सा तु कर्मज्ञानयोगेभ्योऽप्यधिकतरा ।।२५।।
ભક્તિ, કર્મ જ્ઞાન અને યોગથી પણ શ્રેષ્ઠ છે.
જેના હોવાથી જે હોય અને ન હોવાથી ન હોય તેને પરાધીનતા કહેવાય. મહાત્મ્ય જ્ઞાન હોય ત્યારે જ પ્રેમ ભક્તિ હોય અને મહાત્મ્ય જ્ઞાન ન હોય તો પ્રેમ તે કામ બની જાય છે-ત્યારે આતો ભક્તિ જ્ઞાનને આધિન બની ગઈ કહેવાય તેનો અર્થ એવો થયો કે ભક્તિ નાની બની ગઈ અને જ્ઞાન શ્રેષ્ઠ બની ગયું. જ્ઞાન પિતા થયું અને ભક્તિ પુત્રી બની ગઈ. પણ એવી વાત નથી. ભક્તિ માતા છે અને જ્ઞાન-વૈરાગ્ય તેમના પુત્રો છે. બિજદાતા પિતા નથી. બીજા દાત્રી માતા પોતે છે. શ્રીમદ્ ભગવતના મહાત્મ્યમાં આ કથા બતાવી છે. તે વાતની વધારે સ્પષ્ટતા આ સૂત્રથી કહે છે.
ભક્તિ સર્વ કરતા શ્રેષ્ઠ છે એમ ગીતામાં પણ ભગવાને પ્રતિપાદન કર્યું છે.
तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः ।
कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन ।।
योगिनामपि सर्वेषां मद्गतेनात्मरात्मना
श्रध्धावान् भजते यो मां समे युक्ततमो मतः ।।गी.६/४६-४७
હે અર્જુન તપસ્વી, જ્ઞાની અને કર્મી કરતા પણ યોગી શ્રેષ્ઠ છે માટે તુ પણ યોગી બની જા. પરંતુ સમસ્ત યોગીઓમાં પણ મારામાં ચિત લગાવીને શ્રધ્ધા પૂર્વક મારૂ ભજન કરે છે તે મારે માટે સર્વથી શ્રેષ્ઠ છે. શ્રધ્ધાળુ ભક્ત યોગીઓથી પણ મોટો છે.
તથા ભાગવત્માં પણ શ્રી કૃષ્ણ ભગવાન્ ઉધ્ધવજી પ્રત્યે કહે છે કે
न मां साधयति योगो न सांख्यं धर्म उध्धव ।
न स्वाध्याय स्तपस्त्यागो यथा भक्तिममोर्जिता ११-१४-२०
શ્રી ભગવાન કહે છે કે હે ઉધ્ધવ જેવી મારે વિશે ઉત્પન્ન થયેલી ભક્તિ મને પ્રસન્ન કરે છે તેટલા યોગ, સાંખ્ય જ્ઞાન, ધર્મ, વેદાધ્યયન, તપસ્યા અથવા ત્યાગ પ્રસન્ન નથી કરી શક્તા.
આ સૂત્રમાં કર્મનો અર્થ વૈદિક કર્મ એવો લેવાનો છે અર્થાત્ ધર્મક્રિયા એવો થાય છે. નિષિધ્ધ કર્મ તો ત્યાગવા યોગ્ય જ છે. સકામ કર્મની પણ અંહિ ચર્ચા નથી. પરંતુ નિષ્કામ કર્માનુષ્ઠાન કરતા પણ ભક્તિ શ્રેષ્ઠ છે. નિષ્કામ કર્માનુષ્ઠાનથી અંતઃકરણની શુધ્ધિ થાય છે નિષ્કામ કર્મ અંતઃકરણમાંથી કામનાનો નાશ કરી નાખે છે પરંતુ ભક્તિ હૃદય શુધ્ધ કરીને પરમાત્મામાં જોડે છે ભાગવતમાં ભક્તિથી રહિત કર્માદિકમાં અનેક દોષ બતાવ્યા છે.
श्रेयः श्रृति भक्तिमुदस्य ते विभो क्लिष्यन्ति ये केवलबोधलब्धये ।
तेषामसौ क्लेशल एव शिष्यते नान्यद् यथा स्थुलतुषावधातिनाम् ।। १०-१४-०४
ભાગવતમાં બ્રહ્માજી પોતાની સ્તુતિમાં કહે છે કે વિભો, કલ્યાણનો પ્રવાહ રેલાવનારી ભક્તિનો ત્યાગ કરીને કેવળ જ્ઞાન મેળવવા માટે જે સાધકો પ્રયત્ન કરે છે તેઓ કેવળ ક્લેશ ને પામે છે.(ફળને પામતા નથી.) જેમ ધાન્ય કાઢી લીધેલા ફોતરાને ખાંડવાથી થાક સિવાય કાંઇ પ્રાપ્ત થતું નથી.
