अन्योन्या श्रयत्वमित्यन्ये ।।२९।।
બીજા કોઈ આચાર્ય એવું માને છે કે જ્ઞાન અને ભક્તિ એક બીજાને આશ્રિત છે અર્થાત્ જ્ઞાનનું સાધન ભક્તિ છે અને ભક્તિનું સાધન જ્ઞાન છે.
કોઈ આચાર્ય એવું પણ માને છે કે જ્ઞાનનું સાધન ભક્તિ છે.
‘वासुदेवे भगवति भक्तियोगः प्रयोजितः जनयत्याशु वैराग्यं ज्ञानं च यअहैतुकम् (भाग.)
भक्त्या त्वनन्यया लभ्य अहमेवंविधोऽर्जुन । ज्ञातुं द्रष्टुं च तत्वेन प्रवेष्टुं च परंतप ।। गीता.
વૈરાગ્ય અને જ્ઞાન ઉત્પન્ન થાય છે અર્થાત્ ભક્તિથી જ્ઞાન ઉત્પન્ન થાય છે.
હે અર્જુન અનન્ય ભક્તિ વડે હું જેવો છું તેવો જાણી શકાઊં છું અને મારૂ દર્શન શક્ય બને છે. અર્થાત્ ભક્તિથી જ્ઞાન ઉત્પન્ન થાય છે.
ત્યાં દૃષ્ટાંત આપવામાં આવે છે કે એક વૃધ્ધા એક મહાત્મા પાસે ગઈ અને બોલી કે મહારાજ, હું ઠાકોર-સેવા કરવા ઈચ્છું છું. કાંઈક ભજન-પૂજન બતાવો.
મહાત્માએ એક શાલગ્રામ-ગોળ પત્થરના આપી દીધા અને કહ્યું આને તારા નાના પુત્રની જેમ સેવા કરજે. વૃધ્ધા તો શ્રધ્ધાથી સેવા કરવા લાગી. ઉઠાડે, સ્નાન, પૂજા, બરાબર કરવા લાગી. તેને ભાવ બેસી ગયો કે મારો પુત્ર છે. ગામ લોકો તેની મશ્કરી કરવા લાગ્યાને ચિઢવવા લાગ્યા કે આજ કાલ ગામમાં નારડા ફરે છે. નાના છોકરાને લઇ જાય છે તારા લાલાને સાચવજે. વૃધ્ધાને સાચુ લાગી ગયું. તે તો દરવાજે ડંડો લઈને બેસી ગઈ તેને કાંઈ સર્વજ્ઞ, સર્વ શક્તિમાન એવું જ્ઞાન ન હતું. ત્રણ દિવસ-રાત બેઠી રહી. ચોથી રાત્રે સ્વયં ભગવાન આવ્યા. વૃધ્ધાએ જોયા તો દૂરથી જ પડકાર્યા કોણ છો? દૂર ત્યાંજ ઉભા રહેજો. મારો લાલો જાગી જશે. ભગવાન કહે હું તારો લાલો જ છું. તું જેની સેવા કરે છે તે જ હું છું. વૃધ્ધા કહે-ચાલતો થા હવે મારો લાલો થવા આવ્યો છે તે. તારા જેવા તો કેટલાય મારા લાલા ઉપર વારી ફેરી જાઊં. ભગવાન કહે-માં હવે તારા ગોળ-મટોળ ને લઈને ગોલોક ચાલ ત્યારે વૃધ્ધા કહે ત્યાં-નારાડા આવે છે કે નહિ? અરે ત્યાં માખી-મચ્છર પણ ન આવી શકે તો નારાડો ક્યાંથી આવે? તો ચાલો-ત્યાં મારો લાલો સુખેથી રહેશે. દૃષ્ટાંતનું તાત્પર્ય એ છે કે મૂઢભાવથી પકડનારા લોકોને જ્ઞાન નથી હોતું પણ ભક્તિ પકડીને ભગાવાન ને પ્રાપ્ત કરી લે છે માટે ભક્તિથી જ્ઞાન થાય છે એવો સિધ્ધાંત પણ થયો એવું કેટલાક આચાર્યો માને છે.
જ્યારે આ સૂત્રમાં એવું પણ નથી કહેતા આ સૂત્રમાંતો પરસ્પર આધારિત છે એમ કહેવા માગે છે. ભગવાનની સેવા કરો. ભજન કરો તેનાથી જ્ઞાન થશે-વધશે. ત્યારે ભક્તિ પણ વધરો અને વળી પાછું જ્ઞાન વધશે. અને વળી પાછી ભક્તિ વધશે એમ પરસ્પરના આધારે બન્ને વૃધ્ધિ પામશે. અંહિ અન્યોન્યાશ્રય દોષ નથી પણ એકબીજાને સહાયક છે એવા ભાવમાં અન્યોન્યાશ્રયતા છે.