नारदस्तु तदर्पिताखिलचारता तद्विस्मरणे परम व्याकुलता च ।।१९।।
નારદજી કહે છે કે પોતાના સંપૂર્ણ કર્મ પરમાત્માને અર્પણ કરવા તથા ભગવદ્ વિસ્મૃતિમાં પરમ વ્યાકુળતા અનુભવાય તેને ભક્તિની દૃઢતા કહેવાય.
નારદજીનું કહેવું છે કે કેવળ એક અંગ-પૂજામાં અથવા કથામાં અનુરાગ થઇ જાય પછી ભલે તે અનુરાગ આત્મરતિમાં વિરોધી ન હોય તો પણ પુરતુ નથી. ઘણા લોકો પૂજામાં અને કથામાં રડતા હોય છે અને કિર્તનમાં નૃત્ય કરતા હોય છે. પરંતુ ભગવાનના ભક્તની સાથે ઈર્ષ્યા કરતા હોય છે ને ઝઘડતા હોય છે. મા-બાપને ગાળો દેતા હોય છે. સ્વભાવમાં જેવા ને તેવાજ રહે છે. વ્યાસ ગાદી પર બેઠા હોય ત્યારે અથવા કથામાં બેઠા હોય ત્યારે સમાધિભાવને પામી જતા હોય છે અથવા નિત્ય નવીન સ્કુરણાઓ પામતા હોય છે પણ વ્યાસાસનેથી ઉતર્યા પછી અથવા કથામાંથી ઉભા થયા પછી તેનો કોઈ સંસ્કાર દેખાતો હોતો નથી. પોતાના રૂઢ થયેલા સ્વભાવો જરા પણ ઓછા થયા હોતા નથી. તો એવી કથા કે એવી પૂજા ક્યારેક વિડંબણા બની જતી હોય છે, નાટક બની રહેતુ હોય છે. પણ સાચી ભક્તિની દૃઢતા કરાવનારૂ બનતું નથી.
‘तदर्पीतखिलाचारतः’ इति ।’ એટલે કે જાગવાથી માંડીને સુવા સુધી અને ઊંઘ સુધા-પોતાનું સમસ્ત આચરણ-ચેષ્ટાઓ ભગવાનને માટે હોવું હોઈએ પછી તેમે પૂજા કરતા હો તેમાં પણ તદર્પિતતા હોવી જોઈએ અને કથા કરતા-સાંભળતા હો તેમાં પણ તદર્પિતતા હોવી જોઈએ. કથા શા માટે રસ પૂર્વક કરો છો? પોતાની જમાવટ કરવા માટે કે ભગવાનને પ્રસન્ન કરવા માટે? કે સામાન હૃદયમાં ભગવાન ઉતારી દેવા માટે? કોઈ પણ ભક્તિ-પૂજા-સેવા કોઈ પણ કરો છો તે શા માટે કરો છો? તે પોતાના અંતરમાં પૂછો? પોતે દુઃખમાંથી છુટી જવા માટે? (આત્મરતિ) કે પરમાત્માની પ્રસન્નતા કે કોઈ પ્રકારની સેવા રૂપ થવા માટે? શા હેતુથી થાય છે તેનો તટસ્થ ભાવે અંતરમાં નિર્ણય કરો. જેમાં વિશુધ્ધ ભાવથી ભગવદ્ અર્થતા હોય તો નારદજી કહે છે કે તેના હૃદયમાં ભક્તિ આવી છે, દૃઢતા થઈ રહી છે. એમ જાણવું.
