ગુણો અને સ્વરૂપ નિરૂપિત ધર્મો-એજ ધર્મી-સ્વરૂપ છે. ધર્મી અને ધર્મો એમ બે વિભાગ બતાવે છે તેમાં ધર્મીમાં પ્રેમ કરવો કેવળ ધર્મોમાં નહિ. વ્યક્તિ અને તેના ધર્મો, ધર્મી અને તેના ધર્મો, સ્વરૂપ અને તેના ગુણો આ બધા સમજવા માટે અલગ હોવા છતાં અપૃથક સિધ્ધ પણે રહ્યા છે અવિનાભાવથી રહ્યા છે ફક્ત બુધ્ધિમાં સમજવા માટે જ અલગ થઈ શકે છે ભગવાનનું વ્યક્તિત્વ દિવ્યગુણોથી મંડિત છે અને ભગવાનના ગુણો નિત્ય, દિવ્ય અને અવિનાશી છે માયિક નથી પરંતુ ઘણી વખત ભક્તોની કચાશને લઈને ગુણો દેખાય નહિ ત્યારે તેનો પ્રેમ ભૂલો પડી જાય છે, વિઘ્ન આવે છે અને તેનું આલંબન ફરી જાય છે. જેમ સાંબનું રૂપ જોઈને પટરાણીઓને ભ્રાંતિ સર્જાય ગઈ. વસ્તુતા એ કૃષ્ણના રૂપતુલ્ય બીજા કોઈનું રૂપ હોઈ શકે નહિ. પણ ગુણોની ભૂમિકા ઉપર કરેલુ હેત ક્યારેક ભૂલુ પડવાનો સંભવ છે માટે વિશુધ્ધ પ્રેમમાં ગુણોની અપેક્ષા નથી કરાતી. વસ્તુતાએ શરૂઆતની ભૂમિકાએ ગુણોના માધ્યમથી જ ભગવાનમાં પ્રેમ થાય છે પરંતુ તે પ્રેમ પરમાત્માના સ્વરૂપમાં સ્થિર થવો જોઈએ. ગુણો સુધીજ આવીને અટકી ન રહેવો જોઈએ.
कामना रहितम्’ – સાચો ભગવત પ્રેમ જેવી રીતે ગુણ નિરપેક્ષ અર્થાત્ ગુણ રહિત છે તેમ કામના રહિત પણ છે પ્રેમના આલંબનમાં ગુણની અપેક્ષા રાખ્યા સિવાય આલંબન સ્વરૂપમાં પ્રેમ કરવાનો હોય છે તેમજ પ્રેમીના હૃદયમાં કોઈ પ્રકારની કામના પણ ન હોવી જોઈએ. ત્યારે તે પ્રેમ વિશુધ્ધ રહી શકે છે. પ્રેમ ભક્તિમાં આલંબન અને અધિકરણ બે વસ્તુ હોય છે જે પ્રેમ કરવાનો હોય છે તે પ્રેમનું આલંબન કહેવાય છે અને જે હૃદયથી પ્રેમ થાય છે તે પ્રેમનું અધિકરણ કહેવાય છે આમ પ્રેમ દ્વિસ્થ હોય છે અર્થાત્ બન્ને આધાર પર પ્રેમ પ્રર્વતે છે આલંબન સંબંધી પ્રેમની બળવતા એ બતાવી કે સાચો પ્રેમ આલંબનમાં રહેલા ગુણને આધારે પ્રવર્તેલો નહિ, પણ સ્વરૂપને આધારે-વ્યક્તિને આધારે પ્રવર્તેલો હોવો જોઈએ. હવે અધિકરણની શુધ્ધિ કરતા બતાવે છે કે પ્રેમનું અધિકરણ એવું ભક્તનું હૃદય જગત કામનાઓથી દૂષિત થયેલું ન હોવું જોઈએ. કામના પ્રેમના અધિકરણને દૂષિત બનાવીને પ્રેમને પણ દૂષિત બનાવી દે છે. કામના સામાનાધિકરણ્ય પણે પણ નિષેધ છે અને તાદાત્મ્ય પણે નિષેધ છે કામના એ આત્માની અશુધ્ધિ છે જે વસ્તુની ચાહના થાય છે ત્યાં સાધકની દૃષ્ટિ કેન્દ્રિત થાય છે તેથી પરમાત્મા સિવાય બીજી લૌકિક ઈચ્છા થવી તે કામના ગણાય છે પરંતુ પરમાત્માના સ્વરૂપને મૂર્તિને ઈચ્છવું અથવા તેની ભક્તિની તીવ્ર ઈચ્છા રાખવી તે કામના ગણાતી નથી. કારણકે તેનાથી તો ઉલ્ટું ભગવાનના સ્વરૂપ પર એકાગ્રતા વધશે તે ઈચ્છવા