શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૩૮

मुख्यतस्तु महत्कृपयैव भगवद् कृपालेशाद् वा ।। ३८ ।।

ભક્તિ ઉત્પન્ન થવામાં મુખ્ય પણે તો મહાપુરુષોની કૃપાથી અને ભગવાનની કૃપાના લેશ માત્રથી ભગવાનની ભક્તિ ઉત્પન્ન થાય છે.

જીવનમાં ભક્તિ આવવાનું મુખ્ય સાધન મહાપુરુષોની કૃપા છે ભક્તિ આવવાના અનેક સાધનો બતાવીને નારદજી સ્વાનુભવથી બતાવે છે. ભાગવતમાં વ્યાસજી પાસે પોતાનું વૃતાંત બતાવીને પોતાના પર મહાપુરુષોની કૃપા થઈને પોતાને ભક્તિ પ્રાપ્ત થઈ છે તે બતાવ્યું છે. જેની પાસે ધન હોય તે ધનવાન માણસ કહેવાય છે તે બીજાને કોઈને યાચકને ધન આપી શકે છે તેમ ભગવાનના એકાંકિત પ્રેમી પુરુષો જ ભગવાનની ભક્તિ બીજા જીવોને આપી શકે છે કોઈ ભગવાનના ભક્તે ભગવાન સમીપે જઈને પ્રાર્થના કરી કે મને પ્રેમ લક્ષણા ભક્તિ આપો. મને તમારામાં સાચો પ્રેમ આપો. ત્યારે ભગવાન બોલ્યા કે હું તો પ્રેમનો ભિખારી છું હું પ્રેમ તુને ક્યાંથી આપુ? માટે પ્રેમના જે ઘણી હોય તેની પાસે તારે જવું જોઈએ તેથી પ્રેમના ઘણી ભગવાનના સાચા પ્રેમી ભક્તજનો છે તે ભક્તિનું વિતરણ કરે છે. પ્રહલાદજી કહે છે કે

नैषां मतिस्तावद् उरुक्रमांधिं स्पृशत्यनर्थापगमो यदर्थः ।
महियसां पादरजोऽभिषेकं निष्किंचनानां न वृणीत यावत् ।। ७-५-३२

પ્રહલાદજી કહે છે કે આ જીવત્માં જ્યાં સુધી સર્વ અનર્થ ને દૂર કરનારી એવી નિષ્કિંચન એવા મહાપુરુષોની ચરણ રજનો અભિષેક પોતાના પર નથી કરતો ત્યાં સુધી તેની બુધ્ધિ ભગવાનનો સ્પર્શ કરી શક્તી નથી. ભગવાન પાસે પહોંચી શક્તી નથી.

જડભરતજી પણ કહે છે કે

रहूगणैतत् तपसा न याति न चेज्यया निर्वपणाद् ग्रहाद् वा ।
नच्छन्दसा नैव जलाग्निसूर्यै विना महत्पादरजोऽभिषेकम् ।। ५-१२-१२.

હે રહૂગણ ભગવાનનું સાચુ જ્ઞાન કે સાચી ભક્તિ તે તપસ્યાથી પ્રાપ્ત થતી નથી. ન યજ્ઞ કરવાથી, ન ઘરબારનો ત્યાગ કરવાથી, ન વેદાધ્યયન થી, ન જળ અિગ્નિ સૂર્ય આદિ દેવતાના આરાધનથી પણ પ્રાપ્ત થતી નથી. જ્યાં સુધી મહત્ પુરુષના ચરણની રજ નો પોતાના પર અભિષેક થતો નથી અર્થાત્ મહાપુરુષોના ચરણરજની અંદર જ્યાં સુધી લોટ-પોટ થઈ ગયા વિના ભગવાનની ભક્તિ પ્રાપ્ત થતી નથી.

