શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૦૩

अमृत स्वरुपा श्च ।।३।।

ભક્તિ અમૃત સ્વરૂપા છે.

અમૃત શબ્દનો એક અર્થ છે-ન-મૃત-જેને મૃત્યુનો અભાવ છે જે ક્યારેય મૃત્યુ પામતી નથી. સદાકાળ જીવીત રહે છે જે નિત્ય છે. અમૃતનો બીજો અર્થ છે અતિરસરૂપતા. દા.ત. કહેવામાં આવ્યું છે કે अमृतं क्षीरभोजनम् અર્થાત્ ક્ષીરભોજનમાં અતી રસરૂપતા છે ક્ષીર ભોજન નાશ નથી પામતુ એવો અર્થ નથી. પરંતુ અતિ સ્વાદુપણુ હોવું તેને પણ અમૃત કહેવાય છે. ભક્તિ ઉભય ગુણો ધરાવે છે. અમૃત સ્વરૂપા કહેવા પાછળ આવો અભિપ્રાય છે.-અમૃતનો સ્વભાવ છે.- ક્ષુધા નિવારવા પણુ દિવ્ય ભૂખ ઉઘાડવાપણું-મૃત્યુ નિવારવાપણુ-સંજીવની ઔષધી છે.-રોગ નિવારવાપણુ-તંદુરસ્તી આપવાપણું-થાક નિવારવાપણુ- વૃધ્ધાવસ્થા દૂર કરવાપણુ(અભક્તિ દૂર)-અતિ સ્વાદુપણુ.

ભક્તિ અમૃત સ્વરૂપા છે અર્થાત્ તેનો નાશ નથી થતો. ભક્તિ કર્યાના ફળનો પણ ક્યારેય નાશ નથી થતો અને ભક્તિનો સ્વરૂપથી પણ ક્યારેય નાશ નથી થતો. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સંતો ભક્તિ ઉપર ભય શાનો રે સંતો. ભક્તિ

સર્વે પર વિશ્વન સભરભર, નિર્ભય ભક્તિ ખજાનો, નિષ્કુળાનંદ કે ન ટળે ટાળતા, ટળે તોય કળશ સોનનો રે સંતો. ભક્તિ

ભક્તિનું ફળ ક્યારેય નાશ પામતું નથી. ધર્માદિક સાધનો છે તેના પુણ્ય ફળરૂપે સ્વર્ગાદિકની પ્રાપ્તિ થાય છે પરંતુ તે ‘क्षीणे पुण्ये मृत्युलोकं विशन्ति’ પુણ્ય ખલાસ થઈ જતા મૃત્યુ લોકમાં ફેંકાય જાય છે જ્યારે ભક્તિનું ફળ તેવું નથી. ભક્તિનું ફળ તો ‘यद् गत्वा न निर्वतन्ते’ જે પામીને ક્યારેય પાછુ પડવાનું થતુ નથી. મહર્ષિ શાંડિલ્ય ઋષિએ પોતાના ભક્તિ દર્શનમાં કહ્યું છે કે ‘तत्संस्थस्यामृतोपदेशात्-३ ||’ યોગાનુષ્ઠાનમાં પણ સાધન કાળમાં કઠિનતા અનુભવ કરાવનારૂ છે જ્ઞાનાનુષ્ઠામાં પણ તેમજ છે જ્યારે ભક્તિ સાધન કાળમાં પણ સ્વાદુતમ અનુભવાય છે. નામજપ, કિર્તન, પૂજા વિગેરે ભક્તિ પણ અનુષ્ઠાન કાળમાં પણ અમૃત સ્વરૂ૫ આનંદ આપનારા છે. કોઈને શંકા થાય કે અમને તો એવો આનંદ આવતો નથી. તો ત્યારે નિશ્ચિંત એવું સમજવુ કે તેને કાંઈક રોગ થયો છે જેમ જેને તાવ ચડ્યો હોય(પીતજ્વર થયો હોય) ત્યારે ઘી સાકર પણ તેને ભાવે નહી કડવા લાગે. એનો અર્થ એવો નથી થતો કે ધી સાકર કડવાજ છે પણ ખાનારાને પીત જ્વર થયો છે છતાં પણ તેને વૈદ્ય ઘી સાકર ખાવાનું જ કહે કારણકે પીત જ્વરને શાંત કરવાની દવાજ ઘી-સાકર છે તે જેમ જેમ ખાતો જશે તેમ તેમ પીતજ્વર શાંત થતો જશે. ત્યારે તેને ઘી-સાકર નો વાસ્તવિક સ્વાદ આવતો જશે તેમ અત્યારે જપ-કિર્તન, પૂજા-સત્સંગ મીઠા ન લાગતા હોય ને, કંટાળો આવતો હોય તો એમ માનવું કે પંચ વિષયનો તાવ તેમને ચડી ગયો છે પંચ વિષયની ગરમી તેને ચડી ગઈ છે. તે જો ઘી-સાકરની જેમ ભજન ભક્તિ ચાલુજ રાખશે તો તેને મીઠા અને સ્વાદિષ્ટ લાગવા લાગશે. ભક્તિમાં કંટાળો આવે છે તેમાં ભક્તિનો દોષ નથી જે કંટાળો આવે છે તે આપણા મનનો રોગ છે, આપણો દેહભાવ છે. જે ભક્તિમાં જ કંટાળો ભર્યો હોય તો પૂર્વે જે જે ભક્તો થયા તેને પણ તે કડવી લાગી હોત પણ તેવું થયુ નથી માટે તે ભક્તિને ચાલુ રાખવાથી તેમાં સ્વાદ આવવા લાગી જશે.