યોગ્ય છે અને તેજ પ્રેમનું સ્વરૂપ છે. માટે એવી કામના કરવી તે સાધકનો-ભક્તનો અધિકાર છે એટલું જ નહિ પણ સંપૂર્ણ પણે પોતાના આત્માની ઉન્નતી અને કલ્યાણ ને માટે બને છે. જ્યારે અનધિકાર વસ્તુની ઇચ્છા કરવી તે જ કામના ગણાય છે. જે વસ્તુનો પોતાની પાસે અભાવ અનુભવાય ત્યારે તે વસ્તુની કામના થાય છે જ્યાં કામના હોય ત્યાં અપૂર્ણતા અવશ્ય હોય છે. જગતકામના ગંદી ગટર છે જ્યારે ભગવાનને પામવાની કામના-વિશુધ્ધ પ્રેમ પવિત્ર ગંગાનો પ્રવાહ છે જગત કામના મનને બર્તિમુખ બનાવે છે જ્યારે પરમાત્માના સ્વરૂપને પામવાની ઈચ્છા- કે કામના ભક્તના મનને અર્તમુખ બનાવે છે. અને વધારેને વધારે વિશુધ્ધ બનાવે છે તેથી ગોપીઓએ ભગવાનમાં કામ બુધ્ધિથી કરેલો પ્રેમ પણ વિશુધ્ધ ભક્તિમાં પરિણામ પામ્યો.
માણસને ધનમાં જે પ્રેમ છે તે એકાંગી પ્રેમ છે કારણ કે ધનતો આપણામાં પ્રેમ કરતું નથી. આપણે જ તેને વળગી રહ્યા છીએ. તેથી ધન મેળવતા લોભીને શક્તિથી વધારે કષ્ટ પડે તો તેને છોડી દેવા તૈયાર થઈ જાય છે અને ક્રોધ તો પ્રગટ પણે દુઃખદાયી છે તો પણ લોભમાં ક્રોધ કરતા એક નબળાઈ વધારે છે. કારણકે ક્રોધ પોતાની વિક્રિયા પ્રગટ કરીને શાંત થઈ જાય છે જો કે ક્રોધની વિક્રિયાનું પરિણામ અતિ ભયંકર હોય છે તો પણ તુરત તે શાંત થઈ જાય છે. જ્યારે લોભપોતે વિક્રિયા પ્રગટ કરીને પછી સતત પણે વધારતો જ જાય છે વચ્ચે વચ્ચે પણ ક્યારેય વિરામ લેતો નથી. અને ક્યારેય સમાપ્ત જ થતો નથી તો પણ તેનું બંધન એક તરફનું જ છે જ્યારે કામ એ લોભ કરતા પણ વધારે નેષ્ટ-વધારે વિકૃતિ રૂ૫ છે. લોભ કરતા પણ તેમાં થોડી વિલક્ષણતા છે તેમાં બન્ને બાજુથી બંધન ઉભા થાય છે કામના કોઈ ચેતન વ્યક્તિથી પૂર્ણ થાય છે અને તે પણ સામે કામના ધરાવે છે ઘણી વખત કોઈ એક કામનાથી વિમુખ થવા ઈચ્છે તો સામેનો છેડે તેને છોડવા ન ઈચ્છે ત્યારે તે બમણા બંધનથી બંધાય રહે છે તેથી તેના જેવુ બંધન બીજું કોઈ ગણવામાં નથી આવ્યું. તેનો ત્યાગ કરવો અતિ કઠિન અને મહામુશ્કેલ અનુભવાય છે તેથી તે બંધન પ્રબળ બંધન છે. પરંતુ ભગવાનમાં વિશુધ્ધ પ્રેમ કામનાથી અતિવિલક્ષણ છે રાસક્રિડામાં ક્રિયાતો બધી લૌકિક કામના જેવી હતી પરંતુ ગોપીઓનું હૃદય સંપુર્ણ પણે કામનાઓથી મુક્ત થયું હતું. ત્યાં ગોપીઓને વચન છે કે હે મહારાજ, જ્યારથી અમે તમારા ચરણનો સ્પર્શ કર્યો છે ત્યારથી અમને જગતના વિષય ભોગવવા તે ઝેર જેવા લાગે છે અને વ્યાસ ભગવાને તો એવું બતાવ્યું કે ભગવાનની-અને ગોપીઓની આ લીલાને જે પ્રેમ પૂર્વક અને પવિત્ર આસ્થા પૂર્વક સંભળશે, ગાશે તો તેના હૃદયમાંથી કામ નિર્મુળ થઈ જશે, નાશ પામી જશે.
