શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૨૨

न तत्रापि माहात्त्म्यज्ञान विस्मृत्यपवादः ।।२२।।

ત્યાં(ગોપીઓમાં)પણ મહાત્મ્યજ્ઞાનની વિસ્મૃતિનું કલંક નથી. સંસ્કૃતમાં અપવાદ શબ્દનો એક અર્થ કલંક એવો થાય છે. પ્રેમનો સ્વભાવ છે કે તે જ્યારે વધે છે ત્યારે તેમાં પ્રિયતમનો મહિમાં ભૂલાય જાય છે. પરંતુ મહાત્મ્યજ્ઞાનનું ભૂલાય જવું એ ભક્તિમાં ભક્તને માટે કલંકરૂપ નથી. એ તો પ્રેમના ભૂષણરૂપ છે. પ્રેમનો એક પ્રકાર વિલાસ છે. વ્રજવાસીઓ પણ જ્યારે કૃષ્ણ ભગવાનના દિવ્ય ચરિત્રો જોઈને જ્યારે મહિમાથી આશ્ચર્ય ચક્તિ થઈ જતા હતા અને હાથ જોડતા હતા ત્યારે ભગવાન તેને પ્રેમમાં વિઘ્ન જાણીને મહિમા વિસ્મૃત કરાવી દેતા હતા. મૃદ્ભક્ષણ લીલામાં ભગવાને મુખમાં બ્રહ્માંડ દેખાડયું ત્યારે માતાનો વાત્સલ્ય પ્રેમ અને ભગવાનની ઐશ્વર્ય શક્તિ બન્ને લડી પડ્યા. પણ માતાના પ્રેમનો જ વિજય થયો. ભગવાને ઐશ્વર્ય જલ્દી સંકેલી લીધુ. સાચા પ્રેમ પાસે ઐશ્વર્યનો પરાભવ થાય છે. ભગવાને જ્યારે દ્વાવાગ્નિ પાન કર્યો હતો, જ્યારે નંદજીને વરૂણ લોકથી છોડાવ્યા, પોતાના ગોલોક ધામના દર્શન કરાવ્યા ત્યારે તે તે વ્રજવાસીઓને ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન તો થઈ ગયું હતું પણ થોડી વારમાં ભગવાન વિસ્મૃતિ કરાવી દેતા હતા. આ વિસ્મૃતિ તેના પ્રેમમાં કલંકરૂપ ન હતી. અન્યથા જે તે માહાત્મ્ય જ્ઞાન ચાલુ રહે તો તો વાત્સલ્ય, સ્નેહ, પ્રેમનું રસપાન થાય કેવી રીતે? ત્યારે તો નાના બાલકૃષ્ણને સિંહાસન પર રાખી દે, પૂજા, આરતી, સ્તુતિ જ કરવા લાગી જાય. તેથી ભગવાન તેને વિસ્મૃતિ કરાવી દે છે. આ વિસ્મૃતિ અવિદ્યાના કાર્યરૂપ નથી અને પાપ ફળને દેનારી નથી. અવિદ્યા કૃત વિસ્મૃતિ તો પાપરૂપ છે. તેથી નારદજીએ સૂત્રમાં ગોપીઓમાં મહાત્મ્ય જ્ઞાનની વિસ્મૃતિ હતી. એમ નથી બતાવ્યું અથવા એવું પણ નથી બતાવ્યું કે ગોપીયોના જીવનમાં મહાત્મ્ય વિસ્મૃતિ હતી. પણ સૂત્રમાં એવું લખ્યું કે “વિસ્મૃતિ કલંક” ન હતું. અવિદ્યા-અજ્ઞાનના કાર્યરૂપ વિસ્મૃતિ હોત તો તો વિસ્મૃતિ એ કલંક રૂપ ગણાત પણ એવી વિસ્મૃતિ ન હતી તો વિસ્મૃતિ દેખાય તો જરૂર છે. કારણ કે વાત્સલ્ય વિગેરે મહાત્મ્ય વિસ્મૃતિ વિના ભૂલી ન જાય ને યાદ રાખે તો અંર્તયામી ને શું થાળ ધરાવશે? સર્વ પ્રકારે પૂર્ણ અને તૃપ્ત પરમાત્માને શું અર્પણ કરી શકે? પણ ભક્તિ કરવામાં સમયના બે વિભાગ કરવામાં આવે છે એક તો અવતાર કાલ-ભગવાન પૃથ્વી ઉપર અવતાર ઘારણ કરીને વિચરતા હોય તેવો સમય અને બીજો અનવતાર કાળ જ્યારે ભગવાન મનુષ્ય સ્વરૂપે પૃથ્વી પર પ્રગટ ન હોય. અવતાર સમયમાં મહાત્મ્ય જ્ઞાન થયા વિના પણ ચિતની વૃતિ ભગવાનમાં લાગી જવાથી

तमेव परमात्मानं जारबुध्यापि संगताः ।
जहुगुणमयं देहं सद्यः प्रक्षीणबन्धनाः ।। (भा. १०-२९-११)

જર બુધ્ધિથી(કામ બુધ્ધિથી) પણ પરમાત્મા શ્રી કૃષ્ણમાં આસક્ત થવાને કારણે તે ગોપીઓએ સ્થુળ, સૂક્ષ્મ અને કારણ જે અનાદિ અજ્ઞાન રૂપ છે-પાપ રૂપ છે એવા ત્રણ દેહનો ત્યાગ કરીને તમામ માયાના બંધનથી મુક્ત થઈને પરમાત્માના સ્વરૂપને પામી હતી.

