यो विविक्तस्थानं सेवते, यो लोकबन्धमुन्मुलयति, निस्त्रैगुण्यो भवति, योगक्षमं त्यजति ।।४७।।
જે એકાંત સ્થાનનું સેવન કરે છે- જે લૌકિક-બંધનોને ઉખેડી નાખે છે જે ત્રણ ગુણોથી પર થાય છે, જે યોગક્ષેમની ચિંતા ને પણ છોડી દે છે(તે માયાને તરે છે.) માયા પાર કરવાના ત્રણ ઉપાય છે. છેંતાલીશમાં સૂત્રમાં બતાવ્યા મુજબ-સંસારની આસક્તિનો ત્યાગ, મહાપુરુષોની સેવા અને મમતાનો ત્યાગ. એ ત્રણેના ફળ રૂપે અહિં સૂત્રમાં બતાવેલ ચાર વાત પુષ્ટ થાય છે.
यो विविक्तस्थानं (પવિત્ર સ્થાન)” सेवते’-મુમુક્ષોને જગત સંપર્ક જેટલો તુટે છેતેટલો તે અંતર સન્મુખ થઈ શકે છે. અને જેટલો અંતર સન્મુખ થઈ શકે છે તેટલો તે ભગવાનમાં જોડાય શકે છે. અને ભક્તિને પ્રાપ્ત કરી શકે છે માટે વિવિક્ત સ્થાનમાં વાસ તે જન સંપર્ક ને તોડનારો છે લોકબંધનને તોડનારો છે લોક બંધનએ સાંસારીક સંબંધો છે તથા વાસના પ્રેરિત અને રાગ પ્રેરિત સંબંધો છે તેને મૂળથી ઉખેડયા સિવાય એકાન્ત સેવન થઈ શક્ત નથી અથવા થાય તો પણ નિરર્થક બની રહે છે. માટે લોક બંધનનું ઉન્મૂલન કરવા માટે વિવિક્ત સ્થાનમાં વાસ કરવો તેવું પ્રયોજન છે.
વિવિક્ત સ્થાનમાં નિવાસ કરવાનો હેતુ જન સંસદિમાંથી રાગ દુર કરવો તે છે લૌકિક રાગ ઉખેડી નાખવાને માટે એકાંત નિવાસ છે. જેવો એકાંતવાસ લૌકિક રાગને ઉખેડવાનું સાધન છે તેવો જ લૌકિક રાગ ઉખેડવાનું સાધન સત્સંગ છે તેને “સર્વસંગાપહા”-સર્વ આસક્તિ તોડવનારો બતાવ્યો છે તથા ભક્તિને દૃઢ કરી આપનારો બતાવ્યો છે.
ગુણ વિભાગના અધ્યાયમાં ભગવાને ‘वनं तु सात्विको वासो मन्निकेतं तु निर्गुणम्’ વનમાં નિવાસ કરવો-વિવિક્ત સ્થાન-એકાંત સ્થાન તે સાત્વિક વાસ છે જ્યારે મન્નિકેત-મંદિર વાસ- સત્સંગમાં રહેવુ તે નિર્ગુણ વાસ છે એવું પણ બતાવવામાં આવ્યુ છે. વિવિક્તવાસ અને સત્સંગ નિવાસને પરસ્પર વિરોધ આવશે પણ તેના તાત્પર્યમાં વિરોધ નથી બન્નેનું તાત્પર્ય જગત સંસર્ગ તોડવો, જગતના રાગ ઉખેડવા અને પરમાત્મામાં ચોંટવું તે બન્ને નું તાત્પર્ય એક જ છે. માટે વિવિક્ત સ્થાનમાં રહો અથવા સત્સંગમાં રહો પણ ત્યાં રહિને લૌકિક આસક્તિ ઉખેડીને પરમાત્મા આસક્તિ કરો. વિવિક્ત સ્થાન નિવાસની સાથે સાથે ઉપનિષદ આદિકમાં કહેલા ધ્યાન, ઈન્દ્રિય સંયમ, વૈરાગ્ય પ્રાપ્તિ, દોષ ત્યાગ તે સાધનો પણ પ્રાપ્ત કરવા એમ સમજવાનું છે. સત્સંગથી પણ તે સંપાદન કરવાના છે એમ સમજવાનું છે.
यो लोकबन्धमुन्मूलयति -એકાંત સેવન ક્યારે શક્ય બને? તો લૌકિક તમામ સંબંધો છુટી શકે તો શક્ય બને છે. મિત્રના બાબાનાં જન્મદિવસની પાર્ટી છે, કોઈની બેટીના વિવાહની પત્રિકા આવી છે, કોઈના દાદાનું બેસણું છે આ બધા લૌકિક તાણાવાણા છે તેમાં તણાયા કરે ત્યાં સુધી તેને સત્સંગ કરવાનો કે ભક્તિ કરવાનો સમય રહેશે નહિ. માટે શું કરવું? તો જેને સાચા ભાવમાં ભક્તિ કરવી છે અને જેને પરમાત્મા પાસે પહોંચવું છે તેને તેનો ત્યાગ કરી દેવો ને એ બે વાના સાચવવાના છે.
यो निस्त्रैगुण्यो भवति- લોક સંબંધ છુટ્યા પછી પણ અંતઃકરણની અંદર અને દેહમાં સંસ્કારો મટી જતા નથી. ત્રણ ગુણના ભાવે તુરત દૂર થઈ જતા નથી. તેમને પણ દબાવીને તેમનાથી પર થવાનું છે. તે પણ ભાગવત-એકા.માં કહ્યું છે કે રજ તમને સત્વથી દબાવવા અને સત્વને ભગવાનની ભક્તિ કરીને સત્વને પણ જીતી શકાય છે એવી રીતે ત્રણ ગુણથી પર નિર્ગુણ સ્થિતિ પામી શકાય છે.
यो योगक्षेमं त्यजति – ઉપર બતાવ્યું તે બધુ કરવા જતા શરીર વ્યવહારનું શું થાય? તો કહે છે તેની ચિંતા ન કરવી. તે ભગવાનનો અચળ આશ્રય કરી ભગવાન પર છોડી દેવું. ભગવાને ગીતામાં કહ્યું છે કે
अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते ।
तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ।।९-२०
તેના માટે ભગવાને પ્રતિજ્ઞા કરી છે કે હું મારા ભક્તોનું યોગ અને ક્ષેમ વહન કરું છું. માટે તેનો અતિ વિશ્વાસ કરીને ચિંતાનો ત્યાગ કરી દેવો.