શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૦૧

મનુષ્યને માટે શાસ્ત્રકારોએ ચાર પુરુષર્થો ગણાવ્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચાર પુરુષાર્થ ઉપરાંત પરમાત્માની ભક્તિને પાંચમો પુરુષાર્થ ગણવામાં આવે છે. ભક્તિ એ અંતિમ પુરુષાર્થ છે. એવું વ્યાસજી, શુકદેવજી, સનકાદિક વિગેરેના ચરિત્રો ઉપરથી નિશ્ચિત થાય છે.

તેમાં મનુષ્યના જીવનમાં સૌ પ્રથમ “અર્થ’ પુરુષાર્થ સામે આવે છે. મનુષ્યજીવનમાં જે કરવું જોઈએ અને શાસ્ત્રકારો તથા મહાપુરુષો જેનો વિરોધ કરતા નથી અથવા પ્રેરણા કરે છે તથા જે જીવનનું એક અંગ બની રહે છે અને આલોક તથા પરલોકમાં ઉન્નતી કરવાનું સાધન હોય છે તેને પુરુષાર્થ કહેવામાં આવે છે. તેથી જ શાસ્ત્રકારોએ અર્થને પણ પુરુષાર્થ ગણાવ્યો છે. પુરુષાર્થની પાછળ પ્રયત્ન અને શક્તિ ખર્ચવી પડતી હોય છે. માટે તો તેને પુરુષાર્થ કહેવાય છે. વળી એટલા માટે પણ તેને પુરુષાર્થ કહેવાય છે કે જો તે ન હોય તો જીવનમાં કાંઇક ઘટે છે. અને ન્યૂનતા અનુભવાય છે. માટે તેને પુરુષાર્થ કહેવાય છે. એવા પુરુષાર્થોમાં અર્થ પુરુષાર્થ જીવનની ભૂમિકામાં સર્વ પ્રથમ ઉપસ્થિત થાય છે. માટે આશ્રમને અનુરૂપ અને નિતી ન્યાયથી ધન કમાવાની શાસ્ત્ર પણ પ્રેરણા કરે છે જો કે ધનમાં ઘણા અનર્થો રહેલા છે. અને અનેક નબળાઈઓ એના મારફતે જીવનમાં પ્રવેશ કરે છે. તેથી શાસ્ત્રકારોએ તથા મહાપુરુષોએ તેની ચેતવણી આપવા માટે નિંદા પણ કરી છે. પરંતુ જીવન ચલાવવા માટે તેની અનિવાર્યતા એટલી બધી હોય છે કે તેની જરૂરીયાતને કોઈ નકારી કે ઉથલાવી શક્તું નથી. માટે તે (ધરાર) પુરુષાર્થ તરીકે સ્વીકારાયો છે. વસ્તુતા એ અનર્થો અને નબળાઈને ધન પુરી કરાવી આપે છે, નબળાઈનો ગુજારો કરી આપે છે, હોય તેને જીવતી રાખે છે, બીજી નવી લાવી પણ આપે છે. ધનનો સદ્ઉપયોગ કરે તો તે નબળાઈઓ ધનમાં નથી. જે ધનનો સદ્ઉપયોગ કરે તો તે પોતાના કલ્યાણ ને માટે પણ થઈ શકે છે. માટે શાસ્ત્રની મર્યાદામાં રહી ને ધનનું ઉપાર્જન થાય અને તેનો પોતાના આત્મકલ્યાણને માટે ઉપયોગ થાય તો તે અનર્થકારી નહી બને અને સાચા અર્થમાં પુરુષાર્થ બની રહેશે. બીજો પુરુષાર્થ કામ અર્થાત્ ભોગ છે. ભોગ બે ભાગમાં વહેંચી શકાય છે. એક જીવન યાપન-નિર્વાહ માટે જરૂરી ભોગ હોય છે. જે જીવનની આજીવિકા રૂપ હોય છે બીજો શરીર-ઈન્દ્રિયોના લાડ કોડ પુરા કરવા. તેથી સાચો પુરુષાર્થ તો નિર્વાહરૂપમાં જે ભોગ છે તે પુરુષાર્થ ગણાય છે. લાડકોડ કે વૈભવ-વિલાસ પુરુષાર્થ નહીં ગણવામાં આવે. સામાન્ય રીતે ન્યાયનીતિથી ધન કમાયા પછી વ્યક્તિને તુરત ભોગ પર દૃષ્ટી જાય છે. ભોગ અને ભોગના સાધનો યાદ આવે છે. ભોગને પુરુષાર્થ એટલા માટે ગણવામાં આવે છે કે યોગ્ય માત્રામાં પણ ભોગના અભાવમાં શરીર નિર્વાહ થતો નથી. અને શરીર યાત્રા જ અટકી જાય તો અંતિમ પુરુષાર્થ મોક્ષ સુધી જવું છે તે જઈ શકાશે નહીં. અને એક પણ પુરુષાર્થ સિધ્ધ નહી થાય. માટે જીવનને ટકાવી રાખવા માટે પોતપોતાના આશ્રમને અનુરૂપ- શરીર નિર્વાહ માટે ભોગ જરૂરી બની રહે છે. માટે તે જીવન ગુજરાનનો આવશ્યક ભાગ હોવાથી તેને પણ એક પુરુષાર્થ તરીકે ગણવામાં આવ્યો છે. તેના વિના સ્વસ્થ શરીર યાત્રા દુર્લભ બને છે.

