શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૨૬

फलरुपत्वात् ।।२६।।

ભક્તિ, કર્મ જ્ઞાન અને યોગથી શ્રેષ્ઠ શા માટે છે? તો ફળરૂપ હોવાથી-એ તેનો ઉત્તર છે.

ભક્તિ ફળ સ્વરૂપા છે. એ વાત સાચી છે કે કર્મ, જ્ઞાન કે યોગ પણ સાવધાન પણે કરવામાં આવે તો તે પણ કલ્યાણ ને આપવા વાળા બને છે પરંતુ ભક્તિની વાત અલગ છે ભક્તિ સાધન કાળમાં ફળ સ્વરૂપા છે બીજા સાધનો સાધનકાળમાં આનંદ રસ આપી શક્તા નથી કષ્ટ દેનાર હોય છે. જ્ઞાની પુરુષો નિષ્કામ કર્મ ભલે કરે પણ તેનાથી થાક અનુભવે છે. અને તેનાથી દેહને અંતે પણ નિવૃતિ ઇચ્છે છે વિવેકાદિ વડે જ્ઞાન પણ અતિ કઠિનાઈથી પ્રાપ્ત થાય છે યમ નિયમાદિકવાળો યોગ પોણ અતિ ક્લેશ અનુભવ કરાવનારો છે પરંતુ ભક્તિમાં તેવું નથી. ભક્તિ સાધનાવસ્થામાં પણ રસ રૂપિણી છે. સાચો ભક્ત સાચી ભક્તિ થકી ક્યારેય નિવૃતિ પામતો નથી અને નિવૃતિ ઈચ્છતો નથી. ભક્તિરસરૂપ હોવાથી મૃત્યુ પછી પણ મુકી શકાતી નથી. વસ્તુતઃ કર્માદિકથી સાક્ષાત શ્રેય થતું નથી. ભગવાન પ્રત્યે ભક્તિ ઉત્પન્ન કરીને જ કર્મ, જ્ઞાન કે યોગની સાચી સાર્થકતા બને છે.

કોઈ કહેશે ચાલો ઠિક છે. કર્મ જ્ઞાન યોગ બીજ કે વૃક્ષ રૂપ છે ને ભક્તિ ફલસ્વરૂપા છે તો પણ અંતે તો બન્ને એક બની રહેશે. કારણ કે ફળમાં બીજ પડ્યું છે ને બીજમાં ફળ પડ્યું છે તો એવો કાર્ય કારણ ભાવ કર્મ, જ્ઞાન-યોગ અને ભક્તિ વચ્ચે સ્થાપિત ન કરી શકાય નિષ્કામ કર્મ અવશ્ય ભક્તિ ઉત્પન્ન કરે જ એમ કાર્ય-કારણ ન બનાવી શકાય એ તો એવો આશય રાખીને કરવામાં આવે, એવો ઉદેશ્ય બનાવીને કરવામાં આવે તો તે ભક્તિ ઉત્પન્ન કરવામાં ઉપયોગી જરૂર થાય છે જ્ઞાન યોગાદિકના અનુષ્ઠાનમાં એવો અભિપ્રાય રાખવામાં આવે તો તેઓ ભક્તિ ઉત્પન્ન કરવામાં મદદરૂપ થઈ શકે છે તે પણ “ભક્ત્યા સંજાતયા ભક્ત્યા” ભક્તિમાં રૂચિ ઉત્પન્ન કરીને ભક્તિને વધારનારા બને છે પણ કાર્ય-કારણભાવથી ભક્તિના કારણ બની શક્તા નથી. કર્માદિની અવધિ ભક્તિ બની શકે છે.

‘निगमकल्पतरोगलितं फलम्…’ માં બતાવ્યું છે કે વેદરૂપી વૃક્ષ છે અથાર્ત કર્મકાંડ-ધર્માદિ વૃક્ષ છે અને ભાગવત અર્થાત્ ભક્તિ તેનું ફળ છે તેનું તાત્પર્યતો એ છે કે કર્માદિકનું ભક્તિમાં પર્યવસાન કરવાનું છે ભક્તિ તેની અવધી છે એવું પ્રતિ પાદન કરવાનું તાત્પર્ય છે.