કર્મમાં એવું વિભાગીકરણ ન હોવુ ઘટે કે આટલું કામ શરીરને માટે, આટલો ભાગ પત્નીને માટે, આટલો ભાગ છોકરાઓને માટે, સમાજને માટે, વિગેરે અને આટલુ બાકી રહે તે ભગવાનને માટે. એવું બને તે ‘तदर्पीतखिलाचारतः’ ન ગણાય એતો તેની તમામ ક્રિયા-ચેષ્ટાઓ પરમાત્મા અર્થે જ બની રહેવી જોઈએ ત્યારે તદર્પિતતા આવી ગણાય. દરેક વ્યક્તિ કોઈ ન કોઈ વ્યક્તિ, વિષય કે સ્થાનને સર્મપિત હોય જ છે તે સર્મપિતતાને ભગવાનમાં જોડવાની છે. યુધિષ્ઠિર મહારાજનું જીવન ધર્મને સર્મપિત હતું, હરિશ્ચંદ્ર રાજાનું જીવન સત્ય પ્રત્યે સર્મપિત હતું. પાણીની મુનિનું જીવન વ્યાકરણ પ્રત્યે સર્મપિત હતું. ગાંધીજીના જીવનમાં દેશ પ્રત્યે સર્મપિતા હતી. અર્જુન કૃષ્ણ પ્રત્યે સર્મપિત હતા, ભિષ્મપિતા હસ્તિનાપૂરની ગાદીને સર્મપિત હતા. દાદાખાચર ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિ. સ્વામી, મુ.સ્વામી અને એવા બીજા સંતો મહારાજને સર્મપિત જીવન જીવ્યા છે. કોઈનું જીવન ધનપ્રત્યે સર્મપિત હોય છે/ દા.ત. નંદરાજા, બીજા લોભી પુરુષો. કોઈ ભોગ, પદ, પ્રતિષ્ઠા, દેશ કે સમાજ કે ગરીબો, માટે, કોંગ્રેસ સરકાર “માયનોરીટી’ માટે સર્મપિત થઈ રહેલી છે. આપણે આપણા વ્યક્તિત્વને જોવાનું છે કે આપણે કોના પ્રત્યે સર્મપિત જીવન જીવીએ છીએ? આપણા ભૂતકાળ જીવનને તપાસિએ તથા આપણી ઈચ્છાઓ-સંકલ્પોના વેગને તપાસીએ તો આપણી સર્મપિતતા ક્યાં છે તે જરૂર જણાય આવશે. તેને શ્રીજી મહારાજને અને તેના સાચા સર્મપિત થયેલા ભક્ત કે સંતને સર્મપિત કરી દેવાની છે ત્યારે આપણા હૃદયમાં ભક્તિની દૃઢતા થઈ છે એમ નારદજી નો સિધ્ધાંત છે. આપણા તમામ કાર્યો-આચરણો-ચેષ્ટાઓ સંપુર્ણપણે ભગવાનનું સમર્થન કરનારા ભગવાનના મહિમાનું સર્મર્થન કરનારા થાય પણ કેવળ પોતાની મહત્તા વધારનારા કે તેનું સર્મથન કરનારા બિલકુલ ન બની રહેવા જોઈએ જે કે ભગવાનની મહત્તા પ્રતિપાદન કરવામાં કે સર્મથન કરવામાં વ્યક્તિન મહત્તા આપો આપ પ્રકાશિત થઈ જ રહેવાની છે. તો પણ ભક્તની વૃતિ કે તાન તેના પ્રત્યે ન હોવું જોઈએ. તેનું તાન તો પોતાની મહત્તા કે વ્યક્તિત્વ ગોપિત રાખવામાં-છુપાવી રાખવામાં જ હોય છે આપણા મહાન સંતો એ તેમજ કર્યું છે તેઓએ ભગવાનનું સ્વરુપ જ પ્રકાશિત કર્યું છે.(હાઈલાઈટ કર્યું છે) તેને અર્પિતતા કહેવામાં આવે છે.
ભગવાનને કરવામાં આવતુ સર્મપણ બે પ્રકારનું હોય છે (૧) વૈધ-સર્મપણ-અર્થાત્ ગીતામાં ભગવાને બતાવ્યું છે કે
यत्करोसि यदश्नासि यज्जुहोषि ददासि यत् ।
यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् ।।९/२७
આ પ્રમાણે કર્મ કરીને સંકલ્પ કરીને ભગવાનને સર્મપણ કરવામાં આવે તેને વિધિપૂર્વકનું સર્મપણ કહેવામાં આવે છે.
(૨) બીજુ વિધિ વિના સ્વયં થઈ જતુ સમર્પણ-તે સ્વયં ભૂ હોય છે જ્યાં જેને અતિશય પ્રીતિ હોય તો તે પ્રત્યે સ્વયંભૂ રીતે સર્મપણ થઈ જાય છે ત્યાં મંત્ર બોલીને સંકલ્પ કરવો પડતો નથી. તમામ ઈન્દ્રિયોની ચેષ્ટાઓ-વ્યાપારો તેમના લાભાર્થે જ પ્રર્વતતા હોય છે એટલે કે તમામ ક્રિયાઓનું પર્યવસાન તેના લાભમાટે થઈ રહે છે. એને પણ તદર્પણ કહેવાય છે પતિવ્રતા નારી પોતાની તમામ દૈહિક ક્રિયાઓ પણ પતિને માટે જ-પતિની સેવાને માટે જ કરતી હોય છે. પરંતુ તેને ક્રિયા કરીને પછી મંત્ર બોલીને પતિને સર્મપણ કરવાની વિધિની જરૂર પડતી નથી. તે સ્વયંભૂ સર્મપણ જ છે તેનાં વિધિ-મંત્ર-સંકલ્પોની પણ સહારો લીધા વિના પણ તેને માટે જ થઈ રહે છે નારદજી એવા સર્મપણને ભક્તિની દૃઢતાની નિશાની માને છે.