અહીં એક વસ્તુ ધ્યાનમાં હોવી જરૂરી છે કે અર્થ અને ભોગ એ બન્નેમાં મનુષ્યને સહજ રાગ પણ રહ્યો છે તેથી કોઈને તેમાં પ્રેરણા કરવી પડતી નથી. ઉલ્ટા તેમાં રોકવા પડે છે. મર્યાદાઓ બાંધવી પડે છે. નહીં તો ઉન્મર્યાદપણે તેમાં પ્રવૃતિ થાય છે. જ્યારે ધર્મ અને મોક્ષ તે બન્ને પુરુષાર્થ હોવા છ્તાં તેમાં કોઈને રાગ થતો નથી માટે તેમાં ધક્કા મારીને પણ પ્રેરણા કરવી પડે છે. તેથીજ ભોગ તેમજ અર્થ પુરુષાર્થ હોવા છતાં તેના અતિરેકથી પાછુ વળવું ખુબ જરૂરી છે અને જીવનમાં તેનો અતિરેક ન હોય તો પણ સમગ્ર જીંદગી તેનાજ ઉપાર્જનમાં ચાલી ન જાય તેની જાગૃતિ રાખવી જરૂરી છે.

અર્થ, કામ, આ બે પુરુષાર્થો કંઈક અંશે સિધ્ધ સિધ્ધ થયા પછી માણસની સામે ત્રીજો પુરુષાર્થ ધર્મ ઉપસ્થિત થાય છે. સંપૂર્ણ તૃપ્તિ અર્થ અને ભોગમાં ક્યારેય થતી નથી પણ મુમુક્ષુ અને જાગ્રત આત્માઓ વિવેક દૃષ્ટિથી તેનાથી પાછા ફરે છે. ત્યારે તેમની સામે ધર્મ પુરુષાર્થ આવે છે. એને સિધ્ધ કરવા માણસ બીજા માણસોને મદદ કરે છે. પરોપકાર કરે છે. અથવા પરલોકના ફાયદા માટે યજ્ઞ- યાગ, વ્રત, યાત્રા વિગેરે સત્કર્મો કરે છે. મોટા ભાગે જીવનમાં થોડી પ્રૌઢતા અને સ્થિરતા આવે છે ત્યારે તે ધર્મ વિષયમાં પુરુષાર્થ કરતો હોય છે પરંતુ પરોપકાર જે લૌકિક સત્કર્મો કરવા એ આત્મૌન્નતિ માટે ભલે હોય પણ આત્મ કલ્યાણ માટે પરંતુ નથી. જો શાસ્ત્રનું મનન તેમજ નિદિધ્યાસ હોય તો ત્યારે માણસને પોતાના આત્મ કલ્યાણની ઊંડી ઉચ્છા જાગે છે, જન્મ-મરણના બંધન થકી છુટવાની અને કાયમી દુઃખની નિવૃતિ ઊંડી ઈચ્છા જાગે છે. જેને આપણે મુમુક્ષુતા કહીએ છીએ ત્યારે તેના માટે પ્રયત્ન કે ઉદ્યમ કરે છે તેને મોક્ષ પુરુષાર્થ કહેવાય છે. આ ચારેય પુરુષાર્થો એક પ્રથમ પૂરો થઈ રહે પછી જ બીજો આવે કે પછીજ બીજા માટે પ્રયત્ન કરવો એવો સમયક્રમ જરૂરી નથી પરંતુ સામાન્ય પણે અગ્રતાક્રમ આવી રીતે આવતો હોય છે. જ્યારે શાસ્ત્રો અને મહાપુરુષો તેનાથી મિલકુલ ઉલ્ટો અગ્રતાક્રમ-મોક્ષ, ધર્મ, ભોગ અને અર્થ બતાવે છે અને તેજ તેના આત્મ કલ્યાણને માટે થઈ રહે છે.

દરેક આત્માની અંદર-ચૈતન્યમાં ઊંડે-ઊંડે એક નિર્દોષ અતૃપ્તિની જંખના પડી હોય છે (જે તૃષ્ણારૂપ નથી.) જે જગતવાસના કરતા અલગ હોય છે અને ચૈતન્યમાંથી ઉઠતી હોય છે અને તે માણસને એવું કંઇક પામી જવા માટે પુરુષાર્થ કરવાની પ્રેરણા આપતી હોય છે. તેનાથી પ્રેરાયને મનુષ્ય ચારેય પુરુષાર્થ કરે છે. શું આ ચારેય પુરુષાર્થો મળીને પણ આત્માની ઊંડી અતૃપ્તિની જંખનાને સંપૂર્ણ પણેતૃપ્તિ કરી શકે તેમ છે? બુજાવી શકે તેમ છે? તો તેનો ઉત્તર છે “ના”. શુકદેવજી, વ્યાસજી વિગેરેના શાસ્ત્રમાં લખાયેલા પવિત્ર ઇતિહાસો પરથી એવું નિર્ણીત થાય છે કે ચારેય પુરુષાર્થ સિધ્ધ થયા પછી પણ જ્યાં સુધી હૃદયમાં પરમાત્માની પ્રત્યે અસાધારણ ભક્તિ આવતી નથી ત્યાં સુધી અધુરાઈ તથા અતૃપ્તિની જંખના સંપૂર્ણ પણે દૂર થતી નથી. માટે ભક્તિને અંતિમ અને શ્રેષ્ઠ પુરુષાર્થ ગણવામાં આવ્યો છે.