એક રાજાના કારાગારમાં બે કેદીઓ-બંદીઓ હતા. એક બંદીએ રાજાની પ્રાર્થના કરી ત્યારે રાજાએ પ્રસન્ન થઈને તેને કેદખાનામાંથી છુટ્ટો કરી દીધો તે ધેર ચાલ્યો ગયો બીજો કેદી બંદીખાનામાં રહીને દર રોજ એક માળા બનાવીને રાજાને માટે મોકલતો. તેની સેવાથી પણ રાજા પ્રસન્ન થયા અને આજ્ઞા આપી કે આમને પણ બંદિ મુક્ત કરી દો. ત્યારે બંદિએ પ્રાર્થના કરી કે મને કૃપા કરીને કારાગારમાંજ રહેવા દ્યો. મને અંહિ રાજાની સેવા થાય છે તેથી સંતોષ છે. હું જે માળા બનાવીને હરરોજ આપને પહેરાવું છુ તે સેવા મારી પાસેથી લઈ લેવામાં ન આવે હું હમેંશા સેવા કરતો રહું તેમાં મને આનંદ છે કારાગારનું દુઃખ નથી. ત્યારે રાજા વધારે પ્રસન્ન થયા અને કહ્યું કે આને રાજાના બગીચામાં માળી તરીકે નિયુક્ત કરી દેવામાં આવે. ત્યારે તેમ કરવામાં આવ્યું. ત્યારે તેની સેવાથી મહારાણી પણ પ્રસન્ન થઈ ગયા. તેમણે રાજાને આગ્રહ કર્યો કે આ માલીને અંતઃપુરની સજાવટ કરવામાં નિયુક્ત કરો રાજાએ તે માણસની ત્યાં નિયુક્તિ કરી. દૃષ્ટાંતનો ઉપદેશ એ છે કે ભકત મુક્તિને ઈચ્છતો નથી ભક્તિને ઈચ્છે છે. મુક્તિ અને ભક્તિમાં આટલો ફેર છે કે પ્રથમ બંદીને રાજાએ કારાગારમાંથી મુક્ત કર્યો તે મુક્તિને ઠેકાણે છે બસ તે મુક્ત થઈ ગયો. સંસારના કારાગૃહમાં પડેલા જીવની બંધનથી મુક્તિ થવી એવું છે પરંતુ ભક્તિ કરવાથી જે પ્રાપ્તિ થાય છે તે બીજા બંદીના દૃષ્ટાંતથી સમજાવવામાં આવ્યું છે મુક્તિ તો તેને સહજે જ પ્રાપ્ત થઈ રહે છે.

रोमाञ्चेन चमत्कृता तनुरियं भक्त्या मनो नन्दितम् ।
प्रेमाश्रृणि च भूषयंति वदनं कण्ठं गिरो गद्गदाः ।।
ना स्माकं क्षणमात्रमप्यवसरः कृर्णाचनं कुर्वताम् ।
मुक्तिद्वारि चतुर्विधाऽपि किमियं दास्याय लोलायते ।।

ભગવાનનો ભક્ત ભગવાનની પૂજામાં નિમગ્ર છે રોમાંચથી શરીર પુલક્તિ થઈ રહ્યું છે ચિત ભક્તિના આનંદથી પરિપૂર્ણ છે. પ્રેમના આંસુ મુખને શોભાવી રહ્યા છે. કંઠ રૂંધાય રહ્યો છે. વાણી ગદ્ગદ્ થઈ રહી છે. આ પ્રમાણે પરમાત્માની

સેવામાં એમને બીજાની સામે ધ્યાન દેવાનો એક ક્ષણનો પણ અવકાશ નથી એવી અવસ્થાવાળા ભક્તના દ્વાર પર ચાર પ્રકારની મુક્તિઓ દાસી બનવા ચક્કર મારી રહી છે. જ્ઞાનનું ફળ મુક્તિ છે પણ મુક્તિ સામે તો ભક્ત જોતો પણ નથી. ભક્તતો ભક્તિના એક એક ક્ષણ પર મુક્તિને ન્યોછાવર કરી દે છે.

