ઈચ્છયા અટળ પદ આપવા, અલબેલો અવિનાશ;
આવી એમ ધ્રુવને કહ્યું રે, માગો માગો મુજ પાસ. ઈચ્છયા૦ ૧
ધ્રુવજી કહે ધન્ય ધન્ય નાથજી, તમે પ્રસન્ન જ થયા;
એથી બીજું શું માગવું, દિન દુઃખના ગયા. ઈચ્છયા૦ ૨
અખંડ રે’જો મારે અંતરે, પ્રભુ આવા ને આવા;
મોટું બંધન છે માયાતણું, તેમાં ન દેશો બંધાવા. ઈચ્છયા૦ ૩
એમ ધ્રુવજી જ્યારે ઓચર્યા, લાગ્યું સારું શ્યામને;
નિષ્કુળાનંદ કહે નાથે પછી, આપ્યું અચળ ધામને. ઈચ્છયા૦ ૪
વિવેચન :
ભગવાને ઇચ્છા કરી કે ‘ધ્રુવજીને અચળ પદવી આપું.’ પછી ધ્રુવજી પાસે આવીને પ્રગટ થયા ને કહ્યું ‘હે ધ્રુવ તમે માગો જે જોઇએ તે માગો’ ત્યારે ધ્રુવજીએ કહ્યું ‘હે ભગવાન મારા ધન્ય ભાગ્ય છે કે આપ પ્રસન્ન થયા છો, આપના દર્શનથી મારા તમામ દુઃખના દિવસો ચાલ્યા ગયા છે. હવે એથી વિશેષ હું શું માગુ? પરંતુ મારી ઇચ્છા એવી છે કે તમે મારા હૃદયમાં આવીને આવા અખંડ વિરાજમાન રહો-મને અંતરમાં અખંડ આવાને આવા દર્શન આપો. વળી આ જગતની માયાનું બંધન સૌથી મોટું છે તેમાં મને બંધાવા દેશો નહિ.’ ધ્રુવજીએ પ્રભુ પાસે એવું માગ્યું ત્યારે ધ્રુવજીનો નિષ્કામ ભાવ ભગવાનને બહુ જ ગમ્યો. પછી તો ભગવાને ‘તથાસ્તુ’ કહીને તેમને વગર માગ્યે ધ્રુવમંડળની અચળ પદવી પણ આપી.