શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૦૨

सा त्वस्मिन् परमप्रेमस्वरुपा ।।२।।

તે ભક્તિ પરમાત્મામાં પરમ પ્રેમ રૂપા છે.

પ્રથમ સૂત્ર પ્રતિજ્ઞા સૂત્ર છે. આ સૂત્રમાં ભક્તિ કોને કહેવાય તેનો નિર્દેશ કરે છે.सा. तु अस्मिन्-સા એટલે જે ભક્તિની વ્યાખ્યા કરવાની પ્રતિજ્ઞા કરી છે તે ભક્તિ. “तू” શબ્દ લૌકિક પ્રેમની નિવૃતિ માટે તેનાથી ભક્તિ વિલક્ષણ છે એવું બતાવવા માટે આપવામાં આવ્યો છે.

“अस्मिन्” નો ભાવ પ્રત્યક્ષ પરમાત્મામાં પ્રેમને ભક્તિ કહેવાય છે इदम् શબ્દ પ્રત્યક્ષ નિર્દેશ માટે વપરાય છે જ્યારે तत्वमसि માં તત્ શબ્દ પરોક્ષ-ધામસ્થ પરમાત્મા માટે વપરાયો છે તેમાં ઉપાસના તત્વ વિશેષ છે ઉપાસનામાં પરોક્ષની પ્રાધાન્યતા હોય, જ્યારે ભક્તિમાં પ્રત્યક્ષની પ્રાધાન્યતા હોય. સામાન્ય બાબતો બન્નેમાં સમાન હોય છે અંહિ ભક્તિનું નિરૂપણ કરી રહ્યા છે માટે इदम् શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે જેનું તાત્પર્યાર્થ એ છે કે પ્રત્યક્ષ પરમાત્મામાં પ્રેમ થવો જોઈએ તેને ભક્તિ કહેવાય છે. તેથી વૈદિક ઉપાસના કરતા પણ પ્રત્યક્ષ પરમાત્માની ભક્તિ એક કદમ આગળ ગણાય છે. વ્રજવાસીઓ-બ્રાહ્મણો પણ ૐ વાસુદેવાય નમઃ સ્વાહા, ૐ શ્રી કૃષ્ણાય નમઃ સ્વાહા વિગેરે પરમાત્માને ઉદેશીને જ ન અર્પણ કરતા હતા અને બ્રાહ્મણ પત્નીઓએ પણ કૃષ્ણને જ અન્ન અર્પણ કર્યું હતું. પરંતુ પ્રત્યક્ષમાં ઓળખાણની થોડી મુશ્કેલી હોય છે. પ્રત્યક્ષ પરમાત્મા અને સાચા સંતની ઓળખાણ થવી અને તેમાં ચોંટવું દૂર્લભ હોય છે અને નાટકીય કૃત્રિમ પરમાત્મા અને તેવાજ સંતમાં વળગેલા વિવેકહીન ભક્તો-અનુયાયીઓને પરોક્ષ પરમાત્માની સાચી ઝલક અને ઝાંખીનું અનુસંધાન રહેવું દુર્લભ છે તેઓ વિવેકની આંખ બંધ કરીને વળગીને કૃતાર્થતા માનતા હોય છે. અંહિ નારદજી વિશુધ્ધ ભક્તિનું નિરૂપણ કરી રહ્યા છે તેથી પ્રત્યક્ષ પરમાત્મામાં ‘अस्मिन्’ શબ્દથી કહી રહ્યા છે.

ભક્તિને પરમ પ્રેમસ્વરૂપા કહી છે. પ્રેમ એટલે શું? કોને કહેવાય? प्री ધાતુથી પ્રેમ શબ્દ બન્યો છે. પ્રી ધાતુ ત્રણ પ્રકારના ગણભેદથી જોવામાં આવે છે. ‘ प्रिड प्रीतौ, प्रीञ् तर्पणे कान्तौ च (क्रयादि) तथ। प्रीञ् तपणें (चुरादि) तेथी तेनी व्युत्पति ओभ थशेडे प्रीयते, प्रीणति, प्रीणयति इति प्रेमः ।

