પદ-11

(સરલ વરતવે છે સારું રે મનવાં’ એ ઢાળ)

કરીયે રાજી ઘનશ્યામ રે સંતો૦ તો સરે સરવે કામ રે. સંતો૦ ટેક

મરજી જોઈ મહારાજના મનની, એમ રહીયે આઠું જામ;

જે ન ગમે જગદીશને જાણો, તેનું ન પૂછીએ નામ રે. સંતો૦ ૧

તેમાં કષ્ટ આવે જો કાંઈક, સહિયે હૈયે કરી હામ;

અચળ અડગ રહીયે એક મને, તો પામિયે સુખ વિશ્રામ રે. સંતો૦ ૨

જુવો રીત આગેના જનની, પામ્યા વિપત્તિ વિરામ;

જનમ થકી માનો મૂઆ સુધી, ઠરી બેઠા નહિ ઠામ રે. સંતો૦ ૩

એ તો દોયલું સોયલું છે આજ, તજિયે દોય દામ વામ;

નિષ્કુળાનંદ નિઃશંક થઈને, પામિયે હરિનું ધામ રે; સંતો૦ ૪

વિવેચન :

સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે ‘હે સંતો ! જ્યારે એવી રીતે ભગવાનને પ્રસન્ન કરીએ, ત્યારે જ બધાં કામો સફળ થાય, માટે પ્રભુની મરજી મુજબ વરતીને રહેવું, જે બાબત જગદીશને ન ગમે તેનું નામ પણ ન પૂછવું. તેમ કરતાં સંકટ આવે તો હિંમતથી સહન કરવું. આમ અડગ રીતે અચળ મનથી એક રંગ રાખતાં સુખ અને વિશ્રાતિ પમાય છે એ માટે પૂર્વેના ભક્તોનાં દૃષ્ટાંતો જોવા. તો તે વિપત્તિને અંતે સુખશાંતિ ને વિશ્રામ પામેલા છે અને જન્મથી મૃત્યુ પર્યંત ઠરીને ઠામ બેઠા ન હતા એ સમયમાં તો ઘણું જ મુશ્કેલ કામ હતું. પણ આજે એટલું મુશ્કેલ નથી, સહેલું થયું છે. આજે તો શ્રીજી મહારાજના વચનમાં રહીને ધન-સ્રીનો ત્યાગ પાળવાથી કે તેની વાસનાનો ત્યાગ કરી દેવાથી ભગવાનના ધામમાં જવાશે.’