ભગવાન પણ જીવને “મુક્તિ દદાતિ કર્હિચિસ્મ ન ભક્તિયોગમ્” ભગવાન પ્રસન્ન થાય તો જીવને મુક્તિ જલ્દી આપી દે છે પણ ભક્તિ જલ્દી આપતા નથી. મુક્તિ કરતા પણ ભક્તિ આનંદરૂપ અને ફળરૂપ છે. ભગવાનના સાચા ભક્તને બંધન છે જ નહીં. જગતની આસક્તિ એજ બંધન છે ભક્તને તો ભગવાનની સાથે ભાવનું બંધન છે તે મુક્તિથી પણ વધારે છે. જ્ઞાનથી પણ અધિક છે.

ધર્મ, જ્ઞાન અને યોગથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ એકલી ભક્તિથી પ્રાપ્ત થાય છે એમાં ભક્તિની સંપૂર્ણ મોટાઈ નથી. ખુદ ભગવાનની પ્રાપ્તિ કરાવે છે એમાં પણ ભક્તિનું ગૌરવ પૂર્ણ થઈ જતું નથી. ભક્તિ જો ભગવાનની પ્રાપ્તિમાં સાધન માત્રજ હોત તો તેની શી વડાઈ ગણાય? જેમ સ્ત્રી પુરૂષના લગ્ન બ્રાહ્મણ કરાવી આપે છે ને પછી ચાલ્યો જાય છે તે કામતો દલાલીનું છે મધ્યસ્થીનું છે ભક્તિ ભગવાનને પ્રાપ્ત કરાવીને પણ ચરિતાર્થ થઈ રહેતી નથી. કારણ કે તે ફળ સ્વરૂપા છે. તે ભગવાનને મેળાપ કરાવીને નિવૃત થઈ જતી નથી. ભગવાન ખુદ ભક્તિને વશ થઈ રહે છે એમાં પણ ભક્તિનું ગૌરવ પૂર્ણ થઈ જતું નથી પરંતુ ભક્તિનું ફળ ભક્તિ જ રહે એમાં જ ભક્તિની મોટાઈ છે. આ ચર્ચાનું તાત્પર્ય પાછુ એવું નથી કે ભક્તિની મોટાઈ કહેતા ભગવાનના સ્વરૂપની મોટાઈ ઓછી થઈ જશે. ભક્તિ ભગવાનના સ્વરૂપથી(મૂર્તિથી) પણ અધિક છે એવું નથી. ભગવાનનું સ્વરૂપતો(મૂર્તિતો) નિર્વિવાદ સર્વ કરતા અને ભક્તિ કરતા પણ પ્રથમ જ છે પણ સૂત્ર અને ચર્ચાનું તાત્પર્ય એટલું જ છે કે ભક્તિથી ભગવાન તેને વશ થઈ જાય છે ‘भक्ते र्फलं इश्वर वशीकारः ।’ પણ ભક્તની મોટાઈ ભગવાનને વશ કરી રાખવામાં નથી પરંતુ ભગવાનને વશ થઈ ને રહેવામાં છે અને ભગવાનને સદા વશ થઈને રહેવાની ઈચ્છા તેને ભક્તિ ગણાવી શકાશે પણ ભગવાનને વશ કરી રાખવાની ઈચ્છાને ભક્તિનું સ્વરૂપ નહીં ગણાય કારણ કે એવી ઈચ્છાતો બધાને ખુબ જ રહે છે તેથી બધા ભક્ત થઈ ગયા એવું નથી. જેને તીવ્ર ઈચ્છા(બર્નીગં ડીઝાયર) રહે છે કે હું સંપૂર્ણ ભગવાનને વશ થઈને જ રહું તે જરૂર ભક્તિ લેખાશે. તેથી ભગવાનના ભક્તને ભક્તિ કરીને કર્મ જ્ઞાન યોગના ફળને પામી રહું, કે ભગવાનના ધામની પ્રાપ્તિ મને થાય, ભગવાન મને વશ થાય એવી ઈચ્છા ન કરવી પણ ભક્તિ અખંડ રાખવાની ઈચ્છા રાખવી. ઉપર બતાવ્યું તે તેને જરૂર પ્રાપ્ત થવાનું જ છે પણ તે પ્રાપ્ત થાય તો ત્યાં અટકી જવાનું નથી પણ ભક્તિ અખંડ ચાલુ રહે તેવી ઈચ્છા રાખવાની છે. ત્યારે તેના હૃદયમાં ભક્તિ આવી છે એમે જાણવું. આ મુદ્દાઓ બધા “ચેકલીસ્ટ’ છે. તે આવે ત્યારે પણ મારા અંતરમાં કઈ વસ્તુનો વેગ રહે છે તે ચેક કરીને પોતાના અંતરમાં તપાસ કરવા માટેના છે. ભગવાનની મૂર્તિ ગૌણ કરવાનું તાત્પર્ય નથી કે બીજા સાધનોના અનુષ્ઠાન ઢીલા કરી દેવાનું નથી. ભગવાન ખુદ ભક્તિનો પૂરો મહિમાં કહી શક્તા નથી. શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓનો મહિમા કહેતા બતાવ્યું કે હું દેવતાના સો વર્ષ સુધી કહુ તો પણ કહી ન શકાય. ભક્તિનું ફળ ભક્તિ છે. સાધન ભક્તિનું ફળ સાધ્ય ભક્તિ છે તે બન્ને માં તફાવત એટલોજ છે કે રસ હિનતા વાળી સાધન ભક્તિ કહેવાય છે જેમાં રસની અધુરાઈ છે. પૂર્ણ રસ પૂર્વક કરવામાં આવતી તેજ ભક્તિ સાધ્ય ભક્તિ છે. અને જેને મુક્તિ પછી પણ કરવામાં આવે છે. ધામની પ્રાપ્તિ થઈ જાય તો પણ તેનો વિરામ થઈ જતો નથી ત્યારે તો તેની ફળરૂપતા બરાબર ગણાશે. તેથી જ સાચો ભક્ત ભગવાનના સાનિધ્ય (અર્થાત્ ભગવાનની પ્રાપ્તિ) કરતા પણ ભગવાનની યથાર્થ સેવાને જ ઈચ્છે છે. ભગવાન દૂર રાખવા ઇચ્છે તો દૂર રહે છે અને હજુર રાખે તો હજુર રહીને સેવા ને જ ઈચ્છે છે. ભગવાનનો ભક્ત ભગવાન કરતા પણ ભક્તિને પ્રથમ ઈચ્છે છે. કારણ કે સાચી ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ તો ભગવાન પણ તેનાથી દૂર રહી શકવાના નથી. માટે સાચો ભક્ત કેવળ ભગવાનની ભક્તિ-સેવા કરવા ઈચ્છે છે ભગવાનની પ્રસન્નતા નેજ ઈચ્છે છે. તેથી જ કહ્યું છે. ‘आनुकूल्येन कृष्णानुशीलनं भक्ति रुत्तमा ।’ ભગવાનને અનુકૂળ થઈને સેવવા તે ઉત્તમ ભક્તિ છે.

