શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૪૬

कस्तरति कस्तरति मायां ? यः संगान् त्यजति, यो महानुभावं सेवते, निर्ममो भवति ।।४६ ।।

માયાને કોણ તરી શકે છે? તો જે સંગને છોડે છે અર્થાત્ આસક્તિનો ત્યાગ કરે છે મહાપુરુષોનું સેવન કરે છે અને મમતા રહિત થાય છે. ભગવાને ગીતામાં એવી વાત કરી છે કે ‘दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया । मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते । गी. ७-१४

અતિ અદ્ભૂત ત્રીગુણમયી મારી માયા અતિ દુસ્તર છે પણ જો મારે શરણે આવે છે તો તે માયા તરી જાય છે વળી ભગવાન કહે છે કે ‘न मां दुष्कृतिनो मूढा प्रपद्यन्ते नराधमाः । माययापहृतज्ञाना । गी.-७-१५.‘માયાએ જેનું જ્ઞાન હરી લીધું છે,ભમાવ્યા છે, તે દુષ્ટ મારે શરણે આવતા નથી એવા આસુરીઓને હું નીચ યોનીમાં ફેંકી દઊં છું. તેઓ યોગ્ય તક મળવા છતાં મને નહિ પામીને અધમ યોનિમાં ચાલ્યા જાય છે. (ગી.અ.૧૭) આમાં પરસ્પર આપાત વિરોધ જણાય છે. માયા ભગવાનથી દૂર રાખે છે અને ભગવાન પાસે જાય તો માયાતરે છે તે વસ્તુને મનમાં લઈને એકા.સ્કંધમાં જનક રાજાએ પ્રબુધ્ધ યોગેશ્વરને માયા તરવાનો ઉપાય પૂછ્યો છે. ત્યારે યોગેશ્વર કહે છે કે “જોવું, જાણવું અને જવું એ ત્રણ સાધનોથી માયા તરાય છે જોવું એટલે જગતમાં જીવો સુખ માટે વલખા કરે છે, ઉપાયો કરે છે તો પણ ફળતો દુઃખ રૂપે આવે છે માટે આ જગતમાં જે મહેનતથી વિપરીત ફળો આવે છે તેને વિવેક દૃષ્ટિથી જોવા કહ્યા છે. તેવી પરલોકના ફળ નશ્વર છે. તેને જાણવા અને પછી શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરૂની પાસે જવું એ ત્રણ ઉપાયોથી માયા સંતરણ થઈ શકે છે. બતાવેલા ઉપાયો થી ભક્તિ ઉત્પન્ન થાય છે. અને માયા તરી શકાય છે. નારદજી અહિં ભક્તિ પ્રધાન યોગેશ્વરના ઉત્તરને ઉરમાં લઈને ઉત્તર કરે છે ‘यः संगान् त्यजति’– જેઓ સાંસારિક આસક્તીઓનો ત્યાગ કરે છે તેજ ભગવાનને પામે છે, તેજ સાચી ભક્તિને પામે છે. આ સંસારના વિષયો, પદાર્થો, વ્યક્તિઓ તેમાં થી આસક્તિ છુટવી જોઈએ

તે જોવાથી અને જાણવાથી છુટે છે.
‘यो महानुभावं सेवते’–જેઓ એ મહાન એવા પરમાત્માનો હૃદયમાં અનુભવ કર્યો છે, કૃપા મેળવી છે, રાજીપો મેળવ્યો છે તેને મહાનુભાવ કહે છે કારણ કે સૌથી મોટો અનુભવ તે પરમાત્માનો અનુભવ કરવો તે જ છે. અનુભાવ રસને કહેવાય છે જેને પરમાત્માનો રસ યથાર્થ અનુભવાયો હોય તેને મહાનુભાવ કહેવાય છે. તેની આજ્ઞાનું પાલન કરવુ, અનુવૃતિમાં રહેવું, સમયે સમયે સેવા કરવી, શ્રધ્ધાથી શ્રવણ કરવા તે મહાનુભાવોનું સેવન કર્યું કહેવાય. જેમને પરમાત્માનો અનુભાવ પ્રાપ્ત થયો છે તે જ બીજાને અનુભાવ કરાવી શકે છે માટે તેને પૂર્ણ શ્રધ્ધાથી સેવવા.

‘निर्ममो भवति’-સંસારની મોહ મમતાનો ત્યાગ કરો. મહાપુરુષનો સંગ તમામ મમતાને દૂર કરાવીને એક પરમાત્મામાં મમતા કરાવે છે એવી રીતે જે વર્તે છે તે માયાને તરે છે ને ભગવાનને પામે છે અને ભક્તિને પામે છે.