વ્યાસજીના જીવનમાં ધર્માદિક પુરુષાર્થો ભરપૂર હતા. છતાં પણ વ્યાસજીને શાંતિ થતી ન હતી. મનમાં સતત એક અધુરાઈ પીડા કરતી હતી. “न मे आत्मा तूत्यति” એવું સતત થયા કરતું હતું. એ અધુરાઈ નારદજી પાસે રજુ કરી. નારદજીએ ભક્તિથી ભરપુર એવા ભાગવતની રચના કરવાની પ્રેરણા કરી. અને તે પ્રમાણે વ્યાસજીએ કર્યું ત્યારે તેના હૃદયમાં શાંતિ થઈ. શુકદેવજી પણ આત્મસુખમાં તલ્લીન હતા. મોક્ષ પુરુષાર્થને પામી રહ્યા હતા. આત્મધ્યાનમાં લીન એવા શુકદેવજીએ જ્યારે ભક્તિથી ભરપુર એવા ભાગવતના શ્લોકોનું ગાન સાંભળી તેની આત્મસમાધિ ભંગ થઈ ગઈ. જબર જસ્તીથી તેનું મન ભગવાનમાં ખેંચાઈ ગયું. અને સદાને માટે ભક્તિનું ગાન કરવા લાગી ગયા. તે ભાગવતમાં બતાવ્યું છે જે,

आत्मारामाश्च मनुयो र्निग्रन्थाप्युरुक्रमे ।
कुर्वन्ति अहैतुकीं भक्तिं इत्थंभूतगुणो हरिः ।। (भाग.)

જેઓ આત્મારામ છે અને જગતની કોઈપણ વાસનાગ્રંથી જેમને નથી તો પણ શુકદેવજી જેવા સમર્થ પુરુષો ભગવાનની નિરંતર ભક્તિ કરે છે તે શા માટે? તો ભગવાન એવા ગુણોવાળા છે અર્થાત્ તેમાં એવા ગુણો છે કે આત્મારામોને પણ આકર્ષી લે છે. તેથી તેઓ નિરંતર ભક્તિ કરે છે.

આમ ભક્તિ સર્વ કરતા અંતિમ અને શ્રેષ્ઠ પુરુષાર્થ છે એ ભક્તિના આચાર્ય તરીકે નારદજીની અતિશય પ્રસિધ્ધિ છે. કારણકે વ્યાસજી જેવાને પણ ભક્તિને માર્ગ બતાવનાર નારદજી છે. તેથી નારદજી ભક્તિના આચાર્ય ગણાય છે અને ભક્તિસૂત્રોની રચના કરનારા છે. ભાગવતમાં સાક્ષાત્ ભક્તિદેવી પાસે નારદજીએ પ્રતિજ્ઞા કરેલી છે કે ‘હું ઘરે ઘરે અને જનજનમાં તમારો પ્રચાર કરીશ., પ્રતર્તાવીશ.”

अन्यधर्मास्तिरस्कृत्य पुरस्कृत्य महोत्सवान् ।
तदा नाहं हर्रेदासो लोके त्वां न प्रर्वतये ।।
कलिना सदृशः कोऽपि युगोनास्ति वरानने ।
तस्मिंस्त्वां स्थापयिष्यामि गेहे गेहे जने जने ।। (भा. माहा.)

વળી પિતામહ બ્રહ્માજીએ નારદજીને ભક્તિનું રહસ્ય બતાવીને નારદજીને આજ્ઞા કરી છે કે

इदं भागवतं नाम यन्मे भगवतो दितम् ।
संग्रहोऽयं विभूतीनां त्यमेतद् विपुलीकुरु ।।
यथा हरौ भगवति नृणां भक्तिर्भविष्यति ।
सर्वात्मन्यखिलाधारे इति सकल्प्य वर्णय ।। (भा.२-७-५१/२)

આ ભાગવત નામનું પુરાણ છે જેનો મને ભગવાન નારાયણે સાક્ષાત્ ઉપદેશ કર્યો હતો. ભગવાનની વિભૂતિઓનો સંગ્રહ મેં વર્ણન કર્યો છે તું હવે તેનો વિસ્તાર કર. પરંતુ વિસ્તાર કરતી વેળાએ એ ખ્યાલ રાખવાનો છે કે અખિલ જગદધાર પરમાત્મા શ્રી હરિમાં મનુષ્યોને ભક્તિ થાય એવો સંકલ્પ કરીને તેનું વર્ણન કરો. અને નારદજીએ તે આજ્ઞા શિરોધાર્ય કરીને ભક્તિના સદાને માટે પ્રચારક રહ્યા છે.