પ્રેમ અને કામમાં ઘણું જ અંતર છે પણ તે અંતર જણાવું, અનુભૂતિ થવી એ ઘણું કઠણ છે. તેનો પરિચય ક્રિયાથી નથી થતો કારણકે ક્રિયાતો સરખા જેવીજ હોય છે પણ ભાવનાથી તે પરખાય છે. ગોપીઓના મનમાં પોતાના સુખની ઈચ્છાનો ગંધ પણ નથી તેઓ તત્સુખ સુખી એવા પ્રેમી છે. જ્યારે શ્રી કૃષ્ણ પણ સર્વ પ્રકારે પૂર્ણ કામ છે, તેઓ સુખલેવા વાળા નથી તેઓ તો સુખદાતા છે. સુખદેવાવાળા છે. બન્નેમાંથી કોઈ સ્વસુખના ચાહક નથી અને ત્યાંજ દિવ્ય પ્રેમ કે વિશુધ્ધ ભક્તિ પ્રગટે છે ભક્તનું હૃદય લૌકિક કામના-શુન્ય હોવું જોઈએ ભગવત સ્વરૂપની કામના–દિવ્યકામના યુક્ત હોવું જોઈએ. ભગવત સ્વરૂપની કામના થવી તે કામના નથી કહેવાતી તે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે
न मय्यावेशितधियां कामः कामाय कल्पते ।
भर्जिता कथिता धाना प्रायो बीजाय नेष्यते ।। भा. १०-२२-२६
જેમણે મારામાં પૂર્ણ બુધ્ધિ લગાવી છે તેમની કામના તે કામના રહેતી નથી. કારણ કે અગ્નિમાં શેકેલા અથવા બાફેલા બીજને વાવવાથી ક્યારેય તે અંકુરિત થતા નથી. તેમ શ્રી કૃષ્ણ વિષયની જે કામના છે તે ભોગ પર્યન્ત(જન્મ-મરણ લેવરાવે તેવી) જનારી થતી નથી પરંતુ સર્વ બંધનોને તોડનારી બની રહે છે.
प्रतिक्षणं वर्धमानम्’ – જેમ ગંગા ગંગોત્રીથી નીકળે છે ત્યારે તેની ધારા નાની હોય છે આગળ આવતા થોડી મોટી થઈ જાય છે અને હરિદ્વારમાં તે આવે છે ત્યારે ખુબજ મોટી થઈ જાય છે. એ પ્રમાણે ગંગાની ધારા સતત ઉતરોતર મોટી થતી ચાલી જાય છે પરંતુ જે નહેર હોય તો તે ઉતરોતર નાની થતી જાય છે. આમ સાચો પ્રેમ હંમેશા વધતો જાય છે. પ્રેમમાં પ્રતિપદા હોય છે પરંતુ પૂર્ણિમાં ક્યારેય હોતી નથી. પ્રેમમાં પ્રારંભ થાય છે પણ પૂર્ણાહૂતિ હોતી નથી. પ્રેમની વૃધ્ધિ અનન્તરૂ૫ છે પ્રેમ ગુણને વિચારીને તો કરવામાં આવ્યો નથી પરંતુ જો કામના રાખીને પ્રેમ થયો હોય તો ઘટવાની સંભાવના રહે છે પણ સાચો પ્રેમ કામનાવાળો હોતો નથી. એમાં તો કેવળ સમર્પણ અને સમર્પણ જ રહેલું છે કામના વાળા પ્રેમમાં કામના પુરી થાય તો પણ પ્રેમ પુરો થઈ જાય છે, અટકી જાય છે અને પુરી ન થાય તો પણ નિરાશ થઈને અટકી જાય છે અને બીજી જગ્યાએ જતું રહેવાય છે માટે ક્ષણમાં વધેને ક્ષણમાં ઘટે તે કોઈ સાચો પ્રેમ કહેવાતો નથી. તે તો પ્રેમની વિડબંણા છે-પ્રેમનું નાટક કહેવાય. નાટકમાં મૂળભૂત વસ્તુની નુકશાનીની ખેવના રાખવામાં આવતી નથી. પણ દેખાવાને નુકશાન ન થઈ જાય તેવી જ ખેવના રાખવામાં આવે છે માટે પ્રેમને ઘટવામાં કામના કારણભૂત છે. સાચા પ્રેમીમાં એવી કોઈ ઈચ્છાઓ હોતી નથી. તેથી પ્રેમને અટકવાનો સમય આવતો નથી.