ધર્મનું ફળ છે સુખ અને પવિત્રતા(હૃદય શુદ્ધિ) પરંતુ તે ફળ ધર્મ દ્વારા વિલંબથી અને જન્માંતરે પ્રાપ્ત થાય છે ભક્તિ એ ફળ તત્કાળ આપે છે આ જીવનમાં આપી દે છે. જ્ઞાન હૃદયને શુધ્ધ કરી શક્તું નથી કારણ કે હૃદય શુધ્ધ થાય ત્યારે તો જ્ઞાન આવે છે. તે અજ્ઞાન ને મિટાવે છે, અંધકારને મિટાવે છે. યોગ ચિતને રૂંધે છે ભક્તિ એકલી હૃદયમાં પ્રકાશ પણ કરે છે ને ચિતને પણ રૂંધે છે તેઓ ત્રણે મળીને જે કાર્ય કરી શક્તા નથી તે ભક્તિ એકલી કાર્ય કરી રહી છે ભક્તિ ખાલી દોષાપનયન જ નથી કરતી તે ગુણાધાન પણ કરે છે. તે હૃદયથી ગંદકી દૂર કરીને અંતરને ગુણોથી સુગંધીત બનાવે છે. ભક્તિ સુખનું સાધન નથી, સુખસ્વરૂપા છે ભક્તિ કોઈનું સાધન ન માની શકાય કારણ કે તે બધા સાધનનું સાધ્ય છે, ફળ છે.