અંહિ એક શંકા થાય છે કે વેદોમાં ઘણીક પ્રકારની ભગવાનની ઉપાસના(ભક્તિ) બતાવવામાં આવી જ છે તો પછી નારદજીની આ ગ્રંથ કરવાની શી જરૂર પડી? તો તેનું સમાધાન એ છે કે વૈદિક ઉપાસના કરતા પણ પ્રેમભક્તિ અલગ અને વિલક્ષણ છે તે પ્રેમસ્વરૂપવાળી છે વૈદિક ઉપાસના વિધિ વિધાન પરક તથા કર્મ કાંડ રૂપમાં છે. માટે નારદજીએ આ સૂત્રો રૂપી “ભક્તિદર્શન’ ની રચના કરી છે.

ત્યારે બીજી શંકા કરવામાં આવે છે કે શાંડિલ્ય ઋષીએ પણ ભક્તિસૂત્રની રચના કરી છે તો પછી નારદજીને શી જરૂર પડી? તેનું સમાધાન એ છે કે શાંહિલ્યસૂત્રો વૈદિક પધ્ધતિથી ભક્તિનું પ્રતિપાદન કરનારા છે. નારદજીએ તેનાથી વિલક્ષણ વિશુધ્ધ પ્રેમભક્તિ બતાવનારા દર્શનની રચના કરી છે. માટે તે ચરિતાર્થ છે.

अथातो भक्ति व्याख्यास्यामः ।।१।।

હવે આપણે ભક્તિની વ્યાખ્યા કરીશું.

સૂત્રમાં-“अथ” શબ્દનો અર્થ પ્રારંભ અર્થમાં આવ્યો છે. મંગલ અર્થમાં પણ છે. ઋષિ ગ્રંથની શરૂઆત કરતા પહેલા મંગલાચરણ કરે છે. “अथ” શબ્દનાં અનેક અર્થો થાય છે. પરંતુ તે ગ્રહણ નહીં કરીને પ્રારંભ અર્થ અંહિ લેવામાં આવ્યો છે. “अथ” શબ્દનો અર્થ અનન્તર એવો થાય છે. જેનો સીધો અર્થ અમુક કાર્ય અથવા અમુક યોગ્યતા પૂર્ણ કર્યા પછી આ કાર્યની શરૂઆત કરવી જોઈએ. જેને શાસ્ત્રમાં “પૂર્વનિયત વૃતિ’ કહેવામાં આવે છે. એવો અર્થ અંહિ લેવામાં આવ્યો નથી. કારણ કે ભક્તિ કરવામાં એવી કોઈ પૂર્વ શરત માનવામાં આવેલી નથી. સૌ કોઈનો ભક્તિ કરવાનો અધિકાર છે. બ્રાહ્મણ હોય તેજ ભક્તિ કરી શકે અથવા ત્યાગી હોય તેજ ભક્તિ કરી શકે અથવા ભક્તિ તો બાઈઓને જ કરવાની હોય

એવો કોઈ નિર્દેશ નથી. શાંડિલ્ય ઋષિ આ વિષયમાં બતાવે છે કે आनिन्द्ययोन्यधिक्रियते पारंपर्यात् सामान्यवत् ।।७८।। જેમ દયા, ક્ષમા, ઉદારતા વિગેરે સામાન્ય ધર્મોના તમામ અધિકારી છે તે જ રીતે ભગવાનની ભક્તિમાં નીચમાં નીચ યોનિ-ચંણ્ડાળ થી માંડી ને ઉચ્ચમાં ઉચ્ચ યોની સુધી સર્વને ભક્તિ કરવાનો અધિકાર છે હીન જાતિ હોય, પાપી હોય કે પશુ-પક્ષી હોય તે પણ ભક્તિ કરી શકે છે. જેનું વર્ણન શાસ્ત્રમાં આવે છે. સૂત પુરાણી વર્ણશંકર જાતીના હતા, શબરી ભીલ જાતીની હતી. ગજેન્દ્ર પશુયોનીના હતા. કાકભૂશંડી, ગરૂડજી, જટાયુ વિગેરે પક્ષી યોનિ હતા. હનુમાનજી વાનર યોનિ છે. જાંબુવાન રીછ યોનિ હતા. નારદજી દેવયોનિ છે. તંબરૂ કિન્નર યોનિ છે. શેષજી સર્પજાતિના છે. માટે ભક્તિ કરવામાં જાતિપાંતિ કાંઈ જોવામાં આવતું નથી. ભગવાન તેની કોઈ અપેક્ષા રાખતા નથી. કેવળ તીવ્ર ઈચ્છા થવી જોઈએ.

ત્યારે શંકા કરવામાં આવે છે કે જાતી વિગેરે ભલે ભક્તિમાં કોઈ પ્રયોજક ન હોય, પૂર્વશરતમાં કારણ ન હોય પણ જીવે પોતે કરેલા પૂર્વ કર્મ તો ભક્તિમાં પૂર્વ કારણ બની શકે છે. કારણ કે પૂર્વના સંસ્કાર જો ન હોય તો ભક્તિ થઈ શક્તી નથી અને પૂર્વના સંસ્કાર હોય તો ભક્તિ થાય છે. માટે “7થ” શબ્દનો તે કર્મો પછી એવો આનંતર્ય અર્થ લેવો.

