तस्मिनन्यता तद्विरोधिषूदासीनता च ।।९।।
ભગવાનમાં અને ભક્તિમાં અનન્યતા અને તેના વિરોધી પ્રત્યે ઉદાસીનતા ને પણ નિરોધ કહેવામાં આવે છે.
अनन्यांश्चिन्तयन्तो मां ये जनापर्युपासते ।
तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ।। ९-२२
ગીતામાં ભગવાને કહ્યું છે કે જે મનુષ્યો અનન્ય પણે મારું જ ચિંતવન કરે છે તથા અનન્ય પણે મારી ઉપાસના કરે છે એવા સર્વદા મારામાં જોડાયેલા રહેવાવાળાનાં યોગક્ષેમ હું વહન કરું છું. કોઈને મનમાં એમ શંકા થાય કે ‘नित्याभियुक्तानाम्’ એમ સર્વ કાળ ભગવાનમાં જોડાય રહીએ તો અમારી આજીવીકા કેમ ચાલે? અમારૂ ઘરતો કોઈ લુંટી જાયને? તેના ઉતરમાં જ ભગવાનને કહ્યું કે ‘योगक्षमम् वहाम्यहम्’ તેના યોગ અને ક્ષેમનું વહન હું કરીશ. તમારી જરૂરીયાતો હું લાવી આપીને પુરી પાડીશ તથા તમારા ઘરની રક્ષા હું કરીશ.
એક પંડીતજી એક નિર્જન પ્રદેશમાં હનુમાનજીનું મંદિર હતું. ત્યાં હનુમાનજીને રામાયણની કથા સંભળાવતા હતા. તેની પુત્રી વિવાહને યોગ્ય થઈ હતી. વિવાહને માટે એક હજાર રૂપિયાની જરૂર હતી. મંદિરમાં કોઈ શ્રોતા તો આવતા નહિ. પણ પંડિતજી નિયમ પૂર્વક અને શ્રધ્ધાવિશ્વાસથી હનુમાનજીને કથા સંભળાવતા રહેતા હતા. એક મહિનો વીત્યો. મંદિરમાં આકાશ વાણી થઈ કાલે તને એક હજાર રૂપિયા મળશે. પંડિતજીનું ધ્યાન કથા વાચવામાં હતું તેથી તેણે આકાશવાળી સાંભળી ન હતી. તે સમયે એક વેપારી મંદિરમાં પૂજા કરવા આવ્યો હતો. તેણે આ આકાશ વાણી સાંભળી તેથી સાંજે તે પંડિતજીના ઘરે ગયો અને બોલ્યો કાલે આપની કથામાં જે દક્ષિણા આવે તેનું સાટુ કરવું છે. પંડિતજી કહે મારી મશ્કરી કરો નહી. એક મહિનાથી કથા વાંચુ છુ. કોઈ શ્રોતા આવતો નથી.વેપારી કહે કોઈ વાંધો નહિ. લ્યો આં પાંચસો રૂપિયા અને કાલે કથામાં જે દક્ષિણા આવે તે બધી મારી. પંડિતજી કહે ઠીક એમ કહીને પાંચસો રૂપિયા તો આવે છે એમ સમજીને રૂપિયા લઈને ઘરમાં રાખી દીધા. બીજા દિવસે વેપારી કથા સાંભળવા પ્રથમથીજ આવી ગયો. કથા પુરી કરી પંડિતજી તો ચાલ્યા ગયા. એકે રૂપિયો દક્ષિણામાં આવ્યો નહીં. તેથી વેપારીને હનુમાનજી ઉપર ક્રોધ થયો અને મૂર્તિને પગથી લાત મારી પરંતુ પગ ચોંટી ગયો. કોઈ રીતે ઉખડે નહિ. ખુબ રોયો પણ ત્યાં નિર્જન મંદિરમાં સાંભળવા વાળુ કોઈ ન હતું પછી આજીજી કરીને હનુમાનજી ને કહ્યું કે તમે ખોટુ બોલીને મારા પાંચસો રૂપિયા ડુબાડ્યા અને હવે મારો પગ તો મૂકો. હનુમાનજી ને દયા આવી અને બોલ્યા તે બ્રાહ્મણને મારે એક હજાર રૂપિયા આપવાના છે હું ખોટુ બોલતો નથી. પાંચસો રૂપિયા કાલે તે તેને આપી દીધા અને હવે બીજા પાંચસો આજને આજ આપી દેવાની પ્રતિજ્ઞા કરે તો તારો પગ છુટે. વેપારીએ મજબુર થઈને પ્રતિજ્ઞા કરી પગ છુટો થયો તુરત પાંચસો રૂપિયા બ્રાહ્મણને આપી દીધા.