ભગવાન અથવા સંત પાસે મનુષ્યો કંઈ ઈચ્છાઓ-કામનાઓ લઈને આવે છે. ખરેખરતો સાચા પ્રેમાર્થીઓએ ભગવાન અથવા સંત પાસે કામનાઓ છોડવા માટે જવું જોઈએ. તો જ સાચો પ્રેમ પામી શકાય. સાચી ભક્તિ પામી શકાય. સાચા પ્રેમી ભક્તને ભગવાનના સુખમાં પોતાનું સુખ, ભગવાનની ઈચ્છામાં પોતાની ઈચ્છા અને ભગવાનની રૂચીમાં પોતાની રૂચી મેળવી દેવાની હોય છે એવો પ્રેમ હોય તો તે વધતો જ રહે છે નહિ તો ઘટી જાય છે.
અંહિ એક શંકા થાય છે કે ભગવાન નિત્ય છે અને ભક્ત પણ પોતાની બ્રાહ્મી ભાવનાથી ભગવાનમાં જોડાયો છે માટે પ્રેમ પણ નિત્ય, નિર્વિકાર વસ્તુ બની રહે છે તો પછી તેમાં નિત્ય વૃધ્ધિ થવી પણ સંભવતી નથી. કારણ કે જેમ ઉત્પતી થવી તે વિકાર કહેવાય તેમ તેનો વધારો થવો તે પણ એક વિકારજ છે અત્યારે વધ્યો તો ક્યારેક જરૂર ઘટી જશે અને બંધ પણ પડી જશે. માટે આ લક્ષણ ઘટતું નથી તો તેનું સમાધાન એ છે કે પ્રેમ નિત્ય છે અને વધતો નથી સનાતન રહે છે તે વાત પણ સાચી છે પણ સૂત્રકારનું તાત્પર્ય એ છે કે પ્રેમની અભિવ્યક્તિ ઉતરોતર વધતી રહે છે. જીવને અનેક આવરણો છે તેનો જેમ જેમ નાશ થતો જાય છે તેમ તેમ અભિવ્યક્તિ ઉતરોતર વધતી જાય છે તેજ તેનું પ્રતિક્ષણ વધવું છે આવરણ નાશ પણ સાચો પ્રેમ જ કરતો જાય છે. નષ્ટ થયેલ આવરણ ફરી પાછુ નથી આવતું માટે પ્રેમનો પ્રવાહ ઉતરોતર વધતો જ રહે છે.
‘अविचिन्नम्’ -સાચો પ્રેમ ક્યારેય વિચ્છિન્ન થતો નથી. તુટતો નથી. પ્રેમ-પ્રીતિતો આત્માને સજાતિ છે એમ શ્રીજી મહારાજે વચનામૃત-માં બતાવ્યું છે. માતા-પિતા, પુત્ર, પત્નિ એ બધાનો સંબંધ તુટી જાય છે મૃત્યુ એ બધાનો સંબંધ તોડી નાખે છે પણ એકવાર પરમાત્મામાં સાચો પ્રેમ થઈ ગયો તેને મૃત્યુ કહો કે કાળ કહો તે દૂર કરી શક્તો નથી, તોડી શક્તો નથી. નરસિંહ મેહતાએ પૂર્વ જન્મમાં ભક્તિ કરી તો આ જન્મમાં જન્મતાની સાથે જ ભક્તિ ઉદય થઈ. મહારાજા ભરતને મૃગયોનિમાં પણ ભગવાનમાં પ્રીતિ નેસ્ત–નાબુદ ન થઈ. ગજેન્દ્રને પશુ યોનિમાં પણ પરમાત્માની ભક્તિ રહી હતી. પ્રહલાદજીને માતાના ગર્ભમાં હતા ત્યારે નારદજી દ્વારા પરમાત્મામાં પ્રીતિ થઈ તો પણ જન્મના કષ્ટથી તે પ્રીતિમાં વિચ્છેદ ન થયો. જેમાં વિચ્છેદ થઈ જાય છે તે વિશુધ્ધ પ્રેમ જ નથી. ભક્તોનો આશય પણ એવો જ હોય છે કે અમારો પરમાત્મા પ્રત્યેનો પ્રેમ ક્યારેય વિચ્છેદ ન થાય.
