( રાગ : ધોળ )
‘મારી અવિચળ ચૂંકને રાખજો’ એ ઢાળ
આજ આનંદ મારા ઉરમાં, મળી મને મહા મોંઘી વાત રે;
કોટી કષ્ટ કરે હરિ નવ મળે, તેતો મને મળિયા સાક્ષાત રે; આજ૦ ૧
રમાડ્યા જમાડ્યા રૂડી રીતશું, મળ્યા વળી વારમવાર રે;
હેતે પ્રીતે નિત્યે સુખ આપિયાં, તેતો કે’તાં આવે કેમ પાર રે; આજ૦ ૨
અન્ન જળ ફળ ફૂલ પાનની, આપી એવી પ્રસાદી અનૂપ રે;
ચરણની છાપ દીધી છાતિયે, આપ્યાં સારાં વસ્ત્ર સુખરૂપ રે; આજ૦ ૩
આગળ ભગત અનેક થયા, સહ્યાં તેણે શરીરે બહુ દુઃખ રે;
તોય પ્રભુ પ્રગટ પામ્યા નહિ, પામ્યા પણ નાવ્યાં આવાં સુખ રે; આજ૦ ૪
કોઈકને આપી અમરાવતી, કોઈકને પુર કૈલાસ રે;કોઈકને સત્યલોક સોંપિયું, કોઈકને વૈકુંઠે વાસરે; આજ૦ ૫
જૂજવાં એ ધામ આપ્યાં જનને, જોઈ નિષ્કામ સકામ રે;
આજ તો અઢળક ઢળ્યા હરિ, આપ્યું સહુને અક્ષરધામ રે; આજ૦ ૬
સુખ સુખ સુખ જ્યાં સુખ ઘણું, તે તો મુખે કે’તાં ન કહેવાય રે;
નિષ્કુળાનંદ એ આનંદમાં, હરખી હરખી ગુણ ગાય રે; આજ૦ ૭
દોહા :
ચોસઠ્ય કડવાં સાત એક સિંધુ, છે ચરણ વળી પદ સોળ;
તેની ઉપર એક છે, વધામણાનું ધોળ;
સંવત્ અઢાર નવાણુંવો, ચૈત્ર વદી દશમી દન;
રચ્યો ગ્રંથ ગઢપુરમાં, સુણી સમરો શ્રી ભગવન.
વિવેચન :
સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આજે મારા અંતરમાં આનંદ ઉભરાય છે કેમ કે મને મહામૂલ્યવાન વસ્તુ મળી છે. કરોડો કષ્ટો સહન કરતાં પણ જે પ્રભુ ન મળી શકે તે આજે મને સાક્ષાત્ મળ્યા છે એ પ્રગટ પ્રભુએ સારી રીતે જમાડ્યા, રમાડ્યા છે. વળી તેઓ કૃપા કરીને વારંવાર બાથમાં લઇને ભેટ્યા છે. તેમણે નિત્ય નિત્ય પ્રીત કરીને જે જે સુખો આપ્યાં છે તેનો તો કહેતા પાર જ કેમ આવી શકે? સમયે સમયે અન્ન, જળ, ફળ, ફૂલ, પાન વગેરે અનુપમ પ્રસાદી આપી છે અને ચરણારવિંદની છાપો છાતીમાં આપી છે તથા પ્રસાદીના સારાં સારાં વસ્ત્રો પણ આપ્યાં છે પૂર્વે અનેક ભક્તો થઇ ગયા છે તેમણે શરીરે અનેક કષ્ટો સહન કર્યાં છે તોય પ્રગટ પ્રભુ મળ્યા નથી કેટલાકને મળ્યા હતા તો તેને તે ભગવાનનું જેવું જોઇએ તેવું સુખ આવ્યું નથી. ભગવાનના અવતાર ધરીને જે સમયે અહીં પધાર્યા ત્યારે સ્થાન, સેવક અને કાર્યને અનુસરીને લીલા કરી તેમાં જે જેવા સંબંધમાં આવ્યા તેને તેવી ગતિ આપી હતી. કોઇને સ્વર્ગ, કોઇને કૈલાસ, કોઇને સત્યલોક, તો કોઇને વૈંકુઠમાં વાસ આપ્યો એમ સકામ-નિષ્કામ ભક્તિના ભેદો પ્રમાણે પોતાના ભક્તોને પ્રાપ્તિ આપેલી, પરંતુ આજ તો પ્રભુ અઢળક ઢળ્યા છે. અને સૌને અક્ષરધામ આપ્યું છે. જ્યાં માત્ર અત્યંત સુખ, સુખ ને સુખ જ છે, જે મુખથી કહી ન શકાય તેવું છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે હું એના આનંદમાં હરખી હરખીને એ પ્રભુના ગુણ ગાઉં છું.
ઈતિ શ્રી નિષ્કુલાનંદ મુનિવિરચિતં ધીરજાખ્યાનં સમ્પૂર્ણમ્॥