પદ-16

( રાગ : કડખો )

ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને, જેણે રાજી કર્યા રાધારમાપતિ;

માન અપમાનમાં મન હટક્યું નહિ રે, સમ વિષમે રહિ એક મતિ. ધન્ય૦ ૧

સુખ દુઃખ સમતોલ સમઝયા સહી, અરિ મિત્રમાં રહી એકજ બુદ્ધિ;

સંપત્તિ વિપત્તિ સરખી સમ થઈ રે, સમજ્યા સંત એમ વાત સૂધી. ધન્ય૦ ૨

હાર જીત ને હાણ વૃદ્ધિ જાણો વળી, હરખ શોકમાં નવ હસે રુવે;

ગાંધર્વ શહેર સમ સુખ સંસારનાં રે, મૃગજળ જોઈ સુખરૂપ જળ ખુવે. ધન્ય૦ ૩

સ્વપ્નાની પૂજા પીડા સ્વપ્ને રહી, તે જાગ્રતમાં એહ આવતી નથી;

નિષ્કુળાનંદ એમ સાચા સંત સમઝે રે, વિચારો સહુ કહું હું વાત કથી; ધન્ય૦ ૪

વિવેચન : 

જેણે રાધા-રમાના પતિ પુરુષોત્તમનારાયણને રાજી કર્યા તેવા સંતોને વારંવાર ધન્યવાદ છે. જેને મનમાં માન અપમાનનો ક્ષોભ થતો નથી અને સમ-વિષમમાં, અનુકૂળતા-પ્રતિકૂળતામાં એકમતિ રહે છે, જેણે સુખ-દુઃખને સરખાં ગણ્યા છે, શત્રુ અને મિત્રમાં સમબુદ્ધિ રાખી છે અને વળી સમજપૂર્વક નક્કી કર્યું છે કે સંપત્તિ અને વિપત્તિમાં પણ પરમાત્મામાં સરખી એકબુદ્ધિ રહે છે જેઓ હાર કે જીત, લાભ કે હાનિ, હર્ષ કે શોક હોય તે કશાથી રાજી કે કુરાજી થતા નથી. આ સંસારનાં સુખો તો ગાંધર્વનગર (ઇન્દ્રજાળ નગરી) અથવા ઝાંઝવાનાં જળ જેવાં છે. તેને જોઇને જીવો સાચા સુખરૂપી ભગવાનના સુખને ગુમાવી દે છે. વળી જેમ સ્વપ્નનાં સુખદુઃખ સ્વપ્નમાં જ રહી જાય છે એવું માનનારા સાચા સંતોએ દૃઢ નિશ્ચય કરી રાખ્યો છે માટે તેને ધન્ય છે