यः कर्मफलं त्यजति, कर्माण्यपि संन्यसति ततो निर्द्वन्द्वो भवति ।।४८।।
જે કર્મોના ફળનો ત્યાગ કરી દે છે, કર્મોને પણ(ભક્તિ સિવાય ઇતર કર્મોને) છોડી દે છે અને દ્વન્દ્વાતીત બની રહે છે.
સુડતાલીસમાં સૂત્રમાં કહ્યું છે ભક્ત એકાંત સેવે છે, લોક બંધન તોડીને ગુણ થકી પર થઈને યોગક્ષેમનો પણ ત્યાગ કરે છે ત્યારે શંકા એ થાય છે કે આવો ભક્ત થાય છે પછી કશું કરતોજ નથી કે શું? તે તો શક્ય નથી.
न हि कच्चित् क्षणमपि जातु तिष्ठति अकर्मकृत् ।
कार्यतेह्यवशः कर्म सर्वेः प्रकृतिजैर्गुणैः ।। गी. ३-५
જીવથી એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકાતું નથી પછી તે પ્રાકૃત જીવ હોય કે ભગવાનનો ભક્ત હોય પ્રકૃતિ તેને અવશ્ય પણે કર્મ કરાવે છે. તો તેનું સમાધાન એ છે કે તે પોતાને માટે તો કશું જ કરતો નથી પરંતુ ‘टदपिर्त अखिलाचरता’ ને ગ્રહણ કરીને ભગવાનને માટે(ભક્તિ) અને ભગવાનના ભક્તને માટે(સેવાભક્તિ) અને બિજાને માટે તો કંઇક કરે છે તો તે કેવી ભાવના સહિત કરે છે તો તેનો ઉત્તર આ સૂત્રથી આપે છે.
તે કર્મોના ફળનો ત્યાગ કરે છે અર્થાત નિષ્કામ કર્મ કરે છે અને કર્મનો પણ સન્યાસ કરે છે એટલે નિષ્કામ કર્મ કરીને પણ તે ભગવાનને સર્મપિત કરે છે અને અહંકારથી રહિત થઈ રહે છે અન્યથા “સન્યસતિ’નો અર્થ કર્મને છોડી દે છે એવો કરે તો “કર્મફળ ત્યાગવાનો” કોઈ પ્રશ્ન કે પ્રસંગ જ ઉઠતો નથી. માટે તે સૂત્રમાં જોડે જ આપેલ હોવાથી કર્મનો સન્યાસ શબ્દથી કર્મને પરમાત્માને સર્મપિત કરવાનો અર્થ લેવો. કર્મ મનુષ્યને બે પ્રકારે બંધન કરે છે એક તો તેના ફળ મેળવવાની લાલચથી જીવ બંધાય છે અને બીજું તે કર્મ કરવાના અહંકારથી. માટે તે નિષ્કામ કર્મ કરનારાને પણ લાગુ પડે છે તેને પણ અહંકારની સંભાવના છે તે જ્યારે સમગ્ર કર્મ પરમાત્માને સર્મપિત થાય તો અહંકારની સંભાવના દૂર થાય છે. માટે માયાને તરવા માટે કર્મફળ ત્યાગ અને કર્મ સર્મપણ બન્ને જરૂરી છે. નિષ્કામ કર્મનું પણ ભગવાનના ભક્તને અભિમાન ન હોવું જોઈએ. અને પોતાની ભક્તિનું પણ અભિમાન ન હોવું જોઈએ દિનતાએ સહિત ભક્તિ હોવી જોઈએ ત્યારે તે સુખ-દુઃખ, હર્ષ-શોક, સંયોગ-વિયોગ વિગેરે જગતના દ્વન્દ્વથી મુક્ત થઈ જાય છે.