“ફલરૂપત્વાત્” નું બીજું તાત્પર્ય છે ભક્તિરસરૂપ છે વનસ્પતિનું ફળ તેના રસથી ભરપુર હોય છે.

‘निगम कल्पतरोर्गलितं फलम् ….. ‘ ભક્તિનું ફળ ભગવાનની પ્રાપ્તિ ,ધામની પ્રાપ્તિ, મુક્તિ કે સમાધિ હોય તો ભક્તિ ફળ સ્વરૂપા ન બની શકે પણ થડ બની જશે. પણ ભક્તિને તો ફળ રૂપ બતાવી છે રસતો ફળમાં જ વિશેષ હોય છે થડમાં નહિ. ભક્તિ ફળ તો છે પણ જેમાં છાલ, ગોઠલી, બીજ વિગેરે દૂર કરવા જેવો કચરો બિલકુલ નથી. કેળા, કેરી, વિગેરે રસ સ્વરૂપ છે પણ થોડો દૂર કરવા જેવો ભાગ પણ તેમાં હોય છે ખરો. ભક્તિમાં તેવું નથી. છતાં પણ ભક્તિ કરતાં કરતાં અસંતોષ તો તેને થાય છે કે જેને ભગવાન સિવાય બીજું કાંઈક જોઈએ છે જે ભક્તિ કરીને તેના બદલામાં બીજું કાંઈક મેળવવા ઈચ્છે છે તેવી વ્યક્તિને ભક્તિથી સંતોષ કે તૃપ્તિ થાતી નથી. તેને મનમાં એવું થાય છે કે આટલા સમયથી ભગવાન અને તેના ભક્તોની સેવા કરી તો પણ કાંઈ વળ્યું નહીં. અર્થાત્ કાંઈ મળ્યું નહિ. ઘણા દિવસથી પૂજા, માળા, તિલક-ચાંદલો કર્યા; સત્સંગ કર્યો પણ હજુ કાંઈ લાભ કેમ થતો નથી? તો તે ભક્ત નથી.

भुक्ति-मुक्ति स्पृहा यावत् पिशाची हृदि वर्तते ।
तावत् भक्तिसुखस्यात्र कथमभ्युदयो भवेत् ।।

જ્યાં સુધી ભોગપ્રાપ્તિ અથવા મોક્ષની પ્રાપ્તિની કામના રૂપી ચુડેલ હૃદયમાં બેઠી છે ત્યાં સુધી ભક્તિના આનંદનો અભ્યુદય કેવી રીતે થાય? ભગવાનની સેવા કરીને કોઈ ન કોઈ સાંસારિક વસ્તુ ઈચ્છે છે તે સાચો સેવક નથી-વ્યાપારી છે કોઈ પુરુષો સેવા કરીને ભગવાનને પોતાને જ ઈચ્છે છે તો તેવી જે તેની ઈચ્છા

સંસારની સમગ્ર કામનાઓનો નાશ કરી નાખે છે.

જ્યારે જીવ ભગવાનની સન્મુખ ચાલવા જાય છે. ત્યારે પૂર્વના પાપ તેમાં બાધા નાખે છે પાપ કરનારો માણસ શાસનથી અને સમાજથી ડરતો રહે છે તે ઈશ્વરનું ચિંતન પણ કરી શક્તો નથી ભગવાન તરફ ચાલવામાં પુણ્ય પણ ક્યારેક બાધારૂપ થાય છે પુણ્યના ફળથી ધન મળ્યું, પદ-પ્રતિષ્ઠા મળી, પરિવાર મોટો થયો ત્યારે તેની બધાની વ્યવસ્થામાં અને સંભાળવામાં ભગવાન છુટી ગયા. ભગવાન યાદ કરવાનો તેને સમય મળતો નથી. ભક્તિ કરવાથી આ બધાની આસક્તિ છુટે છે પાપ, પુણ્ય અને પ્રારબ્ધ એ ત્રણેય માંથી ભક્તિ દ્વારા છુટાય છે ભક્તિમાં વિઘ્ન કરનારું એક કારણ અપરાધ પણ છે. અપરાધ મુખ્ય ત્રણ પ્રકારના હોય છે ભગવાનનો અપરાધ, ભક્તિનો અપરાધ અને ભગવાનના ભક્ત ને અપરાધ.

