શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૦૫

यत्प्राप्य न किञ्चित् वाञ्छति, न शोचति, न द्वेष्टि, न रमते, नोत्साहि भवति- ।।५।।

જે ભક્તિને પામીને ભક્ત અન્ય કાંઈ વસ્તુ ઈચ્છતો નથી. ન કોઈને માટે શોક કરે છે ન કોઈનો દ્વેષ કરે છે, ન કોઈમાં રમણ કરે છે અર્થાત્ ન કોઈમાં આસક્ત થાય છે. અને ન કોઈ લૌકિક કાર્યમાં અતિ ઉત્સાહમાં આવી જાય છે.

‘यो न हृष्यति न द्वेष्टि न शोचति न कांक्षति ।
शुभा शुभ परित्यागी भक्तिमान् स मे प्रियः ।। (गी.१२/१७)

ચોથા સૂત્રમાં ફળ દ્વારા ભક્તિનું નિરૂપણ કર્યું હવે ભગવાનને કેવી ભક્તિ ગમે છે તે આ સૂત્રમાં કહે છે. માલિક પોતાના સેવકની કઈ સેવાને સેવા માને છે તે પણ જાણવું જોઈએ. જો સેવા થી માલિક પ્રસન્ન ન થાય તો તે સેવા અધુરી ગણાય. ગીતાના ઉપરના શ્લોકમાં જે વાત બતાવી છે તે જ વાત નારદજી અંહિ સૂત્રમાં બતાવી રહ્યા છે.

यत्प्राप्य न किंचित् र्वांछति- જે ભક્તિને પ્રાપ્ત કરીને-ભક્તિની ત્રણ પ્રકારે પ્રાપ્તિ કહી છે.
(૧) ઉતરાધિકારમાં મળેલી ભક્તિ જેમ કે પ્રહ્લાદજીના વંશધર ધર્માત્મા અને ભક્ત થયા. બલિમહારાજા વિગેરે.
(૨) કોઈ સંત પુરુષ અથવા ગુરુદેવ અથવા ભગવાનની કૃપાથી કૃપા દૃષ્ટિ પડી જવાથી જીવનમાં ભક્તિ આવી ગઈ હોય. દા.ત. નારદજી, ભૂજના અચ્યુતદાસજી સ્વામી.
(૩) સાધન ભજન કરતા કરતા ચિત શુધ્ધ થતે ભક્તિ ઉદય થાય. એમાંથી કોઈ પણ પ્રકારે ભક્તિ પ્રાપ્ત થઈ તો પછી તેના જીવનમાં આ લક્ષણો આવવા જોઈએ. અથવા તો એમ કહો કે સાચો ભક્ત થવા માટે આ લક્ષણો મેળવવા જોઈએ.

न किंचित् वांछति- તે ભગવાન સિવાય અને ભગવાનની ભક્તિ સિવાય કાંઈ ઈચ્છતો નથી. ભગવાનના ભક્તના હૃદયમાં કોઈ એવા અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરવાની ઉચ્છા રહેતી નથી. કોઈ પણ ચાહના નો દુર્ગણ એ હોય છે કે તે પોતાને પોતાના ઘરમાં લઈ જાય છે. આપણે ઘેર કોઈ મહેમાન આવે તો આપણે તેને ઘરમાં છોડીને બહાર ઉભા રહીને બીજાની રાહ જોઈએ તો મહેમાન ને કેવું સારૂ લાગે? આપણને તેમ થયું હોય તો આપણને કેમ લાગે? તેમ ભગવાન આપણા હૃદયમાં આવે ને આપણે ઘરથી બહાર નીકળીને બીજાને શોધવા લાગી જઈએ એવું થયું. બીજી ચાહના ઉત્પન્ન થતાની સાથે જ ભક્તિના સ્વરૂપને મલિન બનાવી દે છે. અપ્રાપ્ત અનુકુળ વસ્તુની કે વ્યક્તિની સૌ કોઈ ચાહના કરે છે પરંતુ ભગવાનના સાચા ભક્તને કોઈ ભગવાન સિવાય પ્રાપ્ત કરવા જેવી વસ્તુ કે વ્યક્તિ રહેતી નથી. માટે સાચા ભક્તમાં બીજી ઈચ્છાઓનો સ્વતઃ અભાવ રહે છે. ભગવાનના ભક્તોએ એવી સ્થિતી સાધવી જોઈએ. ભગવાને કહ્યું છે કે,