नाथ योनि सहस्त्रेषु येषु येषु व्रजाम्यम् ।
तेषु तेष्वचला भक्तिरच्युतास्तु सदा त्वयि ।।
હે ભગવાન હું મારા કર્મને વશ થઈને હજારો જન્મ સુધી જે જે યોનિમાં કદાચ ને જાંઉ તો પણ તમારામાં જે પ્રીતિ છે તે ક્યારેય વિચ્છિન ન થાઓ તે સદા અચળ રહો. રસખાનજીએ ભગવાનને પ્રાર્થના કરી છે કે
पाहन हौं तो
ગીતામાં આ વિષયમાં ભગવાનને ભક્તોને ખુબ સરસ આશ્વાસન આપ્યું છે જ્યારે અર્જુને ભગવાનને પૂછ્યું કે હે મહારાજ આ જન્મમાં ભગવાનને અર્થે કાંઇક કરીએ ને તે પુરુ ન થયું એવા સમયમાં મૃત્યુ આવી ગયુ તો પછી તે ભગવાનને અર્થે કરેલું છે તે નાશ પામી જાય કે તેનું શું થાય? શી ગતિ થાય? ત્યારે ભગવાન કહે છે કે
पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य
विद्यते नहि कल्याणकृत्कश्चित् दुर्गतिं तात गच्छति ।।
प्राप्यपुण्यकृतां लोकेनुषित्वा शाश्वतीः समाः
शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते ।।
अथवा योगिनामेव कुले भवति धीमताम्
एतध्धि दुर्लभतरं लोके जन्म यदीदृशनम् ।।
तत्र तं बुध्धि संयोगं लभते पौर्वदेहिकम्
यतते च ततो भूयः संसिधौ कुरुनंदन ।।
पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवशोऽपि सः
जिज्ञासुरपि योगस्य शब्द ब्रह्मातिवर्तते ।।
प्रयदृनाद्यनमानस्तु योगी संशुध्धकिल्बिषः ।
अनेकजन्मसंसिध्धततो याति परां गतिम् ।। गी.-६-४० से ४५
હે પાર્થ! ભગવાનની ભક્તિ કરનારાનો આ લોકમાં અથવા પરલોકમાં ક્યારેય પણ નાશ થતો નથી. કલ્યાણને રસ્તે ચાલનારાની ક્યારેય દુરગતી થતી નથી. તેવો મૃત્યુ પછી પુણ્યશાળીઓના લોકમાં જાય છે. ત્યાં ઘણા વર્ષો નિવાસ કરીને આ લોકમાં પવિત્ર અને શ્રીમંતના ઘેરે યોગ ભ્રષ્ટ એવો ભક્ત જન્મ ધારણ કરે છે. અથવા યોગીઓના કુળમાં યોગી થાય છે. આવો જન્મ પ્રાપ્ત થવો તે ખુબજ દુર્લભછે. તે જન્મમાં પૂર્વભવમાં સાધના કરેલી બુધ્ધિ તેને પ્રાપ્ત થાય છે. અને ફરી પાછો ભગવાનને પામવા માટે તે પ્રયત્ન કરે છે. પૂર્વના અભ્યાસને લઈને તે તત્કાળ શાસ્ત્રોના પારને પામીને પરમાત્માને પામે છે. થોડોક સમયજ પ્રયત્ન કરવાથી તેના દોષો નાશ પામીને, સિધ્ધ થઈને તે પરમ ગતિને પામે છે.
સાચી પ્રીતિ કોઈ પણ કારણથી, મૃત્યુથી, દુઃખથી, ખુદ પરમાત્મા તેનો તંતુ તોડાવવા ઈચ્છે તો ભગવાનનો પાડયો પણ ભગવાનના ચરણારવિંદમાંથી તે પડતો નથી. આ જગતની કોઈ તીવ્ર ઈચ્છાઓ પણ માણસ સમાધિમાં લાંબોકાળ રહે તો પણ તે સમાધિમાંથી જાગતા તુરત ઉદય થઈ આવે છે. સમાધિ પણ ચેતનની પ્રબળ ઈચ્છાને ગલિત કરી શક્તી નથી. તો પછી ભગવાનમાં સાચી પ્રીતિને તો વિચ્છેદ કોણ કરી શકે?
