यज्ज्ञात्वा, मत्तो भवति, स्तब्धो भवति, आत्मारामो भवति ।।६।।
જેને જાણીને મનુષ્ય મત્ત-ગાંડો બની જાય છે, સ્તબ્ધ થઈ જાય છે અને આત્મારામ થઈ જાય છે.
ભક્તિ તો દરેકના હૃદયમાં છે જ પણ કોઈ દેહ ભક્ત છે, કોઈ પત્ની ભક્ત છે, કોઈ ધનનો ભક્ત છે એમ મનુષ્ય પોતાના હૃદયની ભક્તિ ક્યાંકને ક્યાક જોડી દે છે ભગવાનમાં જોડતો નથી એટલું જ છે તેમાં જોડવાની છે.
‘मतो भवति‘ જે પરમાત્માને જાણીને તેની ભક્તિ પામીને મત્તવાલો થઈ જવાય છે. ગાંડો થઈ જવાય છે. ભક્તિનો એક પ્રકારનો નશો હોય છે. પ્રહ્લાદને એક પ્રકારનો નશો ચડી ગયો હતો. મીરા બાઈને ભક્તિનો નશો ચડી ગયો હતો ત્યારે તેને લૌકિક વિવેક રહેતો નથી તે સમયના લોકો ભક્તને ગાંડો જાણે છે. કઠલાલની ડોશીને મહારાજના મહિમાનો નશો હતો. લોયાના વ.૩માં એવા નશા વાળાના મહારાજે નામ આપ્યા છે મહારાજ કહે છે કે તેના હૃદયમાં અલૌકિક કેફ ચડી ગયો હોય છે માદક વસ્તુ પી લેવાથી જેમ કેફ ચડી જાય છે તે તો તામસી કેફ છે તે તો ભારે નુકશાન કરનારો છે ભાગવતમાં વર્ણન આવે છે કે ‘कृष्णग्रहगृहीतात्मा न वेद जगदीदृशम्’ પ્રહલાદજી ને કૃષણરૂપી ભૂત વળગ્યું હતું. તેમ મહારાજના તો અનંત એવા ભક્તો હતા જેને અલૌકિક કેફ ચડેલો હતો. ભગવાનના વિરહમાં ગોપીઓ ગાંડી થઈ હતી. “કોઈ કહે મીરા ભઈ બાવરી’ એમ ભગવાનની સાચી ભક્તિ પામીને ભક્ત મતવાલો થઈ જાય છે. મતનો અર્થ અહીં એવો છે કે તેનાથી કોઈ વ્યક્તિ વિશેષ કે સમાજનો સ્વાર્થ સિધ્ધ થતો નથી. તે જે હિત કરે તો બધાનું કરે છે નહી તો કોઈનું નહી. જેને સમાજમાં સમજદાર બની
રહેવું છે તે સુખનો માર્ગ છે પ્રેમનો માર્ગ નથી. પ્રેમમાં સુખજ હોય એવું નથી. ક્યારેક ભક્તિ કરતા દુઃખ પણ આવી પડે છે. તોય તેમાં પ્રર્વતે છે માટે લોકો તેને ગાંડો કહે છે. પ્રેમનો માર્ગ સુખ ઈચ્છવા વાળાને માટે નથી. ગોપીઓ કહેતી હતી કે જો અમારા દુઃખથી કૃષ્ણને સુખ થતું હોય તો અમે જન્મો જન્મ દુઃખી રહીશું. કૃષ્ણ સુખી થાઓ એવો ભક્તિ માર્ગ છે.
“स्तब्धो भवति” –વધારે કેફ થઈ જાય તો માણસ સ્તબ્ધ થઈ જાય છે. જડ કે અવાચક થઈ જાય છે. બોલચાલ બંધ થઈ જવી, શબ્દ સ્પર્શાદિકનું ભાન ન રહેવું, સ્પંદન હીન થઈ જવું તેને સ્તબ્ધતા કહેવામાં આવે છે. સ્તબ્ધતા એ બિલકુલ જડ જેવો ભાવ છે જ્યારે મતપણુ એ વિક્ષિપ્ત અવસ્થા જેવી અવસ્થા છે. જ્યારે આત્મારામતા એ જાગ્રત સમાધિ અવસ્થા છે. સ્તબ્ધ માણસની સ્તુતિ કરો કે તેને ગાળો દે તોય બન્ને સાથે કાંઈ લેવા દેવા નથી.
“आत्मारामो भवति” ભક્તિમાન વ્યક્તિ વિષયારામ નથી હોતો. કેટલાક ઈન્દ્રિયારામ હોય છે જેને ગમે તે રીતે ઈન્દ્રિયોની તૃપ્તિ થવી જોઈએ તે પામર કહેવાય છે. ભક્તની તૃપ્તિ તો એક પરમાત્મામાં જ હોય છે. ભક્ત પોતાના ચૈતન્યને આત્માં નથી જાણતો પણ પરમાત્માને જ પોતાનો આત્મા જાણે છે.
હવે નિરોધાધિકરણનો પ્રારંભ થાય છે અત્યાર સુધી ભક્તિના જે લક્ષણો બતાવ્યા છે તે અનુરોધી લક્ષણો છે ભક્તિમાં શું શું હોવું જોઈએ તેવા લક્ષણો કહ્યા છે હવે એ બતાવશે કે ભક્તિમાં કઈ વસ્તુ હોતી નથી. ભક્તિને કઈ વસ્તુ સાથે કટ્ટર વિરોધ છે. એ બતાવવાની એટલા માટે જરૂર છે કે પ્રેમ અને કામ અતિ નજીકના પદાર્થો છે કેટલાક મહાત્માઓ એમ માને છે કે પ્રેમ અને કામમાં એક વાળ માત્રનો ફેર હોય છે. જે ઉપરની નજરથી દેખવામાં આવતો નથી. કેટલાક મહાત્માઓ તો વળી એવું કહે છે કે પ્રેમ અને કામનું સ્વરૂપ એક જ છે. જુદા નથી. પરંતુ વિષયભેદથીજ તેમાં ભિન્નતા છે. જેમ કે કામના ધન વિષયની હોય તો લોભ કહેવાય છે, સ્ત્રી સંબંધી હોય તો કામ કહેવાશે અને ભગવાન સંબંધી હોય તો ભક્તિ કહેવાશે. વિષય ભેદ થવાથી તેનું ફળ પણ અલગ પડી જાય છે. જેમ લીંબડો-આંબલી-શેરડીના અલગ અલગ આશ્રયથી એકજ પાણી નો રસ અલગ અલગ ગુણ ધરાવવા વાળો થાય છે માટે કામનાનું સ્વરૂપ અને પ્રેમનું સ્વરૂપ એક
જ છે. એમાં અંતર નથી. શ્યામ અને કામ બન્ને પિતા પુત્ર છે બન્ને શ્યામ વર્ણના છે બન્ને અનુપમ સુંદર છે તો પછી તેને અલગ કેવી રીતે ઓળખવા? એટલા માટે કામમાં ને પ્રેમમાં જે અતંર છે તે આ અધિકરણમાં નારદજી બતાવે છે.