‘विसृज्य सर्वानर्त्यांच्च मामेकं विश्वतोमुखम् ।
भजन्त्यनन्यया भक्त्या तान्मृत्योरतिपारये ।

બીજી સર્વ ઈચ્છાઓનો ત્યાગ કરીને અનન્ય ભક્તિથી સર્વ પ્રકારે મને એકને જ જે ભજે છે તેને હુ જન્મ-મરણથી પાર ઉતારૂ છું.

न शोचति -ભગવાનનો ભક્ત ક્યારેય શોક કરતો નથી ભક્ત ક્યારેય બીજાને માટે રડતો નથી. ભગવાન આપણી પાસે આવે અને આપણે બીજાને માટે શોક કરતા હોઈએ, રડતા હોઈએ એનો અર્થ એ થાય કે ભગવાન કરતા નષ્ટ થયેલી વસ્તુનું વધારે મહત્વ છે ત્યારે જ સામે ઉભેલા ભગવાનને મુકીને તેને(નષ્ટ પામેલ વસ્તુ) માટે રડવું પડે છે પરંતુ ભક્તને માટે તે સંભવ નથી. સાચા ભક્તને માટે સંસારની કોઈ વસ્તુ, વ્યક્તિ અથવા પરિસ્થિતિનો શોક કરવો તેનો અર્થ પ્રાપ્ત થયેલા ભગવાનનો તિરસ્કાર કરવો તેવો થાય છે. શોક મનુષ્યના મનને ભગવાનમાંથી હટાવીને ભૂતકાળમાં લઈ જાય છે. શોક હંમેશા ભૂતકાળ વિષયનો જ થાય છે. શોક મનને વર્તમાન કાળમાં રહેવા દેતો નથી. તેવી જ રીતે ઈચ્છા પણ ભગવાનને મુકીને બીજા પાસે લઈ જાય છે. ઈચ્છા મોટે ભાગે ભવિષ્ય વિષયની રહે છે. તે પણ વર્તમાન કાળમાં રહેવા દેતી નથી. વસ્તુઓ-વ્યક્તિ કે પરિસ્થિતિની પ્રાપ્તિ અથવા નાશમાં ભગવાનનો ભક્ત ઈચ્છા અથવા શોક કરતો નથી.

‘न द्वेष्टि’ સાચો ભક્ત કોઈનો દ્વેષ પણ કરતો નથી. દ્વેષ મનુષ્યના મનને શત્રુ પાસે લઈ જાય છે. ભગવાન પાસે રહેવા દેતો નથી. એક ગૃહસ્થને ઘેર તેમના ગુરુજી આવ્યા ત્યારે પતિ પત્ની ઝઘડતા હતા. ત્યારે પત્નીએ કહ્યું કે ગુરુજીનીતો મર્યાદા રાખો. ત્યારે પેલા એ ક્રોધમાં ને ક્રોધમાં બોલી ગયો કે એવા તો ઘણા ચાલ્યા આવે તેથી શું? ક્રોધ ભક્તિમાં સ્થિર રહેવા દેતો નથી. ક્રોધ ભગવાન ને છોડીને શત્રુનું ચિંતન કરાવે છે. ભગવાનને ભૂલાવી દે છે. ભક્તિને ચુકાવી દે છે. ક્રોધ કરનારાના લોહિને બાળે છે, પીડા અને નરક ઊભું કરે છે કોઈ કહેશે અમે તો પાપીઓનો દ્વેષ કરીએ છીએ. તો તે ઠીક છે. પણ દ્વેષ રહે છે તો આપણાંજ હૃદયમાં. તે જ્યાં રહેશે ત્યાં જલન ઉત્પન્ન કરશે જ અને પાપીનું પણ ચિંતન કરાવશે? તો આપણે પાપીનું ચિંતવન કરવુ છે કે ભગવાનનું? ભજન કરવાથી જે શાંતિ મળે છે દ્વેષ તે શાંતિને નષ્ટ કરી નાખે છે. દ્વેષ ભજનના પુણ્યને કદાચને નાશ ન કરી શક્તો હોય તો પણ ભજનના રસને છિન્નભિન્ન કરી નાખે છે. ભજનનો રસ એજ ભક્તિ છે તેથી ભક્તિનો નાશ કરી નાખે છે. દ્વેષ કે ક્રોધ કર્યા પછી અંતઃકરણમાં એકદમ ખિન્નતા અને ભગવાન પ્રત્યે રૂક્ષતા આવી જાય છે. તેથી ભગવાનમાં કે ભજનમાં મન ચોંટતું નથી. તેથી ભક્ત કોઈનો પણ દ્વેષ કરતો નથી.

