પદ-9

( રાગ : બિહાગડો )

દોયલું થાવું હરિદાસ રે, સંતો દોયલું૦

જોઈએ તજવી તનસુખ આશ રે, સંતો. ટેક૦

શૂરો જેમ રણમાં લડવા, ધરે હૈયામાં અતિ હુલાસ;

પેટ કટારી મારી પગ પરઠે, તેને કેની રહી ત્રાસ રે. સંતો૦ ૧

કાયર મનમાં કરે મનસૂબા, રે’શું ઊભા આસપાસ;

એમ કરતાં જો ચડી ગાય ચોટે, તો તરત લેશું મુખે ઘાસ રે. સંતો૦ ૨

શૂરા સંતની રીત એક સરખી, કરવો વેરીનો વિનાશ;

કામ ક્રોધ લોભ મોહ જીતી, ભાવે ભજવા અવિનાશ રે. સંતો૦ ૩

એવા ભકત તે ભક્ત હરિના, તેહ સહે જગ ઉપહાસ;

નિષ્કુળાનંદ કહે તે વિના બીજા, તેનો નાવે કેદી’ વિશ્વાસ રે. સંતો૦ ૪

વિવેચન : 

હે સંતપુરુષો, ભગવાનના ભક્ત થવું તે દુર્લભ છે, અઘરું કામ છે, એમાં તો શરીરનાં સુખોની તમામ આશા તજી દેવી જોઇએ. જેમ ખરેખરો સાચો શૂરવીર લડવા નીકળે ત્યારે તેના હૃદયમાં અતિશય આનંદ હોય છે તે કવચ તથા હથિયારોથી સજ્જ થઇને નીકળે છે તે શૂરો ભેટમાં એક ખંજર પણ રાખે છે, કે જો લડતાં લડતાં શત્રુ દ્વારા પકડાય જવાનો સમય આવી જાય તો દુશ્મનના હાથમાં જીવતા ન પકડાય જવું એવી ટેક હોઇને એ ખંજર પોતાના જ પેટમાં હૂલાવીને પ્રાણ કાઢી નાખે. આવું ખંજર તે પેટકટારી કહેવાય છે. આવી પેટકટારી જેણે પ્રથમથી જ ભેટમાં કસી લીધી હોય તેને પછી યુદ્ધના મેદાનમાં મોતની બીજી શી ભડક હોય શકે? ‘પેટ કટારી રે પહેરીને સન્મુખ…..’ પરંતુ બીજાને જોઇને હોરે હોરે લડવા નીકળેલો કાયર માણસ હોય તે તો એવા વિચારો કરશે કે ઠીક છે. લડાઇમાં લડવા નીકળી તો જવાયું છે. પણ આપણે જરા ખ્યાલ રાખીશુ. જ્યારે બરાબર ધીંગાણું જામશે ત્યારે આપણે સલામત જગ્યા જોઇને આજુ બાજુ તરી જઇશું, ઊભા રહીશું એમ કરતાંય શત્રુની ઝપટમાં આવી ગયા તો મોઢામાં ઘાસના તરણાં લઇને માફી માગી શરણ થઈ જઇશું, પણ જેમ જાતનો(શરીરનો) બચાવ થાય તેવો રસ્તો લેવામાં ક્યાંય પાછા નહીં પડીએ, ક્યાંય અચકાશું નહિ, કેમે કરતાં પણ દેહને કોઇ જાતનો વાંધો આવવા નહિ દઇએ. બીજું બધું ભલે થાવું હોય તે મર થાય.

આ પ્રમાણે શૂરાના અને કાયરના માર્ગ જ (વિચારધારા જ) જુદા છે. સંતપુરુષો અને શૂરવીરોની રીત એક સરખી છે. કેમ કે બન્નેને અંતરમાં શત્રુઓનો(તથા અંતર શત્રુઓનો) વિનાશ કરવાની મક્કમ ધારણા હોય છે. તેમાં સંતોને તો પોતાના અંતર્શત્રુ જે કામ, ક્રોધ, લોભ, મોહ આદિ વિકારોને જીતી લઇ ભાવથી ભગવાનને ભજવાનું તાન હોય છે એવા સાચા ભક્તો કે સંતો તો આવી પડતાં અનેક સંકટો ઉપરાંત જગતની હાંસી મશ્કરી પણ સહન કરે છે પરંતુ એ સિવાયના જે પોતાનાં સુખ સગવડતાના વિચારોમાં જિંદગી ગુમાવતા નામધારી અને ઉપરથી બરાબર ભક્તનો કે સંતનો વેશ ધરનારા મનાતા હોય તેનો વિશ્વાસ કદી કરી શકાય નહિ.