પદ-13

( રાગ : કડખો )

‘શાંતિ પમાડે તેને સંત કહીએ’ એ ઢાળ

સાચા સંતે અનંત રાજી કર્યા શ્રીહરિ, મેલી મમત તનમન તણી;

હિંમત અતિ મતિમાંય તે આણીને, રતિપતિની લીધી લાજ ઘણી. સાચા૦ ૧

દામ વામ ધામ દીઠાં પણ નવ ગમે, કામ શ્યામ સાથે રાખ્યું છે જેણે;

નામ ઠામ ન પૂછે ગામ ગ્રાસનું રે, આઠું જામ હામ હૈયે રહે છે તેણે. સાચા૦ ૨

એવા સંતનો સંગ ઉમંગશું કરિયે, તો અભંગ રંગ રૂડો અંગ રહે;

દિલ ન ડગમગે પગ નવ પરઠે, ચિત્ત રહી ચંગે જગ જીતી લહે. સાચા૦ ૩

સાચા સંત શૂરવીર ધીરગંભીર છે, નીર ક્ષીર કાંકરહીર કરે નિવેડો;

નિષ્કુળાનંદ આનંદપદ પામીને, કે દી’ ન મૂકે એ વાતનો જ કેડો. સાચા૦ ૪

વિવેચન : 

આ સંસારમાં સાચા સંતો અનેક થઇ ગયા છે. તેમણે પોતાના શરીર અને મનની મમતા તજી દઇને શ્રી હરિને પ્રસન્ન કર્યા છે. એવા સંતોએ મનમાં અતિશય હિંમત રાખીને નિષ્કામવ્રત પાળીને કામદેવની લાજ લીધી છે, કામને જીતી લીધો છે જે કામદેવે જગતમાં અગણિત જીવોને રોળી નાખ્યા છે અને અનેક મોટા મોટાની લાજ લીધી છે એવા જે સાચા સંતો હોય તેને સ્ત્રી, દ્રવ્ય કે ઘર જોવા પણ ગમતાં નથી અને તેની કોઇ વાત કરવી પણ ગમતી નથી. તેને એક ભગવાન સાથે જ કામ હોય છે. તેઓ ગામ, ગરાસ, સમૃદ્ધિ-સત્તાનું નામ પણ પૂછતા નથી. આવા નિઃસ્પ્રેહી હોવાથી તેમનાં હૃદયમાં જગતના વિષયોની સામે ટકી રહેવાની હિંમત કાયમ રહે છે તે તેના વિરૂદ્ધ કાયમ સંઘર્ષ ખેલે છે. એવા સંતોનો સંગ જ્યારે હૃદયની પ્રામાણિકતાપૂર્વક કરવામાં આવે તો જ પોતાના હૃદયમાં ચડેલો સત્સંગનો ઉત્તમ રંગ લાંબો સમય અખંડિત રહે. કદાચને મન માયાનું છે એટલે તેમાં ડગમગાટનો સંકલ્પ થઇ જાય, પણ જેને આવો સત્સંગનો રંગ ચડી ગયો હોય તેવા ભક્તો સત્સંગમાંથી ક્યારેય પાછો પગ ભરતા નથી. એનું હૃદય તો હંમેશા શુદ્ધ રહીને જગતમાં જીત મેળવે છે, માટે ભગવાનના માર્ગમાં સફળ થવા માટે સાચા સંતને પારખીને સંગ-સત્સંગ કરવો જોઇએ. સાચા સંત સત્સંગ રાખવામાં શૂરવીર હોય છે, દુઃખ સહન કરવામાં ધીરજવાન હોય છે. હંસ જેમ પાણી અને દૂધના મિશ્રણમાંથી દૂધ જુદું કરીને ગ્રહણ કરી લે છે ને પાણીને જે તે સ્થાનમાં પડ્યું રહેવા દે છે તેમ એ સંતો પણ સાર સાર વસ્તુ જગતમાંથી પણ ખેંચી લેનારા હોય છે તેમ જ કાચનો કટકો તથા હીરો સમાન દેખાતા હોય તો પણ ઝવેરી સાચી પરખ કરી લે છે તેમ તે સંતો પણ સાચા ખોટાની પરખ કરી લેનારા હોય છે. આવા સત્પુરુષો સદા આનંદમાં રહીને પોતે જે કલ્યાણનો માર્ગ-શ્રીજી મહારાજને રાજી કરવાનો માર્ગ ગ્રહણ કર્યો હોય છે તેને કદાપિ તજતા નથી.