શંડામર્કે પ્રહ્લાદને મારવા માટે કૃત્યાઓ ઉત્પન્ન કરી ત્યારે કૃત્યાઓ પ્રહલાદજીને મારવા ગઈ પણ તે પ્રહલાદનો સ્પર્શ પણ ન કરી શકી તેથી પાછી ફરી શંડામર્ક ને જ મારી નાખ્યા. તેથી પ્રહલાદને દયા આવી ગઈ ને તે પ્રતિજ્ઞા કરીને બોલ્યા કે જેણે મારા પર શસ્ત્ર પ્રહાર કર્યો, ઝેર દીધું, પર્વતથી પછાડ્યો, સમુદ્રમાં ડુબાડ્યો, અગ્નિમાં નાખ્યો, તેના પ્રત્યે પણ મારા મનમાં દ્વેષભાવ ન થયો હોય તો બન્ને ગુરુપુત્રો જીવીત થાઓ ત્યારે બન્ને જીવીત થયા.

દુર્વાસાએ અંબરિશને મારવા કૃત્યા ઉત્પન્ન કરી ત્યારે ભગવાનના સુદર્શને કૃત્યાને બાળી નાખીને દુર્વાસાને બાળવા પાછળ પડયું. દુર્વાસા ભાગ્યા. કોઈ સ્થાનમાં તેનું રક્ષણ થયું નહિ. ત્યારે પાછા અંબરિશ પાસે આવ્યા ને પ્રાર્થના કરી ત્યારે અંબરીષે પ્રતિજ્ઞા ફરીને સુદર્શનને પ્રાર્થના કરી કે જ્યારે મારા પારણાને સમયે દુર્વાસા પધાર્યા ત્યારે જે ભાવના મારા હૃદયમાં હતી તેવીજ ભાવના મારણ પ્રયોગ કરવા પછી અત્યારે પણ જો હોય તો ભગવાનનું આયુધ્ધ શાંત થઈને પોતાને સ્થાને બેસી જાય. ત્યારે સુદર્શન શાંત થઈ ગયું. અંબરિશ રાજાના હૃદયમાં દુર્વાસા પ્રત્યે લેશે માત્ર દ્વેષ થયો નહી.ભગવાનનો ભક્ત પીડા આપનારા પ્રત્યે કે મારી નાખવા તૈયાર થયેલા પ્રત્યે પણ દ્વેષ કરતો નથી. ભગવાનને છોડીને શત્રુનું ચિંતવન ભક્તનું મન કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારેય કરતું નથી.

‘न रमते’ અતિ પ્રીય વસ્તુની પ્રાપ્તિમાં ચિત જે ખીલી ઉઠે છે અને હર્ષ થાય છે તેને અહિં “રમતે’ શબ્દથી કહ્યું છે ગીતામાં તેને “ન હૃષ્યતી” શબ્દથી બતાવ્યુ છે. ભગવાનના ભક્તનું મન ભગવાનને છોડીને કોઈ વસ્તુના ચિંતનથી પફુલિત થતું नथी. ‘हृष्टो दुप्यति-दृप्तो धर्ममतिक्रामति’ -સંસાર ના વિષયોને પ્રાપ્ત કરીને જે હર્ષિત થાય છે ત્યારે તે તમાં નિમગ્ન પણ બની જાય છે ત્યારે તેને તે વિષયભોગનું અભિમાન-ગૌરવ પણ ચડી જાય છે ત્યારે તે અભિમાની મર્યાદાનું જરૂર ઉલંઘન કરે છે. ભગવાનની સેવામાં પણ જો અભિમાન આવી જાય ત્યારે તે સેવાને માટે યોગ્ય નથી. માટે ભગવાનનો ભક્ત ભગવાન સિવાય કોઈ પણ વસ્તુમાં મનથી નિમગ્ન થતો નથી. અને જે થાય તે યથાર્થ ભક્તિ કરી શક્તો નથી. સત્સંગી જીવનમાં કહ્યું છે કે

