भवतु निश्चयदाढर्यादृध्वं शास्त्ररक्षणम् ।।१२।।
अन्यथा पातित्यशङ्कया ।।१३।।
નિશ્ચયની દૃઢતા થઈ ગયા પછી શાસ્ત્રનું રક્ષણ ભલે થાય. અન્યથા પતીત થવાનો ભય રહે છે.
કેટલાક વિદ્વાનો આ સૂત્રનો અર્થ એવો કરે છે કે વિધિ નિષેધ થી પર અલૌકિક પ્રેમ પ્રાપ્ત કરવાનો મનમાં દૃષ્ટ નિશ્ચય થઈ જાય પછી પણ શાસ્ત્રની રક્ષા અર્થાત્ ભગવત અનુકુળ શાસ્ત્રોમાં કહેલા કર્મો કરવા જોઈએ. નહી તો પતીત થઈ જવાની સંભાવના છે. “પતીત થવું’ અંહિ કેવળ ભક્તિ માર્ગ છુટી જવો એટલું જ લેવાનું છે. પતીત થઈ જવું એટલે વર્ણ-આશ્રયથી છેક ઉતરી જવું એવો અર્થ અંહિ લેવાની જરૂર નથી કારણ કે ભક્તિનું પ્રકરણ ચાલી રહ્યું છે માટે.
ઘણા વિચારકો આ સૂત્રનો અર્થ એવો કરે છે કે ભક્તિ થયા પછી શાસ્ત્ર રક્ષણ કરવું હોય તો ભલે કરો પરંતુ સિધ્ધ થયા પહેલા શાસ્ત્ર રક્ષણની ચિંતા કર્યા વિના એક ભક્તિનું જ પૂર્ણ જતન કરો પરંતુ બન્ને સૂત્રો ખાસ કરીને ભક્તિ જેને સિધ્ધ થઈ ગઈ છે તેને લોક સંગ્રહ કરવો જરૂરી છે કે લોક સંગ્રહ કરવો જરૂરી નથી અથવા પ્રથમ લોક સંગ્રહ કરવો કે સિધ્ધ થયા પછી કરવો એ વિષયકનું છે.
નાના બાળકને કોઈ મહાત્માને પ્રણામ કરવાનું કહેશો અથવા આગ્રહ કરશો તો તે રડવા લાગશે અથવા કરશે નહિ. પરંતુ કહેનારા મોટા માણસો ખુદ પ્રણામ કરશે ત્યારે બાળક પણ કહ્યા વિના જાતે જ પ્રણામ કરવા લાગી જશે. નાનાઓને સમજવા નું ઓછું હોય છે પણ અનુકરણ વૃતિ વધારે હોય છે તેઓ આજ્ઞાકારી ભાગ્યેજ હોય છે પણ અનુકરણવૃતિ તેમાં પ્રબળ હોય છે. તેઓ મનમાં એવું વિચારે છે કે જ્યારે મોટા એવુ કામ કરે છે તો આપણે કેમ ન કરીએ? એટલા માટે ભક્તન જો શાસ્ત્ર મર્યાદા બરાબર નહિ જાળવે તો બીજા પણ તેમજ કરવા લાગી જશે. માટે ગીતામાં બતાવ્યા પ્રમાણે સિધ્ધ પુરુષોએ પણ શાસ્ત્ર મર્યાદાની રક્ષા કરવી જોઈએ. એવો ગીતાની સાથે મેળવી ને અનુસંધાન કરીએ તો અર્થ એવો થાય છે.
કેટલાક વિદ્વાનો આ બન્ને સૂત્રોને સાથે મેળવી એવો અર્થ કરે છે કે “निश्चय द्वाढर्यात् प्राक् शास्त्र रक्षणं कर्तव्यं न भवति । निश्चय द्वाढर्यात् ठर्ध्व शास्त्र रक्षणं भवतु ।’ નિશ્ચય દૃઢ થયા પહેલા શાસ્ત્રની રક્ષા (લોક સંગ્રહ) કરવાની જરૂર નથી નિશ્ચય દૃઢ થઈ ગયા પછી ભલે શાસ્ત્રની રક્ષા થાય એવું આ સૂત્રનું તાત્પર્ય છે. શાસ્ત્રની રક્ષા કરવી આ કામ આચાર્યોનું છે. રામાનુજાચાર્યજી-નિમ્બાર્ક-વલ્લભાચાર્યજી વિગેરે મહાપુરૂષો છે તે શાસ્ત્રની રક્ષા કરે. તમે નિશ્ચય દૃઢ થયા પહેલા શાસ્ત્રની રક્ષાના ચક્કરમાં પડશો તો ભક્તિમાં શિથિલતા આપી જશે માટે નવા સાધક તેમાં લાગી જાય તો તેમાંથી પડવાની સંભાવના-શંકા સેવવામાં આવે છે.
ભગવત્ કથા-પૂજામાં શ્રધ્ધા થઈ ગઈ અને કથા-પૂજામાં રસ આવવા લાગી જાય તો સંધ્યા વિગેરે નિયમ થોડા આગળ પાછળ કરી લેવા. પણ કથા-પૂજાનો ત્યાગ ન કરવો. ભગવાનની નવધા કે પ્રેમ લક્ષણામાં શ્રધ્ધા થવી એ ઘણી મોટી વાત છે. શ્રધ્ધાથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે.