તો એ વાત સાચી નથી. પુણ્યનું ફળ સ્વર્ગ છે પાપનું ફળ નરક પ્રાપ્તિ છે ભક્તિ કોઈ કર્મનું ફળ ન હોય શકે તે તો કેવળ પરમાત્મા કે તેના સાચા સંતની કરૂણાનું ફળ કહેવાય. પૂર્વકર્મનું ફળ કહી ન શકાય તે ભાગવતમાં કહ્યુ છે જે

भाग्योदयेन बहुजन्मसर्मजितेन सत्संगमं लभते पुरुषो यदा वै ।
अज्ञान हेतु कृत मोहमदान्धकार नाशं विधाय हि तदोदयते विवेकः ।। (भा.मा.२/७६)

અંહિ ભાગ્યોદય શબ્દથી લોક પ્રસિધ્ધ પ્રારબ્ધ શબ્દ ટીકાકારોએ લીધો નથી. પણ કોઈક અલૌકિક ભાગ્ય જે ભગવાનની કોઈ અકારણ કૃપા એવો અર્થ બતાવેલો છે. તેથી પૂર્વજન્મના સત્કર્મોથી ભક્તિ અવશ્ય ઉત્પન થાય જ તેવી કોઈ ચોક્કસતા હોતી નથી. મહારાજે પણ વચનામૃતમાં પૂર્વ કર્મને મહત્વ નથી આપ્યું પણ સત્સંગને મહત્વ આપ્યું છે. સત્પુરુષના સંગને મહત્વ આપવામાં આવ્યું છે.

પૂર્વ કર્મથી તો મારવાડમાં ઘણાં પુણ્યશાળી રાજા થઈ ગયા છે. પણ બધા ભક્ત થઈ જતા નથી. એતો એવો વિશેષ યોગ ન થાય તો સારા પૂર્વકર્મ વાળા પણ જન્મ-મરણના ચક્કરમાં ઘણાંક પૂણ્યાત્માઓ ચાલ્યા જાય છે.

પૂર્વ જન્મના સતકર્મો ભલે ભક્તિમાં પૂર્વવર્તી કારણ રૂપ ન બનતા હોય પણ વર્તમાન જન્મમાં તો સત્કર્મો પૂર્વવર્તી કારણ તરીકે જરૂરી છે એવું માનવું પડશે તો તે વિષયમાં કહેવામાં આવે છે કે આ જન્મમાં પણ કોઈ સત્કર્મ-સદાચરણ ન કર્યુ હોય તો પણ તેના હૃદયમાં ભક્તિ રોકાય જતી નથી તેના હૃદયમાં ભક્તિ ઉદય થઈ શકે છે. તેવું શાસ્ત્રો બતાવે છે.

अपिश्वेत् सुदुराचारो भजते मां अनन्यभाक् ।
साधुरेव स मंतव्यो सम्यग् व्यवसितो हि सः ।। (गीता. ९-३०)

વાલીયો લુંટારો, અંગુલીમાલ, જોબનપગી, મુંજોસરુ, માનભા, વિગેરે એ આ જન્મ માં ઘણાક પાપ કર્યા હતા-એવા એવા પણ શ્રેષ્ઠ ભક્ત થઈ શક્યા છે. ત્યારે શંકા કરવામાં આવે છે કે સત્ કર્મો પૂર્વ શરતમાં ભલે ન હોઈ શકે પરંતુ અમુક પ્રકારના સારા સદ્ગુણો તો હોવા જોઈએને? તે ગુણો મેળવ્યા પછી ભક્તિની યોગ્યતા પ્રાપ્ત થાય છે એવું માનો. તો તેના ઉત્તરમાં કહેવામાં આવે છે કે ભગનાનની ભક્તિને સદ્ગુણોનું કારણ અર્થાત્ ઉત્પતિ સ્થાન મળવામાં આવે છે.પણ સગુણોને ભક્તિનું કારણ માનવામાં નથી આવતા. તે ભાગવતમાં કહ્યુ છે કે

यस्यास्ति भक्ति भगवत्यकिंश्चना सर्वे गुणास्तत्र समासतेऽसुराः ।
हरावभक्तस्य कुतो महद्गुणाः मनोरथेनासति धावतो बहिः ।। (भा. ५-१८-१२)

જેનાં હૃદયમાં ભગવાનની ભક્તિ હોય છે તેના હૃદયમાં સર્વે ગુણો આવીને નિવાસ કરીને રહે છે. ભગવાનની ભક્તિ રહિત હૃદયમાં મહાન ગુણો ક્યારેક આવતા નથી. તેવીજ રીતે ભક્તિના પૂર્વ અધિકારમાં શાસ્ત્ર અધ્યયન પણ કારણ રૂપ ગણાવી શકાતુ નથી. તે પણ ભાગવતમાં કહ્યુ છે કે

ते नाधीत श्रृतिगणा नोपासीत महत्तमा : ।
अव्रतातप्ततपसो मत्संगान्मामुपागताः ।।

વૃષપર્વા, વ્યાધ, કૂબ્જા, ગોપીઓ એ બધાએ શાસ્ત્રધ્યયન કર્યું ન હતું, ગુરુની ઉપાસના કરી ન હતી, તપવ્રત કર્યા ન હતા. તો પણ ભગવાન કહે છે કે તેઓ મને પ્રાપ્ત થઈ ગયા છે.

