પદ-3

( રાગ : રામગ્રી )

ભક્ત સાચા ભગવાનના, ઝાઝા જડતા નથી;

લક્ષણ જોઈ લેવાં લખી રે, શું કહિયે ઘણું કથી. ભક્ત૦ ૧

અતિ દયાળુ દિલના, પડ્યે કષ્ટે ન કા’ય;

પ્રાણધારીને પીડે નહિ રે, પર પિડ્યે પિડાય. ભક્ત૦ ૨

પોતાને સુખ જો પામવા, બીજાનું ન બગાડે;

દુષ્ટ આવે કોઈ દમવા, તેને શાંતિ પમાડે. ભક્ત૦ ૩

ક્ષમા ઘણી ક્ષોભ નહિ, સુખ દુઃખને સહે;

નિષ્કુળાનંદ એવા ભક્તથી, હરિ દૂર ન રહે. ભક્ત૦ ૪

વિવેચન : ભગવાનના ખરા ભક્તો બહુ મળતા નથી માટે તે બાબતમાં વધારે શું કહેવું? પણ તે ખરા ભક્તનાં લક્ષણ તો જરૂર જાણી લેવા જોઇએ. જે સાચા ભક્તો હોય છે તે અંતરમાં અતિશય દયાળુ હોય છે. સંકટ પડે ત્યારે તે કાયર થઇ જતાં નથી. કોઇ પણ પ્રાણીને દુઃખ દેતાં નથી. ઊલટું બીજાનું દુઃખ દેખીને પોતે દુઃખી થાય છે. વળી પોતાનું સુખ મેળવવા માટે બીજાનું બૂરું કરતા નથી, બીજાને નુકશાન કરતા નથી. કોઇ દુષ્ટજન પોતાને દુઃખ દેવા આવે તો તેને પણ શાંતિ થાય તેમ કરે છે. તેનો દુષ્ટભાવ દૂર કરે છે. તેમના દિલમાં અત્યંત ક્ષમા રહેલી હોય છે. તેમનું અંતઃકરણ ક્યારેય પણ અતિશય દુઃખ આવે અથવા અતિ મનગમતા વિષય પ્રાપ્ત થાય તોપણ ક્ષોભ પામતું નથી. ભગવાનના માર્ગથી વિચલિત થતું નથી. સુખ કે દુઃખ આવે તે બન્નેમાં સમભાવ રહે છે એટલે કે તેમાં લેવાય જતાં નથી. જગતનાં સુખે પોતાને સુખી માની લેતા નથી અને જગતનાં દુઃખે પોતાને દુઃખી માની લેતા નથી. આવાં લક્ષણો જેનામાં હોય છે તે ખરેખરા ભક્તો કહેવાય છે, તેનાથી ભગવાન ક્યારેય દૂર રહેતા નથી, પ્રહ્‌લાદની જેમ.