શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૧૬

पूजादिष्वनुरागः इति पराशर्यः ।।१६।।

પૂજાદિકમાં અનુરાગ થવો તે ભક્તિ દૃઢ થયાનું લક્ષણ છે એવું પરાશર પુત્ર ભગવાન વ્યાસજીનું માનવુ છે-મત છે. પુજાદિકમાં અનુરાગ એ વૈધી ભક્તિ છે- જેને કર્મ મિશ્રા પણ કહેવામાં આવે છે મનુષ્યોનું માનસ કર્મપ્રધાન હોવાથી તેનાં માધ્યમથી ભગવાનમાં જલ્દી પ્રવેશ થાય છે અને ભગવાનમાં તથા ભક્તિમાં જલ્દી સ્થિતિ થઇ જાય છે એવું વ્યાસ ભગવાન માને છે. પોતે તો પરમાત્માનો અવતાર હોવા છતાં લોક સંગ્રહ માટે વ્યાસજીનું સંપુર્ણ જીવન કર્મ પ્રધાન રહ્યું છે. લોકોના માનસમાં પણ કર્મપ્રધાનતા વધારે છે તેથી વ્યાસજીનું માનવું છે કે કર્મના માધ્યમથી તેને ભગવાનમાં પણ અનુરાગ જલ્દી થઈ જાય છે માટે તેઓ એવું બતાવી રહ્યા છે.

सुखानुशयी रागः’ એવો યોગસૂત્રનો સિધ્ધાંત છે જ્યાં ક્યાંય જીવને સૂખાનુભૂતિ થાય એટલે તુરત તેમાં રાગ પ્રગટે છે ‘अनुकुलवंदनीय सुखम्’ અને જ્યાં અનુકુલાનુભૂતિ થાય ત્યાં સૂખાનુભૂતિ થાય છે પણ તે બન્ને ક્ષણિક છે જ્યાં સુધી અનુકૂલાનુભૂતિ રહે ત્યાં સુધી સુખાનુભૂતિ રહે અને જ્યાં સુધી સુખાનુભૂતિ રહે ત્યાં સુધી રાગાનુભૂતિ રહે પણ રાગ હૃદયમાં આવે ત્યારે જીવમાં તેના સંસ્કારો પડી જાય છે. ઘાટો રાગ અનુભવાયો હોય અને તે સંયોગ અદૃશ્ય થતા રાગ અદૃશ્ય થાય પણ ઘાટા સંસ્કારોને મૂકી જાય છે અને તેથી જીવ તે રાગાનુભૂતિ ફરી ફરી અનુભવવા અથવા તે રાગાનુભૂતિ સદાકાળ જીવમાં અનુભવવા તડફડીયા મારે છે, ફરી વાર પામવાની ઝાળ અનુભવે છે. તૃષ્ણા અનુભવે છે તેને “અનુરાગ” કહેવાય છે રાગની પાછળ પાછળ ચાલ્યો આવતો હોવાથી તેને અનુરાગ કહેવાય છે તે ચિરસ્થાયી હોય છે રાગ ક્ષણિક હોય છે ને વિષયના સાનિધ્યમાં ઉભરાય છે જ્યારે અનુરાગ આલંબનની(અર્થાત્ વિષયની) ગેહરાજરીમાં ઉભરાય છે રાગની જે મીઠાશ અનુભવાણી હોય તેનું સ્મરણ થવુ અને તેમાં સુખ થવું એને અનુરાગ કહેવાય છે અનુરાગ રાગની અપેક્ષાએ થોડો શાંત દેખાતો હોય છે પણ અતિબળવાન હોય છે જે પોતાનું લક્ષ્ય સિધ્ધ કરીને જ શાંત બેસે છે જેને વચનામૃતમાં શ્રીજી મહારાજે “ઈશક” શબ્દથી કહ્યો છે. તે રાગનું ભૂતિ પછી ઊભો થાય છે અને ઘણો દીર્ઘકાલીન હોય છે અંતઃકરણ અને હૃદય ઉપર તેની દીર્ઘકાલીન પક્કડ રહે છે.