તેવીજ રીતે ભક્તિની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે યજ્ઞા-દિકની જેમ કોઈ મોટા પ્રાયશ્ચિત કરવાની જરૂર પડતી નથી. સર્વે પ્રાયશ્ચિતો સાચી ભક્તિ જ પુરા પાડી દે છે. ટુંકમાં “अथ” શબ્દ ભક્તિની કોઈ પૂર્વ શરત માટે લખાયો નથી. પરંતુ મંગલ પ્રારંભના અર્થમાં પ્રયોગ થયો છે.

ત્યાર પછી “अत:” શબ્દ આવે છે તે કારણ બતાવે છે તેનો અર્થ એ છે કે બીજા તમામ સાધનો ભક્તિ તુલ્ય આવતા નથી માટે ભક્તિ કરવામાં સહેલી છે માટે કરવી જોઈએ તે ભક્તિની અમે વ્યાખ્યા કરીશુ. વળી ભક્તિ પરમાત્માને પ્રાપ્ત કરાવનારી છે તે શ્રુતિમાં કહ્યુ છે જે..

भक्तितरेव एवं नयति, भक्तिरेव एनं दर्शयति,
भक्तिरेव एवं गमयति, भक्तिवशः पुरुषः भक्तिरेव भूयसी ।।

જીવ પરમાત્મા સુધી કેવી રીતે પંહોચે તો ભક્તિ દ્વારા જીવ પરમાત્મા સુધી પહોંચે છે. આ જીવ દેહમાં અભિમાન કરીને રૂંધાયને બેઠો છે તેથી ભગવાન સામેથી તેડવા આવે તો પણ ભગવાન પાસે જવાની ઈચ્છા કરતો નથી જ્યારે નૃસિંહ ભગવાન પ્રહલાદને તેડવા આવ્યા ત્યારે પ્રહ્લાદજીએ અનુકંપાથી ભગવાનને કહ્યું.

नैतान् विहाय कृपणान् विमुमुक्षुः एकः ।

હે ભગવાન, આ બિચાર દુઃખી જીવોને છોડીને હું એકલો મુક્ત થવા માગતો નથી. માટે આપ બધાને સાથે લઈ લ્યો. ત્યારે ભગવાને કહ્યુ કે જો કોઈ આવવા ઈચ્છે તો હું સાથે જરૂર લઇ જઈશ. પરંતુ બળપૂર્વક લઈ જવાથી તેમના અંતરમાં દુઃખ થશે. માટે તું જેને મારા ધામમાં આવવું હોય તેને પુછી જો હું સાથે ધામમાં લઈ જઈશ. પ્રહલાદજી ખુબ રાજી થયા. એક એકને પૂછવા લાગ્યા. તમે ભગવાનના ધામમાં આવશો? ભગવાન લઈ જવા તૈયાર છે. ત્યારે બધાએ પૂછ્યું કે ક્યારે? ત્યારે પ્રહ્લાદે કહ્યું કે અત્યારેજ. ત્યારે તમામ લોકો માથુ ધુણાવીને કહ્યું કે ભગવાનના ધામમાં જવું એતો આપણું સૌભાગ્ય કહેવાય પરંતુ અત્યારે નહી આવી શકાય. હજુ તો અમારે ઘણા કામ કરવાના બાકી છે. ઘણાયને પુત્રના લગ્ન બાકી હતા. પુત્રીના લગ્ન બાકી હતા. ઘર બનાવવાનું બાકી હતું, નવો બિજનેસ કરવાનો બાકી હતો, વિગેરે તત્કાલિક કરવાના કાર્યો બાકી હતા. તેથી તત્કાળ આવી શકાય તેમ નથી.

ત્યારે પ્રહલાદજી નિરાશ થઈ ગયા. દૈત્ય, દાનવ, માનવમાંથી તો કોઈ તૈયાર ન થયા. ત્યારે પ્રહ્લાદજી પશુઓને પણ પૂછવા લાગ્યા. તેઓ પણ અમને અંહિ ઠીક છે ત્યાં નથી આવવું એમ કહ્યુ. છેવટે પ્રહલાદજીએ એક ભૂંડને પૂછ્યું ત્યારે ભૂંડે સામે પૂછ્યું કે મારી પત્ની, છોકરાં તમામને સાથે લઈ જશો? ત્યારેપ્રહલાદજીએ તેમની પણ હા પાડી ત્યારે ફરી વખત ભૂડે પ્રશ્ન કર્યો કે અમારા ભોજનની વ્યવસ્થા થશે? ત્યારે પ્રહલાદજીએ હસીને કહ્યું કે અરે ભાઈ વૈકુંઠમાં તારા ભોજનની શી જરૂર છે? ત્યાંતો અમૃતનો આહાર મળશે. ત્યારે ભૂંડ મોઢું બગાડીને ભાગી ગયું. હું અંહિ ઠીક છુ મારે ત્યાં આવવું નથી. (આવીજ કથા એક રાજાની છે-સ્વપ્ન-મરીનેભૂંડ થઈશ-દિકરે મારીનાખ્યાની કબુલાત કરી….. (૨)બાલમુકુંદ સ્વામી-બાપાએ કહ્યું સ્વામી ધામમાં મોકલી દો-જાવું છે? બેસો ઠાકોરજી સામે-બાપાને ડર લાગી ગયો-વળી કહે સ્વામી થોડા દિવસ હોઈએ તો છોકરાને સલાહ દઈએ અને વગેરે….)

