પદ-5

( રાગ : સિંધુ )

સત્યવાદી સંત સંકટને સહે, રહે ધીર ગંભીર નીરનિધિ જેવા;

આપે અમાપે તાપે તપે નહિ કેદી, અડગ પગ મગે પરઠે એવા. સત્ય૦ ૧

જગ ઉપહાસ ત્રાસ હરિદાસ સહે, અન્ય કાસ ત્રાસ નાશ કીધી જેણે;

અવિનાશ પાસ વાસ આશ કરી, શ્વાસ ઉચ્છવાસ ઉલ્લાસ રહે છે તેણે. સત્ય૦ ૨

અતિ પ્રસન્નવદન નિશદિન રહે, ધન્ય ધન્ય જન પાવન સરે;

જગજીવન સ્વજન વિઘન હરે, તેહ વિન ભજન મન નવ કરે. સત્ય૦ ૩

ગ્રહી ટેક એક વિવેક કરી ખરી, છેક ટેક નેક કહ્યે તે નવ તજે;

નિષ્કુળાનંદ જગવંદ સહજાનંદ, સુખકંદ ગોવિંદ મુકુંદ ભજે. સત્ય૦ ૪

વિવેચન : 

જે સત્યવાદી સંત પુરુષો હોય, એક ટેકને ધારણ કરનારા સંત પુરુષો હોય તેને સંકટ સહન કરવાં પડે છે. જેને ટેકનું કાંઇ ઠેકાણું ન હોય તેને એવું સહન કરવાનું આવતું નથી. ટેકથી સંકટ સહન કરવા છતાં તે મહાસાગર જેવા ધીર અને ગંભીર રહે છે. અફાટ જળ હોવા છતાં સાગર મર્યાદા છોડતો નથી. તેમ તે મહાપુરુષોમાં અમાપ સામર્થી હોવાં છતાં તે મર્યાદામાં રહે છે ને કોઇ તેની ઊંડાઇને માપી શક્તું નથી. તેઓ અમાપ દુઃખના તાપથી કદી તપી જતાં નથી અને પોતાના સત્યના માર્ગે જ અડગ પગલાં ભરે છે, એવા જે ભગવાનના ભક્તો છે તે જગતની ઠઠ્ઠા-મશ્કરી અને ત્રાસ પણ સહી લે છે. કારણ કે તેમણે તો ભગવાન સિવાયના બીજાં સુખ દુઃખોનો નાશ કરી નાખ્યો હોય છે, ખોટાં કરી નાખ્યાં હોય છે અને તે તો અવિનાશી પ્રભુની પાસે તેવી જ આશાથી(સત્ય સુખના લાભ માટે) વાસ કરે છે અને શ્વાસોશ્વાસ આનંદમાં રહે છે. વળી તેનું વદન અહોનિશ પ્રસન્ન જ રહે છે. એવા પવિત્ર ભક્તજનોને ખરેખર ધન્ય છે. ભગવાન પણ પોતાના એવા ભક્તોનાં વિઘ્નો હરણ કરે છે અને તે ભક્તો પણ પોતાના મનથી તે પ્રભુ વિના બીજાનું ભજન કરતા નથી. વળી તે ભક્તોએ જે ટેક સારાસાર વિવેક વિચારીને ધારી હોય છે તેને છેવટ સુધી ખંતપૂર્વકની સચ્ચાઇથી ત્યાગ કરતા નથી અને જગતવંદ્ય સહજાનંદ પ્રભુને ભજે છે.