કડવું-8

ધન્યાશ્રી

કહે હિરણ્યકશિપુ કોઈ છે યાં સેવકજી, મારી મૂકાવો આની તમે ટેકજી;

આણે તો આદરિયું અવળું છેકજી, એવું સુણી ઉઠિયા અસુર અનેકજી. ૧

ઢાળ

અસુર ઊઠી આવી કહે, રાય જેમ કહો તેમ કરીએ;

રાય કહે આને મારો જીવથી, તો આપણે સર્વે ઉગરીએ. ૨

અસુરકુળ કાનનનો, કાપનાર આ છે કુઠાર;

જેમ મહા અરણ્યને અલ્પ અગ્નિ, વળી બાળી કરે છે છાર. ૩

માટે માનો એના થકી, વડો થાશે વળી વિનાશ;

જેમ ઝીણો કણિકો ઝેરનો, કરે કલેવર નાશ. ૪

કાળ છે આપણા કુળનો, તમે જાણી લેજો જરૂર;

માટે એને જો મારિયે, તો સહુ ઉગરિયે અસુર. ૫

માત તાત સુત ભ્રાતનો, વેરી લિયે વા’લાનો વેશ;

એથી સુખ આવે નહિ, આવે કઠણ કષ્ટ કલેઈં.૬

માટે એને તમે જરૂર મારો, મ વિચારો બીજી વાત;

છેલ્લી આજ્ઞા એજ છે, કરો એના જીવની ઘાત. ૭

એવું સુણી અસુર નર, સહુ તરત થયા તૈયાર;

મારો મારો સહુ કરે, અઘે ભર્યા નર અપાર. ૮

નમે’રી ને નિર્દયા, વળી પાપના પુંજ કહિયે;

તેને પાને પ્રહ્‌લાદ પડિયા, ખરી ક્ષમા એની લહિયે. ૯

ગડથલાવી ગળે ઝાલી, કર્યા મારવા સારુ મો’ર;

નિષ્કુળાનંદ કહે કરી તિયાં, આવતો દીઠો એહ ઠોર. ૧૦

વિવેચન : 

આમ બોલી હિરણ્યકશિપુએ સેવકોને હાકલ કરી કે ‘કોણ હાજર છે?’ આ છોકરાને લઇ જાઓ અને માર મારી મારીને તેની ટેવ મૂકાવો. એણે તો તદ્દન આપણા કુળથી અવળું જ આચરણ આદર્યું છે. આવી હાકલ સાંભળતાજ હૂકમનો અમલ કરવા અનેક અસુરો ઊભા થઇ ગયા અને બોલ્યા કે હે મહારાજ, આપ જેમ કહો તેમ અમે કરવા તૈયાર છીએ.

હિરણ્યકશિપુ કહે ‘આ છોકરાને જીવથી ઠાર મારો તો જ આપણે બધા ઉગરીશું’ આપણા અસુર કુળરૂપ વનને કાપનાર આ કુહાડો જનમ્યો છે. જેમ એક નાની ચિનગારી મોટા જંગલને ભસ્મીભૂત કરી નાખે છે તેવો જ આ પ્રહ્‌લાદ આપણા માટે અગ્નિનો તણખો માનજો. જેમ ઝેરનો ઝીણો કણીકો પણ આખા શરીરનો નાશ કરી નાખે છે તેમ આ છોકરો આપણા સમગ્ર કુળનો કાળ છે. આખા કુળનો નાશ કરી નાખનારો છે એમ તમે સમજો. એને જો અત્યારથી જ મારી નાખવામાં આવે તો જ આપણ કુળનો ઉગારો થાય. ક્યારેક દુશ્મન જ માતા, પિતા, દીકરા, ભાઇ કે બીજાં સગાં-વહાલાનાં રૂપમાં પણ પેદા થતાં હોય છે તેમ આ પ્રહ્‌લાદ આપણા કુળનો દુશ્મન આવ્યો છે, માટે એનાથી સુખ મળનારું નથી ઊલટા કઠણ ક્લેશ અને કષ્ટ થનારું છે માટે તમે બીજો કશો વિચાર ન કરતા, એને જાનથી જરૂર મારી નાખો. બસ જાઓ, જલદી તેને ઠાર કરી દો. એજ મારો છેલ્લો હુકમ છે. આ હુકમ સાંભળીને તૈયાર રહેલા પૂરા પાપી સર્વ અસુરો તરત જ ‘મારો મારો, તેને ઠાર મારી નાખો’ એવા પ્રચંડ અવાજ કરવા લાગ્યા. આમ દયાહીન, ક્રૂર અને પાપના પહાડ જેવા એ અસુરોને પનારે બાળક પ્રહ્‌લાદ પડ્યા, છતાં તેના દિલમાં તો ખરી ક્ષમા જ ભરેલી હતી. અસુરો તો એકદમ પ્રહ્‌લાદને ગડથલાવીને થોડાંક ગોથાં ખવરાવી દીધાં ને ગળાથી પકડ્યા અને મારી નાખવા માટે આગળ ઘા કર્યો ત્યાં તો એક હાથી સામેથી આવતો જોયો