શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૦૮

निरोधस्तु लोकवेदव्यापारन्यासः ।।८।।

અહિં નિરોધ પારિભાષિક શબ્દ છે અર્થાત્ તેની વ્યાખ્યા(પરિભાષા) પણ નારદજી એ બતાવી છે. આ સૂત્રમાં નારદજી તેમની વ્યાખ્યા બતાવી રહ્યા છે લૌકિક અને વૈદિક સમગ્ર વ્યાપારનું ભગવાનને સમર્પણ કરી દેવું તે નિરોધ કહેવાય

छे. ‘न्यासो नाम भगवति सर्मपणम्’ ન્યાસનો અર્થ છે ભગવાનને સમર્પણ કરવું પરંતુ અહિં ન્યાસનો અર્થ ત્યાગ એવો કરવામાં આવ્યો નથી. ન્યાસનો અર્થ ત્યાગ કરવો એવો પણ થતો હોય છે. ન્યાસ એ સર્વથી મોટુ તપ છે. ગીતામાં તેનેજ સાચો ત્યાગી કહ્યો છે.

न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः ।
यस्तु कर्मफलत्यागी स त्यागीत्यभिधीयते ।। (गी.१८/११)

લૌકિક વૈદિત તમામ કર્મો સારી રીતે કરી તેનું ફળ ભગવાનને સર્મપિત કરવું તેજ સાચો ત્યાગ કર્યો કહેવાય છે. લૌકિક-વૈદિક જે કાંઈ કર્મ કરીએ તે ભગવાનને માટે કરવું, પોતાને માટે જો કરીએ તો તે સકામતા થઈ જશે. ભક્તિના લક્ષણો જેમાં દેખાય તે ભક્ત કહેવાય. ભક્તિ એ નિરોધ રૂપા છે ભક્તોના મનનો પરમાત્માના સ્વરુરૂપમાં નિરોધ કરનારી છે. પ્રપચનો વિલયએ ભક્તને માટે સાચો નિરોધ નથી પણ પ્રપંચનું વિસ્મરણ થવુ એ ભક્તને માટે નિરોધ છે માટે દશમ સ્કંધમાં નિરોધનું નિરૂપણ થયું છે એવું શ્રી વલ્લભાચાર્યજી માને છે. તેમાં ગોપીજનોના મનનો ભગવાનના સ્વરૂપમાં નિરોધ થયો છે ને પ્રપંચની વિસ્મૃતિ થયેલી છે. અંહિ નારદ ભક્તિ સૂત્રમાં બતાવેલા ભક્તિના લક્ષણો સિધ્ધ ભક્તોની ઓળખાણ કરાવવા માટેના ચિન્હો છે સાધક ભક્તોને માટે પ્રયત્ન કરીને એવા લક્ષણો મેળવવાના છે એમ માનવું.

વૈદિક કર્મો પણ ભગવાનને પ્રસન્ન કરવા માટે કરવા. ગણેશ વિગેરે દેવતાઓનું પૂજન પણ ભગવાનને પ્રસન્ન કરવા માટે કરવા. વિનય પત્રિકામાં તુલસીદાસજી ગણેશજીની સ્મૃતિમાં લખે છે કે मांगत तुलसीदास कर जो रे । बसहु रामसिय मानस मोरे।’ વંદના તો ગણેશની કરે છે પણ માગે છે કે અમે તમને નહી પણ સીતારામને હૃદયનાં પધરાવવા ઇચ્છીએ છીએ. આ વૈદિક ક્રિયાઓનું સર્મપણ થયું કહેવાય. પૂજાતો વૈદિક વિધિ પ્રમાણે કરવા પણ તેનું ફળ ભગવાનની ભક્તિ ઈચ્છવી અથવા ભગવાનની પ્રસન્નતા ઈચ્છાવી. લૌકિક કર્મ ખેતી, વ્યાપાર, પદપ્રતિષ્ઠા વિગેરે ને પણ ભગવાનની સેવાને માટે કરો અથવા ભગવાનની સેવામાં તેનો વિનિયોગ કરો. સંગીત કરો, કિર્તન કરો પણ ભાવના કરો કે ભગવાન સાંભળે છે ભગવાનને પ્રસન્ન કરવા માટે કરો. ગોપીઓ પોતાના