એક નટને ઘોડામાં ખુબ પ્રેમ હતો. તેણે રાજાની પાસે સમાધિ લગાવી તે એટલા માટે લગાવી કે સમાધિમાંથી જાગે તો રાજા તેને ઘોડાનું ઈનામ આપે. એવી ઈચ્છાથી સમાધિ લગાવી. જ્યારે તેણે સમાધિ લગાવી તો રાજાએ તેને જમીનમાં દટાવી દીધો. નટને ખુબજ ઊંડી સમાધિ લાગી ગઈ પરંતુ રાજાનું તુરત મૃત્યુ થયુ. રાજાના શોકમાં પેલી ઘટના બધા છેક ભૂલી ગયા. તેની કેટલીક પેઢી વીતી ગઈ. જ્યારે નટની સમાધિ તુટી ત્યારે તેને ત્યાંથી કાઢવામાં આવ્યો તે સમાધિથી બહાર આવતા જ બોલ્યો કે મહારાજ, અન્નદાતા ! મારે માટે ઘોડો ક્યાં? એમ લૌકિક તીવ્ર કામના પણ સમાધિમાંથી સોંસરવી સજીવન રહે છે. તો ભગવાનમાં કરાયેલો સાચો પ્રેમ જન્માંતરમાં અખંડીત કેમ ન રહે?
मनोरथाः प्रयत्नाश्च कर्तुरायाति तत्क्षणम् ।
समाध्यादीनि कर्माणि जहाति मनुजो यदि ।।
મનુષ્યોએ સમાધિથી પહેલા જે કામનાઓ અથવા જે પ્રયત્નો કર્યા હોય તે સમાધિ તુટતાજ તત્કાળ સૌપ્રથમ તેના મનમાં આવી જાય છે સમાધિ અથવા નિદ્રા હૃદયમાં પડેલી કામનાને બાધિત કરી શક્તી નથી. તો વિશુધ્ધ ભક્તિ કેમ તુટી શકે? વિશુધ્ધ ભક્તિ લોકાંતરમાં જવાથી પણ વિચ્છેદ થતી નથી. વિશુધ્ધ ભક્તિ ગમે તેટલો લાંબો વિયોગ થવાથી પણ ઝાંખી પણ પડતી નથી. વિયોગ કાળમાં સાચો પ્રેમ વધારે પ્રજવલિત થઈને ઉલ્ટો રૂઢમૂળ બને છે. ચૈતન્ય મહાપ્રભુજી કહે છે કે
संगम विरह विकल्पे वरमिह विरहो न संगमस्तस्य ।
संगे भवति स एक स्त्रि भुवनमपि तन्मयं विरहे ।।
કદાચ પ્રિયતમ નો મિલાપ અને વિરહ તે બે માંથી મારે પસંદ કરવાનો વિકલ્ય આવે તો મને મિલનની અપેક્ષા એ વિરહ શ્રેષ્ઠ લાગે છે ને હું તેને શ્રેષ્ઠ ગણુ છુ કારણ કે મિલમાં તો તે એકલા જ હોય છે પણ વિયોગમાં તો સમગ્ર ત્રિલોકી તન્મય દેખાય છે. વિયોગ પ્રેમને ઝાંખો કરતો નથી ઉલ્ટો તે જ બનાવે છે માટે સાચો પ્રેમ કોઈ પણ પ્રકારે વિચ્છીન થતો નથી. પ્રેમની રીત અદ્ભૂત છે મિલનમાં પણ વધે છે ને વિયોગમાં તેથી પણ વધારે વધે છે. પ્રેમની અતુટ ધારા પ્રીયતમ તરફ અખંડ વહ્યા કરે છે.
सुक्ष्मतरम् – પ્રેમ નિરંતર વધતો રહે છે તો પણ દિવસે દિવસે સૂક્ષ્મ બનતો રહે છે અને ચૈતન્ય કક્ષાને પામતો રહે છે. જગતમાં કોઇ વસ્તુ વધે ત્યારે જાજી જગ્યા રોકે છે પણ પ્રેમ જેમ જેમ વધે ત્યારે ચૈતન્યને તળિયે જતો જાય છે તે વધે ત્યારે ઊભરાતો નથી. પ્રેમનું સ્વરૂપ અતિ સૂક્ષ્મ છે શરીર છુટતાની સાથે જાતિ, ધર્મ, ભાષા, નામ આ બધુ છુટી પડે છે પરંતુ ભગવાનમાં કરેલો સાચો પ્રેમ છુટતો નથી. પ્રેમની રીત ભાત, પ્રેમનું કેન્દ્ર વિગેરે એક જ રહે છે પ્રેમ એ રસાયન છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે “પ્રેમ રસાયન જે જન પામે તેહનો તે મારગ ન્યારે રે. પિંડ બ્રહ્માંડમાં પ્રીત ન રાખે ઉરધારે પ્રભુ પ્યારો રે પ્રેમ રસાયન ‘ પ્રેમ એવું રસાયણ છે કે તે ચૈતન્યમાં રગ રગ વ્યાપી રહે છે.