ધર્મ, યોગ વિગેરે સાધનોમાં સાધકની ઈચ્છાનો અથવા પ્રયત્નનું પ્રધાન પણુ હોય છે પણ ભક્તિ કરવામાં કે પ્રાપ્ત કરવામાં જીવનું પ્રાધાન પણ હોતું નથી. સેવકને જ્યારે સેવા કરવાની રૂચિ હોય અને તેમાં પણ મહત્વની વાત તો એ છે કે જેની સેવા કરવાની છે તે સેવા સ્વીકારવા તૈયાર હોય તો જ તે વસ્તુ શક્ય બને, જે તે સેવા સ્વીકારવા તૈયાર ન હોય તો સેવકની ઈચ્છા હોય તો પણ સેવા કરી શક્તો નથી. જેમ નોકરી મેળવવાની આપણી ઈચ્છા હોય, યોગ્યતા હોય પરંતુ નોકરી આપનારાની ઈચ્છા ન હોય તો નોકરી કરી શકાતી નથી. માટે ભગવાન સેવા લેવાનું સ્વીકાર કરે અથવા બીજો એક ઉપાય પણ ભગવાનની સેવામાં પ્રવેશવાનો છે કે ભગવાનની સેવામાં બીજા કોઈ પુરુષ હોય, સાચા સેવક હોય અને તે ભગવાનની સેવામાં તમને સાથે રાખી લે તો ભગવાનની સેવા સુધી પહોંચી શકાય છે સંત ભગવાનના સાચા હજુરી સેવક છે માટે તે ભગવાનની ભક્તિ અપાવી શકે છે તેથી જ તો .‘लभ्यते महत् कृपया एव’ એમ કહ્યું છે. भगती तत् अनुपम सुख मूला।मिलई जो संत हों हि अनुकूला ।।

સાચા મહાપુરુષો પ્રેરણા કરીને જીવને ભગવાનની સેવામાં લગાડે છે નાટકીય મહાપુરુષો પોતાની જ સેવામાં રાખી લે છે બીજે જવા દેતા નથી. ભગવાનની સેવામાં પણ પહોંચવા દેતા નથી. ભગવાનને સ્વયં પોતાની સેવાની એટલી બધી જરૂર નથી તેણે તો પોતાની જાતને સંપૂર્ણપણે સાચા ભક્તોની સેવામાં આપી દીધી છે. ભક્તોને પોતે સંપૂર્ણ આધીન થઈ ગયા છે તેથી સાચા ભગવાનના સેવક-ભક્ત-સંતની કૃપા થાય તો ભગવાનની સેવા પ્રાપ્ત થાય છે ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે. મહાપુરુષોની કૃપા પ્રાપ્તિ સુલભ છે કારણ કે તે પ્રત્યક્ષ છે

અને દયાળુ-કૃપાળું છે માટે જીવની આરજૂ સ્થિતિ જોઈને દયા કરે છે.

ઈન્દ્રપુત્ર જયંતની કથા રામાયણમાં આવે છે તે રામ ભગવાન છે કે નહિ તેમ પરિક્ષા કરવા ગયો હતો. તેણે કાગડાનું રૂપ બનાવીને સીતાજીને પગમાં ચાંચ મારી હતી. રામ જાગ્યા. એક ઘાસનું તણખલુ લઈને તેમાં બ્રહ્માસ્ત્રનો મંત્ર મુકીને તેની પાછળ ફેંક્યું. જયંત પોતાના મુળ રૂપમાં આવીને ભાગવા લાગ્યો. પોતાના પિતા ઈન્દ્ર પાસે ગયો, બ્રહ્મા તથા શંકર પાસે ગયો કોઈએ શરણ આપ્યું નહિ. વ્યાકુળ જયંત ભાગતો હતો ત્યારે દેવર્ષિ નારદની તેના ઉપર દૃષ્ટિ પડી. તેને દયા આવી ત્યારે રામને જ શરણે જવાનો ઉપદેશ દીધો. જયંત ત્રાહી ત્રાહી કરતો રામના પગમાં પડ્યો પણ ડરથી તેનું ધ્યાન બ્રહ્માસ્ત્ર ઉપર હોવાથી પગ ભગવાન તરફ અને માથુ પાછળ પડ્યું તે વિમુખ હતો. રામ ચુપચાપ જોતા રહ્યા પરંતુ દયાળુ જગતજનની જાનકી માતાની દૃષ્ટિ જયંત ઉપર પડી. તેને મૂર્છા આવી ગઈ હતી. જાનકીજીએ તેને ફેરવીને માથુ પ્રભુના ચરણોમાં કરી દીધું અને તેના પર કૃપા કરી. મહાન વ્યક્તિઓ દુઃખી અને ગરજવાન જીવ ઉપર દયાવાન થાય છે. બધાજ જીવોનો તેણે ઈજારો લીધો નથી. પણ દુઃખી, કાતર અને ગરજવાનનો તે ઉધ્ધાર કરે છે. મહાપુરુષોના હૃદયમાં ભક્તિનો પૂર્ણ ચંદ્રમા ઉગેલો રહે છે. તેની સમીપમાં આવનારને પણ તેની ચાંદનીની શીતળતા મળે છે. ત્યારે તે વ્યક્તિને પણ એવું લાગે છે કે મારા હૃદયમાં પ્રકાશ છે ને હું મહાપ્રકાશ પાસે જઈ રહ્યો છું. મારા હૃદયમાં ભક્તિ અને આનંદ આવી રહ્યો છે. પરંતુ જ્યારે તે મહાપુરુષથી દૂર હટતા જ તેને રસનો અનુભવ થતો નથી અને જીવ સુકો બની જાય છે.

