શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૨૧

यथा व्रजगोपिकानाम् ।।२१।।

જેમ કે નારદજીએ કહેલુ લક્ષણ સંપૂર્ણ પણે ગોપીઓમાં જોવામાં આવે છે.

ભક્તિ કરવામાં હઠીલા પણું હોવું જોઈએ. નહિ તો શરીર ઈન્દ્રિયો વિગેરે ભક્તિ કરવા દે તેવા નથી. માટે તેની સાથે હઠીલાઈ કરે ત્યારે ભક્તિ થઈ શકે છે ‘बुध्धेः फलमनाग्रहः’ બુદ્ધિમાન વ્યક્તિ આગ્રહ છોડી દે છે પરંતુ ભક્તિમાં તો હઠ કરવો તેજ બુધ્ધિ મત્તા છે. ગોપીઓમાં કૃષ્ણની ભક્તિ પ્રત્યે હઠ હતી. ગોપીઓનું સમસ્ત આચરણ શ્રી કૃષ્ણને માટે હતું.
અંહિ ગોપીઓનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. ઉદાહરણ આપવાનું કારણ એ છે કે

(૧) ઉદાહરણથી વસ્તુ(વિષય) સમજવામાં સુલભ બની જાય છે.
(૨) તે પ્રમાણે(રોલ મોડેલ) આચરણ કરવું સહેલુ બની જાય છે.
(૩) ઉદાહરણરૂપ સંત અથવા ભક્તિના શ્રેષ્ઠ પાત્રનું સ્મરણ કરવા માત્રથી-વૈરાગ્ય, ભક્તિ પ્રાપ્ત થાય છે તે લક્ષણનું વર્ણન કરાવા માત્રથી થતા નથી.
(૪) પુણ્યવાન અને પ્રાતઃ સ્મરણીય પાત્રોનું સ્મરણ પણ પુણ્ય આપનારૂ હોય છે અને તેના આચરણને પ્રાપ્ત કરાવનારૂ હોય છે તેથી જ એવા પાત્રોના નામ સહિત સ્મરણ પ્રાતઃસ્નાન વિગેરેમાં આપણે યાદ કરીએ છીએ.
(૫) લક્ષણ બતાવીને તેનું ઉદાહરણ(રોલમોડેલ) જો ક્યાંય ન મળે તો તે અવ્યવહારિક લક્ષણ ગણાશે માટે ઉદાહરણ દેવું જરૂરી છે.
(૬) ગોપીઓ પ્રાતઃ સ્મરણીય હોવાથી સર્વદા સ્મરણ કરવા યોગ્ય છે.માટે નારદજી ભક્તિ વિષયમાં-અહિં ગોપીઓનું ઉદાહરણ(રોલમોડેલ) આપે છે આપણી બુધ્ધિ પ્રીતિ પૂર્વક ભગવાનમાં લાગે તેવી નારદજી જેવા મહાપુરૂષોની ઈચ્છા હોય છે.
ગોપીઓનું સમસ્ત આચરણ શ્રી કૃષ્ણ માટે હતું.

या दोहनेऽवहनने मथनोपलिपप्रेंखेख्नार्भकरुदितोक्षण मार्जनादौ
गायन्ति चैनमनुरक्तधियोऽश्रुकण्ठ्यो धन्या व्रजस्त्रिय उरुक्रमचिन्तयाना ।। भा.१०-४४-१५

