કડવું-64

ધન્યાશ્રી

ધીરજાખ્યાન છે આનું નામજી, ધીરજવાળાનું સારશે કામજી;

ગાશે સાંભળશે કરી હૈયે હામજી, તેહ જન પામશે પ્રભુનું ધામજી. ૧

ઢાળ

ધામ પામશે પ્રભુતણું, જિયાં કાળ માયાનો કલેશ નહિ;

અટળ સુખ આનંદ અતિ, તેતો કોટિ કવિ ન શકે કહી. ૨

દિવ્ય ભૂમિ દિવ્ય મંદિર, દિવ્ય દેહધારી ત્યાં જન રહે;

દિવ્ય પદારથ દિવ્ય વસ્તુ, દિવ્ય સુખ તે સહુ લહે. ૩

દિવ્ય વસન દિવ્ય ભૂષણ, દિવ્ય સરવે સાજ સમાજ;

દિવ્ય સિંહાસન ઉપરે આપે, બેઠા શ્રીમહારાજ. ૪

દિવ્ય પૂજા વળી દિવ્ય પુષ્પ, દિવ્ય ચંદન દિવ્ય મણિમાળ;

મહા સુખમય મૂરતિને, પ્રેમે પૂજે છે મરાળ. ૫

લઈ પૂજા નિજજનની, થઈ પ્રસન્ન પુરુષોત્તમ;

પછી અમૃતભરી આંખ્યશું, જુવે છે સહુને પરબ્રહ્મ. ૬

તેહ સમાનું સુખ સરવે, કેતાં પણ કહેવાયે નહિ;

તેહ પામે છે સંત સાચા, વા’લાને વચને રહી. ૭

વચનમાં જેહ વાસ કરી, રહ્યા છે રુદે રાજી થઈ;

તેની નજરમાં નર અમરનાં, સુખની ગણતિ સઈ. ૮

અનુપને ઉપમા ન આવે, અકળ તે ન કળાય;

અચળ તે ચળે નહિ, એવું એ સુખ કહેવાય. ૯

એહ સુખ સહજે પામિયે, સંત વાળે તેમ જો વળિયે;

નિષ્કુળાનંદ નિર્ભય સુખથી, તુચ્છ સુખસારુ શીદ ટળિયે. ૧૦

વિવેચન : 

આ ગ્રંથનું નામ ‘ધીરજાખ્યાન’ રાખ્યું છે તે ધીરજવાળાને બહુ ઉપયોગી થશે. હૃદયના સાચા ભાવપૂર્વક જે કોઇ આ ગ્રંથ વાંચશે, વિચારશે કે સાંભળશે તે પ્રભુનું પરમ પદ પામશે જે પરમ પદમાં કાળમાયાનો ક્લેશ-વિક્ષેપ નથી. વળી કરોડો કવિ વર્ણવી ન શકે એવા જ્યાં અખંડ સુખ અને અતિશય આનંદ છે એવું ભગવાનનું ધામ એ તો દિવ્યભૂમિ છે, દિવ્ય મંદિર છે ત્યાં દિવ્ય દેહધારી સર્વ મુક્તપુરુષો વસે છે. ત્યાં બધી વસ્તુઓ પણ દિવ્ય છે અને બધા ભક્તો ત્યાં દિવ્ય સુખ ભોગવે છે વસ્ત્રો, આભૂષણો વગેરે સર્વે સાજ દિવ્ય છે, દિવ્ય સિંહાસન ઉપર ભગવાન દિવ્ય સ્વરૂપે વિરાજે છે. ભગવાનની પૂજાના પુષ્પ, ચંદન, મણિની માળાઓ એ આદિક પણ દિવ્ય છે, તે વડે મહાસુખમય મૂર્તિ મહારાજને સંતો પ્રેમથી પૂજી રહ્યા છે પોતાના ભક્તની એ પૂજા ગ્રહણ કરતા પુરુષોત્તમનારાયણ પ્રસન્ન થઇ અમીભરી નજરે સર્વ સામુ કરુણાદૃષ્ટિથી જુએ છે એ પ્રસંગના સુખનું વર્ણન કરી શકાય તેવું નથી, પરંતુ એ સુખ ભગવાનની આજ્ઞામાં રહીને સાચા સંતો આ લોકમાં પણ માણે છે. જે ભક્તો રાજી થઇને વચનમાં વર્તી રહ્યા છે તેની દૃષ્ટિમાં આ લોક કે સ્વર્ગનાં સુખોની કોઇ ગણતરી નથી. જે ખરેખર અનુપમ છે તેને શી ઉપમા હોય? અને જે અકળ છે તેને શી રીતે કહેવાય? વળી જે અચળ છે તે કેમ ચળે? આવું એ સુખ કહેવાય છે જો આપણે સત્યપુરુષો વર્તાવે તેમ વર્તીએ તો એ સુખ સહેજે મેળવી શકાય તેવું છે. સદ્‌. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે તુચ્છ અને નાશવંત સુખોને સારુ (મેળવવા સારુ) આપણે એ નિર્ભય સુખોથી શા માટે વંચિત રહેવું? આમની પાછળ પેલાને શા માટે ખોઈ દેવા?