જ્યારે ગંગાને પૃથ્વી ઉપર અવતરવાનું થયું ત્યારે તેમને ડર લાગ્યો કે પાપી લોકો મારામાં સ્નાન કરીને મારામાં પાપ છોડશે તો મારૂ શું થશે? ત્યારે ગંગાએ ભગીરથને પ્રશ્ન કર્યો. ત્યારે ભગીરથ મહારાજાઓએ ગંગાજીને કહ્યું કે

साधवो न्यासिनः शान्ता ब्रह्मिष्ठा लोकपावनाः ।
हरन्त्यद्यं तेऽगसंगात् तेष्वास्ते ह्यघभित् हरिः ।। भा.९-९-०६.

હે માતાજી! પૃથ્વી ઉપર પરમાત્માના અનન્ય ભક્ત એવા સંત પુરુષો ફરતા હોય છે તે જ્યારે તમારામાં આવીને સ્નાન કરશે ત્યારે તમારામાં પાપીઓએ મુકેલા પાપ પણ બળીને ભસ્મ થઈ જશે કારણ કે તેઓ પાપનો નાશ કરનારા સાક્ષાત્ પરમાત્માને હૃદયમાં ધારી રહ્યા હોય છે. તેની દૃષ્ટિમાં, મનમાં, વાણીમાં એક એક અંગમાં પરમાત્મા પ્રગટ પણે બિરાજતા હોય છે માટે તેની દૃષ્ટિથી, મનના સંકલ્પથી, બાણીથી, સ્પર્શથી કે કોઈ પણ પ્રસંગથી જીવોને પવિત્ર કરનારા હોય છે. મહાપુરુષોના શાપમાં પણ ભગવાન રહીને તેની સત્યતા કરે છે અને તેને દંડ દઈને તેનું સારૂ કરે છે. જેમ નલકુબરને નારદજીનો શાપ વરદાનરૂપ થયો.

દુર્વાસાના શાપને નિમિત કરી મહારાજ પૃથ્વી પર પધાર્યા. અને વરદાનમાં પણ ભગવાન રહીને અનુગ્રહ કરે છે જેમ ધ્રુવને નારદજીના આશીર્વાદથી ભગવાન મળ્યા. તેમના વચનો સત્ય કરવા માટે ભગવાનને અવતાર પણ લેવો પડે તો લે છે. જેકે ભગવાનની કૃપાથી પણ જીવના હૃદયમાં ભક્તિ જરૂર ઉત્પન્ન થાય છે પણ તેમાં તારદજીને તો મહાપુરૂષોની કૃપામાં જ વધારે આસ્થા છે પોતે પણ મહાપુરુષોના આશીર્વાદથી ભગવાનમાં અખંડ પ્રેમ-અખંડ ભક્તિને પામ્યા છે તેથી તો‘महत् कृपया एव’ એવું લખી દીધુ છે. ‘एव‘ કાર લખી દીધો છે અથવા ભગવાનની કૃપાથી જે ભક્તિ થાય છે એ પણ મહકૃપા દ્વારા ભગવાનની કૃપા જીવ સુધી પહોંચે છે. ભગવાન કહે હું પ્રસન્ન થાઉ ત્યારે તેમને રૂડા સંતનો યોગ આપુ છું. તેથી ભગવાનની કૃપાથી સંતની પ્રાપ્તિ અને સંતની કૃપાથી ભક્તિની પ્રાપ્તિ થાય છે. એવું પણ કેટલાક માને છે કારણ કે ભગવાન આનંદ સ્વરૂપ છે આનંદકંદ છે તેમાં પરદુઃખ પ્રયુક્ત પણ દુઃખનો સંભવ નથી તેથી પરદુઃખ પ્રહાણેચ્છા રૂપ દયા ને પણ અવકાશ રહેતો નથી. મહાપુરૂષ જીવના દુઃખને જલ્દી પામી શકે છે તેથી તેને જીવ પર દયા જલ્દી આવી જાય છે અથવા તેની પ્રાર્થનાથી ભગવાન જીવ ઉપર દયા કરે છે. અને પોતાની ભક્તિ આપે છે માટે કાંતો ભગવાનની દયા કાંતો મહાપુરુષના માધ્યમથી અથવા તેની પ્રાર્થનાથી દયા જીવ સુધી પહોંચે છે તેથી દશમ સ્કંધમાં ભગવાનને “સદનુગ્રહ” બતાવ્યા છે. અર્થાત્ સત્ પુરુષો દ્વારા અનુગ્રહ કરનારા છે અથવા સત્પુરુષની પ્રાપ્તિ એજ ભગવાનનો અનુગ્રહ છે એમ માનો. એમ કહેવાનું તાત્પર્ય શું છે તો મહત્પુરુષની કૃપા થાય તેવા શીષ્યગુણ મુમુક્ષુએ સંપાદન કરવા. તે શ્રીમદ્ ભાગ. એકા. માં બતાવ્યા છે જે

