( રાગ : સિંધુ )
કઠણ કસોટી મોટી મહારાજની, સહી રહે વળી કોઈ સંત શૂરા;
જેમ જેમ દુઃખ પડે આવી દેહને, તેમ તેમ તેમ પરખાય પૂરા. કઠણ૦ ૧
જેણે પાડી છે આંટી મોટી જીવમાં, મન માન્યું છે મરી કરી મટવું;
ભર અવસર પર ધરધરી, ફરી ખરી હાક વાગ્યે નથી જ હટવું. કઠણ૦ ૨
અનેક દેહ ખોયા અણઅરથે, તેહ દેહ કાંયે નાવ્યા કામે;
હવે આ દેહ હરિ અરથે કરી, રાખવું છે અચળ તે આઠું જામે. કઠણ૦ ૩
એમ દૃઢ ધીરજ ધરી કરીને, ભજે છે જેહ ભગવાન ભાવે;
નિષ્કુળાનંદ કહે એમ જાણવું, અંતે અરથ પણ એજ આવે. કઠણ૦ ૪
વિવેચન :
ભગવાનની કસોટી તો મોટી અને આકરી હોય છે તે તો જે કોઇ શૂરા સંત હોય-તક ઝડપી લઇ શક્તા હોય તે સહી શકે છે. એવા સંત છે તે તો જેમ જેમ દેહને (દેહ-મનને તથા દેહભાવને) કષ્ટ આવતાં જાય તેમ તેમ ખરેખરા પરખાતાં જાય છે. એ રીતમાં પ્રવીણ નીવડતા જાય છે, તેને દિવસે દિવસે વધુ સાધુતાનો રંગ ચડતો જાય છે. જેમણે મનમાં દૃઢ નિશ્ચય કરી આંટી પાડી લીધી છે કે ભલે ટુક ટુક થઇજવું પડે, શરીરના ટૂકડે ટૂકડા થઇ જાય તો પણ ખરે ટાણે અર્થાત્ મહારાજની આજ્ઞા પાળવામાં કે મહારાજ અને તેના સાચા ભક્તોને માટે સમર્પિત થઇ જવાના સમયે પાછા હટવું નથી. જગતના માયિક પંચવિષયમાં ક્યાંય લલચાવું નથી. અગાઉ અનેક જન્મો ધરીને (કરોડ કરોડ જન્મ ધરીને-એટલાપણ ન કહેવાય) પંચ વિષય ભોગવવામાં અને મનધાર્યું કરવામાં નકામા ગુમાવ્યા છે અને એક પણ જન્મ ભગવાનને માટે કે ભગવાનના સાચા ભક્તોને માટે થયો નથી, તેનો કોઇ સદુપયોગ થયો નથી, માટે હવે આ જન્મે તો આ શરીર ભગવાન અને ભગવાનના સાચા ભક્તને અર્થે નિરંતર સત્સંગપરાયણ અચળ કરીને રાખવું છે. આવી દૃઢ ધીરજ ધારીને જો ભગવાનને ભજે છે તો છેવટે તેને એ જ વસ્તુ ઉપયોગી નીવડવાની છે.