શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૧૦

अन्याश्रयाणां त्यागो अनन्यता ।।१०।।

અન્ય આશ્રયોનો ત્યાગ કરવો તેને અનન્યતા કહેવાય છે.

કોઈને ધનનો આશ્રય હોય છે કે જે ધારીશુ તે બધુ રૂપિયાથી થાય છે એમને એવો ભ્રમ હોય છે કે આપણે ધનથી મહાત્માઓને અને ભગવાનને પણ ખરીદી શકીએ છીએ. આવી વૃતિને ધનાશ્રય કહેવાય. ભગવાનના ભક્તો એવો આશ્રય લેતા નથી. કેટલાકને પોતાના શ્રેષ્ઠ કર્મોનો આશ્રય હોય છે ખેતી વ્યાપાર વિગેરે બહિરંગ કર્મો છે. જપ, તપ, યોગ વિગેરે અંતરંગ-આધ્યાત્મિક કર્મો છે પરંતુ જપ, તપ, વ્રત, દાન આદી કર્મોથી ભગવાન ખરીદી શક્તા નથી. તે વિષયમાં ભગવાને ગીતામાં કહ્યું છે કે,

सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज ।
अहं त्वा सर्व पापेभ्यो मोक्षयिष्यामि मा शुच ।।

હે અર્જુન-તુ તારા મનના માનેલા સર્વ ધર્મોનો અર્થાત્ સર્વ આશ્રયોનો ત્યાગ કરીને મારા એકના જ શરણે આવ આર્થાત્ ભગવાનજ ઉપાય છે-સાધન છે અને ભગવાન જ સાધ્ય છે એમ નિશ્ચય કર.
કેટલાક લોકો અન્ય દેવતાઓનો આશ્રય કરે છે તે પણ ભક્તિમાં બાધક છે. સૂરદાસજી બતાવે છે કે

अप बल तपबल और बाहुबल चौथा है बलदाम ।
सुर किशोर कृपासे सबबल हारे को हरि नाम… सुनेरी मैने निर्बल के बलराम

આશ્રય સાધ્યનો કરવાનો હોય છે તેમ સાધનમાં પણ અનન્યતા નિશ્ચિત હોવી જોઈએ. જેમ આલંબન આશ્રયમાં પરમાત્મા સિવાય અન્યનો નિષેધ છે તેમ સાધનમાં પણ અનન્યતા નક્કી થવી જોઈએ. ખરેખરતો પોતાના ઈષ્ટમાં, મંત્રમાં, પોતાના ગુરુમાં અને ભજન પધ્ધતિમાં અનન્યતા હોવી જોઈએ. તેમાં વિરોધ કરે તો તેનો વિરોધ ન કરવો પણ તેનાથી ઉદાસીન તો થવું જ પડે છે. ‘तद् विरोधीषु उदासीनता’ –ભગવત્ વિરોધી તત્વોથી ઉદાસી રહેવું જોઈએ. તેનાથી ઉદાસી રહેવાનો મતલબ એ છે કે તેનાથી બચીને ચાલવું. તેનો વિરોધ પણ કરવા ન જાવું. જે વિરોધ કરતો રહે છે અને વિરોધીઓની સાથે લડાઈ જ કરતો રહે છે તો તેનાથી ભક્તિ છુટી જાય છે અને વિરોધીઓની તે જસફળતા હોય છે.

એક મહાત્મા એક દૃષ્ટાંત આપે છે કે એક કુતરા એ સો માઈલની યાત્રા કરવાનું નક્કી કર્યું. તેણે નક્કી કર્યુંકે પ્રતિદીન દસ માઈલ ચાલશું તો દસ દિવસમાં યાત્રા પુરી થઈ જશે ને પંહોચી જઈશું. પરંતુ થયુ એવુ કે જ્યાં પોતાના ગામથી નીકળી બીજે ગામ પંહોચવાનો થયો ત્યાં તે ગામના કૂતરા ભેળા થઈને આમના ઉપર હલ્લો કર્યો. આ કુતરો પુછડી દબાવીને બાય પાસ રસ્તો પકડી ભાગ્યો. બીજા ગામની સીમ સુધી ભગાડીને તે કુતરાં પાછા ફર્યા. ત્યાં સામેના ગામથી કુતરાનું ટોળુ આવ્યું. ફરી પાછું તેવુ જ કર્યું. આ પ્રમાણે પોતાના જાતિ ભાઈઓ(વિરોધીઓ) ની સહાયથી દસ દિવસની મજલ બેજ દિવસમાં પુરી થઈ ગઈ અને ગંતવ્ય સ્થાન ઉપર પંહોચી ગયો જો તે કૂતરો સામે વિરોધ કરવા કે સાચુ સમજાવવા કે લડાઈ કરવા રોકાયો હોત તો ઘાયલ થઈને વચ્ચેના ગામમાં પડી રહ્યો હોત. વિરોધીઓને સાચુ સમજવાની નવરાશ કે તૈયારી હોતી નથી. માટે તેવો આગ્રહ ન રાખવો. ભગવાનના માર્ગમાં વિરોધીઓથી સુરક્ષિત બચીને ભાગો, પોતાનો પૂર્ણ બચાવ કરતા શીખો, લડાઈનાં ચક્કરમાં પડો નહિં. તો જ તમે ભક્તિ કરી શકશો. નહીં તો તેમને તો તમને એંગેજ કરાવામાં જ(રોકી રાખવામાં જ) સફળતા છે. કામ, ક્રોધ, મોહ, લોભ આ બધા પણ અંતર શત્રુઓ છે તેને પણ એક એકને જીવતા અતિ કઠીન છે માટે તેનાથી બચીને ભક્તિ ચાલુ રાખો. ભક્તિ મુકીને તેમને પરાસ્ત કરી દઊ એવું ન કરો. ભક્તિ છોડવી નહી તો ભગવાનની દૃષ્ટિ થશે. નહી તો મોટા મોટા સાધક ને યોગીઓ પણ તેની સાથે હારી ગયા છે.

આજ કાલનો જમાનો કાંઈક જુદો જ છે. મનુષ્યો સંતોષ પૂર્વક ધન વૃધ્ધિમાં અને અહિંસા પૂર્વક શત્રુને પરાજીત કરવામાં લાગી પડ્યા છે. માટે ભ્રમના ચક્કરમાં ભક્તોએ પડવું નહીં. આજ કાલ ત્યાગીની ઝૂપડીઓ મહેલથી સમૃધ્ધ બની ગઈ છે બ્રહ્મચારીઓની સંતાન પરંપરા મોટી થઈ ગઈ છે પરમ ભક્તો માળા લઈને કોર્ટ-કચેરીમાં આંટા મારતા થઈ ગયા છે માટે જેને ભગવાન પાસે જવું છે અને સાચી ભક્તિ કરવી છે તેને તેઓની સાથે લડાય-વિરોધ ન કરવો. પણ તેનાથી બચવું કેમ તેનો વિચાર કરવો એ જ અનન્યતાનું રક્ષણ કહેવાશે.