પદ-12

( રાગ : બિહાગડો )

(સરલ વરતવે છે સારું રે મનવાં’ એ ઢાળ)

ધીરજ સમ નહિ ધન રે સંતો, ધીરજ.. આવે અર્થ દોયલે દન રે સંતો૦ ટેક

અતોલ દુઃખ પડે જ્યારે આવી, તે તો ન સે’વાય તન;

તેમાં કાયર થઈને કેદી, ન વદે દીન વચન રે. સંતો૦ ૧

ધીરજવંતને આપે અત્યંત, દુઃખ બહુ દુરિજન;

તે તો સરવે સહે શરીરે, જાણી તે જન અજ્ઞ રે. સંતો૦ ૨

ધીરજ ધારી રહે નરનારી, પામે તે સુખસદન;

કષ્ટ કાપવાનો એ છે કુઠારો, વાઢે વિપત્તિનાં વન રે. સંતો૦ ૩

આગે સીતા કુંતા ને દ્રૌપદી, ધારી ધીરજ અતિ મન;

નિષ્કુળાનંદના નાથને કર્યા, પૂરણ એણે પ્રસન્ન રે. સંતો૦ ૪

વિવેચન : 

સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ‘હે સંતો, અંતર્શત્રુની સાથે લડાઈ લેવા માટે અને સાચી ભક્તિમાં પાર ઉતરવા સાધકને માટે ધીરજ જેવું બીજું કોઇ ધન નથી. એ ધન ખરે વખતે-સંકટના સમયમાં ખપ લાગે છે. જેની પાસે ધીરજ રૂપી ધન હોય છે તે તો વણતોળી વિપત્તિ આવી પડે અને શરીરે સહન ન થાય તોપણ ધીરજ ધરી રહે પણ કાયર થઇને લાચારીનાં વચનો ન જ બોલે. કદાચ એવા ધીરજવાનને દુર્જનો બહુ દુઃખ આપે ત્યારે પણ તે લોકો અજ્ઞાની છે એમ જાણીને બધું સહન કરે છે અને ક્ષમા કરે છે. આ રીતે જે સ્ત્રી પુરુષો ધીરજ ધરી રાખે છે તે જ સાચું સુખ પામે છે. આવી ધીરજ તો કુહાડાની સમાન છે તે ગમે તેવી વિપત્તિનું વન હોય તેનેય કાપી નાખે છે. પૂર્વે જુઓને, સીતાજી, કુંતાજી, દ્રૌપદી જેવી સતી સ્ત્રીઓએ પણ સંકટમાં પ્રતિકૂળતામાં અતિશય ધીરજ ધારણ કરી હતી અને એથી જ ભગવાનને પૂરેપૂરા પ્રસન્ન કર્યા હતા.’