नास्त्येव तस्मिंतत्सुखसुखित्वम् ।।२४।।
જાર પ્રેમમાં પ્રિયતમના સુખમાં સુખી થવાનું હોતું નથી. મહાત્મ્ય જ્ઞાન વિનાનો જે પ્રેમ છે તે ઈન્દ્રિયોપલબ્ધિ પરક બની જશે અર્થાત્ ઈન્દ્રિયોને તૃપ્ત કરવા માટે જ બની રહેશે. તે પ્રેમ નથી પણ ભોગ છે કોઈ ફુલમાં કોઈને પ્રીતિ થઈ
તો તેને તોડી લે છે, સુંઘે છે, થોડીવાર પોતાની પાસે રાખે છે, કરમાય જતા નકામુ જાણી ચોળીને કચરા પેટીમાં નાખી દે છે. સંસારમાં ઈન્દ્રિયો માટે થતો પ્રેમ આવો હોય છે પણ જ્યાં જ્યાં પ્રેમનું આલંબન પરમાત્મા હોય છે તે પ્રેમ એવો હોતો નથી અર્થાત્ ગોપીઓનો પ્રેમ એવો ન હતો. ભગવાનમાં થતો પ્રેમ કેવળ ભગવાનની સેવા માટે હોય છે. પ્રેમમાં પ્રિયતમ ના સુખમાં સુખી થવાનું હોય છે ગોપીઓમાં જે પ્રેમ હતો તે શ્રી કૃષ્ણને સુખ દેવા માટે પ્રેમ હતો. પણ શ્રી કૃષ્ણથી સુખી થવા માટે ગોપીઓ ભગવાનને ચાહતી હતી એવું ન હતું. આગળના સૂત્ર-ર૧માં ઉદાહરણ બતાવ્યા મુજબ ભગવાન માંદા થયા ને ભક્તના ચરણની રજ લેવાની વાત કરી ત્યારે ગોપીઓ દેવા તૈયાર થઈ ત્યારે નારદજીએ તેનું પરિણામ સમજાવ્યું કે તમો પાગલ બની ગઈ છે, તમારે નરકમાં જવાનું થશે. ત્યારે ગોપીઓએ તુરત નિર્ણય આપ્યો કે કૃષ્ણ સુખિ થાય તેટલા ખાતર નરકમાં નિવાસ કરવો પડતો હોય તો અમને મંજુર છે પણ કૃષ્ણને અસુખ(દુઃખ) મંજુર નથી માટે વિશુધ્ધ પ્રેમભક્તિનું એ લક્ષણ છે, તેથી વલ્લભાચાર્યજીએ વિશેષ કરીને બાલકૃષ્ણની ઉપાસના પ્રર્વતાવી છે ભગવાનને જ્યારે બાળક માનીએ ત્યારે તેની પાસે કશી કામના કરવાની હોતી નથી. ઉલ્ટું માં-બાપ કે વડીલો બાળકની કામના-ઈચ્છાઓ પુરી કરે છે બાળક પાસે કોઈ વસ્તુ મેળવવા રડાય નહિ. બાળકને દેખતા બીજા કોઈ દુઃખથી પણ માં-બાપે રડાય નહિ. રડવું હોય તો તેની ગેરહાજરીમાં રડી લેવું પણ બાળકને ખુશ રાખવું હોય તો તેમના દેખતા રડાય નહિ. તેમના દેખતા કોઈ વસ્તુ માટે કે કોઈ લૌકિક પ્રાપ્તિ માટે બીજા સાથે લડાઈ નહીં. વિગેરે ઘણાંક કામના નિર્વતક નિયમો રાખવા પડે છે વિશુધ્ધ પ્રેમમાં કેવળ દેવાનું-દેવાનું અને દેવાનુંજ હોય છે લેવાની કે માગવાની કોઈ વાત આવતી જ નથી. કામના વાળા પ્રેમમાં તો પોતાનામાં રહેલા અભાવની બળતરા હોય છે, જંખના હોય છે, ત્યાં સામાપાત્રને તૃપ્ત કરવાની જતન હોતી નથી. જ્યાં ‘तत् सुख सुखित्व’ હોતું નથી. ત્યારે “તદર્પિત અખિલા ચારતા” પણ સંભવ રહેશે નહિ તેમાં તો “સ્વાર્થાપિત અખિલાચારતા” અથવા “સ્વાર્પિત અખિલાચારતા’ જ બની રહેશે. ગોપીઓનો પ્રેમ તથા તેના જેવો જ ભગવાનમાં સાચો સર્મપિત બીજા ભક્તોના વિશુધ્ધ પ્રેમમાં ભગવાન પ્રત્યેની તથા ભગવાનના વિશુધ્ધ ભક્તો
પ્રત્યેની “તત્સુખ સુખિતા”ની વિશુધ્ધ ભાવના હોય છે તેવી આ બ્રહ્માંડમાં બીજે ક્યાંય મળતી નથી. ઋષિઓ, યોગીઓ, તપસ્વિઓકે મોક્ષાર્થી સાધકો હોય તો પણ તેના પાયામાં, સ્વસુખે સુખિત્વની ભાવના જ પડી હોય છે. શ્રૃતિઓ પણ બતાવે છે કે ‘न वा अरे पत्युः कामाय पतिः प्रियो भवति, आत्मनः कामाय पतिः प्रियो भवति । न वा अरे पुत्रस्य कामाय पुत्रः प्रियो भवति आत्मनः कामाय पुत्रो प्रियो भवति नवा अरे पत्न्याः कामाय पत्नी प्रिया भवति आत्मनः कामाय पत्नि प्रिया भवति’ અર્થાત્ કોઈ પણ જગતમાં સ્વસુખ માટે જ પ્રિતિ કરે છે. પરસુખ માટે નથી કરતા અને તેમાં પણ પરમાત્માને સુખ થાય એવી ભાવના વાળાતો આખા બ્રહ્માંડમાં વિરલ વ્યક્તિ જ મળે છે તેથી શ્રૃતિઓએ પરમાત્માને પ્રાર્થના કરી કે મહારાજ અમને ગોપીની પદવી આપો, ગોપી બનાવો. ભગવાન કહે તે શક્ય નથી. ગોપી તો તમને ગોપીઓ જ બનાવી શકે પછી તે શ્રૃતિઓ કૃષ્ણાવતારમાં કેટલીક ગોપીઓના સ્વરૂપ ઘારણ કરીને ભગવાનના સ્વરૂપનો રસ પામવા માટે આવી છે માટે ગોપીઓના અંતરમાં જે બ્રહ્માંડ પાર વિશુધ્ધ ભાવના પડી છે તે શ્રૃતિઓમાં પણ જડતી નથી. માટે શ્રૃતિઓ ગોપી બનવા સદા લાલાયિત રહે છે.