मृद्वीका रसिता सिता समशिता स्फीतं च पीतं पयः ।
वयातेन सुधाप्येधायि कतिधा रम्भाधरः खण्डितः ।।
सत्यं ब्रूहि मदीय जीव भवता भूयो भवे भ्राम्यता ।
कृष्णेत्यक्षरयो र्द्वर्योमधुरिमोद्गारः कवचित् लक्षितः ।। (रसगंगाधर)

હે મારા જીવ-વારંવાર આ સંસારમાં ભટકતા ભટકતા તે દ્રાક્ષ ખાધી છે, સાકર ખાધી છે, ઉતમ દૂધ પીધુ છે અનેક વાર સ્વર્ગમાં જઈને અમૃતનો ધરવ કર્યો છે, અપ્સરાઓના અધર પાન કર્યા છે-માટે સાચે સાચુ બતાવ કે “कृष्ण” એવા બે અક્ષરમાં માધુર્ય છે તેની કિંચિત્ જલક પણ ક્યાંય મળી છે ખરી? (કોઈ સ્થાનમાં મળી નથી.)
શ્રી રુપગોસ્વામીજી કહે છે કે–

तुण्डे ताण्डविनि रतिं वितनुते तुण्डावलीलब्धये ।
कर्णक्रोडकदम्बिनी घटयते कर्णाबुदेभ्यः स्पृहाम् ।।
चेतः प्रांगणसंगिनी विजयते सर्वेन्द्रियाणां कृतिं ।
नो जाने जनिता कियद्भिरमृतैः कृष्णेति वर्णद्वयी ।। (विदग्धमाधव)

ખબર નથી કે “કૃષ્ણ’ એ બે અક્ષર કેટલા અપાર અમૃતથી ઉત્પન્ન થયા છે કેમ જે તે જીભ પર આવે છે ત્યારે મન આતુર થઈ ઉઠે છે કે ઢગલાબંધ પંક્તિઓની પંક્તિ મને પ્રાપ્ત થાય અને તેના ઉચ્ચારણનો રસ લઉ લઊ. જ્યારે તે બે અક્ષર કાનમાં પડે છે ત્યારે ઉત્કંઠા થાય છે કે કરોડો કાન હોય તો તેનાથી તેના શ્રવણનો આનંદ આવે. ચિતમાં જ્યારે તેનું સ્મરણ થાય છે ત્યારે સર્વેન્દ્રિયોનું કર્તૃત્વ સંકેલાય જાય છે બહાર કંઈ જોવાની ઈચ્છા થતી નથી, ન સાંભળવાની, ન સ્પર્શની, ન સૂંઘવાની, ન ચાખવાની, ન ચાલવાની અને ન કાંઈ કરવાની.

એવો સ્વાદ ભગવાનની કથામાં પરિક્ષીત ને જણાયો ત્યારે ચાર-ચાર દિવસ ભૂખને તરસ અદૃશ્ય થઈ ગયા. પૃથુરાજા એ દસ હજાર કાન માગ્યા. ગોપીઓને બિજા વિષય સુખ ઝેર જેવા થઈ ગયા. મનુ મહારાજાએ સમગ્ર પૃથ્વીના રાજ્યનો ત્યાગ કર્યો, ચિત્રકેતુએ કરોડ સ્ત્રીઓનો એક સાથે ત્યાગ કર્યો. પર્વતભાઈને મહારાજની કથામાં સાત સાત દિવસ ભૂખ-તરસ ભૂલાઈ જતા. ગુણાતીતાનંદ સ્વામી મહારાજના દર્શન માટે મહારાજ સાથે ઘોડીની સાથે દોડીને દર્શન કરતા.