તેનો સંમિલીત અર્થ કે તાત્પર્યાથ એમ થશે કે સામાપાત્રને તર્પણ કરવાની, તૃપ્ત કરવાની ઈચ્છા. અને સર્વાર્થ પ્રયત્ન થતો હોય અને તે પ્રયત્ન સામુ પાત્ર પ્રસન્ન થાય તેને અનુરૂપ હોય તેને પ્રેમ કહેવાય છે. પ્રેમ શબ્દ સહજ પણે સવિષયક છે તેનો સ્પષ્ટ વિષય અર્થાત્ પાત્ર હોવું જોઈએ. પ્રેમને પરમ શબ્દ વિશેષણ જોડ્યો હોવાથી તે સાર્વાંગ પણે પરમ હોવો જોઈએ તેથી તે પરમાત્મા વિષયક હોય ત્યારેજ તે યથાર્થ કહેવાશે. પ્રેમમા પરમાત્માને ખુશી કરવાની-પ્રસન્ન કરવાની તીવ્ર ઈચ્છા, અતિ પુરુષાર્થ હોય ત્યારે તેને પ્રેમ છે એમ કહી શકાય. જો કે પ્રેમ અતિન્દ્રિય છે અને અર્નિવચનીય છે. એમ નારદજીએ કહ્યું છે તો પણ તટસ્થ લક્ષણો તરીકે તેના ચિન્હોથી તેને પરખી શકાય છે. તે પ્રેમ જો દુન્યવી વસ્તુ, વ્યક્તિમાં હોય તો તેને મોહ, વાસના કે તૃષ્ણા કહી કહેવાય છે. માતા-પિતાને પુત્રોમાં હોય તો વાત્સલ્ય કહેવાય છે, સમાનવયસ્કમાં હોય તો મિત્રતા કહેવાય છે. જો પરમાત્મામાં હોય તો જ ભક્તિ કહેવાય છે. પ્રેમ અર્નિવચનીય હોવા છતાં સાચા ભક્તોએ એવો સાર કાઢ્યો છે કે સાચા પ્રેમમાં આટલી વસ્તુઓ તો અવશ્ય પણે હોવી જોઈએ ત્યારે તે પ્રેમ સાચો છે એમ જાણી શકાય અન્યથા તેને અભાવમાં એટલો કાચો પ્રેમ છે એમ જાણવું.
(૧) પ્રેમ કોઈ પ્રકારે ઘટતો નથી. અર્થાત્ ઘટવાના સંજોગોમાં પણ ઘટતો નથી.
(૨) સાચા પ્રેમમાં પ્રિયપાત્રના(પરમાત્માના) પ્રત્યે ક્યારે ઋક્ષતા (ઉદાસીનતા) ક્યારેય આવતી નથી.
(૩) પૂર્ણ ચંદ્રમાની સમાન તેમાં તરબોળ રહેવા છતાં તેમાં અતૃપ્તિ વધતી રહે છે વધુ ને વધુ ચાહ વધતી રહે છે.
(૪) પરમાત્માનો પ્રેમ ક્યારેય વાસી થતો નથી. અર્થાત્ નિત્ય નવીનતા ને નવીનતા અનુભવાય છે. જુનો થઈને ઝાંખો પડતો નથી.
(૫) પ્રેમમાં ભય હોતો નથી. ભય અને પ્રેમ એક અંતઃકરણમાં એક સાથે રહી શક્તા નથી. દુઃખ અને પ્રેમ એક સાથે રહી શકે ખરા. પ્રેમી દુઃખી હોય શકે પણ જેનાથી ભય જણાતો હોય તેમાં પ્રેમ થઈ શક્તો નથી.
(૬) પ્રિયતમમાં દોષ દેખાય પણ તેમાંથી વૈરાગ્ય થતો નથી તેના પ્રત્યે ઉદાસી થવાતું નથી. પણ ઉલ્ટી હમદર્દી થાય છે સેવાભાવ જાગે છે. તેને એમ અનુભવાય છે કે અત્યારેજ તેની સેવાની જરૂર છે ને મારે બરાબર તક છે પોતાના પુરુષાર્થથી તેની ખામી પૂર્ણ કરવા પ્રયત્ન કરે છે દોષ કે ખામીના દર્શનથી સાચો પ્રેમી ત્યાગ કરીને દૂર થઈ જતો નથી પણ સેવા કરવા નજીક ઉભો રહે છે.
(૭) પ્રેમમાં ક્યારેય કંટાળો(બોરિંગ) આવતો નથી. તિરસ્કાર, અપમાન પણ મીઠા લાગે છે. અને વ્યાજબી લાગે છે.
(૮)લોયા-૩ વચનામૃતમાં સાચા પ્રેમના લક્ષણો બતાવ્યા છે, શું શું ન થાય?…..
(૯) પ્રેમમાં હૃદયની એક્તા મહેસુસ થાય છે.