જે ગોપીઓ કૃષ્ણમાં આસક્ત બુધ્ધિવાળી, આંખમાં પ્રેમના આંસુઓ વહેવડાવતી, ગદ્ગદ્ કંઠવાળી-ગાય દોહતી વેળાએ, ધાન્ય ખાંડતી વખતે, દહી મથવામાં, ઘર લીંપવામાં, વાળવામાં, રંગોળી પુરવામાં, બાળકોને છાના રાખતી વેળામાં કેવળ કૃષ્ણનું જ ગાન કરી રહી છે. પરમાત્માનું આવા પ્રકારે ચિંતન કરતી તે વ્રજનારીઓને ધન્ય છે.
તેઓ મનમાં વિચારે છે કે ધાન તૈયાર કરી લઊ, ખીર તૈયાર કરીશ, કૃષ્ણ આવશે તેને ખીર ખવરાવીશ, દૂધ દોહી રહી છે અને વિચારી રહી છે હમણાજ કૃષ્ણ પાછળથી આવીને મારી સાડી ખેંચશે હું તેના મોઢામાં સીધી દૂધની ધાર કરીશ. ઘર વાળી ચોળી ચોખ્ખું કર્યું, વિચારે છે હમણા કૃષ્ણ આવશે-ચોખ્ખુ જોઈને ખુશ થશે. બાળક રડે છે તેને છાનો રાખે છે ને વિચારે છે રડે નહી હમણા કૃષ્ણ આવશે તારે તેની સાથે રમવાનું છે. ગોપી ભોજન રાંધે છે કૃષ્ણને ખવરાવવાના સંકલ્પથી, શરીર શૃગાંર પણ કૃષ્ણને ખુશ કરવા-રીજવવા કરે છે તેનો સમસ્ત આચાર કૃષ્ણને સર્મપિત છે કૃષ્ણને રીજવવા માટે છે.

તેની પરમ વ્યાકુળતા-વિરહભાવ પણ અવર્ણનીય છે. શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે બંસી વગાડી ત્યારે બધીજ ગોપીઓ સાંસારિક તમામ કાર્યો છોડીને ભગવાનને મળવા દોડી.

दुहन्त्योऽभिययुः कांचिद् दोहं हित्वा समुत्सुकाः ।
पयोऽधिश्रित्य संयावमनुद्वास्यापरा ययुः ।।
परिवेषन्त्यस्तद्वित्वा पाययन्त्यः शिशून् पयः ।
शुश्रूषन्त्यः पतीन् कांचिद् अश्नन्त्योंऽपास्य भोजनम् ।।
लिम्पन्त्यः प्रमृजन्त्योऽन्या अञ्जन्त्यः काञ्च लोचने ।
व्यत्यस्तवस्त्राभरणाः कांचित् कृष्णान्तिकं ययुः ।।
ताः वार्यमाणाः पतिभिः पितृभिभ्रातृबन्धु भिः ।। (भा. १०-२०-५/८)

કોઈ ગાય દોહવા બેઠી હતી તો વાસણ ત્યાંજ પડતું મેલીને ભાગી. બીજીએ દૂધ ચુલ્લા ઉપર મુક્યું હતું. તેને ઉતાર્યા વિનાજ ચાલતી થઈ ગઈ, કોઈ ઘરના સભ્યોને ભોજન પીરસી રહી હતી તે ફેંકી ને દોડવા લાગી, કોઈ પુત્રને ધવરાવતી હતી તો પુત્રને જમીન પર મુકીને દોડી, કોઈ પતિની સેવામાં હતી, કોઈ ભોજન કરવા બેઠી હતી. કોઈ ઘર લીંપતી હતી, કોઈ વાસણ માંજતી હતી, કોઈ નેત્રોમાં આંજણ આંજતી હતી, જેના હાથમાં જે કાંઈ કાર્ય હતુ તેણે ત્યાંજ છોડીને કૃષ્ણ પાસે દોડી ગઈ અનેક વિઘ્નો હતા તેમને માટે. પતિ-પિતાએ ડાંટી, બંધુ-બાંધવોએ રોકવા કર્યું, પરંતુ ભગવાને તેનું મન હરી લીધુ હતું. તેને પોતાના શરીરની પણ સ્મૃતિ ન હતી. વસ્ત્ર આભૂષણ પણ ઉલ્ટા સુલ્ટા પહેરી લીધા હતા. તેઓએ ચારેય પુરુષાર્થ કૃષ્ણ પર કુરબાન કરી દીધા હતા. તેઓએ પોતાના અર્થ દૂધ-દહીં, પોતાના કામ-ભોગ-ભોજનાદિક, પોતાનો ધર્મ પતિ પુત્રની સેવા અને પોતાનો મોક્ષ પતિનું અનુગમન-ચારેય પુરુષાર્થને કૃષ્ણ માટે તિલાંજલી આપી દીધી હતી. ભગવાનના પ્રેમમાં તેઓ પાગલ બની ગઈ હતી. ‘કાનુડા કેડે ચાલી રે થઈ મતવાલી, હું જાણું લોકડીયાં કાલા, લોક કહે મને કાલી રે…