અંહિ કોઈ શંકા કરે છે કે જ્ઞાન, વિવેક વિગેરે પણ સૂક્ષ્મ જ છે તેથી પ્રેમ સૂક્ષ્મ હોય તો પણ તેમાં શું વિશેષતા ગાવા જેવી છે? ત્યારે તેનું સમાધાન કરતા કહે છે કે જ્ઞાનાદિક તો સૂક્ષ્મ છે જ પણ પ્રેમ મોહ કરતા વિલક્ષણ છે એવું બતાવવા અહિ સૂક્ષ્મતા બતાવી રહ્યા છે. સાચો પ્રેમ એ આત્મસંતોષ ને માટે છે જ્યારે કામના, મોહ એ અનાત્મ એવા શરીરાદિક ના સંતોષ માટે છે. ઈન્દ્રિયોની તૃપ્તિ એ કામ છે. પરમાત્માની તૃપ્તિની અભિલાષા એ સાચો પ્રેમ છે. પરમાત્માને સુખ પમાડવાની ઈચ્છા પ્રેમ છે. સ્વસુખની ઈચ્છા કામ છે. પ્રેમ ઉજ્જવલ છે. ને આત્માને પણ-ચૈતન્ય ને પણ નિર્મળ બનાવે છે. જ્યારે કામ અંધકારમય છે. ચૈતન્ય ને મલિન બનાવે છે. પ્રેમમાં ત્યાગની પ્રધાનતા છે. કામ-મોહમાં ભોગની પ્રધાનતા છે. પ્રેમ પરમ પવિત્ર છે. કામના સર્વથા અપવિત્ર છે. પ્રેમથી અંર્તમુખતા થાય છે. કામથી બર્હિમુખતા થાય છે. પ્રેમ સર્વોત્કૃષ્ટ છે. કામ સર્વથી અપકૃષ્ટ છે. એવો ભેદ પ્રેમ અને મોહ-કામના વચ્ચે સ્પષ્ટ કરવા માટે નારદજી પ્રેમને સૂક્ષ્મતર બતાવી રહ્યા છે.
अनुभवरूपम- પ્રેમ એ અનુભવ માત્ર સ્વરૂપ છે. પ્રેમની અનુભવરૂપતા એટલે શું? તો પ્રેમ સ્વયં પ્રકાશ છે. તેથી ઈન્દ્રિયાદિક સાધનોની-ઉપકરણોની અપેક્ષા વિના પણ અધિકરણરૂપ ચૈતન્યને પોતાની અનુભૂતિ કરાવવા સમર્થ છે, અનુભૂતિ કરાવે છે. જેના હૃદયમાં પરમાત્માની અનન્ય અને અસાધારણ ભક્તિ હોય તે એક જ જાણે છે કે આ ભક્તિની મીઠાસ શું છે? એનાથી હું કેટલો સુખી થયો છું ! ઘણી વખત ઈન્દ્રિયો, શરીર કે બાહ્ય પરિબળો અતિપ્રતિકૂળ હોય તો પણ તેની પીડા એના ચૈતન્યને ભક્તિ સ્પર્શ કરવા દેતી નથી અને અતિશાંતિ અને પરમાત્માના સ્વરૂપના અતિ આનંદને અનુભવ કરાવે છે. વિશુધ્ધ પ્રેમ એવો અનુભવ કરાવવા સમર્થ છે. જેમ વેદાંતમાં જ્ઞાનને સ્વયં પ્રકાશ માનવામાં આવે છે. તે સ્વયં પ્રકાશ એટલે શું? તો પોતાના અસ્તિત્વની અનુભૂતિ જે ચૈતન્ય અધિકરણમાં જ્ઞાન રહ્યું છે. તેને બીજા ઈન્દ્રિયાદિક ઉપકરણોના માધ્યમ વિના-સહાયતા વિના સ્વયં કરાવે છે અથવા કરાવવા સમર્થ છે. માટે તે સ્વયં પ્રકાશ છે. જેમ ઘટને જોવા માટે પ્રકાશની જરૂર પડે છે, દિવાની જરૂર પડે છે દિવા વિના(પ્રકાશ વિના) ઘટ પોતે પોતાની હાજરી બીજાને અનુભવ કરાવી શકતો નથી. દિવાની