ભક્તિ અમૃત સ્વરૂપા છે તો એવું સાભળ્યું છે કે એક અમૃતતો સમુદ્રમાંથી નીકળેલું છે જે દેવતાઓને આપવામાં આવ્યુ છે અને આ અમૃત જરા-રોગ- થકાવટને નાશ કરનારૂ છે પરંતુ તે પુણ્ય ને ક્ષીણ કરે છે દેવલોકના પ્રાણી અમૃતનું પાન કરીને સ્વર્ગલોકમાં ત્યાં સુધીજ રહે છે જ્યાં સુધી પુણ્ય પુરુ ન થઈ જાય. પુણ્ય પુરૂ થયે પાછા પૃથ્વી પર પડે છે ને જન્મ-મરણના દુઃખમાં પડી જાય છે.

બીજું અમૃત ચંદ્રમામાં છે જે અઢાર ભાર વનસ્પતિનું પોષણ કરે છે, જીવન આપે છે, રસ પૂરે છે. જે માનવીના દેહનું પણ પોષણ કરે છે, ક્ષુધાનું નિવારણ કરે છે, રોગને નિવારે છે ને આયુષ્યને વધારે છે પરંતુ જન્મ-મરણ નિવારતુ નથી.

તો ભક્તિએ કોના જેવું અમૃત છે? તો કહેવામાં આવે છે કે ભક્તિ એ તે બન્નેથી પણ વિલક્ષણ અમૃત છે.

ત્યારે ભક્તિએ ખરેખર ક્યું તત્વ છે તેની આચાર્યોએ મિમાંસા કરી છે કે ભક્તિને જો સત્વગુણની વૃતિ માનીએતો સત્વગુણતો પ્રકૃતિનું કાર્ય છે ભગવાન પ્રકૃતિથી વશ ન થાય. શાસ્ત્રમાં તો એવું કહેવામાં આવ્યુ છે કે “’भक्तेः फल इश्वर वशीकारः ।।४-१-१ (भक्तिमींमासा)’ ત્યારેભક્તિવૃતિને સત્ય વૃતિ તો ન ગણી શકાય.

ત્યારે સંપૂર્ણ માયા વૃતિમાનીએતો તે પણ યોગ્ય નથી માયા-છળ કપટથી તો ભગવાન સદા દૂર રહે છે.

ત્યારે ભક્તિને ચૈતન્ય જીવની વૃતિ માનીએ. જીવનો પ્રયત્ન માનીએ તો પણ બંધ બેસતું નથી કારણ કે જીવની વૃત્તિ કે પ્રયત્નમાં ભગવાનને વશ કરવાની શક્તિ હોય નહીં.

ત્યારે ભક્તિને ખુદ ભગવાનની શક્તિ માનીએ ત્યારે એ રીતે વિચારતા તો શક્તિ શક્તિમાન ને આધીન હોય છે શક્તિમાન શક્તિને આધીન ન હોય શકે.

ત્યારે ભક્તિ એ ક્યું તત્વ છે? કેવા પ્રકારની વૃતિ છે? તો તેનું સમાધાન ભક્તિના મિમાંસકો આપે છે કે ભક્તિએ ભગવાનની કોઈ વિશિષ્ટ-અલૌકિક શક્તિનુ સારસર્વસ્વ છે, આહલાદીની શક્તિ છે. જે પ્રથમ જીવની પાત્રતા જોઈને ભગવાનજ તેના હૃદયમાં પ્રવેશ કરીને તેનું સ્થાપન કરે છે અને પછી પોતે તેને વશ થઈને રહે છે….. ‘विवृणुते तनूं स्वान्’ પોતાની જાતને તે ભક્તને આધીન કરી દે છે. અમૃત શબ્દના તમામ અર્થને ભક્તિ ચરિતાર્થ કરીને પણ ભક્તિ આગળ વધી રહે છે.આવી પરમપ્રેમ સ્વરૂપા અને અમૃત સ્વરૂપા ભક્તિ સાધકને પ્રાપ્ત થાય ત્યારે ભક્તના જીવનમાં કેવા લક્ષણો પ્રાપ્ત થાયછે તેનું વર્ણન હવે પછીના ત્રણસૂત્રોમાં કરવામાં આવે છે.