કૃષ્ણની વાંસળી સાંભળીને સર્વે ભાન ભૂલેલી ગોપીઓ આ પ્રમાણે જ્યારે ભગવાન પાસે પહોંચી છે ત્યારે કેટલીક ગોપીને તેમના સંબંધી જનો મળીને ઓરડામાં પૂરી દીધી છે અને ભગવાન પાસે જવા ન દીધી.

अर्न्तगृहगताः कांचित् गोप्योऽलब्धविर्निगमाः ।
कृष्णं तद्भावनायुक्ता दध्युर्मीलित लोचनाः ।।
दुसह प्रेष्ठ वीरह तीव्रताप धुताशुभाः ।
ध्यान प्राप्ताच्युताश्लेषर्निवृत्या क्षीणमंङ्गालाः ।।
तमेव परमात्मानं जारबुध्यापि संगंताः
जहुगुणमयं देहं सद्य प्रक्षीणबन्धनाः ।। दशम-२९

કેટલીક ગોપીઓ ઘરમાંથી બહાર ન નીકળી શકી કારણ કે તેમના સંબંધીઓએ તેમને ઘરમાં પુરી બંધ કરી દીધી ત્યારે તેઓ દેહે કરીને મળવાનું બંધ થતા બન્ને નેત્રો મીચિને અંતરમાં કૃષ્ણનું સ્મરણ કરવા બેસી ગઈ.

કૃષ્ણ પ્રત્યેના અતિવિરહના કારણે અતિ તાપ લાગતા તેના જન્મ જન્માન્તરના તમામ અશુભ કર્મો બળીને ભસ્મ થઈ ગયા અને ધ્યાનમાં પરમાત્માની સાથે પોતાના આત્માની સમ્પૂર્ણ તદાત્મક્તા પ્રાપ્ત થતા તેના તમામ પુણ્ય પણ આત્માથી અલગ થઈને “પુણ્યપાપે વિધૂય નિરંજનઃ પરં સામ્યું ઉપૈતિ’ ન્યાયથી પરમાત્માના સાથે સામ્ય ભાવ પામીને પરમ એક્તા ભાવને પામી ગઈ.

આમ જાર બુધ્ધિથી પણ પરમાત્મા સાથે તદાત્મકપણાને પામતા તે ગોપીઓ તત્કાળ આ ગુણ મય ભૌતિક શરીરનો ત્યાગ કરીને સર્વે દેહના બંધન તોડીને દિવ્ય દેહ વતી થઈને બીજી સર્વે ગોપીઓની પહેલા ભગવાન પાસે પહોંચી ગઈ હતી.

આવો ગોપીઓનો લોકોતર પ્રેમ જોઈને ઉધ્ધવજી પણ બોલી ઉઠ્યા કે


आसामहो चरणरेणुजुषामहं स्यां
वृन्दावने किमपि गुल्मलतौषधीनाम् ।
या दुस्त्यजं स्वजनमार्यपथं च हित्वा
भेर्जुमुकुन्द पदवीं श्रृतिभिर्विमृग्याम् ।। १०-४७-६१

ઉધ્ધવજી ગોપીઓનો આવો પ્રેમ જોઈને દિગ્મૂઢ થઈને બોલી ઉઠ્યા કે હું ઈચ્છુ છું કે આ વૃંદાવનમાં આવેલી એવી લતા, ગુલ્મ, તૃણકે એવું કોઈ ઘાંસ હું બની જાંઉ જેના પર આ ગોપીઓના ચરણ નહિ તો ચરણ રજ પડતી રહે કારણ કે તેઓએ કોઈ રીતે ત્યાગ ન કરી શકાય તેવા સ્વજનો-સંબંધીઓ તથા આર્યપથને ત્યાગ કરીને તે ભગવાનને ઓળખીને પ્રાપ્ત કરી લીધા જેની પદવીને શ્રૃતિઓ પણ ખોળે છે–પ્રાપ્ત નથી કરી શક્તી.