न ही वसतु शक्तिर्बुध्धिमपेक्षते ।

વસ્તુમાં રહેલી શક્તિ એવી અપેક્ષા નથી રાખતી કે તમારી તેના પ્રત્યે કેવી બુધ્ધિ છે-કેવી ભાવના છે. જાણ્યા વિના પણ અગ્નિનો સ્પર્શ કરો તો જરૂર બાળી દે છે. જાણ્યા વિના-અજાણતામાં વિષ પીવાય જાય તો પણ જરૂર મરી જવાશે. સમજ્યા વિના અમૃત પાન કરી લીધું–તો પણ અમૃત થઈ જવાશે. પૂતના, શિશુપાલાદિકનું કલ્યાણ એનાથી થયું છે.

હા ભગવાનના અનવતાર કાળમાં મહાત્મ્ય વિસ્મૃતિ તે કલંક ગણાય છે વિયોગ સૂર્યની જેમ મહાત્મ્ય જ્ઞાનનો હમેંશા પ્રકાશ કરનારો હોય છે સંયોગ ચંદ્રમાંની જેમ રસવર્ષા કરાવવાવાળો હોય છે. તેથી સંયોગમાં આનંદ-આનંદ હોય છે પણ થોડી બેશુધ્ધિ હોય છે તેથી સંયોગમાં મહાત્મ્ય જ્ઞાનની વિસ્મૃતિ

હોય છે પરંતુ અનવતાર કાળમાં મહાત્મ્ય જ્ઞાન વિસ્મૃતિ ન હોવી જોઈએ. એ જરૂરી છે. પ્રશ્નતો એવો છે કે ગોપીઓને શ્રી કૃષ્ણનું મહાત્મ્ય જ્ઞાન હતુ કે નહિ? પ્રેમમાં પણ જ્ઞાનનું હોવું જરૂરી છે. ભક્તિ એ જ્ઞાનનો પરિપાક માનવામાં આવે છે.

वेदनं ध्यान विश्रान्तं ध्यानं श्रान्तं ध्रुवा स्मृतिः ।
सा च दृष्टित्वमभ्येति दृष्टि भक्तित्वमृच्छति ।।

સંસારમાં જેને આપણે ઉત્તમ જાણીએ છીએ તેને ચાહિએ છીએ. મનમાં ઉત્તમ ભાવ બનાવવા માટે તે વસ્તુની-વિષયની જાણકારી અવશ્ય હોવી જોઈએ-હોય છે.

जाने बिनु न होइ परतीती ।
विनु परतीति होई नहि प्रीति ।
प्रीति बिना नही भगति दृढाई ।
जिमि खगेश जलकी चिकनाई ।।

માટે ભક્તિમાં અવશ્ય જ્ઞાન હોય છે. ભગવાન વિલક્ષણ વિશેષતાઓની ખાણ છે. વિશેષતાના જ્ઞાનથી વિશેયમાં પ્રેમ થાય છે. તેથી પ્રેમ હોય ત્યારે જ્ઞાન અવશ્ય હોવાનું. કારણ બન્ને પરસ્પર આશ્રયથી રહે છે. હવે પ્રેમમાં મહાત્મ્ય જ્ઞાનની શું આવશ્યક્તા છે? તો મહાત્મ્ય વિનાનો જે પ્રેમ છે તે તો ઈન્દ્રિયોપલબ્ધ પરાયણ હોય છે તે તો જારબુધ્ધિ છે ભોગ બુધ્ધિ છે ભક્તિ નથી હોતી. જેની સ્પષ્ટતા ત્રેવીશમાં સૂત્રમાં સ્વયં નારદજીએ બતાવી છે. આ સૂત્રથી સ્પષ્ટતા એટલી જ કરવાની રહે છે કે અવતાર કાલમાં પરમાત્માં માં પ્રેમ કરતી વેળાએ મહાત્મ્ય જ્ઞાનની વિસ્મૃતિ ભગવાન કરાવી દેતા હોય છે જેથી તે વિસ્મૃતિ કલંક રૂપ હોતી નથી. શ્રીજી મહારાજે વચનામૃતમાં તેનો ઉલ્લેખ કર્યો છે કે ભગવાનમાં સાચો પ્રેમ-(ભક્તિ) થઈ જાય તો વિવેક ને વૈરાગ્ય તો જેટલા જોઈએ તેટલા જરૂર આવી રહે છે જેમ ગોપીઓને ભગવાનમાં સાચો પ્રેમ હતો તો જેટલો જોઈએ તેટલો વૈરાગ્ય અને મહિીમાં જ્ઞાન જરૂર હતા. જેનો જરૂરીયાત મુજબ-ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

न खलुं गोपिका नंदनो भवान् अखिलदेहिनां अतरात्मदृक् ।
विखनसार्थितो विश्वगुप्तये सख उदेयिवान् सात्वतां कुले ।। १०-३१-०१

હે સખા, હે શ્યામ સુંદર તમે ખાલી યશોદાના પુત્ર જ નથી તમે તો તમામ દેહ ધારિઓના અંતરાત્મા છો અને સાક્ષી છે પરંતુ બ્રહ્માની પ્રાર્થનાથી સંસારની રક્ષા કરવા માટે યદુકુળમાં પ્રગટ થયા છો.

માટે ભગવાન પૃથ્વી પર પ્રગટ ન હોય ત્યારે ભક્તિમાં અવશ્ય મહાત્મ્ય જ્ઞાન હોવું જોઈએ. અવતાર દશામાં કેવળ ઈન્દ્રિયોપલબ્ધ હોય તો પણ તેનું મંગલ થઈ રહે છે.