પદ-14

( રાગ : કડખો )

સાચા ભક્તની રીત સર્વે સાચી સહી, સાચા સર્વેર્ આચરણ એનાં;

ખાતાં પીતાં સૂતાં જાગતાં જાણિયે, ઉપદેશરૂપ અનૂપ તેનાં. સાચા૦ ૧

હાલતાં ચાલતાં જોતાં માંય જોવું ખરું, લેતાં દેતાં બોલતાંમાં કળી લૈયે;

જાતાં આવતાં પાસ વાસ વસતાં, કેમ ન કળાય એહ કહો તૈયેં, સાચા૦ ૨

કરતાં ન કરતાં હરતાં ફરતાં, ગાતાં વાતાં વળી હસતાં હોયે;

રોતાં ધોતાં પોતાં પે’રતાં પરખિયે, છતાં વકતાં જાણો સુખદ સોયે; સાચા૦ ૩

જેજે આચરણ સાચા સંત આચરે, તેતે સર્વે છે વળી સુખકારી;

અખંડ ધામમાં એજ પોંચાડે, નિષ્કુલાનંદ કહે છે વિચારી. સાચા૦ ૪

વિવેચન : 

જે શ્રીજી મહારાજના સાચા ભક્તો સંતો છે તેમની તમામ રીત સાચી હોય છે. તેનાં બધાં આચરણ સત્યમય હોય છે. તેનું ખાવું, પીવું, સૂવું, જાગવું વગેરે બધી ક્રિયાઓ બીજાને આદર્શરૂપ અને ઉપદેશરૂપ હોય છે એવા સત્પુરુષોના હાલવા, ચાલવા કે જોવામાં પણ સત્યનિષ્ઠા અર્થાત્‌ પરમાત્મા સ્વામિનારાયણ પ્રભુની નિષ્ઠા તરી આવતી હોય છે એમના લેવા દેવામાં કે બોલવામાં પણ તે દેખાય આવે છે તો પછી તેમની પાસે વસવાથી તો કેમ ન ઓળખાય? એવા સત્પુરુષો કામ કરતા હોય કે ન કરતા હોય, હરતા ફરતા કે ગાતા વાતા હોય, હસતા હોય કે રોતા હોય કે ધોતીપોતી પહેરતા હોય તે બધી ક્રિયામાં તેને પારખી શકાય છે, પારખી લેવા જોઇએ. પ્રસિધ્ધ કે ગુપ્તપણે એવા સંતો જે જે આચરણ કરે છે તે બધાં સુખકારી જ હોય છે અને ભગવાનના અખંડ ધામમાં પણ એ જ પહોંચાડે છે