સૃષ્ટિમાં અત્યાર-સુધીમાં (કૃષ્ણાવતાર સુધીમાં) આવો ત્યાગ જોવામાં આવ્યો નથી. પુરુષો તો સગા સંબંધીનો ત્યાગ કરીને સન્યાસી થતા હતા પરંતુ ગોપીઓતો સ્ત્રીઓ હોઈને પણ સ્વજનોનાં ત્યાગ કર્યો. સ્ત્રીઓનો ધર્મ છે તેઓ પુરુષો સાથે (પોતાના પતિ સાથે) તદાત્મતા કરીને પુરુષોત્તમને પ્રાપ્ત કરે. તે ધર્મનો અર્થાત્ આર્યપથનો અર્થાત્ પરલોકને પણ તેઓ એ છોડી દીધો-અમો ભલે નરકમાં જાઈએ–પણ કૃષ્ણથી પાછા નહી વળીએ. તેઓ એક અવાજે બોલી ઉઠી છે.

કાનુડા કેડે ફરવું રે કોઈથી ન ડરવું, દૂરિજન લોક દૂર્ભાષણ બોલે તે હૈંડે નવ ધરવું રે- કોઈ. સગા કુટુંબી સર્વે સંગાથે હેતલડુ પરહરવું રે કોઈ. સંસારીથી સગપણ તોડી, કાંનકુંવરથી કરવું રે. કોઈ. બ્રહ્માનંદ કે મન-કર્મ વચને-વ્રજ જીવન ને વરવુ રે-કોઈ.

ભગવાનના ભક્તોને મોક્ષની કામના હોતી નથી. ભગવાનમાં પ્રીતિ કરવાથી કે ભગવાનની સેવા કરતા તેમને નરકમાં જવું પડે તો તેમની પણ તૈયારી ભક્તોમાં હોય છે તેવી તૈયારી ગોપીજનોમાં હતી. દ્વારિકામાં એક વખત ભક્તોને બતાવવા અને ભક્તોની પરીક્ષા કરવા ભગવાને બિમારી ગ્રહણ કરી. ઘણા-વૈદ્ય હકીમો પાસે દવાઓ કરાવી ખુદ અશ્વિની કુમાર-દેવતાના વૈદ્ય હાજર હતા. છતા ભગવાન સાજા ન થાય. નારદજી દર્શને આવ્યા. સમાચાર પૂછ્યાં, હકીકત જાણી-ત્યારે નારદજીએ ખુદ ભગવાનને પ્રાર્થના કરી હે મહારાજ તમે સાજા શા ઉપાયથી થાઓ? ત્યારે ભગવાન કહે કોઈ મારા અનન્ય ભક્ત હોય તે પોતાની ચરણ રજ આપે તેનું હું પાન કરું અને મસ્તક પર લગાડું તો મારો મંદવાડ જાય.નારદજીએ બધાને વાત કરી. પટરાણીઓને પુછ્યું તમે ચરણરજ આપો તો ભગવાન સાજા થાય. પટરાણીઓને સંકોચ થયો. ભગવાનને કેમ દેવાય? નરકમાં પડીએ. કોઈ તૈયાર ન થયા. નિરાશ થઈ ભગવાન પાસે આવ્યા. મહારાજ. “કોઈ ચરણ રજ દેવા તૈયાર થતું નથી” ભગવાન કહે એક કરી. વ્રજમાં જાઓ.ગોપીઓને કહો તેઓ કદાચ આપે તો મંદવાડ દૂર થાય. નારદજી વ્રજમાં ગયા.ગોપીઓ નારદજી ને ઘેરી વળી. પ્રણામ કર્યા. સમાચાર પૂછ્યાં ક્યાંથી આવો છે? “દ્વારકાથી…..” “ભગવાનના શું સમાચાર છે?” ખુબજ બીમાર છે. દવા મળતી નથી. તમારી પાસેથી દવા લેવા આવ્યો છું. “શું જોઈએ છે?” “ચરણરજ….. કૃષ્ણને પાન કરવા માટે” ગોપીઓ એક સાથે બોલી ઉઠી કેટલી જોઈએ છે? જલ્દી કરો. તમારો ખેંસ પાથરો ને જલ્દી મહારાજને આપો. નારદજી કહે તમે પાગલ થઈ ગઈ છો કે શું? ભગવાન તમારા ચરણની રજ પાન કરે તો તમારી શી ગતિ થશે? ગોપીઓ કહે તે બધુ પછી જોઈ લેવાશે. પણ પ્રથમ ભગવાન સાજા-સુખી થવા જોઈએ અમારે નરક જવું પડશે તો જઈશું, ભગવાન સાજા-સુખી થતા હોય તો… ભગવાનનો ભક્ત ‘तत्सुखे सुखित्व’ ના સિધ્ધાંતવાળા હોય છે.