હરિ લીલામૃતમાં અપરાધ બતાવ્યા છે.-

જાશે દેવ સમીપ ચાખડી ચડી કે વાહને જો ચડી,
તો જાણો અપરાધ એજ સુરનો તેણે કર્યો તે ઘડી,
જો જન્મોત્સવ દેવના ન કરશે તે દોષ બીજો ગણો
પેખી મૂર્તિ પ્રણામ જે નહિ કરે તે દોષ ત્રીજો ગણો
બેસે મંદિરમાં મનુષ્ય જઇને જે કોઇ ઉચ્ચાસને
એકાંતે નરનારી ત્યાં સ્થિતિ કરે કાંતો કરે હાસ્યને
કે ઉચ્છિષ્ટ અશૌચ આપ તનથી જે દેવને જો અડે
કાંતો થાય પ્રણામ એક કરથી તે પ્રૌઢ પાપે પડે.
કાંતો એક પ્રદક્ષિણા જ કરશે દુઃશબ્દ ઉચ્ચારશે,
કે બેસી પ્રભુ મૂર્તિ પાસ નિજના લાંબા પગો ધારશે
બેસે ઢીંચણ બાંધી વસ્ત્ર કરીને કાંતો સુવે ત્યાં કણે
કે કાંઈ પણ ખાય મંદિર વિષે જુઠું જીભે જે ભણે
ઉંચા શબ્દ થકી સુખેથી ઉચરે કે કાંઈ કટે રૂવે
સ્ત્રીનો સ્પર્શ કરે સ્ત્રીઓ પુરૂષનો કે ખોટી દૃષ્ટિ જુએ.

મોટાઈ ધરી કોઈને વચન ત્યાં આપે કદી રાજીને
કે કોઈ જનને પ્રભુ સદનમાં શિક્ષા કરે ખીજીને
ટંટો કાંઇ કરે નિવેદીત વિના જે કાંઇ વસ્તુ જમે
બોલે ગ્રામ્ય કથા તથા રમત તે ત્યાં કોઈ રીતે રમે
દેવસ્થાન વિષે અધોપવનનો સંચાર કોઈ કરે
બેસે પુંઠ કરી નિજતણી કીર્તિ કદી ઉચ્ચરે.
જે પોતે કરી મનતા પણ પછી પૂરી કરે તે નહિ.
ઉછીનું લઇ દેવનું પછી થકી પાછુ કદી દે નહિ.
જે અર્પે ન ફળો રતેરતતણા વંદે બીજાને તહિ
જે ભાવે બહુ આપને સુરસ તે નૈવૈદ્ય ધારે નહિ.
ઈત્યાદિ અપરાધ તે ન કરવા ભક્તિ ભલી થાય તો
પ્રાયશ્ચિત કરે કદી અસમજે એવું થઈ જાય તો.
ઉભા એક સ્થળે રહી હરિ તણી સૌ આરતી કીજીએ
બીજી વાત બધી તજી પ્રભુ પદે વૃતી સદા દીજીએ.

ઈત્યાદિક ભગવાનના અપરાધ કહેવાય છે ભક્તિને બીજા સાધન જેવી માનવી એ ભક્તિનો અપરાધ છે અને સૌથી મોટો અપરાધ ભક્તનો અપરાધ છે ભક્તોનો અપરાધ ભગવાન ક્ષમા કરતા નથી તેમજ નામ જપ વિગેરેથી પણ મટતો નથી ભક્ત જ તેની ક્ષમા કરી શકે છે.