આવી રીતે આ જીવને દેહ, કુટુંબ, લોકમાં અભિનિવેશ થઈ ગયો છે તેથી સંસારમાં આસક્ત થઈ ગયો છે ને ભગવાનથી દૂર પડી ગયો છે માટે તેને ભગવાન પાસે પહોંચાડવાનું સાધન ભક્તિ છે. “अत:” શબ્દનો એવો અર્થ લેવામાં આવે છે આ સૂત્રમાં નારદજી કહે છે કે હવે અમે ભક્તિની વ્યાખ્યા કરીએ છીએ. ત્યારે તેમાં શંકા કરવામાં આવે છે કે ભક્તિની વ્યાખ્યા કરવાની શી જરૂર છે? ખરેખર તો ભક્તિને હૃદયમાં ઉદ્ભાવવાની જરૂર હોય છે. વ્યાખ્યા કરવાની કોઈ જરૂર નથી. ભક્તિને હૃદયમાં જન્માવવા માટે સત્સંગ ની જરૂર છે. પણ વ્યાખ્યા કરવાની શી જરૂર છે? તો કોઈ કહેશે કે ભક્તિ જ્યારે આપણા હૃદયમાં જન્મે ત્યારે તેને ઓળખવા માટે તે વ્યાખ્યા કરવાની જરૂર છે. તો એવું માનવાની જરૂર નથી પડતી. સૂર્ય ઉદય થાય ત્યારે તેને ઓળખવા માટે દિવાની જરૂર પડતી નથી. અને ભક્તિ ઉત્પન્ન થાય તો પણ તે “अवर्णनीयम्” । હોવાથી તેનું યથાર્થ વર્ણન તો થઈ શકતું નથી. તેનું સમાધાન એ છે કે ભક્તિની વ્યાખ્યા કરવાની એટલા માટે જરૂર છે કે ભક્તિનું સ્વરૂ૫ અને તેના સાધનો જાણતા હોઈએ તો આભાસી ભક્તિને સાચી માની લઈને સંતોષ ન માની લેવાય. ખોટી ભક્તિમાં સાચી ભક્તિમાનીને છેતરામણ ન થાય. ખોટી ભક્તિ મોટા ભાગે ઉત્પાત મચાવનારી હોય છે. શાંતિ આપનારી હોતી નથી. વળી જ્ઞાનીઓ પણ ઘણું કરીને પોતાની ભક્તી ને જ સાચી માનતા હોય છે. સાચી ભક્તિને પોતાની માનવા તૈયાર હોતા નથી. માટે મુમુક્ષુઓની ઓળખાણ થવા માટે ભક્તિની વ્યાખ્યા થવી જરૂરી ગણાય. તેથી નારદજી કહે છે કે હવે અમે ભક્તિની વ્યાખ્યા કરીશું.

ત્યારે સૂત્રના વિષયમાં એ પ્રશ્ન થાય છે કે ભક્તિ કોને કહેવી? તો વ્યાકરણની દૃષ્ટીએ ત્રણ પ્રકારે ભક્તિ શબ્દ સિધ્ધ થાય છે-भजनं भक्तिः। भागो भक्तिः । भञ्जनं भक्तिः।

ભજનમ્ ભક્તિઃ કહ્યું તેમાં ભજન એટલે શું? તો પરમાત્મામાં રસાસ્વાદને ભજન કહેવામાં આવે છે. જેમ પશુ વગેરે પ્રથમ ઘાસ પેટ ભરીને ખાઈ લે છે પછી તેને વાગોળે છે એટલે ખાધુ હોય તેના રસને માણે છે તેવીજ રીતે ભગવાનના ગુણ-લીલા-રૂપ આદિકને શ્રવણ દર્શન-કથન કરીને અંતઃકરણમાં તથા પોતાના જીવમાં તેની સ્મૃતિનું વારંવાર આસ્વાદન કરવું તે સાચુ ભજન છે તેને ભક્તિ કહેવાય છે.
-કેટલાક એવું માને છે કે,

अन्याभिलाषिताशुन्यं ज्ञानकर्माद्यनावृतम् ।
आनुकुल्येन कृणानुशीलनं भक्तिरुत्तमा ।। (भक्तिरसामृत सिंधु)

ચિતમાં ભગવાનના પ્રેમ સિવાય બીજી કોઈ કામના ન હોય સાથે સાથે જ્ઞાન અથવા કર્મથી ભક્તિ આવૃત ન થઈ જવી જોઈએ. અમુક ક્રિયા ન થાય તો ભક્તિ ઝાંખી પડી જાય અને તે થાય તો ખિલી ઉઠે તો તે ભક્તિતો કહેવાય પણ ક્રિયાથી આવરિત-કર્મથી આવરિત કહેવાય. તેવી રીતે ભક્તિ કર્મને પરાધીન ન હોવી જોઈએ-કર્મ ભક્તિને આધારિત-અનુસરણ કરનારા હોવા જોઈએ અને તેમજ જ્ઞાન પણ ભક્તિના માર્ગને અનુસરતુ હોવું જોઈએ એવા થકા आनुकुल्येन कृणानुशीलनं ભગવાનને અનુકૂળ થઈને દરેક ઈન્દ્રિયો ભગવાનના સેવનમાં લાગી રહે તેને ઉત્તમ ભક્તિ કહેવામાં આવે છે. પ્રતિકૂળ સ્વભાવે અનન્ય ચિંતન તો કંસ, શિશુપાલ વિગેરે પણ કરતા હતા. પણ તે ભક્તિ ન કહેવાય અનુકૂળ ભાવે ચિંતન અને મૂર્તિ સેવન થાય તે ભક્તિ ગણાશે.