या प्रीतिरविवेकानां विषयेष्वनपायिनी ।
त्वामनुस्मरतः सामे हृदयान्मापसर्पतु ।।

ભક્તની અરજ એટલીજ હોય છે કે અજ્ઞાની લોકોને જેવી અચળ પ્રીતિ મનગમતા વિષય ભોગોમાં હોય છે એવી પ્રીતિ આપના સ્મરણમાં મને સદા રહો, ક્યારેય દૂર ન થાઓ.

પ્રેમમાં વિસ્મૃતિનો સંભવ છે જ નહિં.

ता माविदन् मय्यनुषंगबध्धधियः स्वमात्मानमदस्तथेदम् ।
यथा समाधौ मुनयोऽब्धितोये नद्यः प्रविष्टा इव नामरुपे ।। भा. ११-१२-१२

જેમ સમાધિમા રહેલા મુનિઓ ભગવાનના સુખમાં નિમગ્ન થઈને પોતાનું નામરૂપ ભૂલીજાય છે જેમ સમુદ્રમાં મળી જઈને નદીઓ પોતાનું નામરૂપ મિટાવી દે છે એવીજ રીતે ભગવાન કહે છે કે ગોપીઓએ પોતાની બુધ્ધિ મારામાં લગાવી દીધી છે તેઓને પોતાના નામ-રૂપ-શરીર-સંસારનું ભાન રહ્યું નથી.

ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે.
શેરીએ શેરીએ સાદરે પાડે કોઈને લેવા મોરારી રે… ભોળી

એક દિવસ ગૌર વર્ણ, ભૂરી જટાઓ ફેલાવતા, ઉંચી શીખાવાળા-તેજનાં પુંજ સમાં-નારદજી વિણા વગાડતા, નારાયણ નાદ કરતા વ્રજમાં ઉતર્યા. ત્યાં યમુના કિનારે એક અદ્ભૂત દૃશ્ય જોયું. ઘડો આડો પડી ઢોળાઈ ગયો છે. તેને લાવનાર ગોપી આસન લગાવી, નેત્ર બંધ કરી, ટટાર બેસી ધ્યાન કરી રહી છે. નારદજીને આશ્ચર્ય થયુ કે વ્રજમાં આ યોગિની ક્યાંથી આવી? તેણે પોતાની વીણા ઝણકારીને નારાયણ નારાયણ ની ધૂન લગાવી. ગોપીનું ધ્યાન ભંગ થયું. નેત્રો ખોલ્યા. દેવર્ષિ ને જોઈને ઝટપટ ઊઠીને પ્રણામ કર્યા. નારદજીએ પૂછ્યું-અંહિ યમુના કિનારે એકાંતમાં શું તું કૃષ્ણનું ધ્યાન કરવા બેઠી છો? ગોપી બોલી તેનું તો નામ જ ન લો મારા મનમાં તેણે એવો ઉપદ્રવ મચાવ્યો છે કે વાત ન પૂછો. હું ઘર લીંપવા લાગી તો મને લાગ્યું કે પાછળ પાછળ તે ખુંદીને ભાગી જાય છે કે મારા મૂખમાં દૂધની ધારા દે. તેના મોઢામાં ધારા દેવા લાગી તો બધુ દૂધ જમીન પર! ધાન કૂટવા બેઠી તો જાણે સાંબેલું પકડીને ઉભો રહી ગયો છે. અત્યારે પાણી ભરવા આવી તો લાગ્યું કે ઘડો પકડીને રાખ્યો છે. પરંતુ આ બધો મારા મનનો દોષ છે. તે તો મારી પાસે આવ્યો જ નથી. મારૂ મન જ મારા વશમાં નથી તેથી હું અંહિયા બેસીને કૃષ્ણને મારા મનમાંથી બહાર કાઢી નાખવાનો પ્રયાસ કરતી હતી. દેવર્ષિની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ ગદ્-ગદ્ થઈ બોલી ઉઠ્યા

