પદ-8

( રાગ : સિંધુ )

આકરે કાકરે કરવત કાઢિયું, વાઢિયું મસ્તક લલાટ લગે;

ધડક ફડક થડક નથી મને, અચળ અકડ ઉભા એક પગે. આ૦ ૧

છૂટી છોળ અતોળ લાલ લોહીની, તે જોઈ જન મન ચડી ચિત્તે ચિતરી;

દેખી ભૂપતિની વિપત્તિ મતિ ચળી, ઢળી વળી પડ્યાં મૂરછાયે કરી. આ૦ ૨

કરે કરેરાટ ચરેરાટ માંડ્યું ચાલવા, તે વામ અંગે એહની વાત જાણી;

એહ અંગે તેહ ઉમંગ ભંગ થયું, વળી આવી ગયું આંખ્યમાંય પાણી. આ૦ ૩

તે જોઈ દ્વિજ બોલિયો ક્રોધ કરી, કલપિનું દાન હું ન લેઉં કદી;

હટકી ફટકી ચટકી ચાલિયા, તેહને વાળિયા દીનતા વાણી વદી; આ૦ ૪

પછી આવીને પૂછ્‌યું એહ અંગને, કહે આંસુ આવ્યાનું કારણ સહિ;

ત્યારે તે કહે અભાગ્ય શી અર્ધા અંગની, જે બ્રાહ્મણને અર્થે આવ્યું નહિ. આ૦ ૫

એવું સુણી દ્વિજ પલટીને થયા, તિયાં પ્રગટ પુરુષોત્તમ રૂપ રે;

નિષ્કુળાનંદનો નાથ ગાથ કહે, માગ્ય માગ્ય માગ્ય મુજ પાસથી ભૂપ રે.આ૦ ૬

વિવેચન : 

પછી તો આકરી ધારના દાંતાવાળું કરવત માથા ઉપર મૂકીને ચલાવવા માંડ્યું! લલાટ સુધી માથું કપાયું. છતાં મયૂરધ્વજ રાજા જરા પણ ધડકતા નથી. તે તો અડગપણે એમને એમ ઊભા છે. માથામાંથી લોહીની ધારાઓ છૂટતી હતી. તેને જોઇને ઘણા લોકોને ચિતરી ચડી જતી હતી અને રાજાનું આવું સંકટ જોઇને તેમની મતિ સ્થિર રહેતી ન હતી. અરે! કેટલાક તો તે દૃશ્ય દેખી ન શકવાથી મૂર્છા ખાઈને ઢળી પડ્યા, પરંતુ કરવત તો કરર ચરર અવાજ કરતું ચાલુ જ હતું. રાજાના દિલમાં આ વખતે એક વિચાર આવ્યો કે, આમ શરીર વેર્યા પછી જમણું અંગ તો બ્રાહ્મણના ખપમાં આવશે પણ ડાબું અંગ પડ્યું રહેશે. એનાં શાં દુર્ભાગ્ય? આવા વિચારે તેની ડાબી આંખમાં આસું આવી ગયું. એ આંસુ જોતાં જ બ્રાહ્મણને ફટક્યું અને બોલતાં બોલતાં ચાલી જ નીકળ્યો કે ‘કકળતાં દિલનું દાન મારે જોઇતું નથી. મારે તો જે રાજીપાથી દાન આપે તે જ ખપે. અહીં તો રાજાના આંખમાં આંસુ પડી રહ્યાં છે એવું કલ્પાવેલું દાન મને ન ખપે. બસ, ઘણું થયું, હવે કરવત ચલાવવું બંધ કરો. હું તો આ ચાલ્યો.’ ત્યારે રાણીએ કુંવરે અને લોકોએ મળીને ઘણી નમ્રતાથી પ્રાર્થના કરી વિપ્રને પાછા વળી કહ્યું કે ‘ભાઇ! પૂછો તો ખરા કે રાજાને આંસુ કેમ આવ્યાં?’ વિપ્રે તે વાત કબૂલ રાખી. પાછા આવીને પૂછ્યું કે ‘હે રાજન ! બોલો તમારી ડાબી આંખમાં આસું કેમ આવ્યું?’ રાજાએ કહ્યું ‘મહારાજ, મારું જમણું અંગ બ્રાહ્મણના ઉપયોગમાં આવશે પણ ડાબું અંગ નકામું પડ્યું રહેશે અને ખપમાં નહિ આવે એ તેનું દુર્ભાગ્ય છે એમ જાણીને ડાબી આંખ રડી રહી છે. આ હકીકત સાંભળતાં જ ભગવાન બ્રાહ્મણનું રૂપ છોડીને સાક્ષાત્‌ પ્રગટ થયા અને વારંવાર કહેવા લાગ્યા ‘હે સત્યવાદી રાજા મયૂરધ્વજ, હું તારા પર પ્રસન્ન થયો છું, માગ, જે માગીશ તે આપીશ.’’