अनन्यममता विष्णौ ममता प्रेमसंगता ।
भक्तिरित्युच्यते भीष्मप्रह्लादोध्धवनारदैः ।।

જેવી મમતા સ્ત્રી, પુત્ર તથા શરીરમાં છે. તેને ઉખેડી નાખીને કેવળ ભગવાનમાં હોય અને તે મમતા પ્રેમપૂર્વકની હોય તેને ભીષ્મ, પ્રહ્લાદ, ઉધ્ધવ, નારદ જેવા ભક્તોએ ભક્તિ માની છે. શરદ પૂર્ણિમાંની રાત્રી હોય, ચંદ્ર સોળકળામાં ખીલી ઉઠ્યો હોય, ચાંદની વરસી રહી હોય, આપણે તે ચાંદનીને માણી રહ્યા હોઈએ તો તે ચંદ્રમાનું અનુશીલન તો થયું પણ વ્યક્તિગત મમતા નથી. ચંદ્રમાં મારો છે એવુ કોઈ ચિતમાં ગ્રંથી નથી પડી. ત્યાં આવીને ચંદ્રને કોઈ ગાળો દેવા લાગે તો આપણું દિલ દુઃખી ન થાય. અને ત્યારેજ જો કોઈ આપણા માતા-પિતા કે સ્વજનને ગાળો દે કે નિંદા કરે તો આપણે ઝગડો કરવા તૈયાર થઈ જઈએ. કારણકે મારા માન્યા છે. ચંદ્રમાનો લાભ તો લઈએ છીએ. પણ મારો માન્યો નથી. તેમ ભગવાનમાં વ્યક્તિગત મમત્વ બંધાય ત્યારે તે ભક્તિ ગણાશે. સૌ સહિયારા ભગવાન છે ત્યાં સુધી ભક્તિ જાગતી નથી, કહેવાતી નથી.

द्रुतस्य भगवद् धर्माद् धारावाहिकतां गता ।
सर्वशे मनसो वृर्तिभक्तिरित्यभिधीयते ।। (भक्तिरसायन-३)

ભગવાનના ગુણ, પરાક્રમ, માહાત્મ્ય, કૃપા સ્મરણ કરતા ચિત દ્રવિત થઈ જાય અને ધારા પ્રવાહ રૂપે મનની તમામ વૃતીઓ ભગવાન તરફ વહેલા લાગે-તમામ વૃતિઓ ભગવાનના સંબંધમાં ઉઠે તેને ભક્તિ કહેવાય છે.

ભગવાન ને માટે વ્યાકુળતા આવે છે ત્યારે ચિતદ્રવી ઉઠે છે ત્યારે જે ચિંતન થાય છે તો ચિત સંપૂર્ણપણે તદાકારીત થઈ જાય છે-ત્યારે ચિતમાં ભગવાનની છાપ(પ્રિન્ટ) ઉઠી આવે છે ત્યારે તમામ વૃતિઓ ભગવાન સંબંધી ઉઠવા લાગે છે.

પ્રેમાર્દ હૃદય ખુબ કોમળ હોય છે અને જલ્દી દ્રવી જાય છે પરંતુ તેમાં એક દૃઢ પકડ પણ હોય છે એક વખત ભગવાનની ઉઠેલી છાપ જીવનભર મટતી નથી. જેનું ચિત જ્યાં ત્યાં દૈવી ઉઠીને જેતે છાપોને પકડી લેતું હોય તો તે પ્રેમ કે ભક્તિ કહેવાશે નહીં. પ્રેમમાં કોમળતાની સાથે દૃઢતા પણ એવીજ હોવી જોઈએ. જે ભગવાન વિના બીજી જગ્યાએ પીગળી ન જાય.

શાસ્ત્રોમાંતો અનેક પ્રકારે ભક્તિની વ્યાખ્યાઓ કરી છે અંહિ નારદજી પણ કહે છે કે હવે આપણે વિ-વિશેષરૂપથી आ-समन्तात्– રૂડી રીતે व्यास्यामः વર્ણન કરીશું.

વિશેષ રૂપથી શું છે? તો જે કેવળ ભક્તિની વ્યાખ્યા કરીશું જેમાં કર્મ કે જ્ઞાનનો પ્રભાવ ન હોય કેવળ વ્યતિરેકપણે ભક્તિનો પ્રભાવ હોય ને વળી કર્મ, જ્ઞાન વિગેરે તમામના ફળને પમાડનારી હોય તેવી રીતે ભક્તિનું વર્ણન કરીશું.