तथा तद्विस्मरणे परम व्याकुलता-
તેના વિસ્મરણમાં પરમ વ્યાકુળતા કે પરમ-વિરહની અનુભૂતિ થાય. ‘तद् विस्मरणे’ કહેવા પાછળ સુત્રકારનો આશય એવો છે કે તેના અદર્શનમાં, તેનાથી વિખુટા પડવામાં-પરમ વ્યાકુળતા અનુભવાય છે અન્યથા સાચો પ્રેમી ભગવાનને ક્યારેય ભૂલી જાય કે વિસરી જાય એ શક્ય નથી. ગોપી ગીતમાં પણ ભગવાન અદૃશ્ય થઈ ગયા-સ્થુળ પણે વિખુટા પડી ગયા તેને જ ગોપીઓની વ્યાકુળતાનું કારણ બતાવ્યું છે નહિ કે ગોપીઓ ભગવાનને વિસરી ગઈ હતી. ગોપીઓને ભગવાનના દર્શનના અભાવમાં-વિરહ અવસ્થામાં પરમ વ્યાકુળ બતાવી છે છતાં પણ સૂત્રમાં મુનિએ વિરહ શબ્દનો-ભગવાનથી અલગ પડી જવાનો ભાવનો શબ્દ પ્રયોગ કર્યો નથી. ને “વિસ્મરણે’ શબ્દનો પ્રયોગ કર્યો છે કારણકે ક્યારેક-વિ-વિરૂધનું-સ્મરણ અભાવની કલ્પના માત્ર-ભક્તને પરમ વ્યાકુળ બનાવી દે છે. ભગવાનના દૂર થવાની કલ્પના માત્ર ભક્તને અસહ્ય વિરહનું કારણ બને છે માટે “વિસ્મરણ’ શબ્દ લખ્યો છે. હકીકતમાં ભગવાન ક્યારેક દૂર પણ ગયા હોતા નથી. જેમ કે કૃષ્ણ નજીક હોવા છતાં પણ રાધાજીને ભગવાન ભવિષ્યમાં દૂર થશે એવો વિચાર પણ પરમ વ્યાકુળ બનાવી દે છે. મહારાજ દૂર થશે એવી વાત કે વિચાર પણ સચ્ચિદાનંદ સ્વામી, જીવુબા વિગેરે ભક્તજનો ગુણાતીતાનંદ સ્વામી વિગેરે વિરહી જનોને પરમ વ્યાકુળ બનાવી દે છે. મહારાજના વન વિચરણની સ્મૃતિથી પણ એક વખત જોગી સ્વામી પોકે પોકે રડી પડ્યા હતા. ક્યારેક તેવી વાતથી તે ભક્તોને મૂર્છા આવી જાય છે મહારાજ ધામમાં ગયાને ગુણાતીતાનંદ સ્વામીને જરા વિચાર થઈ ગયો-ખરેખરતો પોતે અખંડ મહારાજને આંખો આગળ મહારાજના સ્વરૂપને દેખતા ને મહારાજ પણ તેમને અખંડ દર્શન દેતા તો પણ વિચાર માત્ર આવ્યો કે મહારાજ ગયા ત્યાં મૂર્છા આવી ગઈ. સચ્ચિદાનંદ સ્વામીને તો રૂંવાડે રૂંવાડે લોહીના ટચિયા આવી જાય એ વિરહની પારા કાષ્ઠા છે આવી સ્થિતિ થવી તે ભક્તિની દૃઢતા થઈ છે તેની નિશાની છે.
કોઈ એવી શંકા કરે કે અપક્વ ભક્ત હોય તે પ્રથમ ભગવાનને વિસરી જાય ને પછી પસ્તાવો કરી વ્યાકુળ બની જાય ત્યારે તે પરિપક્વ ભક્ત કહેવાશે કે નહિ? તો તેનો ઉત્તર એ છે કે તે પરિપક્વ ભક્ત ન કહેવાય. તે સાધક ભક્ત કહેવાય. આગળ આ અવસ્થા કે સ્થિતિમાં વ્રજગોપીકાઓનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે ગોપીઓની સ્થીતિ કોઈ એવી ન હતી કે પ્રથમ કાચા ભક્તની જેમ ભૂલી ગઈને પછી ઘેલી બની જતી હતી. એવું ન હતું. તે તો ભગવાનના દૂર થવાના વિચાર માત્ર થી વ્યાકુળ બની જતી હતી. એવી સ્થિતિમાં હતી.
માટે સૂત્રમાં વિસ્મરણનો અર્થ-વિરહનું જ્ઞાન-કે કલ્પના માત્ર એવો લેવાનો છે ખરેખર પ્રિયસંયોગ કાલીન વિરહની દશા-કે સ્વસ્મૃતિ થી વ્યાકુળતા કોઈ વિલક્ષણ પ્રકારની હોય છે. વિલક્ષણ ભગવત્ સુખાનું ભૂતિ કરાવનારી હોય છે.