प्रत्याहृत्य मुनिः क्षणं विषयतो यस्मिन्मनो धित्सते ।
बालेयं विषयेषु धित्सति ततः प्रत्याहरन्ती मनः ।।
यस्य स्फूर्तिलवाय हन्त हृदये योगी समुत्कंठते ।
मुग्धेयं किल तस्य पश्य हृदयान्निष्क्रान्तिमाकांक्षति ।। (विदग्ध माधव)

મુનિગણ યમ-નિયમ, આસન-પ્રાણાયામ કરીને ખુબ પ્રયત્ન પૂર્વક વિષયોમાંથી મનનો પ્રત્યાહાર કરે છે અને મનને કૃષ્ણમાં ક્ષણભર લગાવવાની ચેષ્ટા કરે છે તે ભગવાનથી મનને હટાવીને આ ગોપી ઘડીભર સંસારના વિષયોમાં લગાવવા મથી રહી છે યોગી-યતિઓ ખુબજ લાલાયિત રહે છે કે કોઈ પ્રકારે ક્ષણમાત્ર પણ ભગવાનની મૂર્તિની-સ્વરૂપની ચંદ્રિકા હૃદયમાં પથરાય જાય,નિમેષમાત્રને માટે કૃષ્ણના સ્વરૂપની સ્ફુર્તિ હૃદયમાં આવી જાય તો અમે ધન્ય થઇ જઈએ જ્યારે આ ભોળી ગોપી તે કૃષ્ણને હૃદયમાંથી બહાર કાઢવા મથી રહી છે છતાં જુઓ તો ખરાં કે તેની મહત્તા કેટલી છે કે કૃષ્ણ તેના હૃદયથી નીકળતા નથી. ગોપીજનોનો પોતાને વિશે અનન્ય પ્રેમ જોઈને ભગવાન પરવશ થઈ જઈને ખુદ ગોપીઓને કહે છે કે

न पारयेऽहं निरवद्यसंयुजा,
स्वसाधुकृत्यं विषुधायुषापि वः ।
या मा भजन् दुर्जरगेहश्रृंखलाः
संवृश्च्य तद् वः प्रतियातु साधुना ।। भा. १०-३२-२२

હે ગોપીજનો તમોએ જે કોઈથી તુટી ન શકે તેવી ઘરના બંધનની સાંકળના ટુકડે ટુકડા કરીને મારૂ ભજન કર્યું છે, મારામાં પ્રેમ કર્યો છે આ તમારા અતિ પવિત્ર કૃત્યના હું દેવતાના સો વર્ષ સુધી વખાણ કરું તો પણ પાર ન પામી શકુ માટે હે મહાભાગાઓ તમેજ તે ઋણમાંથી મને મુક્ત કરી શકો બીજો કોઈ તેમાંથી મને છોડી શકે નહીં.