तस्मिंस्तज्जने भेदाभावात् ।।४१।।
ભગવાન અને ભગવાનના ભક્તમાં ભેદ નથી. અંતરાય નથી બન્નેમાં પરમ એક્તા વર્તે છે માટે જેમ ભગવાનને ઓળખવા કઠણ છે જેમ ભગવાનની કૃપા અમોઘ અને મહાન છે તેમ તેવા મહાત્માઓની કૃપા પણ અમોઘ અને મહાન છે માટે બન્નેની એક્તા કહેવામાં આવે છે.
ત્યારે કોઈને શંકા થાય કે જ્યારે ભગવાનમાં અનન્ય નિષ્ઠા કરવાની બતાવી છે ત્યારે મહાત્મા પુરુષોમાં પણ નિષ્ઠા કરીશુ તો અનન્યતા ચુકી જવાશે તો તેનું સમાધાન પણ આ સૂત્ર કરે છે કે ભગવાનને વિષે સાચા અનન્ય ભાવથી જોડાયેલા ભક્તોમાં અનન્ય નિષ્ઠા કરવી તે ભગવાનમાં નિષ્ઠા કરવાથી અલગ નથી ભગવાનમાં જ નિષ્ઠા થઈ છે તેમ માનીલો. સાચા મહાપુરુષ મુમુક્ષુને પરમાત્મામાં જોડાવામાં અંતરાય રૂપ નહી થાય ઉલ્ટું જીવોને પરમાત્મામાં જોડવા એતો તેના
જીવવાનું પ્રયોજન હોય છે “પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ…..’ વિગેરે. જે સીધી રીતે અથવા કાવાદાવા કરીને આડકતરી રીતે પોતાનામાં જ જોડી રાખે છે, વસ્તુતાએ તેઓ મહાપુરુષ નથી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે “મને રખે મોટોમાનો….. એ સંત શાનો?” માટે સાચા ભગવાનના અનન્ય ભક્તિવાન મહાપુરૂષોમાં નિષ્ઠા કરવાથી ભગવાનમાં નિષ્ઠા થઈ રહે છે તે શાસ્ત્રમાં કહ્યું છે જે
आराधनानां सर्वेषां विष्णोराराक्षधनं पदम् ।
तस्मात्परतरं देवी तद्दीयानां सर्मचनम् ।।
ये मे भक्तजनाः पथे न मे भक्ताश्च ते जनाः ।
मदभक्तानां च ये मद्भक्ता मम भक्ता च ते नराः ।।
હે દેવી સર્વ પ્રકારની આરાધનાઓમાં વિષ્ણુની આરાધના શ્રેષ્ઠ આરાધના છે તેના કરતા પણ તેના સાચા ભક્તો-સાચે ભાવે આરાધકોની આરાધના કરવી તે શ્રેષ્ઠ છે ને ભગવાનને જલ્દી પ્રસન્ન કરનારી છે.
ખરેખર મારી ભક્તિ કરનારા છે તેને હું મારા શ્રેષ્ઠ ભક્ત ગણતો નથી પણ ખરા દીલથી મારી આરાધના કરનારા છે તેની જે ભક્તિ-આરાધના કરે છે તેને હું મારા સાચા ભક્તો માનું છું.
સાચા ભક્ત જો પ્રાપ્ત થઈ જાય તો અવશ્ય ભગવાનની પ્રાપ્તિ કરાવી આપે છે પરંતુ તેવા ભક્તની સાચી ઓળખાણ થવીજ દુર્લભ બતાવી છે વસ્તુતાએ પ્રાપ્તિ તે પ્રાપ્તિ નથી સાચા ભાવમાં ઓળખાણ થવી એનેજ પ્રાપ્તિ માનવામાં આવે છે ભગવાનની પણ સાચી ઓળખાણ થવી, વાસ્તવિક મહિમા સમજાવો તેને જ પ્રાપ્તિ ગણવામાં આવી છે. અન્યથા ભેળા રહે, તો પણ પ્રાપ્તિનો ફાયદો મળતો નથી. વચનામૃતમાં મહારાજે ભગવાનના ભક્તની ભગવાન સાથેની એક્તા વારંવાર બતાવી છે. સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ તથા બ્રહ્માનંદ સ્વામીએ પણ ભગવાનને ભગવાનના ભક્તની પરમ એક્તા બતાવી છે.