बाले योषिति दर्पणे निजजने रागे धने मादके,
जयन्ते सुधयोऽपि विह्वलतरा होलादिनोत्क्रीडने ।
अष्टस्वेसु तदंध्रि चिन्तनरतं चितं न यस्योत्सरेत्,
तद्भक्त्येक रसस्य तस्य पदयोः पांसुसुरैरिष्यते ।।

બાળકને રમાડવામાં, સ્ત્રીનું રૂપ જોવામાં, દર્પણમાં પોતાનું મુખ જોવામાં, પોતાના સંબંધી જનોને મળવામાં, વાજીંત્રના સુરમાં, ધનમાં, માદક વસ્તુમાં અને હોળીના રંગ રમવામાં ડાહ્યા માણસો પણ વિહ્વળ(ઘેલા) બની જાય છે. અર્થાત્ ભાન ભૂલી જાય છે. વિવેક ભૂલી જાય છે જે મનુષ્યનું ચિત આ બતાવ્યા તે આઠવાનામાં લલચાતું નથી, સરિ પડતું નથી અને એવા સંજોગોમાં પણ કેવળ ભક્તિમાં કે ભગવાનમાં રસ ધરી રહે છે એવા વિરલ વ્યક્તિત્વ ભક્તના ચરણની રજને તો દેવતા પણ ઈચ્છે છે એવો ભક્ત જ ભગવાનનું ચિંતન કરી શકે છે.

‘नोत्साहि भवति’-ઉત્સાહએ વીર રસનો સ્થાપી ભાવ છે ઉત્સાહ થી વીરતા આવે છે અને કાર્ય વેગ વધે છે. વીરતાથી જનુન પેદા થાય છે “બર્નીગં ડીઝાયર” પેદા થાય છે. તેથી ભગવાનના ભક્તે મારે ક્યા ક્ષેત્રમાં જનુન રાખવું છે તેનો વિચાર કરવો જોઈએ. ભક્તિ વિષયમાં અવશ્ય ઉત્સાહ વિરતા કે જનુન જરૂરી છે પણ ઈતરમાં તે થાય તો તેનો પ્રવાહ તે તરફ ચાલ્યો જશે. તે ઠીક નહી ગણાય. ગીતામાં ‘नोत्साहि भवति’ – ” ને માટે “શુભશુભ પરિત્યાગી’ શબ્દ પ્રયોગ કર્યો છે. કેટલાક સજ્જનોને શુભકાર્ય કરવાનો ઉત્સાહ હોય છે. કેટલાક સજ્જનોને અશુભ કાર્ય દૂર કરવાનો ઉત્સાહ હોય છે. અર્થાત્ લોકોને સુધારવાનો ઉત્સાહ હોય છે જેને જેમાં રસ હોય, ઉત્સાહ હોય ત્યાં પોતાની વીરતા પ્રગટ કરે છે પોતાની વિશિષ્ટતા પ્રગટ કરે છે તે જ્યારે બીજા સ્થાનમાં વીરતા પ્રગટ કરવામાં લાગી જશે ત્યારે ભગવાન પ્રતિ તેમની વૃતિ શીથીલ થઈ જશે ત્યારે ભક્તિ પણ શીથીલ થઈ જશે. જેમ ભગવદ્ ભક્તિમાંથી કોઈ દેશભક્તિમાં વળી જાય છે તો કોઈ સમાજ સુધારવામાં ને સમાજના સારા કાર્યો કરવામાં વળી જાય છે તે સારૂ જ છે પણ તેના જીવનકાળમાં ભક્તિ ગૌણ-શીથિલ પડી જાય છે. ભગવાનના ભક્તને કેવળ ભક્તિમાં ઉત્સાહ હોવો ઘટે છે.