मदभिज्ञं गुरुं शान्तमुपासीतमदात्मकम् ।-५
अमान्यमत्सरो दक्षो निर्ममो दृढ सौहृदः ।
असत्वरोऽर्थजिज्ञासुरनसुयुरमोघवाक् ।।-६
जायापत्यगृहक्षेत्र स्वजनद्रविणादिषु ।
उदासीनः समं पश्यन् सर्वेष्वर्थमिवात्मनः ।।-७

“પરમાત્માને સારી રીતે જાણનારા (શ્રોતિયં બ્રહ્મનિષ્ઠ)”, એવા અંતરશત્રુ જેના શમી ગયા છે એવા ગુરુમાં મારી બુધ્ધિ રાખીને-નિર્માની, નિર્મત્સરી, નિર્મમ, ગુરુમાં અતિ સૃહદભાવથી જોડાઈને, અતિ ઉતાવળો નહી તેવો, તત્વની જિજ્ઞાસાવાળો, કોઈના પર અસુયા નહિ કરનારો, વૃથાવાણી નહિ બોલનારો, પત્ની, પુત્ર ઘર ખેતર, કુટુંબ, દ્રવ્યાદિકમાં ઉદાસી અને સર્વત્ર આત્મ બુધ્ધિથી જોનારો એવો થકો-ગુરુની ઉપાસના કરવી’ ઈત્યાદિક શિષ્યના ગુણો ગુરુની સંતની કૃપા મેળવવા માટે બતાવ્યા છે તેને સંપાદન કરવા તો મહત્પુરૂષોની કૃપા થાય અને તેના હૃદયમાં ભક્તિ આવે અન્યથા દુર્ગુણ યુક્ત શિષ્ય ઉપર મહત્પુરુષની કૃપા થતી નથી અને તેમાં ભક્તિ થતી નથી એમ જાણવું. કારણ કે નારદજીનો ધ્રુવ સાથેનો પ્રસંગ સફળ થયો કારણ કે કૃપાની પાત્રતા રૂપ ઉપર વર્ણવેલા ગુણો તેમાં હતા તેજ નારદજી તો કંસની સાથે પણ પ્રસંગમાં હતા પણ તેમાં કાંઈ તેવુ થયુ નહિ તેમાં નારદજીનો પ્રસંગ સફળ ન થયો. કૃપા સફળ ન થઈ તેના હૃદયમાં નારદજીનો પ્રસંગ થવા છતાં ભક્તિ ઉદય ન થઈ.