વૃદાવનમાં એક ભક્ત સાયંકાળે વૃક્ષની નીચે બેઠા હતા. કોઈ કે તેને કહ્યુ- ભક્તજી, “સંધ્યાવંદનનો સમય થઈ ગયો છે.” ત્યારે તે બોલ્યા.
संध्यावंदन भद्रमस्तु भवते भो स्नान तुभ्यं नमः ।
भो देवाः पितरश्च तर्पणविधौ नाहं क्षमः क्षम्यताम् ।।
यत्र क्वापि निषद्य यादवकुलोत्तंसस्य कंसद्विषः ।
स्मारं स्मारमधं हरामि तदलं मन्ये किमन्येन मे ।।
હે સંધ્યા વંદન તમારુ કલ્યાણ થાઓ, હે સ્વસ્નાન તને પણ નમસ્કાર, દેવતાઓ તથા પિતૃઓ હુ તમારૂ તર્પણ કરવા સમર્થ નથી. તેથી ક્ષમા કરજો. હું તો ગમે ત્યાં બેસી જાઊ છું. અને યદુવંશશિરોમણી કંસારિનું સ્મરણ કરી લઊ છુ અને તેનાથી મારા પાપ નાશ કરી લઉં છું. તેથી મારા માટે આટલું પુરતુ છે હવે વધારે કર્મોથી મારે શું પ્રયોજન છે?
કોઈ કુશાસન કે મૃગચર્મ મળ્યું કે ન મળ્યુ તેની કોઈ જરૂર નથી. આતો વ્રજભૂમિ છે જેની રજે રજ ગોપિયોની ચરણ રજથી પરિપૂત છે જે રજમાં ઉધ્ધવ અને અકુર આળોટિયા છે બ્રહ્મા જ્યાં તણખલુ થવાની ઇચ્છા રાખે છે ત્યાં આસન ની પણ શી જરૂર છે? બેસી ગયા ને મૂર્તિમાં નિમગ્ન થઈ ગયા બસ પુરુ થઈ રહ્યું બીજુ કરવાનું શું છે? ભગવાનના ભક્તો ને મૂર્તિ જો ચિતમાં ચડી જતી હોય તો કર્મ, જ્ઞાન કે યોગની વધારે જરૂરીયાત નથી. ગોપીઓએ ઉધ્ધવજીને કહ્યું કે, ‘उद्धव मनः।’ न भये दसविश, एक था जो गया श्यामसो को आराधे इश-उध्धो मन न भये दश विश- ||’ ઉધ્ધવ અમે શું કરીએ? મન તો દસ-વીસ નથી હોતા એક હતું તે કૃષ્ણ સાથે લઇ મથુરા ગયા છે હવે યોગ શેનાથી કરવો? “નિતર્યાને શિદ ડોળુ રે…”
ભક્તિના આચાર્યોમાં નારદજી મુખ્ય આચાર્ય છે તેઓ બાલ બ્રહ્મચારી છે, તેઓ તત્વવેત્તા હોવા છતાં પણ પોતાનું તત્વ વેતા પણું ભૂલીને ભગવાનની ભક્તિમાં મસ્ત બની ગયા છે. પરમ વિરક્ત છે ત્રિલોકીમાં ભ્રમણ કરતા હોવા છતાં કોઈ સ્થાનમાં અટકતા નથી. મારૂ ઘર કરીને ક્યાંય અટકતા નથી. નિત્ય પર્યટન શીલ-પરિવ્રાજક શિરોમણી છે તેના વિષે કહેવામાં આવ્યું છે કે,
अहो देवर्षिधन्योऽयं यत्कीर्तिं शार्ङ्गधन्वनः ।
गायन्माद्यन्निदं तन्त्र्या रमयत्यातुरं जगत् (भा. १-६-३४)
जयति जगति मायां यस्य कायाधवस्ते ।
वचनरचनमेकं केवलं चाकलय्य
ध्रुवपदमपियातो यत्कृपातो धुवोऽयं
सकलकुशल पात्रं ब्रह्मपुत्रम् नतास्मि ।। (भा. महा.)
અહો ધન્ય છે આ દેવર્ષિને જે સારંગપાણી ભગવાનની કીર્તિને પોતાની વીણા પર આલાપ કરીને સ્વયં પ્રેમ વિભોર રહે છે અને અનેક ક્લેશોથી પીડીત સંસારને(સંસારીઓને) આનંદિત બનાવી દે છે.
આવા દેવર્ષિ નારદજીને શાસ્ત્રની મર્યાદાની જાજી ચિંતા નથી. લોક
વ્યવહારની તેઓ ચિંતા કરતા નથી. તેઓ તો એક જ પરમાત્માની અનન્ય ભક્તિની અને પરમાત્માના સ્વરૂપની જ ચિંતા અને જતન કરે છે તેથી તેને મતે ગમે તે અર્થ ઘટી શકે છે તેઓ લોક વ્યવહારની પણ ચિંતા કરતા નથી. તેથી તેઓ વૈધી ભક્તિ નહી પણ રાગાનુગા ભક્તિના પક્ષમાં છે, ક્રિયાયોગ નહિ પણ પ્રપતિના પક્ષમાં છે સાધન ભક્તિ નહિ પણ પરાભક્તિના પ્રતિ પાદક છે અને તેથીજ તેઓ એવું નિરૂપણ અંહિ કરી રહ્યા છે.