બાળકોનું લાલન પાલન પણ કૃષ્ણની પ્રસન્નતા માટે કરતી હતી. મારો બાળક મોટો થઈને કૃષ્ણની સાથે રમવામાં સાથ(કંપની) આપે. પોતાના શરીરના શણગાર પણ કૃષ્ણના ગમવા માટે કરતી હતી. ભગવાનનો ભક્ત પોતાના શરીર પોષણના પણ દરેક કાર્ય ભગવાનને માટે કરે છે ભગવાન પ્રસન્ન થાય એવી રીતે કરે છે અને એટલા માટે કરે છે. શૌચ-લઘુશંકા જેવી શારીરિક હાજત પણ એવા અનુસંધાન પૂર્વક કરે છે જેથી શરીર સ્વસ્થ રહી ભજન થઈ શકે, તેમાં રૂકાવટ ન આવે. નિદ્રા એટલા માટે લે છે કે ભજનમાં આળસ ન આવે. તેથી તેની શારીરિક ક્રિયા પણ ભજન રૂપ થઈ જાય છે.

સાધન દશામાં ફળ સમર્પણ કરવાનું છે ફળ સર્મપણ રૂપ ન્યાસ કરવાનો છે. અને પ્રેમ લક્ષણા ભક્તિમાં કર્મનો પણ સન્યાસ થઈ જાય છે. ત્યારે કોઈને શંકા થાય કે સર્વકર્મ સંન્યાસ થાય તો પછી ભગવાનની ભક્તિનો પણ ત્યાગ થઈ જશે. તો તેનું સમાધાન એ છે કે ભક્તિ સિવાય અન્ય કર્મોનો ત્યાગ એને જ નિરોધ ગણવામાં આવે છે નિરોધમાં ભક્તિનો પણ નિરોધ કરવાની જરૂર નથી. ભગવાનની આજ્ઞા અનુસાર કર્મ કરવુ એ અલગ વસ્તુ છે કર્મ કરીને ફળ ભગવાનને સર્મપણ કરી દેવું એ અલગ છે અને ભગવાનને માટે કર્મ કરવુ એ અલગ વસ્તુ છે ત્રણે અલગ ચીજ છે માટે ભગવાનને અર્થે જે કર્મ કરવા તેનો નિરોધમાં ત્યાગ થતો નથી. યથા શક્ય હોય તો તેને પણ છોડીને ભગવાન સંબંધી ને ભગવાનને માટે કર્મ કરવાનું છે. બધાજ એક માર્ગના જ કર્મો છે. પણ ભક્તિનો નિરોધ એવો છે કે ભગવાન સિવાય ઈતરને તેમાં સ્થાન રહેવા દેતી નથી.

આ પ્રમાણે સાંખ્યની દૃષ્ટીએ નિરોધ બતાવીને હવે યોગીઓની પધ્ધતિથી નિરોધનું નિરૂપણ કરે છે. સાંખ્ય કર્મ સન્યાસને-કર્મને સંપૂર્ણ પણે છોડી દેવાને નિરોધ કહે છે જ્યારે યોગ ભગવાનને માટેજ કર્મ કરવું તેને નિરોધ કહે છે. ફળ બન્ને નું એક છે પણ પધ્ધતિ એક નથી યોગીઓને ભગવાનને અર્થે કર્મ કરવાનો સ્વભાવ હોય છે અથવા એમ કહીએ તો પણ ચાલે કે આઠમાં સૂત્રમાં કેવો વ્યવહાર કરવો તેને નિરોધ કહ્યો છે અને હવે ભગવાનમાં મન કેમ રાખવું તે નિરોધ કહેશે.