ज्ञाने प्रयास मुदपास्य नमन्त एव जीवन्ति सन्मुखंरितां भवदीयवार्ताम् ।
स्थाने स्थिताः श्रृतिगतां तनुवांग्मनोभिर्ये प्रायशोऽजित जितोऽप्यसि तैस्त्रिलोक्याम् ।।१०-१४-०३
માટે કેવળ જ્ઞાન મેળવવાનો પ્રયાસ છોડી દઈને સંતોના મુખથી સરી પડતી તમારી વાર્તા(કથા) નું જે પાન કરે છે અને તેમને નમસ્કાર કરે છે અર્થાત્ તમારી ભક્તિ જ કરે છે. હે અજિત તમે ઘણુ કરીને ત્રિલોકીમાં કોઈનાથી જીતાય શકો એવા નથી. તો પણ તે ભક્તોથી તમે જીતાયેલા છો. તે ભક્તો તમને પ્રેમથી જીતી ને વશ કરી નાખે છે.
नैष्कर्म्यमप्यच्युतभाववर्जितं न शोभते ज्ञानमलं निरंजनम् ।
कुतः पुनः शश्वदभद्रमीश्वरे न चार्पितं कर्म यदप्यकारणम् ।।१-५-११
નારદજી ભગવાન વ્યાસજીને પણ એવોજ ઉપદેશ આપે છે કે ભગવાનની ભક્તિથી રહિત નિરન્જન જ્ઞાન(શુધ્ધ કૌવલ્યજ્ઞાન) પણ સારી રીતે શોભતું નથી. તો જે કર્મ ભગવાનને અર્પિત ન થયું હોય તે તો ક્યાંથી શોભે?
ભક્તિ યોગ કરતા પણ શ્રેષ્ઠ છે “योगश्वितवृति निरोध” ચિતવૃતિ નિરોધને યોગ કહેવાય છે પરંતુ ભક્તિમાં વિના સાધનોથી પણ જેવું મન રૂંધાય છે તેવું યોગથી પણ રૂંધી શકાતું નથી. ભક્તિ હૃદયમાં આવે છે ત્યારે યોગ સાધના વિના સાધ્યે સધાય રહે છે. ભક્તિ હમેશા ભગવાનની સ્વસ્મૃતિ સાથે જ અંતઃકરણમાં આવે છે. ભગવાન આનંદધન છે આનંદના સાગર છે તેથી ભક્તિપણ હૃદયમાં આનંદ રેલાવનારી થાય છે વ્યક્તિને ધંધામાં ખોવાયેલા રૂપિયા અથવા મૃત્યુ પામેલી સ્ત્રી પણ મનમાં દેખાયા કરે અને ભગવાન પણ(સ્મૃતિ પણ) દેખાયા કરે એ વાત શક્ય નથી. ભગવાનની સ્મૃતિ અન્ય સ્મૃતિ ને નાશ કરનારી બની રહે છે ત્યારેજ તે સાચી સ્વસ્મૃતિ ગણાશે ભગવાનની સ્મૃતિ સાથે ચોરી, જુગાર, પાપ, વ્યભિચાર સંભવ નથી ભક્તિ તેને પણ હૃદયથી દૂર કરે છે.
भक्ति पुनाति मन्निष्ठा श्वपाकानपि संभावत् ।। भा. ११-१४-२१
હૃદયમાં ઉદ્ભવ માત્રથી ભક્તિ ચંડાળને પણ પવિત્ર કરનારી બની રહે છે ભક્તિ પ્રારબ્ધને પણ મિટાવી દે છે આલોકમાં ધર્મનું આચરણ કરવાથી પરલોકમાં તેનું ફળ મળે છે ભક્તિમાં તેવી ઉધાર વાત નથી. તત્કાળ પરમ શાંતિને
આપનારી છે યોગમાં પરિશ્રમ ઘણો છે જ્ઞાનમાં અભિમાન અને પ્રમાદનો ભય રહે છે જ્યારે સાચી ભક્તિએ તમામ પ્રશ્નોનું સમાધાન કરી આપે છે.