स्वयंफलरुपतेति ब्रह्मकुमाराः ।।३०।।
સનત્કુમારોના મતે ભક્તિ સ્વયં ફલ સ્વરૂપા છે કોઈ સાધનના ફળરૂપા નથી. સનત્કુમારોનો મત એ નારદજીનો જ મત છે. કારણકે નારદજી સનત્કુમારોના શિષ્ય છે.(અને નાનાભાઈ છે.) સનત્કુમારોએ નારદજીને ઉપનિષદોમાં તત્વનો ઉપદેશ આપેલો છે. વળી શ્રીમદ્ ભાગવતની સપ્તાહ કથા પણ પ્રથમ સનકાદિકોએ નારદજીને સંભળાવેલી છે. તેથી સનકાદિકો અને નારદ એક પરંપરાના છે તેથી નારદજી એકલા પોતાનું નામ ન આપતા પોતાના ગુરુ તથા મોટાભાઈઓને યશ આપતા તેના દ્વારા પોતાનો મત ઉધૃત કરે છે.
સ્વયં ફલરૂપાનો અર્થ એ છે કે ભક્તિ બીજા કોઈ સાધનના ફળરૂપ નથી અર્થાત્ બીજા સાધનોથી ભક્તિ ઉત્પન્ન થાય છે એમ નથી. પણ ભક્તિનું જ ફળ ભક્તિ છે ‘भक्त्या संजातया भक्त्या’ એવું કહેવામાં આવ્યું છે.(એકાદશ સ્કંધમાં)
અંહિ એક શંકા કરવામાં આવે છે કે શ્રવણાદિક નવધા ભક્તિ સાધનભક્તિ છે અને પ્રેમ લક્ષણા સાધ્યભક્તિ છે એમ બતાવવામાં આવે છે ત્યારે સ્વયં ફલ સ્વરૂપા તો રહી નહિ. ખાલી નામ એક છે એટલું થયું. ભક્તિ તો સાધન અને સાધ્ય રૂપે અલગ અલગ થઈ. માટે સ્વયં પ્રેમ સ્વરૂપા અને રસ સ્વરૂપા જ છે એમ બતાવવામાં આવે છે ત્યારે ભક્તિતો સાધન અને સાધ્યરૂપે અલગ અલગ થઈ. માટે સ્વયં ફલરૂપા નહિ કહી શકાય. તો તેનું સમાધાન એ છે કે ભગવાનના નામ જપ કે નવધામાંથી કોઈ પણ ભક્તિ સ્વયંપ્રેમ સ્વરૂપા અને રસસ્વરૂપા જ છે પણ કરનારા સાધકને પ્રતિબંધ નડતા હોવાથી રસસ્વરૂપ જણાતા નથી. અનુભવાતા નથી. પ્રતિબંધ જો હટી જાય તો નવધા ભક્તિ પોતે જ રસરૂપ-પ્રેમલક્ષણા બની જાય છે તેનું ક્લેવર બદલવાની જરૂર પડતી નથી. જેમ જેને પિત વિકાર થાય અને તાવ આવે તેને મિસ્ત્રી(ઘી-ખાંડ) મિઠી ન લાગે. પરંતુ તે રોગની(પિત વિકાર શમનની) દવા પણ મિસ્ત્રી જ છે તેથી ડોક્ટર તેને ન ભાવે તો પણ ખાવાની સલાહ આપે છે તે ખાતા રહેવાથી પિતવિકાર શમી જાય છે અને મિસ્ત્રી મીઠી પણ લાગવા માંડે છે તેજ પ્રમાણે જગત-વિષય-વાસનાનો જીવ ને પિત રોગ થઈ ગયો છે તેથી ભગવાનના નામજપ-કીર્તન-પૂજા વિગેરેમાં આનંદ ન આવે-કડવા લાગે તો પણ આગ્રહથી કરતા રહેવું જગત રોગ શમી જતા તેમાં રસ જણાવા લાગશે અને અતિ આનંદ આવેશે તેથી પ્રથમ સાધન હતું તેજ સાધ્ય બની જશે ફળરૂપી બની