પંડિત જગન્નાથ મિશ્રની સંપુર્ણ મહાભારત પર ટીકા રચેલી છે તેઓ જગન્નાથપુરીમાં રહેતા હતા. મહાભારતની ટીકા સમયે જ્યારે ગીતામાં ‘अनन्र्त्यांश्चिन्तयन्तो मां…’ શ્લોક આવ્યો તેમાં ‘योगक्षेमं वहाम्यहम्’ પદ આવ્યું ત્યારે તેને મનમાં થયું કે ‘वहामि अहम्’ પદ ઠીક નથી. ભગવાનને પોતે વહન કરવાની જરૂર નથી ભગવાન કોઈને કોઈ દ્વારા તે કામ કરાવી દે છે. પોતે કરવાની શી જરૂર છે? માટે ત્યાં ‘ददामि अहम्’ હોવું જોઈએ અને તેમ ટીકા લખી દીધી અને પછી સમુદ્ર સ્નાન કરવા ચાલ્યા ગયા. તે દિવસે તેના ઘરમાં દાળ, લોટ વિગેરે કશુજ સીધુ-સામાન હતું નહીં. એક અગીયારેક વર્ષનો બાળક સીધા સામાનની ટોપલી ઉપાડીને આવ્યો મિશ્રાજીના પત્નીને તે આપ્યું. પરંતુ મિશ્રાજીના પત્નીએ જોયું તો તે સુંદર બાળકના મુખ ઉપર એક ચોટ લાગી હતી. તેણીએ પૂછ્યું કે તને આ કોણે માર્યું? ત્યારે બાળકે જવાબ આપ્યો કે મિશ્રાજીએ માર્યું. તેમના પત્નીને ખુબ દુઃખ થયું. તેમના પતિ ઉપર ક્રોધ આવ્યો. આવા સુંદર બાળકને આવુ મરાય? બાળક સિધુ આપીને ચાલ્યો ગયો. મિશ્રાજી સ્નાન કરીને પાછા આવ્યા ત્યારે તેના પત્ની ગાજિ ઉઠ્યા. “અરે! ઘડપણમાં તમારી બુધ્ધિ બગડી ગઈ કે શું? તમારા સીધા સામાનની પોટલી લઈને બાળક આવ્યો હતો જે કેટલો સુંદર હતો? તેને તમે મુખ ઉપર ચંપેટ મારીને ઘાયલ કરી દીધો?” ત્યારે મિશ્રાજીને નવીન લાગ્યું કે મેં તો કોઈને ચપેટ મારી નથી. પછી પોતાને યાદ આવ્યુ કે તે બાળક બીજો કોઈ નહી પરંતુ ગીતાના વક્તા શ્રી કૃષ્ણ પોતેજ બાળક થઈને આવ્યા હોવા જોઈએ. તુરત પોતાને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને ટીકામાં પોતે કરેલો સુધારો દૂર કરી દીધો.