હાજરીમાં કરાવી શકે માટે ઘટ સ્વયં પ્રકાશિત ન થયો. પણ પર પ્રકાશિત ગણાય. જ્યારે દિવાને જોવા માટે બિજા દિવાની સહાયની જરૂર પડતી નથી દિવો ઘડાને પણ બતાવે છે અને દિવો પોતાની હાજરીનો પણ અનુભવ કરાવે છે પણ દિવાને જોવા માટે આંખની જરૂર પડે છે. આંખ વિના દિવાની હાજરીની અનુભૂતિ આપણે કરી શક્તા નથી અને દિવો પણ પોતાની હાજરીની અનુભૂતિ કરાવી શક્તો નથી માટે તેને આંખની અપેક્ષા રહે છે માટે દિવો આંખની અપેક્ષાએ ઓછો સ્વયં પ્રકાશિત થયો. અને આંખને જોવા માટે(અનુભૂતિ કરવા માટે) બીજી આંખની જરૂર રહેતી નથી આંખ દિવાની અનુભૂતિ પણ કરાવે છે અને પોતે સક્રિય છે તેની પણ અનુભૂતિ ચૈતન્યને કરાવે છે હવે આંખની અનુભૂતિ કરાવવા પણ મનની જરૂર પડે છે મનની હાજરી વિના.‘श्रृतं अश्रुतं भवति, दृष्टं अदर्शितम् भवति’ જોયું તે ન જોયા તુલ્ય થઈ જાય છે માટે આંખની અનુભૂતિ કરવા મનની જરૂર પડે છે. પણ મનની અનુભૂતિ કરવા બીજા મનની જરૂર પડતી નથી મનને આંખની અનુભૂતિ કરવા સક્રિય થવું પડે છે. પણ પોતાની અનુભૂતિ જીવને કરાવે છે. તેવીજ રીતે મનની અનુભૂતિ કરવા બુધ્ધિની-જ્ઞાનની જરૂર પડે છે. ગાંડા માણસને પોતાના મનની અનુભૂતિ થતી નથી કારણ કે બુધ્ધિની-ગેરહાજરી હોય છે. પરંતુ બુધ્ધિ-જ્ઞાનની અનુભૂતિ-જીવને કરાવવામાં બીજા-અન્યજ્ઞાનવ્યક્તિની જરૂર પડતી નથી. ઈતર પ્રકાશન વેળાએ જ્ઞાન જેમ ઈતર વસ્તુનું પ્રકાશન(અનુભૂતિ) જીવ પ્રત્યે કરાવે છે ત્યારે પોતાનું પ્રકાશન પોતે જ જીવ પ્રતિ કરી દે છે. તેમાં ઈતર સાધન-કે માધ્યમની અપેક્ષા નથી. નિરપેક્ષ પણે કરી દે છે. તેમ પરમાત્મા પ્રત્યેનો વિશુધ્ધ પ્રેમ જ્ઞાનના સ્વયં પ્રકાશ પણા કરતા પણ એક કદમ આગળ છે. અજ્ઞાની માણસને પણ અસાધારણ અને પરમાત્માની અનન્ય ભક્તિ-પ્રેમ હોય શકે છે અને તેના અંતરમાં વિશુધ્ધ ભક્તિની પૂર્ણ કામતા અનુભવાય છે. પ્રેમ સ્વયં પોતાની હાજરી, પોતાનું સુખ ભક્તના જીવમાં પોતે અનુભૂતિ કરાવી દે છે. એ વિશુધ્ધ પ્રેમની અનુભવરૂપતા છે અને એમાંજ તેની સૂક્ષ્મ રૂપતા પણ ગર્ભિત પણે આવી જાય છે. બીજા કોઈ સાધનો-સાધનની ક્રિયાઓ, કે ઉપકરણો યથાર્થ પ્રેમને યથાર્થ પણે અભિવ્યક્ત કરવા સમર્થ થતા નથી અને ચૈતન્યને અનુભવ કરાવવા સમર્થ થતા નથી. વિશુધ્ધ પ્રેમ પોતે એક જ અનુભૂતિ કરાવવા શક્તિમાન થાય છે અને છે.