અંહિ જારત્વ અને જારત્વરહિતના વિચારમાં બીજ એક વિચાર કરવામાં આવે છે અંહિ કહેવામાં આવ્યુ કે ગોપીઓનો પ્રેમ મહાત્મ્ય જ્ઞાન યુક્ત હતો. અન્યથા જાર પ્રેમ બની જાય છે. તેનો અર્થ એવો થશે કે વિશુધ્ધ પ્રેમ મહાત્મ્ય જ્ઞાનને પરાધીન છે મહાત્મ્ય જ્ઞાન જારત્વ નિર્વતક છે. અર્થાત્ વિશુધ્ધ પ્રેમમાં જારત્વ નિવારણ શક્તિ નથી. ત્યારે તો નારદજી વિશુધ્ધ પ્રેમનું નિરૂપણ કે વિશુધ્ધ ભક્તિનું નિરૂપણ કરવા ગયા તો પણ અંતે તો જ્ઞાન મિશ્રા ભક્તિનું પ્રતિપાદન થયુ. જે “કથાદિપુ ગર્ગઃ’માં ગર્ગાચાર્યજીએ બતાવેલુ જ હતું. તેનાથી નારદજીના મતમાં શું વિશેષતા આવી? તો તેનું સમાધાન એ છે કે વિશુધ્ધ પ્રેમ અથવા વિશુધ્ધ ભક્તિ જ્ઞાનાધીન નથી. કામના નિર્વતન માટે વિશુધ્ધ પ્રેમને જ્ઞાન નો આશ્રય અવશ્ય લેવોજ પડે એવો અર્થ નથી. વિશુધ્ધ ભક્તિ પણ સ્વતંત્ર પણે કામના ને નિવૃત કરનારી છે. અને સક્ષમ છે. તો પછી ‘न तत्र महात्म्य ज्ञानविस्मृत्यपवादः ।।२२।।’ तथा ‘तद्द्विहिनं जाराणाम् इव ।।२३।।’ નો અર્થ શો થશે? તે સૂત્રો આપવાનું પ્રયોજન શું રહેશે? તો તેનું સમાધાન એમ છે કે
ગોપીઓની ભક્તિમાં મહાત્મ્ય જ્ઞાન વિસ્મૃતિને અપવાદ નથી, કલંક નથી એનું તાત્પર્ય એમ છે કે મહિમા જ્ઞાન અવશ્ય “કામના’નું નિર્વતક છે જે શ્રીજી મહારાજે વચનામૃત પ્ર.૫૬માં કહ્યું છે. જે જ્ઞાની ભક્તને કામના રહેતી નથી. તે બીજા ભક્ત કરતા તેમની વિશેષતા છે. પરંતુ એનો અર્થ એવો ન માની લેવાય કે વિશુધ્ધ ભક્તિમાં “કામના”નું કલંક સદાને માટે રહે જ છે. અથવા તે “કામના” નિર્વતન માટે અસર્મથ છે કલંક નથી એટલી જ્ઞાનાધીન છે એવો અર્થ ન થઈ શકે “કલંક નથી” એટલે તે તેમાં પણ કલંક નિર્વતન શક્તિ છે જેવી જ્ઞાનમાં છે એવો પણ અર્થ થઈ શકે છે. જે વાત શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે ગોપીઓના જેવી અસાધારણ ભક્તિ કે પરમાત્મામાં પ્રેમ પ્રથમ જ થઈ જાય તો વિવેક અને વૈરાગ્ય તો તેની મેળે ઉદય થઈ આવે છે. એનું તાત્પર્ય એ થયું કે મહાત્મ્ય જ્ઞાનથી ભક્તિનું જેમ પોષણ થાય છે તેમ વિશુધ્ધ ભક્તિ મહાત્મ્ય જ્ઞાન ને જન્મ પણ દેનારી હોય છે બન્ને સૂત્રોનું તાત્પર્ય એટલું જ સમજવાનું છે કે ગોપીઓની ભક્તિ વિશુધ્ધ હતી તેમાં “કામના” કે જારતત્વ અંશ બિલકુલ હતો જ નહી. તેનો ગંધ લેશે પણ તેમાં નથી. તેનો નાશ કરવા સ્વયં સમર્થા છે એટલું જ નહિ પણ વિશુધ્ધ ભક્તિમાં કામના પ્રવેશની શક્યતા જ નથી. શરત એટલીજ છે કે તે સંપૂર્ણ પણે સર્મપણ વાળી અને ભગવાનના સ્વરૂપના વિરહાંશ વાળી હોવી જોઈએ.