भगवद् कृपा लेशाद् वा-

ભગવાનનું સ્વરૂપજ કૃપા છે-તે પણ અપરિત્યાગ લક્ષણા છે. ભગવાનની કૃપા તો અનંત અપાર છે તેમાંથી લેશ પણ પ્રાપ્ત થઈ જાય તો પણ જીવના હૃદયમાં ભક્તિ ઉદય થઈ જાય છે. ભગવાનમાં અનંત શક્તિઓ રહેલી છે તે બધી શક્તિઓમાં કૃપા શક્તિ જીવના કલ્યાણને માટે સર્વોપરિ છે ‘एतावान् हि प्रभोरर्थो यत् दीनपरिपालनम् ।’ સર્વજ્ઞ હોવાથી શું થઈ ગયું કે જે બીજાને માર્ગદર્શન ન કરે? સર્વ શક્તિમાન હોઈને જે દુઃખીઓનું દુઃખ દૂર ન કરે તો તેનો કશો અર્થ નથી. પ્રભુના પ્રભુત્વનું પ્રયોજન જ એ છે કે દિન જનો નું પાલન કરવું. ભગવાન પ્રતિ આર્તજનોનું રક્ષણ કરવું. જો એમ ન હોય તો સર્વશક્તિમાન પણાનો કોઈ લાભનથી.

અંહિ એક શંકા થાય છે કે ભગવાન દીનબંધુ અને કૃપા સિંધુ છે અને સર્વશક્તિમાન છે અને આપણી(ભક્તોની) બધી મુશ્કેલીઓને જાણે છે તો પછી આપણા ઉપર વિપતિ કેમ આવે છે? તો તેનું સમાધાન એ છે કે માતા બાળકને સ્નાન કરાવે છે, સાબુ લગાવે છે ત્યારે બાળકને ગમતુ નથી, તે ખુબ રડે છે, ખુબ દુઃખનો અનુભવ કરે છે તો પણ બાળકને સ્નાન કરવવું એતો માતાની કૃપા જ છે. અને માતા કરાવે છે. ડૉક્ટર રોગીનું ઓપરેશન કરે છે, શરીરને કાપે છે ત્યારે રોગીને ખુબ કષ્ટ થાય છે તો પણ તે ડૉક્ટરની કૃપાજ છે નિર્દયતા નથી. તેમ ભગવાન જીવને(ભક્તને) શુધ્ધ કરવા માટે ક્યારેક કષ્ટ કે વિપતિનારૂપમાં કૃપા વરસાવે છે પણ જીવ તેને ઓળખતો નથી.

ભગવાનની કૃપા આપણી સામે ભગવાનનું નામ બનીને, ભગવાનની સેવા રૂપે, ભગવાનની કથાના રૂપમાં અને મહાપુરુષોના સંગના રૂપમાં આવતી હોય છે પણ જ્યારે આપણી સમીપમાં હોય ત્યારે આપણે તેને ઓળખી શક્તા નથી અર્થાત્ આપણે તેને ભગવાનની કૃપાના રૂપમાં જોતા નથી ને ક્યારેક બોજાના રૂપમાં પણ જોવા લાગી જઈએ છીએ. તેથી યથાર્થ પણે અપનાવી શક્તા નથી તેમાં પણ જો મહાપુરુષનો સંગ મળ્યો તો તે ભગવાનની સર્વોપરિ કૃપા છે તે ભાગવતમાં કહ્યું છે જે

न रोधयति मां योगो न सांख्यं धर्म एव च ।
न स्वाध्यायस्तपस्त्यागो नेष्टापूर्त न दक्षिणा ।।
व्रतानि यज्ञश्छन्दांसि तीर्थानि नियमाः यमाः ।
यथावरुन्धे सत्संगः सर्वसंगापहो हि माम् ।। ११-१२-१/२

મને યોગ, જ્ઞાન અથવા ધર્મ પોતાનામાં એવા રૂંધી શક્તા નથી, ન જપ, ન તપસ્યા અથવા ત્યાગ, ન ઈષ્ટાપૂર્ણ, ન વ્રત, યજ્ઞ, વેદાધ્યયન, તીર્થાટન અને યમ-નિયમના પાલનથી હું એવો વશ થતો નથી જેવો સર્વાસક્તિનો નાશ કરનારા સંતપુરુષના સંગથી વશ જઇ જાઊં છું.

તે મહાપુરુષો કોને જાણવા તો જેની ક્રિયા, સંકલ્પ, સિધ્ધાંત, જીવનવ્યવસ્થા વિગેરેથી ભગવાનની સાથે એક્તા થઈ જતી હોય, ભગવાનની સાથે મળી જતુ હોય તે મહાપુરૂષ છે જેના આ બધા ભગવાનથી અલગ કે અનુવૃતિમાં ન હોય

તેવા હોય તે મહાપુરુષ ગણી શકાતા નથી.