જશે. ભગવાનની ભક્તિ પ્રથમ સાધનના રૂપમાં કરો પછી તેજ ભક્તિ સાધ્યનું સ્વરૂપ ધારણ કરી લેશે. પછી વ્યક્તિ છોડવા માગશે તો પણ છુટશે નહિ. હિરણ્યકશિપુ પ્રહલાદને નામ જપ છોડવવા જ તો માંગતો હતો તેને માટે તેણે પ્રહલાદને શું કષ્ટ નથી આપ્યું? પરંતુ પ્રહલાદના હૃદયથી ભક્તિ છુટી ન શકી. માટે પ્રથમ સાધનાના રૂપમાં ભક્તિ કરવાની પછી તેજ ભક્તિ રાગાત્મિકા બની જશે ભગવાનનું સ્વરૂપ રસાત્મક છે રસરૂપ છે તે બે ભાગમાં વંહેચાયેલું છે એક નામ છે અને બીજું રૂપ છે. તે બન્નેની એક્તા છે તેમાં રૂપ ભગવાને પોતે પોતા પાસે રાખ્યું છે અને નામ ભક્તોને આપ્યું છે પરમાત્મા પોતે સમગ્ર બ્રહ્મની પ્રતિષ્ઠા છે એમ ગીતામાં કહ્યું છે તે બન્ને ધરાવે છે તો પણ નામમાં ભક્તોને અધિકાર આપી દીધો છે એક પર અધિકાર મળતા બન્ને પર અધિકાર પ્રાપ્ત થઈ જાય છે અને બન્ને રસરૂપ છે. નામ રસરૂપ નથી જણાતું તે સાધકના અંદરના પ્રતિબંધોને લઈને રસરૂપતા નથી જણાતી તે પ્રતિબંધ દૂર થતા તેમાં પણ તેટલીજ રસરૂપતા જણાશે.
ખરેખરતો પ્રવૃતિ માત્રમાં જ્ઞાન અપેક્ષિત છે તેથી ભક્તિનું સાધન જ્ઞાન છે તેને તમે નિષેધ નહી કરી શકો. તો પછી જ્ઞાનનું ફળ ભક્તિ નથી. અને ભક્તિનું ફળજ ભક્તિ છે એમ શા માટે કહો છો? તો તેનું સમાધાન એ છે કે જ્ઞાન સર્વ પ્રત્યે સાધારણ કારણ છે તે તો કોઈ પણમાં સાધારણ રહેશે. જેમ કાલ, અદૃષ્ટ વિગેરે સાધારણ કારણો છે. પણ અસાધારણ કારણ નથી. અસાધારણ કારણતો ભક્તિનું ભક્તિ જ છે અર્થાત્ ભક્તિને જ્ઞાન સાથે વિરોધ છે એમ નથી સાધારણ કારણના સાથે કોઈ વિરોધ કરી ન શકે. પણ જ્ઞાન સાથે કાર્ય કારણ ભાવે ભક્તિ બંધાયેલી નથી. જ્ઞાન ભક્તિને જરૂર મદદ શકે છે તેમાં વિરોધ નથી પણ ભક્તિનું અસાધારણ કારણ ભક્તિ જ છે જ્ઞાન નહિ. તેથી ‘भक्त्याः ज्ञानमेव साधनम्’ તેની સાથે વિરોધ છે જ્ઞાન તેમાં મદદરૂપ થાય છે તેમાં નહિ.
ભક્તિ ફળ સ્વરૂપા છે તે તો ર૬માં સૂત્રમાં બતાવીજ દીધુ હતું તો પછી અહિં પુનરૂક્તિ કેમ કરી? તો તેનું સમાધાન એ છે કે અંહિ સૂત્રકારનું તાત્પર્ય છે કે ભક્તિનું ફલાન્તર નથી અને ત્યાં સૂત્રકારનું તાત્પર્ય છે ભક્તિ સર્વ સાધનોના ફલરૂપા છે. એજ એનું સમાધાન છે તાત્પર્ય અલગ હોવાથી પુનરૂક્તિ દોષ નહિ ગણાય.