શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૩૧

राजगृहभोजनाद्विषु तथैव दृष्टत्वात् ।।३१।।

નારદજી અંહિ દૃષ્ટાંત આપીને તે વાત સમજાવે છે જે રાજભવનમાં તથા ભોજનાદિકમાં એમ દેખવામાં આવે છે.

એક માણસ રાજભવનમાં રાજાને મળવા ગયો અથવા રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિને મળવા ગયો. દ્વારપાળે તેને રોક્યો અને પુછ્યું કે તમે કોણ છો? તમારે શું કામ છે? ત્યારે પેલાએ નામ કહ્યું અને કહ્યું કે હું રાજાને- રાષ્ટ્રપતિને મળવા માંગુ છું. દ્વારપાળે કહ્યું કે રાષ્ટ્રપતિ તમને ઓળખે છે(જાણે છે)? તમારો પરિચય છે? ત્યારે પેલાએ કહ્યું કે હું રાજાને-રાષ્ટ્રપતિને જાણું છું તે મને નથી ઓળખતા. ત્યારે દ્વારાપાળે કહ્યું કે તો તમે રાજા-રાષ્ટ્રપતિને ન મળી શકો. રાષ્ટ્રપતિને તો આખું જગત જાણે છે તે તમને ઓળખે છે કે નહિ? તો જ તમે તેને મળી શકો. પેલો કહે તે તો મને નથી જાણતા ત્યારે દ્વારપાળે તેમને પાછો મોકલી દીધો એમ રાજાના જ્ઞાનથી-રાજાને જાણી લેવાથી રાજા સંબંધી સુખ આવી જતું નથી એમ કહેવાનું તાત્પર્ય છે. તેવી જ રીતે ભોજનના વિષયમાં પણ બતાવી શકાય છે આપણે પણ શાસ્ત્રને આધારે જાણતા હોઈએ કે તે પણ ક્યા ક્યા ઉત્તમ પદાર્થોથી અને કઈ પધ્ધતિથી બને છે તેના ગુણદોષ શું શું છે? તેવું જાણવા માત્રથી માણસને પાકનો સ્વાદ આવી જતો નથી, તૃપ્તિ થતી નથી. તે પાકનું ભોજન કરવાથી જ તૃપ્તિ થાય છે રાજા અથવા રાષ્ટ્રપતિના પુરા ચરિત્ર-ગુણ-અવગુણ આદિકનું જ્ઞાન કદાચ પુરુ ન હોય અથવા હોય તો પણ તેની સેવામાં રહી ગયા તો પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. અને રાજ સુખનો અધિકારી બની જાય છે તેમ ભોજન બનાવવાનું જ્ઞાન હોય તો જ ભૂખ જાય કે તૃપ્તિ થાય તેવું નથી. તેનું ભોજન કરો ને પેટમાં પધરાવો એટલે ભૂખ જાય ને તૃપ્તિ થાય છે. તેમાં તાત્પર્ય એ થયું કે જ્ઞાન હોય અથવા ન હોય ज्ञात्वा ज्ञात्वा….. भाग ११’ પણ તેના સ્વરુપને ભક્તિથી હૃદયમાં પધરાવો, ભક્તિ કરે તો તેની રસરૂપતા કે ફળરૂપતા જણાય આવશે કેવળ જ્ઞાનથી નહિ. કદાચ કેવળ ભક્તિ હશે તો પણ જરૂર જણાય આવશે. જ્ઞાન હોય તો સારી વાત છે પણ કેવળ જ્ઞાન ભક્તિની તુલના કરી શક્તું નથી.