ધન્યાશ્રી
એવા સુણી બાળકના બોલજી, શંડામર્કે કર્યો મને તોલજી;
આતો વાત ચઢી ચગડોલજી, ત્યારે કહ્યું રાયને મર્મ ભર્મ ખોલજી. ૧
ઢાળ
ખોલી મર્મ ખરું કહ્યું, પ્રહ્લાદ તમારો જે તન;
તેતો ભક્ત છે ભગવાનનો, એ મેં જોઈ લીધું રાજન. ૨
આસુર વિદ્યા એની જીભે, ભૂલે પણ ભણશે નહિ;
બીજા બાળકને બગાડશે, વળી અવળો ઉપદેઈં દઈ. ૩
માટે આડી રખાવો એની આજથી, જે ન ચઢે બીજે વેન;
કુળ આપણામાં કેણે ન કીધું, એવું આદર્યું છે એણે ફેન. ૪
ત્યારે હિરણ્યકશિપુ કહે પ્રહ્લાદને, આવી અવળાઈ તું કાં કરે;
નાની વયમાં નિઃશંક થઈ, કાંરે કોઈથી નવ ડરે. ૫
આપું રાજ્ય તને આજથી, અન્ન ધન સર્વે સમાન;
ત્રણ લોકમાં કહું તાહરું, કોઈ મોડી શકે નહિ માન. ૬
પ્રહ્લાદ કહે એહ પાપરૂપ, મને ગમતો નથી એહ ગેલ;
ભજતાં શ્રી ભગવાનને, મને સમું લાગે છે સે’લ. ૭
ત્યારે હિરણ્યકશિપુ બોલ્યો હાકલી, માગી લેછે મુખે શીદ મોત;
માનતો નથી તું માહરું, મરી જઈશ તું તારા સોત. ૮
ત્યારે પ્રહ્લાદ કહે હવે બોલવું, તેનો કરવો વિચાર;
તને તારે મને મારિયો, તેથી પામ્યો છો તું હાર. ૯
ત્યારે હિરણ્યકશિપુ કહે કોપ કરી, તને હણીશ મારે હાથ;
તારી રક્ષા કેમ કરશે, નિષ્કુળાનંદનો નાથ. ૧૦
વિવેચન :
શંડામર્ક જ્યારે બાળકોને પ્રહ્લાદનો વિશ્વાસ કરતા ને તેનો પક્ષ લઇને નિર્ભયપણે બોલતાં સાંભળ્યા ત્યારે તેણે મનમાં વિચાર્યું કે આ તો વાત ચકડોળે ચડી ગઇ છે, આપણા નિયમન(કંટ્રોલ) બહાર ચાલી ગઇ છે. પછી તો તેણે તમામ ભેદ ખૂલ્લો કરીને જે વાતને ઢાંકી ઢાંકી રાખતા હતા તે આ બાબતનું રહસ્ય ખૂલ્લું કરીને તમામ વાત હિરણ્યકશિપુને બતાવી અને કહ્યું કે હે રાજન ! તમારો પુત્ર આ પ્રહ્લાદ તો નારાયણનો ભક્ત છે. તેનો પાકો તાગ-તપાસ મેં મેળવી લીધો છે. તે આપણી આસુરી વિદ્યા પોતાની જીભે ભૂલથી પણ બોલશે નહિ ને ભણશે નહિ. એટલુંજ નહિ પણ જો શાળામાં આવશે તો બીજા આપણા અસુર બાળકોને પણ અવળો ઉપદેશ-નારાયણને ભજવાનો ઉપદેશ આપીને બગાડી દેશે, માટે આજ દિવસથી જ એના પર પ્રતિબંધ મૂકીને તેનું નિયંત્રણ કરીને ધ્યાન રાખો જેથી બીજે અર્થાત્ ભગવાન ભજવાને ચાળે ચઢી જાય નહિ, કારણ કે આપણા કુળમાં કોઇએ અત્યાર સુધી આવું આચરણ જે ભગવાન ભજવા ને સજ્જનતા રાખવી વિગેરે આચરણ ક્યારેય કર્યું નથી જ એવું ફેલ એમણે આદર્યું છે, માટે રાજકુમાર છે તો તમારે ધ્યાન રાખવું પડશે.
ત્યારે હિરણ્યકશિપુએ શંડામર્ક ગુરુનાં વચન સાંભળીને પ્રહ્લાદને કહ્યું કે ‘બેટા પ્રહ્લાદ, તું આવી અવળાઇ શા માટે કરે છે? આટલી નાની ઉંમરમાં કોઇનો પણ ડર રાખતો નથી નેે નિઃશંકપણે વર્તે છે. જો તારે જોઇતું હોય તો આ મારું સમગ્ર રાજ્ય આજથી તને આપી દઉં, તું મારો વહાલો પાટવી કુંવર છો, વળી અન્ન, ધન, વગેરે બધું જે મારી પાસે છે તેટલું તને આપી દઉં, પરંતુ તું નારાયણનું ભજન કરવું છોડી દે.’ ત્યારે પ્રહ્લાદે કહ્યું ‘પિતાજી, એ બધો વૈભવ મને ગમતો નથી તે તો પાપરૂપ લાગે છે મને તો ભગવાન ભજવાનું જ સારું લાગે છે. સુલટું અને સહેલું લાગે છે’ ત્યારે પ્રહ્લાદનો આવો જવાબ સાંભળીને હિરણ્યકશિપુ પ્રચંડ ક્રોધે ભરાઇ ઊઠ્યો. તે ઉકળી ઊઠ્યો. તે હાકલ મારી ને બોલ્યો ‘અરે છોકરા! મોંઢેથી મોત શા માટે માગી લે છે? જો તું મારું કહ્યું નહિ માને તો તને બચાવનારો કોઇ નથી. તને બચાવનારા સહિત તને હું મારી નાખીશ.’ ત્યારે પ્રહ્લાદ કહે ‘પિતાજી, આપે વિચાર કરીને બોલવું જોઇએ. તમને તમારા મને જ મારી નાખ્યા છે, તમારા મન પાસે જ તમે હારી ગયા છો’ ત્યારે હિરણ્યકશિપુએ અતિ કોપાયમાન થઇને કહ્યું કે ‘છોકરા, તું યાદ રાખ, તને મારા આ હાથથી જ હું પૂરો કરી દઇશ. હું જોઉં છું કે તારો ભગવાન તને કેમ બચાવે છે.’