પદ-10

( રાગ : બિહાગડો )

શીદને રહીયે કંગાલ રે સંતો શીદને…

જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો. ટેક૦

પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહી એક વાલ;

અમલ સહિત વાત ઓચરવી, માની મનમાં નિહાલ રે. સંતો૦ ૧

રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલને હાલ;

ઘર લજામણી રાણી જાણી રાજા, ખીજી પાડે વળી ખાલ રે. સંતો૦ ૨

તેમ ભક્ત ભગવાનના થઈને, રહે વિષયમાં બેહાલ;

તે તો પામર નર જાણો પૂરા, હરિભક્તિની ધરી છે ઢાલ રે. સંતો૦ ૩

તન મન આશ તજી તુચ્છ જાણી, કાઢું સમજી એ સાલ;

નિષ્કુલાનંદ એ ભક્ત હરિના, બીજા બજારી બકાલ રે. સંતો૦ ૪

વિવેચન :

સદ્‌. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ‘હે સંતો, જ્યારે આપણને (સ્વામિનારાયણ) ભગવાન જેવી મહાન મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થઇ છે ત્યારે આપણે શા માટે રાંક રહેવું? જ્યારે આપણને પૂર્ણ બ્રહ્મ, પુરુષોત્તમ સ્વામિનારાયણ મળ્યા છે તેમાં કાંઇ ઉણપ નથી તો પછી તેની ખુમારી રાખીને મનમાં પૂર્ણતા માનીને શા માટે ન બોલવું? રાજાની રાણી બનીને પછી ભીખ માગતી ને રાંકની પેઠે ભટકતી ફરે તો તેને રાજમહેલને લજાવનારી જાણીને રાજા પણ નારાજ થઇને ક્રોધે કેમ ન ભરાય? તેવી જ રીતે જે ભગવાનના ભક્ત બન્યા પછી સંસારના વિષય સુખમાં બેહાલ બનીને રહે છે તેવા ભક્તોને તો પૂરેપૂરા પામર જીવો જાણવા. માત્ર તેણે ભગવાનની કે ભગવાનની ભક્તિની ઢાલ-આડી માત્ર દેખાવ પૂરતી ધરી રાખી છે, માટે જે ભગવાનના ભક્તે આ નાશવંત દેહ તેમજ મનની અનેક પ્રકારની આશા તૃષ્ણાઓ એ બધું આત્મકલ્યાણમાં વિઘ્નરૂપ અને તુચ્છ છે એમ જાણી તેના તરફનો મોહ મૂકી દીધો છે તેજ સાચી સમૃદ્ધ સમજણવાળા ભક્તો છે એ સિવાય જગતના વિષયોમાં લોલુપ રહેનારા છે તે તો જગતના જીવો છે તે તો મૂડી વિનાના બજારુ બકાલી જેવા છે.’