એક માત્ર પરમાત્માનો ભરોંસો હોવો તેને અનન્યતા કહેવાય છે તેજ પરમાત્મા આપણને સાધન કરવાની પ્રેરણા આપે છે. આપણે ખુબ બુધ્ધિશાળી છીએ ને વિવેકથી ભગવાનના ભજનમાં લાગી ગયા છીએ એમ ન સમજવું આતો એમની જ કૃપા છે.‘ददामि बुध्धियोगं तं येनमामुपयान्ति ते’ તેની જ પ્રેરણાથી આપણને બુધ્ધિમાં સુજે છે એમ માનવું.
ભગવાન અને ભક્તિના વિરોધીઓમાં ઉદાસીનતા રાખવી તેને પણ નિરોધ કહેવાય છે. ભગવાનમાં અને ભક્તિમાં જે પ્રેમ છે તેને શિથિલ બનાવી દે તેમા રસને ઓછો કરી દે તે તેના વિરોધી છે. વેદ કે પુરાણાદિક શાસ્ત્રોમાં પણ ભક્તિ વિરોધી કે ભગવાનનો અનુત્કર્ષ કહેનારી કથા હોય તો તે ન સાંભળવી.‘कृष्ण कृष्णावताराणं खण्डनं यत्र युक्तिभिः । कृतं स्यात्तानि शास्त्राणि न मान्यानि कदाचन’ શિક્ષાપત્રિ. તેમ મહારાજે શિક્ષાપત્રીમાં પણ બતાવ્યુ છે. પરંતુ એવુ કરે તો તેને પુરાણાદિકના તિરસ્કારની આશંકા થાય ત્યારે તેના સમાધાનમાં આગળ સૂત્રથી ‘भवतु….. शास्त्र रक्षणम्-१२’ કહેશે અને પ્રેમને જે અનુકૂળ હોય તેનું ગ્રહણ કરી લો જેથી વિરોધીના પ્રવેશનો અવસર જ મળશે નહિ. ભગવાનના ભક્તે ભગવાન કે ભક્તના વિરોધી પ્રત્યે શું કરવું? તેનો વિરોધ કરવો? અથવા તો તેની સાથે શત્રુતા કરવી? પણ એવું કરવું તે તો યોગ્ય નથી, મુર્ખતા કહેવાય. ભગવત્ વિરોધીમાં આસક્તિ કે દ્વેષ બન્ને ભગવાનને છોડાવીને ઈતરચિંતન કરાવે છે ત્યારે અનન્યતાનો નિભાવ થશે નહીં. માટે ભગવાનના ભક્તે તેઓની સાથે ઉદાસીન વૃતિ અથવા ઉપેક્ષા વૃતિ કેળવવી જોઈએ.
ભગવાનના ભક્તે ઈષ્ટદેવમાં અનન્ય પ્રેમ, ભક્તમાં મૈત્રી, અજ્ઞાનીઓ પ્રત્યે કૃપા અને દ્વેષીઓ પ્રત્યે ઉપેક્ષા કેળવવા જોઈએ. અંહિ ઉદાસીનતાનું તાત્પર્ય ઉપેક્ષા પૂર્વક ત્યાગ કરવામાં છે. દ્વેષ પૂર્વક પણ ત્યાગ થાય છે પણ તેનાથી ભક્તિનું કાર્ય થઈ શકશે નહીં. ઉપેક્ષા પૂર્વક ત્યાગ થાય છે પણ તેનાથી ભક્તિનું કાર્ય થઈ શકશે નહીં. ઉપેક્ષા પૂર્વક ત્યાગથી હૃદયમાં ભક્તિ સ્થિર રહી શકશે. પ્રહલાદજીએ પિતાનો, ભરતજીએ માતાનો, બલિ મહારાજાએ ગુરુનો, ગોપીઓએ પતિનો પણ ભક્તિના કે ભગવાનના વિરોધી જાણીને ત્યાગ કર્યોહતો. ભક્તિમાં શિથિલતા લાવી દે તેવા કર્મોનો પણ ત્યાગ કરી દવો. હવે આગળના સૂત્રમાં અનન્યતાનું સ્વરૂપ બતાવે છે.