‘पूजादिषु अनुरागः’અર્થાત્ એકાદશ સ્કંધમાં કહેલા ક્રિયાયોગમાં પ્રીતિ થવી.મૂર્તિની સ્થાપના, પ્રાણ પ્રતિષ્ઠા કરવી-કરાવવી, તથા અન્ય સ્થાનોમાં ભગવાનની વિધિપૂર્વક પૂજા કરવી, આવાહન, સ્નાન કરાવાવું, વસ્ત્ર- ઉપવત્ર(ધોતી અને ઉતરીય વસ્ત્ર) આપવું. યજ્ઞોપવિત અર્પણ કરવી, ચંદન, ચોખા ચડાવવા, સુગંધ, ધૂપ-દિપ અર્પણ કરવો, નૈવેદ્ય, મુખવાસ, આરતી કરવી.

સ્તુતિ કરવી, ભગવાન આગળ કિર્તન, જપ, પાઠ, ધ્યાન કરવું. યાત્રા. મહોત્સવો કરવા આ બધુ-પૂજન ક્રિયાયોગ છે તેમાં અનુરાગ થવો એ ભક્તિ છે જેમાં અનુરાગ થઈ જાય છે તેમાં લગની લાગી રહે છે. તેમાં તેને નિત્ય નવીનતા અનુભવાય છે તે કરવામાં તેને પરમ રસ આવે છે, હૃદય દ્રવિત થઈ ઉઠે છે પૂજા અનુરાગ પૂર્વક થવી જરૂરી છે. નહિ તો યંત્રવત્ ક્રિયા બની જશે. અનુરાગ હોય ત્યારે મન ક્યાંય પૂજા છોડીને દૂર થશે નહીં. પૂજા કરવી ખુબ સ્વાદિષ્ટ લાગે છે અને પૂજા કર્યા પછી પણ આખો દિવસ તેની મધુર સ્મૃતિ જીવ ઉપર છવાય રહે છે ત્યારે તેને હૃદયમાં ભક્તિની દૃઢતા થઈ ગઈ છે એમ જાણવું.

ગ્રંથકારનું તાત્પર્ય એવું પણ છે કે કોઈ પણ એક ભાગમાં સારી એવી સ્થિરતા આવી જાય તો પછી બીજા ભાગોમાં પણ જલ્દી સ્થિરતા આવી જશે અને સમગ્ર ભક્તિ તેમને સાધ્ય થઈ જશે જેને શ્રીજી મહારાજે “પોતાનું અંગ” એવા શબ્દોથી કહ્યું છે અને અંગ પ્રમાણે ભક્તિ કરવાથી સમગ્ર ભક્તિને સાધવામાં ઘણો સારો સમાસ થાય છે.

ભક્તિ બે પ્રકારની હોય છે (૧) વૈધી અને (૨) રાગાનુરા-પૂજા કરો, કથા શ્રવણ કરો ઈત્યાદિક શાસ્ત્ર તથા મહપુરુષોથી પ્રેરણા પામ્યા પછી કરવામાં આવતી ભક્તિ વૈધી ભક્તિ કહેવાય છે. જ્યારે હૃદયમાં ભગવાન પ્રત્યે અનુરાગ જાગે છે ત્યારે પ્રેરણા કરવી પડથી નથી સ્વયં ભગવાનમાં રાગથી પ્રેરાયને ભક્તિ થવા લાગે છે તેને રાગાનુગા ભક્તિ કહેવાય છે. અંહિ બતાવેલા લક્ષણોમાં પ્રથમ પ્રયત્ન કરવાનો છે પ્રથમ પ્રેરણા લઈને પ્રયત્ન કરવાનો છે પછી સ્વયં રસ ઉત્પન્ન થાય ત્યારે આપો આપ કોઈ પ્રેરણા વિના સ્વયં રસ પ્રેરિત ભક્તિ થવા લાગે ત્યારે ભક્તિની દૃઢતા થઈ ગઈ એમ શાસ્ત્ર કારો માને છે.