( રાગ : કડખો )
‘શાંતિ પમાડે તેને સંત કહીએ’ એ ઢાળ
ક્ષમાવંત સંત અત્યંત સુખ ભોગવે, પામે દુઃખ ક્ષમાની ખોટવાળા;
સોનું રૂપું જેમ સહે ઘણા ઘાવને રે, જોઈએ કાચને વળી રખવાળા. ક્ષમા૦ ૧
રૂપા સોનાનાં ભૂષણ સહુ પે’રી ફરે, એતો અંગો અંગમાં શોભા આપે;
કાચ ભાંગે તો કામ આવે નહિ રે, કટકા કોઈકનું તન કાપે. ક્ષમા૦ ૨
સર્પ સિંહ સ્વભાવવાળા સંત શિયા, જેની પાસે જાતાં પગ પડે પાછા;
અતિ અખતર નર નરસા ઘણા રે, તેને કહેવું પડે તમે સંત સાચા. ક્ષમા૦ ૩
એ જેવી કે’વી દેવી નંદવાણા તણી, રૂઠે તૂઠે આપે સંતાપ સરખો;
નિષ્કુળાનંદ કહે નવ થાય ઓરતો રે, જો પહેલાં વહેલા એના પગ પરખો. ક્ષમા૦ ૪
વિવેચન :
ક્ષમાવાળા સંતો જ સાચું-ભગવાનનું સુખ ભોગવે છે પણ જેનામાં ક્ષમાની ખોટ્ય છે તેને તો એવું સુખ મળતું નથી અને દુઃખ પ્રાપ્ત થાય છે જેમ સોનું-રૂપું જે મૂલ્યવાન ધાતુ છે તે પ્રથમ ઘણું જ ટીપાય છે ઘણાજ ઘા સહન કરે છે જ્યારે કાચ જેવા ઉપરથી ચમકતા પદાર્થની તો ભારે જતન કરવી પડે છે ત્યારે જ સોનારૂપાનાં આભૂષણ પહેરીને બધા આનંદ સુખ માને છે અને તે શરીરને શોભાવે છે ત્યારે કાચ એના જેવી શોભા આપતો નથી. તેમાં પણ જો તે ભાંગે તો ઉલટા ટુકડા શરીરને વાગે છે ને શરીર છેદાય છે. એવી જ રીતે કાચ જેવા ઉપરથી ચકચકતા દેખાતા વેશધારી સંતો સાચા શોભતા નથી પણ ઉલટા વણસે તો નુકશાન ઘણું કરે છે કારણ કે ત્યાં ક્ષમાનું તો નામ જ નથી. વળી જેની પાસે જતાં પગ પાછા પડતા હોય, ક્યાંક નુકશાન કરી દેશે એવો ડર લાગતો હોય એવા સર્પને અને વાઘ જેવા કેવળ બીજાને નુકશાન કરવાના સ્વભાવ રાખનારા જનો પોતાનો વેશ સાધુનો રાખે તો પણ એવા સંત કેમ હોય શકે? છતાં પણ આ જગતની વિચિત્રતા એવી છે કે એવા તદ્દન બુરાઇથી ભરેલા પુરુષોને પણ ‘અહો તમે તો સાચા સંત પુરુષ છો.’ એમ કહેવું પડે છે અને સભામાં મોટેથી તેની એવી જાહેરાત કરવી પડે છે. પણ એ તો ‘નરસાની પાંચશેરી ભારે’ એ રીતે તે અસત્યપુરુષોની અંતર-બહારની ભૂંડાઇનો જ પ્રતાપ જાણવો. જેમ નંદવાણા(એક પ્રકારની જ્ઞાતિ) ની દેવી રીઝે કે ખીઝે તો પણ બન્ને રીતે સરખો જ સંતાપ આપનારી થાય છે તેમ જો નરસા જનોને પનારે પડી જવાય તો તેને રાજી રાખવામાં પણ ધર્મ હાની હોય છે ત્યારે કુરાજી કરીએ તો ખુલ્લંખુલ્લા ઘણાં દુઃખો આવી પડે છે, માટે એવા દુષ્ટજનોને પહેલે પગલેથી(શરૂઆતથી જ) ઓળખી રાખ્યા હોય તો પાછળથી તેના સહવાસના યોગે(મિત્રતા કે વિરોધનો) પસ્તાવાનો વારો ન આવે.