શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૧૧

लोकेवेदेषु तदनुकूलाचरण तद्विरोधिषूदासीनता च ।।११।।

લૌકિક વ્યવહારમાં અને શાસ્ત્રીય વ્યવહારમાં(કર્મોમાં) ભગવાન અને ભક્તિને અનુકુળ આચરણ કરવું તેજ વિરોધી પ્રત્યેની ઉદાસીનતા છે.

ઉદાસીનતાનો અર્થ એ થાય કે उत+असिन् = ઉપર બેઠેલો. જેનાથી જગતના સારા અથવા ખરાબ કોઈ ભાવો તમને સ્પર્શી ન શકે. પોતાની જાતને ભગવાનના ચરણાવિંદમાં સર્મપિત કરી રાખો ભગવાનને અનુકૂળ જ આચરણ કરવાથી વિરોધીઓનું દૂરી કરણ આપો આપ થઈ જશે. જેમ પ્રકાશનું સેવન કરતા અંધારુ દૂર થઈ જાય છે. તાત્પર્ય એ છે કે વિરોધીઓનો વિરોધ કરવાની જરૂર નથી. ભગવાનને અને ભક્તિને અનુકુળ માર્ગ પકડી લેવાથી વિરોધીઓ આપો આપ દૂર થઈ જશે. ભગવાનના ભક્તે અશ્વમેધ યજ્ઞ, રાજસુય યજ્ઞ વિગેરે કરવાની જરૂર નથી. કેટલાક લોકો પરોપકારી હોય છે. ભગતદ્ કથા કે સત્સંગનું આયોજન કરી દે છે. કે તેવા જ ભજન-ભક્તિના આયોજન કરી દે છે પણ પોતે કથા સાંભળે નહી કે ભજન ભક્તિમાં ભાગીદાર થાય નહીં. તેઓ પોતાને ભક્તિનો સ્પર્શ થવા દેતા નથી. ખરેખર ભજન અને સત્સંગ પોતાને પ્રથમ કરવાનો હોય છે અને પછી બીજાને પણ તેનો લાભ મળે એ સારી વાત છે. એવું શ્રીજી મહારાજ પણ વરતાલ વ.૧૬માં બતાવે છે. ઈતર કોઈ લોકોપકાર કે વૈદિક કાર્ય કરતા પોતાનું ભજન કે પોતાને કરવાની પરમાત્માની આરાધના છુટી જાય તે ઠીક નહીં તેને જાળવી રાખવા એવું સૂત્રકારનું તાત્પર્ય છે.

કોઈ માણસ ભક્તિમાં વધારે લાગી જાય તો પછી લૌકિક કર્મોનું તથા શાસ્ત્રીય મર્યાદાનું શું થશે? છન્ન ભિન્ન થઈ જશે? તેનો ઉત્તર આપવા માટે આ સૂત્ર આપવામાં આવ્યુ છે ભાઈ, તે મર્યાદાનું છિન્ન ભિન્ન કરવા માટે ભક્તિ કરવામાં નથી આવતી. પણ વેદોમાં અનેક પ્રકારના અધિકારી પરત્વે અનેક પ્રકારના કર્મોનો નિર્દેશ કર્યો છે તેવું જ લૌકિક વ્યવહારમાં છે તે બધા કરવા મનુષ્ય જીવનમાં શક્ય પણ થઈ શકે? તો શું કરવું? તો તેમાંથી ભગવદ્ અનુકૂળ તથા ભક્તિને અનુરૂપ જે વ્યવહારો હોય તે પસંદ કરી લેવા અને તેનું આચરણ કરવું જેથી ભક્તિ સચવાઈ રહેશે. અને બળવાન બનશે અને શાસ્ત્રની મર્યાદા-લોક મર્યાદા પણ જળવાય રહેશે. રાગનો અભાવ ઈતર ભાવનો નિરોધ કરી શક્તો નથી. પરંતુ ભાવને દબાવવા કે નિરાકરણ કરવા કોઈ ભગવાન સંબંધી પ્રબળ ભાવ જ કામ કરી શકશે. રાગનો અભાવ ઈતર ભાવોને દબાવી શકશે નહિ. જેવો પરમાત્માં પ્રબળ રાગ ઈતર ભાવોને દબાવી શકે છે. જે મરી ગયો છે તે જીવતાને દબાવી કેમ શકે? કોઈક જીવતો બીજા જીવીતને દબાવી શકે. માટે ભક્તિની પ્રબળતા હૃદયમાં આવવાથી જ લૌકિક-વૈદિક ભાવોનું નિવારણ શક્ય છે.